ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/સીમન્તિનીની કથા
આર્યાવર્તમાં ચિત્રવર્મા નામે રાજા ધર્મમર્યાદારક્ષક, દુષ્ટોને દંડ આપનાર થઈ ગયા. તેઓ શિવભક્ત અને વિષ્ણુભક્ત હતા. અનેક પુત્રો પછી એક કન્યાનો જન્મ થયો. એક વેળા જાતક જાણનારા શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવી પોતાની પુત્રીનું ભવિષ્ય પૂછ્યું. એક મહાવિદ્વાન બ્રાહ્મણે કહ્યું, ‘મહારાજ, આ કન્યા સીમન્તિની નામે પ્રસિદ્ધ થશે. ભગવતી ઉમાની જેમ માંગલ્યમયી, દમયન્તીની જેમ અતિ સુંદરી, સરસ્વતીની જેમ બધી કળાઓમાં નિપુણ, લક્ષ્મીની જેમ સદ્ગુણી થશે. દસ હજાર વર્ષ સુધી પતિ સાથે સુખ ભોગવશે. આઠ પુત્રોને જન્મ આપશે.’ પછી એક બીજા બ્રાહ્મણે કહ્યું, ‘આ કન્યા ચૌદમા વર્ષે વિધવા થશે.’ આવા વજ્રાઘાત સમાચાર સાંભળીને રાજા ચંતાિતુર થઈ ગયા. પછી બધાને વિદાય કરી ‘બધું ભાગ્ય પ્રમાણે જ થાય છે’ એમ માની ચંતાિ છોડી દીધી. સીમન્તિની ધીરે ધીરે મોટી થઈ. પોતાની સખીના મોઢે વૈધવ્યની વાત સાંભળીને તે દુઃખી થઈ અને યાજ્ઞવલ્ક્યની પત્ની મૈત્રેયીને પૂછ્યું, ‘માતા, હું તમારે શરણે આવી છું. સૌભાગ્યવર્ધક સત્કર્મનો ઉપદેશ આપો.’
મૈત્રેયીએ તે રાજકન્યાને કહ્યું, ‘તું શિવપાર્વતીની શરણે જા, સોમવારે એકાગ્ર ચિત્તે થઈ, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી શિવપાર્વતીની પૂજા નિયમિત રીતે કર. કોઈ પણ ભારે આપત્તિમાંથી આ વ્રત તને બચાવી લેશે. ભયંકર ક્લેશમાં પણ આ શિવપૂજા બંધ ન રાખતી. તું ભયંકર ભય પણ પાર કરી જઈશ.’ આમ સીમન્તિનીને ધીરજ બંધાવી પતિવ્રતા મૈત્રેયી પોતાના આશ્રમે ગયાં. રાજકુમારીએ તેમના કહેવાથી ભગવાન શિવની પૂજા શરૂ કરી.
નિષધ દેશમાં નળની પત્ની દમયન્તીએ ઇન્દ્રસેનને જન્મ આપ્યો. ઇન્દ્રસેનનો પુત્ર ચંદ્રાંગદ. ચિત્રવર્માએ રાજકુમાર ચંદ્રાંગદને બોલાવી ગુરુજનોની આજ્ઞાથી પુત્રી સીમન્તિનીનો વિવાહ તેની સાથે કરી દીધો. બહુ મોટો ઉત્સવ થયો. વિવાહ પછી થોડો સમય રાજકુમાર સાસરે રહ્યો. એક દિવસ રાજકુમાર યમુના પાર જવા મિત્રો સાથે નૌકામાં બેઠો અને દૈવયોગે તે નૌકા ડૂબી ગઈ. યમુનાના બંને કિનારે હાહાકાર થઈ ગયો. આ દુર્ઘટના જોનારા સૈનિકોના વિલાપથી આખું આકાશ ગુંજી ઊઠ્યું. કેટલાક તો મૃત્યુ પામ્યા, કેટલાક મગરના પેટમાં ચાલ્યા ગયા. રાજકુમાર જેવા કેટલાક પાણીમાં અદૃશ્ય થઈ ગયા. આ સમાચાર સાંભળી રાજા ચિત્રવર્મા દુઃખી દુઃખી થઈ ગયા. યમુનાકિનારે મૂછિર્ત થઈને પડ્યા. સીમન્તિનીએ પણ આ સમાચાર સાંભળ્યા ત્યારે તે પણ અચેત થઈને ધરતી પર પડી ગઈ. રાજા ઇન્દ્રસેન પણ પુત્રના આ સમાચાર સાંભળી રાણીઓ સાથે બહુ દુઃખી થયા અને તે પણ બેસુધ થઈ ગયા. પછી બધાની સમજાવટને લીધે રાજા ચિત્રવર્મા નગરમાં આવ્યા અને તેમણે પુત્રીને ધીરજ બંધાવી.
