વાર્તાવિશેષ/૧૦. રાવજીની એક વાર્તા

Revision as of 09:35, 25 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૦. રાવજીની એક વાર્તા


‘એક ઘડીના પંચોતેરમા ભાગનો ઉન્માદ’

રાવજીની વાર્તાઓમાં ‘અમસ્તી અમસ્તી રેલગાડીઓ ને ખાલીખમ ગજવાં’ નબાપાં છોકરાંના ભોળપણ અને બાળસહજ તરંગના નિરૂપણની દૃષ્ટિએ; ‘કીડી કૅમેરા અને નાયક’ કૅમેરા દ્વારા દૂર-નજીકના ચિત્રાંકન અને સ્થિત્યંતરો સાધવાની ટેક્‌નિકની દૃષ્ટિએ, ‘છબિલકાકાનો બીજો પગ’ દમિત અને ઊઘડતી યૌનવૃત્તિના સૂચક આલેખનની દૃષ્ટિએ, ‘સગી’ લાગણીના પ્રાગટ્યમાં સધાયેલ તટસ્થતાની દૃષ્ટિએ અને ‘એક ઘડીના પંચોતેરમા ભાગનો ઉન્માદ’ મૃત્યુની અનુભૂતિને ઉપસાવવા એમાંથી બહાર નીકળી અપ્રસ્તુત લાગતા સંદર્ભોને પ્રસ્તુત બનાવવાની દૃષ્ટિએ જોવા જેવી છે. આ બધી વાર્તાઓ એણે મૃત્યુ પહેલાં ત્રણેક વર્ષના ગાળામાં લખેલી. એમાં ‘સગી’ છેલ્લી છે. પણ એનો અનુભવ ‘અશ્રુઘર’માં પૂર્વરૂપે પડેલો છે. તેથી હૉસ્પિટલના વાતાવરણનો વધુ મૌલિક ઉપયોગ કરતી વાર્તા ‘એક ઘડીના પંચોતેરમા ભાગનો ઉન્માદ’ જોઈએ : ‘બધા જ અશક્તો મૃગલાંની જેમ ટોળે વળી ગયા. વોર્ડનો નિયમ છે કે દર્દીને મોંએ રૂમાલ બાંધેલો જોઈએ. નં. ૩ને મોંએથી એકાએક રૂમાલ ખસી ગયો, ફાંસીના દોરડાની જેમ એની પોચી ગાંઠ ગળાની આસપાસ આવી ગઈ. વોર્ડરો દોડતા ઊભેલા દર્દીઓને હડસેલા મારતા મૂંગા મૂંગા નં. ૩ પાસે જતા હતા. ત્યારે બધા જ નં. ૩ જેવી હાલત થવાવાળા ખુલ્લી આંખે બીતા હતા, બધા જ બીતા હતા. એનો સમય અર્ધીથીય અર્ધી ઘડી લગી એથીય ઓછો હતો.’ વાર્તાનો આ પહેલો ફકરો છે. એમાં રાવજીએ અંતનો છેડો પણ મેળવી લીધો છે. બાંધેલો રૂમાલ ખસી જતાં ફાંસીના દોરડાનો આભાસ ઘણું કહી જાય છે. ફાંસીની સજા પામેલો કેદી અને અસ્પતાલનો દદર્ી અલબત્ત મૃત્યુને તદ્દન જુદી જ નજરે જોતા હશે પણ ગાંઠ વાળેલા ગળે ઊતરી પડેલા રૂમાલમાં ફાંસીના દોરડાનું સાદૃશ્ય જોઈને રાવજીએ એ અંતરને કેવું ભૂંસી નાખ્યું છે! ભય છે પણ મૃત્યુનો અનુભવ કહી રહેલા વાર્તાકથક ‘હું’ને નં. ૩માં ઢાળીને ભયને પણ વાચક માટે સામાન્ય કુતૂહલમાં ફેરવી નાખ્યો છે. નં. ૩ને એટલે કે વાર્તાકથક ‘હું’ને કંઈક થયું એ શું છે એની આજુબાજુના દદર્ીઓને ખબર પડવા માંડી છે. હવે એની અસરો નોંધી છે : ‘નં. ૩નો પાડોશી ઓચિંતો પરમ જ્ઞાની થઈ ગયો છે. આવું સદ્‌ભાગ્ય બહુ ઓછાને આ જીવતી આલમમાં પ્રાપ્ત થાય છે.’ આ પરમજ્ઞાન વિશે પાછો હળવો ન થાય તો એ રાવજી નહીં! અહીં ખાટલા નીચે ગબડી પડેલી મોસંબીનો ઉલ્લેખ કર્યો છે. પછીની ક્રિયાઓને કોઈ ને કોઈ રીતે મોસંબી સાથે સાંકળી છે : ‘જોતજોતામાં તો પારકા મૃત્યુને પોતાનું અનુભવવા એકી અવાજે ના પાડતાં બધાં દદર્ીઓ નં. ૩ની ગબડીને અટકી ગયેલી પેલી મોસંબી પરના કુદરતી રંગ જોવા, મૂંગા મૂંગા મશીનગનની ગાડી જેવા અવાજવાળો ઓક્સિજનનો ઢસડાતો બાટલો જોઈ રહ્યા.’ અહીં વાર્તાકથક કહે છે : ‘માની લો કે હું જ નં. ૩ છું.’ પછી એના માટે થઈ રહેલી ધમાલનું ગૌરવ લે છે. એક રાજ્ય પ્રાપ્ત કરવાની પણ આટલી ધમાલ નહીં થતી હોય! મૃત્યુની પૂર્વ તૈયારીને રાજ્યારોહણ સાથે સરખાવવામાં બે અંતિમોને સાથે મૂકવા ઉપરાંત એક અદ્‌ભુત ઉદાસીનતા પણ અનુભવાય છે. મોસંબી જેવા જ આકારની છે આ દુનિયા, એમ કહીને વાર્તાકથક થોડીક મમતા પણ સેવી લે છે, વસવસો પણ કરી લે છે. મોસંબીનો કુદરતી રંગ ‘મારે જોવો હતો ને હું જલદી ઊકલી ગયો!’ મોસંબીને દુનિયા કહીને ઊભો કરેલો ભાવસંદર્ભ આજુબાજુના દદર્ીઓમાં વિકસાવ્યો છે. ચોથા પડોશી વિશે એ નોંધે છે : ‘મોસંબીની ડાળીઓ વાયરમાંથી હીંચોળાતી હીંચોળાતી હાથમાં પ્રવેશી ગઈ હોય એમ તે જરી હસ્યો.’ વળી પાછું સારવારની કામગીરીનું વર્ણન, એ પછી પાછું ઉપજાવી કાઢેલું આશ્વાસન છે : ‘મારે કોઈ સલ્તનત રાંડનારી નથી એ ઓછું સુખ ન કહેવાય.’ પણ આ સુખ નથી, આપત્તિ છે અણધારી. જે ભોગવવાનું હતું એ નજરે પડતાં એ મૂંગો રહેતો નથી. મોસંબી અને કર્ણફૂલની વાત કરીને સાથે જ કહી દે છે : ‘મેં નર્સનું મોં જોયું, એ ડૉક્ટર સામે જોતી હતી. આ ડૉક્ટર સામે જોવાનો વખત છે હરામજાદી!’ કેવા અધિકારથી આ ‘હરામજાદી’ની મીઠી ગાળ દઈ દીધી છે! એ માટે અસંગત કાર્યકારણ સંબંધ યોજીને મરનારની ઇચ્છાનું ભાષ્ય કર્યું છે. ભાવકને ક્યારેક લાગે પણ ખરું કે પોતે આ પરિસ્થિતિને હળવો ફૂલ થઈને માણી રહ્યો છે. એમાં ક્રૂરતા છે. પણ શું થાય? રાવજીએ એ માટે ફરજ પાડી છે. એની પકડ ક્યાંય ઢીલી પડતી નથી. લખે છે : ‘મારે જોકે વધારે જીવવાનું હતું નહીં. તોય મારી એટલી પણ ઇચ્છા નહીં હોય કે ચારપાંચ જણ ટોળે વળીને મારા જીવતા શબને પકડીને રાડો નાખે? ભલા માણસ, કોઈ પણ મરનારને તમે પૂછી જોજો કે રડવાની કિંમત એને મન સલ્તનતના હીરામોતી જેટલી અરે સલ્તનત જેટલી જ હોય છે.’ આ હીરામોતી અને સલ્તનતના ઉલ્લેખોનું પણ લેખકે પુનરાવર્તન કર્યું છે, એમાંય સંયોજનાની સૂઝ છે. વિરોધી ભાવોને સંમિશ્ર બનાવીને એકવાક્યતાથી કહ્યા છે. થોડી વાર પછી આજુબાજુની વાત કરી લીધી. એમાંનું એક નિરીક્ષણ નોંધવા જેવું છે. ‘પેલો ૩૦ નંબર પોતાની જાતને તંદુરસ્ત થયેલો માનીને કેટલું રખડતો હતો! એ શોય જાદુ થયો કે ચાદર ઓઢીને શાંતિથી ફેફસાંને આરામ આપે છે અને ચાદર પર બેઠેલા પ્રકાશના અજવાળે પોતાના રાતા હાથ જોઈ અંબાજીની બીજી બાધા રાખે છે.’ જે અગાઉ સૂચવ્યું હતું, પછી સ્પષ્ટ કર્યું હતું એને હવે વાજતે ગાજતે કહીને રાવજી ધારી અસર ઉપજાવી રહ્યો છે : ‘હું સચરાચર બની ગયો છું એવું મને પ્રતીત થાય છે. હું નં. ૩ના શબ પર સૂઈ જાઉં છું. એને નં. ૩ કહેવો અને મને નં. ૩ કહેવો એ શિવનું નામ લેવા બરાબર છે.’ અહીં પાછી એકબે અધૂરી ઇચ્છાઓની વાત આવી જાય છે. લીલો દોરો બાંધેલું થર્મોમીટર, હનુમાન ચાલીસાની ચોપડીમાં મૂકેલો વનલીલાનો ફોટો એ બધું જોયું છે. ત્યાં જમણા પડોશીની વૃત્તિ અને પોતાનો પ્રત્યાઘાત વચ્ચે લાવે છે; અલબત્ત તરંગરૂપે : ‘એ લુચ્ચો મારી મોસંબી લઈને નળે ધોવા ગયો તોય એને અટકાવી શકતો નથી કે એને એક અડબોથ મારીને સમજાવી શકતો નથી કે ઉલ્લુ મોસંબી તારા બાપની છે! ઊલટાનું હસવું આવે છે આવા વિચારોથી. એમ કે પહેલાં આવડી અમથી મોસંબી સારું હું કોઈને ન કહેવાનું કહેતો હતો. એટલે કે મરી ગયા પહેલાં હું આઘાતકારી જીવ હતો. મર્યા પછી જરીક ફેર પડશે એવું મને લાગતું હતું, પણ હવે એ બધું સમજાતું નથી.’ કેવી સંદિગ્ધતાની ધરી ઉપર રાવજીએ વાર્તા ચલાવી છે! મૃત્યુની અનુભૂતિની વાત કરવા માટે એણે મૃત્યુ પામનારને લીધો. સાથે સાથે એને જોઈ રહેનાર દદર્ીઓને લીધા. બીજી બાજુ મૃત્યુ પહેલાંની ક્ષણ લીધી તો મૃત્યુ દરમિયાનની અને પછીની ક્ષણો વિશે પણ વાત કરી. વાર્તા પૂરી કરતાં પહેલાં એક વાર ઉપસંહાર કરી લીધો છે. એનો જીવ કષ્ટાતો હશે એ વિશે નં. સાડત્રીસે સૌને વાત કરી તો એને મરનારે ઠપકો આપ્યો : ‘દુઃખ કેવું ગાંડા એમાં? એના કરતાં તો ખાટલા નીચેથી મોસંબી લેવા વાંકા વળવામાં વધારે દુઃખ પડે. એના કરતાં તો ચાદર ઓઢીને સ્વસ્થ હાથનો રંગ જોવામાં વધારે કષ્ટ અનુભવવું પડે છે. એના કરતાં ગાંડા, થર્મોમીટરનો લીલો દોરો છોડીને પીળો દોરો બાંધતાં વધારે સહન કરવું પડે છે.’ આટલું કહ્યા પછી સામો માણસ સમજી ન શક્યો અને મૃત્યુના ભયની અસર અને નં. ૩ના વાર્તાકથક ‘હું’નાં સગાંવહાલાંનું આગમન. ‘અમને તો એમ કે તાર મળી ગયો હશે ને રડકકળ ચાલતી હશે ને આ તો અહીં જ રોકકળ શરૂ થઈ ગઈ. હશે, ઈશ્વરને ગમ્યું તે ખરું, રડ્યે શું વળવાનું છે! નં. ૩ પોતે જ કેવો સૂતો છે! એના આત્માને શાંતિ મળે એવી શાંતિ રાખો. વોર્ડમાં શાંતિ રાખવી જોઈએ. વાર્તા સમજવા માટે અત્યાર લગી હું જ નં. ૩ બની ગયેલો પણ રાભા જેવી વનલીલા અને બાવળના રંગ જેવો નં. ૩નો મારો બાપ જોઈને મારાં તો હાજાં જ ગગડી ગયાં. મરેલાનાં સગાં આવડાં મોટાં રાક્ષસો જેવડાં?’ છેલ્લે જેનો ઇન્કાર કર્યો છે એ નં. ૩ પોતે હોવાની વાત હકીકતને મૃત્યુની અનુભૂતિને વધુ સ્વીકાર્ય બનાવે છે. સાહિત્યનો સરેરાશ વાચક પણ જાણે છે કે ‘હું’ને લેખકનો પર્યાય માનવાનો નથી. અહીં નં. ૩ એ ભલે ‘હું’ હોય, પણ રાવજી તો એમાં પરકાયા પ્રવેશ કરનારો લેખક જ છે. પણ નં. ૩ અને ‘હું’ વચ્ચે એણે જે સંદિગ્ધતા રચી છે એ ઘણાને રાવજીના અંગત જીવનના એ છેલ્લા દિવસો સુધી દોરી જાય તો નવાઈ નહીં. રાવજીના મૃત્યુના દાયકાના વાચકો કદાચ આ ભ્રાન્તિ કે રસવિઘ્નનો જાણે અજાણે ભોગ બને. પણ નિર્વિઘ્ના સંવિત ધરાવતો વાચક તો અહીં મૃત્યુની અનુભૂતિ વ્યક્ત કરવા યોજાયેલો સંદર્ભ જોઈને જ રાવજીનું સજર્કકર્મ માણશે. ઘટના તો એક જ છે. એક માણસ મૃત્યુની નજીક પહોંચી ગયો છે અને એ કઈ ક્ષણે મૃત્યુ પામ્યો એ તો કહ્યું જ નથી. ‘આજે બપોરે હમણાં અડધા કલાક પહેલાં જ ભૂંડું થઈ ગયું.’ એમ કહીને જમા-ઉધારના લસરકા જેવું જ કર્યું છે. મૃત્યુની ક્ષણ અહીં મહત્ત્વની નથી. લેખક તો એ ક્ષણને ‘એક ઘડીના પંચોતેરમા ભાગના ઉન્માદ’ રૂપે ઘટાવતો હોય એવું શીર્ષક આપી બેઠો છે. પણ એ શું કરવા માગે છે એ અંગે સહેજે દ્વિધામાં નથી. મૃત્યુ પામનાર વ્યક્તિ એટલે કે કર્તા અને પ્રેક્ષકો જે મોટે ભાગે દદર્ીઓ છે એમની સહુની નજરે મૃત્યુને જોવાતું જિવાતું બતાવ્યું છે. આ અલગ અલગ દૃષ્ટિઓનું પરસ્પર છેદાવું અને એમાંથી કોઈક કેન્દ્રીય બિન્દુનું રચાઈ જવું એ જ મૃત્યુ. રાવજીએ એ બિન્દુ આંગળી ચીંધીને બતાવ્યું નથી. એથી ઊલટું વાર્તાકથક દ્વારા એણે એક હળવું, મનમોજી વાતાવરણ સર્જ્યું છે. એ રીતે સતત ગંભીરતા ખાળી છે. છેવટેય એક રમત રમી લીધી છે. વનલીલા અને મરનારના બાપના વાસ્તવિક રૂપ સામે પત્ની અને પિતાનાં પોતે કલ્પેલાં રૂપોને બચાવી લેવા પેલા વાર્તાકથકે ઘસીને ના પાડી છે. મરનાર હું નહીં, હું તો તમારી જેમ ભાવક હતો અને તમે વાર્તા માણો એ દરમિયાન હું સમજવા માગતો હતો. અહીં વાર્તાકથક અને લેખક વચ્ચેનું અંતર લોપ પામતું લાગે છે અને આ અનુભવમાં રાવજીનું પોતીકું ઘણું છે એની સૌને આજે જાણ છે તેથી કોઈ એમ પણ કહી શકશે કે સ્વકીય અનુભવ હતો તેથી જ એ વાર્તામાં સંવેદનામૂલક સંદર્ભ રચી શક્યો. વધુ તાર્કિક કથન એ થશે કે આ સંદર્ભ યોજનાના પ્રતાપે રાવજીની સ્વકીય અનુભૂતિ સજીવ થઈ શકી.