ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/વજ્રાંગદ રાજાની કથા
પાંડ્ય દેશમાં વજ્રાંગદ નામના એક ધર્માત્મા, જિતેન્દ્રિય, ક્ષમાશીલ, એકપત્નીવ્રતા રાજા થઈ ગયા. શીલવાનોમાં શ્રેષ્ઠ તે રાજા શત્રુઓને જીતીને સમગ્ર પૃથ્વી પર રાજ કરતા હતા. એક દિવસ ઘોડા પર બેસીને તે શિકાર કરવા નીકળ્યા. ત્યાં તેમણે એક કસ્તુરી મૃગ જોયો. તેના સમગ્ર શરીરમાંથી સુગન્ધ પ્રસરી રહી હતી. તેની પાછળ પાછળ ઘોડો દોડાવ્યો. મૃગ વાયુવેગી અને મનોવેગી થઈને અરુણાચલ પર્વતની ચારે બાજુ આંટા મારવા લાગ્યો. વધારે શ્રમને કારણે રાજા થાકીને ઘોડા પરથી પડી ગયા. મધ્યાહ્નના તાપને કારણે તે બહુ પીડાયા અને ઘડીભર માટે તે પોતાની સુધબુધ ખોઈ બેઠા. પછી વિચાર્યું, ‘મારાં શક્તિ અને ધૈર્ય ક્યાં ગયાં? તે મૃગ મને અહીં પર્વત પર મૂકીને ક્યાં જતો રહ્યો?’ આમ જ્યારે તેઓ ચંતાિમાં ડૂબેલા હતા ત્યારે આકાશમાં ઝળહળાટ થઈ ગયો. તેમના દેખતાં જ મૃગ અને અશ્વ પશુ મટીને વિદ્યાધરમાં ફેરવાઈ ગયા. મુગટ, કુંડળ, બાજુબંધ જેવાં આભૂષણો તેમણે પહેરેલાં હતાં.
આ જોઈને રાજા અચરજ પામ્યો અને પછી પેલા બે વિદ્યાધર બોલ્યા, ‘રાજન્, ચંતાિ ન કરો. અમે બંને ભગવાન અરુણાચલની કૃપાથી આ ઉત્તમ દશાને પામ્યા છીએ.’
રાજાએ જરા આશ્વસ્ત થઈને પૂછ્યું, ‘તમે કોણ છો? મારી આવી હાલત કેવી રીતે થઈ? તમે બંને કલ્યાણકારી છો તો મને કહો. સંકટમાં પડેલાની રક્ષા કરવાનો રિવાજ છે.’
રાજાની વાતનો ઉત્તર આપતા તે બોલ્યા, ‘રાજન્, અમે પહેલાં વિદ્યાધરોના રાજા હતા. વસંત અને કામદેવ વચ્ચે જેવી મૈત્રી તેવી મૈત્રી અમારી વચ્ચે હતી. એક દિવસ મેરુગિરિના પાછલા ભાગમાં દુર્વાસા મુનિના દુર્ગમ તપોવનમાં અમે જઈ પહોંચ્યા. ત્યાં મુનિની એક સુંદર પુષ્પવાટિકા હતી. શિવપૂજા માટે તેનો ઉપયોગ થતો હતો. ખીલેલાં પુષ્પોને કારણે તે અદ્ભુત લાગતી હતી. અમે પુષ્પ ચૂંટવાની ઇચ્છાથી ત્યાં પ્રવેશ્યા. આ સુંદર સ્થાનથી મોહિત થઈને આ અમારા મિત્રે ફૂલ તોડવા માંડ્યાં અને ભૂમિ પર પગ કચડતો આમતેમ ભટકવા લાગ્યો. હું તો પુષ્પોની અતિ તીવ્ર સુગન્ધના કેફમાં તેમના પર હાથ મૂકતો હતો.
આ અપરાધથી બીલીના વૃક્ષ નીચે વ્યાઘ્રચર્મ પર બેઠેલા દુર્વાસા રાતામાતા થઈ ગયા અને જાણે આંખોથી અમને ભસ્મ કરી નાખવા માગતા હોય તેમ અમારી સામે જોવા લાગ્યા. પછી અમને ફિટકારતા બોલ્યા, ‘અરે પાપી લોકો, તમે સદાચારનો ભંગ કર્યો છે, અહંકારી થઈને આ પવિત્ર તપોવનમાં વિહાર કરતા હતા. મારું આ તપોવન બધાં જ પ્રાણીઓનું પોષણ કરવાવાળું છે. આને પોતાના પગથી પ્રહાર કરવાવાળો અશ્વ થઈ જા, બીજાઓને પોતાના પર બેસાડનાર તું યાતના ભોગવતો રહેજે. અને આ બીજો ફૂલો પ્રત્યે લોભ સેવતો અહીં કસ્તુરીમૃગ બનીને પર્વતની કંદરામાં ભટકતો ફરજે.’