રાજાએ જમાઈની ઉત્તરક્રિયા ત્યાં આવેલા સ્વજનો પાસે કરાવી. પતિવ્રતા સીમન્તિનીએ ચિતામાં પ્રવેશી પતિ સાથે સહગમન કરવાનો વિચાર કર્યો પણ પિતાએ તેને સ્નેહવશ રોકી પાડી. તે વિધવાજીવન વીતાવવા લાગી. મૈત્રેયીએ આપેલો શિવપૂજાનો નિયમ વિધવા થયા પછી પણ ચાલુ રાખ્યો. આમ ચૌદ વર્ષની વયે જ આવું દારુણ દુઃખ ભોગવતી તે ભગવાન શંકરનું સ્મરણ કરતી રહી. આમ ત્રણ વરસ વીતી ગયાં. પુત્રશોકમાં ઉન્મત્ત બનેલા ઇન્દ્રસેનને તેમના ભાઈઓએ પત્ની સાથે કારાવાસમાં નાખ્યા.
ઇન્દ્રસેનના પુત્ર ચંદ્રાંગદ પાણીમાં ડૂબ્યા પછી ધીમે ધીમે નીચે ઊતરવા લાગ્યા. બહુ નીચે ગયા એટલે નાગપત્નીઓને જલક્રીડા કરતી જોઈ. રાજકુમારને જોઈ નવાઈ પામેલી નાગસ્ત્રીઓ તેને પાતાળલોકમાં લઈ ગઈ. ત્યાં રાજકુમાર તક્ષક નાગના અદ્ભુત નગરમાં પ્રવેશ્યો. સૂર્ય ભગવાન જેવા તેજસ્વી તક્ષક નાગને સભાભવનમાં બિરાજેલા જોઈ તેમને પ્રણામ કર્યાં. તક્ષકના તેજથી તેમની આંખો અંજાઈ ગઈ. નાગરાજે તેને જોઈ નાગસ્ત્રીઓને પૂછ્યું, ‘આ કોણ છે અને ક્યાંથી આવ્યો છે?’
તેમણે કહ્યું, ‘અમે તેને યમુનાજળમાં જોયો. એના વિશે કશી માહિતી ન હોવાને કારણે અમે તેને તમારી પાસે લાવ્યાં.’
પછી તક્ષકે તેને પૂછ્યું એટલે રાજકુમારે બધી વાત કરી. ‘પૃથ્વી પર નિષધ નામનો દેશ અને ત્યાં નળ રાજા થઈ ગયા, હું તેમનો પૌત્ર ચંદ્રાંગદ. હમણાં જ મારું લગ્ન થયું અને હું સાસરે હતો ત્યારે યમુનામાં વિહાર કરતાં કરતાં ડૂબી ગયો અને આ નાગસ્ત્રીઓ મને અહીં લઈ આવી. પૂર્વજન્મના પુણ્યના પ્રતાપે મને તમારાં દર્શન થયાં. આજે હું ધન્ય, મારાં માતાપિતા પણ ધન્ય. તમે મારા પર કરુણા કરીને મારી સાથે વાતચીત કરી.’
આ મધુર વાણી સાંભળીને તક્ષકે કહ્યું, ‘રાજકુમાર, તમે ભય ન પામતા. તમે મને કહો કે તમે કયા દેવની પૂજા કરો છો?’