આમ વજ્ર જેવો શાપ સાંભળીને અમારો ગર્વ ઓગળી ગયો અને અમે મુનિને વીનવ્યા, ‘ભગવન્, તમારો શાપ અમોઘ છે, એમાંથી અમને મુક્તિ ક્યારે મળશે તે કહો.’ અમને બહુ દુઃખી જોઈને મુનિને દયા આવી, તેઓ બોલ્યા, ‘હવે કદી દુર્બુદ્ધિથી આવો વર્તાવ ન કરતા. અરુણાચલની પરિક્રમા કરશો ત્યારે તમે શાપમુક્ત થશો. અરુણાચલ તો સાક્ષાત્ શિવ છે. ભૂતકાળમાં દિક્પાલોએ આની ઉપાસના વર્ષો સુધી કરી હતી. નંદનવનના દેવતા ઇન્દ્રે મહાદેવને લાલ રંગનું એક અદ્ભુત ફળ આપ્યું. મનને લલચાવનાર તે ફળ જોઈ ગણેશ અને કાર્તિકેય બંને તેના તરફ આકર્ષાયા અને પિતા પાસે તે માગવા લાગ્યા. ભગવાને પોતાના હાથમાં તે સંતાડીને બંને પુત્રોને કહ્યું, ‘જે અનેક પર્વતોથી ઘેરાયેલી આ સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરી આવશે તેને આ ફળ આપીશ.’ આ સાંભળીને કાર્તિકેયે તો પૃથ્વીની પરિક્રમા કરવાનો આરંભ કર્યો, પણ ગણેશ અરુણાચલ રૂપી પિતાની પ્રદક્ષિણા કરીને તરત જ તેમની સામે ઊભા રહી ગયા. તેમની આ ચતુરાઈ જોઈ શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા અને તે ફળ તેમને આપી દીધું અને વરદાન આપ્યું, ‘હવે પછી તું બધાં ફળોનો અધિપતિ થઈશ.’ પછી ત્યાં આવેલા બધા અસુરો અને દેવોને કહ્યું, ‘આ અરુણાચલની જે પ્રદક્ષિણા કરશે તેને સમસ્ત ઐશ્વર્યો પ્રાપ્ત થશે. જે પુરુષ આ પર્વતને જમણી બાજુ રાખીને ચારે બાજુ ફરશે તે ચક્રવર્તી બનીને સનાતન પદ પ્રાપ્ત કરશે. એટલે તમે બંને જ્યારે અરુણાચલની પ્રદક્ષિણા કરશો ત્યારે તમે શાપમુક્ત થશો. પશુ હોવા છતાં પાંડ્યરાજા વજ્રાંગદ સાથેના સંબંધને કારણે તમારી પરિક્રમા પૂરી થશે.’
પછી મારો મિત્ર કાંબોજદેશમાં અશ્વ થયો અને તે તમારી સવારીના કામમાં આવ્યો. હું કસ્તુરીમૃગ બનીને મારી કાયામાંથી જ પ્રગટતી સુગંધથી ઉન્મત્ત થઈને ભટકતો રહ્યો. તમે મૃગયાને બહાને અમને બંનેને અરુણાચલની પ્રદક્ષિણા કરાવી. તમે અશ્વ પર બેસીને પ્રદક્ષિણા કરી એટલે તમારી આવી હાલત થઈ છે. અમે બંનેએ પગપાળા પ્રદક્ષિણા કરી એટલે અમે આ પશુઅવતારમાંથી મુક્ત થયા. તમારું કલ્યાણ થાઓ.’
અને પછી રાજાએ પોતાની મુશ્કેલી કહી ત્યારે તેમણે રાજાને પગપાળા અરુણાચલની પ્રદક્ષિણા કરવા કહ્યું. ‘ભગવાનની પૂજા કસ્તુરી, ચંદન અને કાંચનારનાં ફૂલોથી કરો. તમારી બધી સંપત્તિ ભગવાન અરુણાચલના મંદિર, ગોપુર, ચોક વગેરે બનાવવા ખર્ચો. તમને અઢળક સિદ્ધિ મળશે. મનુ, માંધાતા, નાભાગ અને ભગીરથ કરતાંય ચઢિયાતાં પદ મળશે.’
પછી તો વજ્રાંગદ રાજા પાટનગર પાછા ફરવાને બદલે અરુણાચલ પર જ રહી ગયા. રાજાની સેના ત્યાં આવી ચઢી. રાજાએ સેનાને અરુણાચલની બહાર જ રાખી. પછી પોતાની સઘળી સંપત્તિ અરુણાચલને સમર્પી દીધી. ગૌતમ મુનિના આશ્રમ પાસે જ પોતાના માટે એક તપોવન ઊભું કર્યું. રાજગાદી કુમાર રુક્માંગદને આપી. પોતે શિવપૂજામાં તલ્લીન થઈ ગયા. અરુણાચલના તેજથી મરુભૂમિ બની ગયેલા એ દેશમાં રાજાએ સેંકડો વાવ ખોદાવી. લોપામુદ્રા સાથે આવેલા અગસ્ત્ય મુનિએ રાજાને આશીર્વાદ આપ્યા. નિયમિત રીતે તેઓ બધા દેવદેવીઓની પૂજા કરતા હતા… અને આમ ભગવાન શંકર તેમના પર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, ‘આકાશ, જળ, પૃથ્વી, સૂર્ય, ચન્દ્ર અને પુરુષ આ મારી આઠ મૂતિર્ઓથી વ્યાપ્ત થઈને સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે. હું બધાથી પર છું.મારાથી ભિન્ન કશું જ નથી… હું સમસ્ત સંસારનો સ્વામી છું. આ ગૌરી મારી મહાશક્તિ માયા છે. એમના દ્વારા જ સૃષ્ટિરક્ષા અને સંહારલીલા થયા કરે છે…’
આમ કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા, અને રાજાએ અરુણાચલની આરાધના ચાલુ રાખી.
(માહેશ્વર ખંડ)