એટલે રાજકુમારે મહાદેવનું નામ દઈ તે ભગવાનનો મહિમા ગાયો.
રાજકુમારની વાત સાંભળી તક્ષક પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું, ‘રાજકુમાર, તમે બાળક હોવા છતાં શંકર ભગવાનને ઓળખો છો. જુઓ આ રત્નમય લોક છે, આ મનોહર યુવતીઓ છે, અહીં નથી જરા કે નથી રોગ. ઇચ્છાનુસાર વિહાર કરો, જે જોઈએ તે સુખ ભોગવો.’
આ સાંભળી રાજકુમારે બે હાથ જોડીને કહ્યું, ‘નાગરાજ, મારો વિવાહ થઈ ગયો છે. મારા માતાપિતાનો એકનો એક પુત્ર છું. બધા લોક મને મરી ગયેલો માની બહુ દુઃખી હશે. અહીં બહુ સમય રોકાઈ નહીં શકું. મને કૃપા કરીને મનુષ્યલોકમાં પહોંચાડી દો.’
તક્ષકે કહ્યું, ‘રાજકુમાર, જ્યારે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે ત્યારે હું આવી જઈશ.’ અને રાજકુમારને તેમણે એક સુુંદર અશ્વ આપ્યો. તે ઇચ્છાનુસાર ગતિ કરનારો હતો. તે ગમે ત્યાં જઈ શકતો હતો. ઉપરાંત તેમણે રાજકુમારને રત્નજડિત આભૂષણો, દિવ્ય વસ્ત્ર અને દિવ્ય અલંકાર આપ્યાં. બધી વ્યવસ્થા કરીને તેમણે રાજકુમારને વિદાય કર્યો.
ચંદ્રાંગદ અશ્વ પર સવાર થઈને યમુનાજલમાંથી બહાર નીકળ્યા અને નદીના સુંદર તટ પર ફરવા લાગ્યા. તે જ વેળા સીમન્તિની સખીઓ સાથે સ્નાન કરવા આવી. તેણે મનુષ્યરૂપ ધારી નાગકુમારની સાથે ફરતા ચંદ્રાંગદને પણ જોયો. દિવ્ય અશ્વ પર સવાર થયેલા અપૂર્વ આકૃતિવાળા રાજકુમારને જોતી જ રહી. તેને જોઈ રાજકુમારને પણ લાગ્યું કે મેં આને જોઈ છે. અશ્વ પરથી નીચે ઊતરી તે સુંદરી પાસે જઈને તેણે પૂછ્યું, ‘સુંદરી, તું કોણ છે, કોની પત્ની અને કોની પુત્રી?’ સીમન્તિની સંકોચવશ કશું બોલી ન શકી, એટલે તેની સખીએ બધો પરિચય આપ્યો. ‘દુર્ભાગ્યે તેના પતિ યમુનાજળમાં ડૂબી ગયા અને વૈધવ્યના દુઃખને કારણે તે સાવ કંતાઈ ગઈ છે. વૈધવ્યના દુઃખમાં તેણે ત્રણ વરસ વીતાવ્યાં. તેના સસરાનું રાજ પણ શત્રુઓએ છિનવી લીધું અને રાજારાણીને કારાવાસમાં નાખી દીધાં. આમ છતાં તે દર સોમવારે ભગવાન શંકરની પૂજા કરે છે.’
સીમન્તિનીએ સખી પાસે આ બધું કહેવડાવી પછી રાજકુમારને પૂછ્યું, ‘તમે કોણ છો? તમારી પાછળ ઊભેલા આ બે કોણ છે? મને એમ લાગે છે કે મેં તમને પહેલાં જોયા છે. તમે સ્વજન જેવા લાગો છો.’
આમ કહી સીમન્તિની બહુ વાર સુધી ધ્રૂસકે ધ્રૂસકે રડતી રહી. પોતાની પ્રિયાના શોકના સમાચાર સાંભળી રાજકુમાર થોડો સમય ચૂપ બેસી રહ્યા. પછી સીમન્તિની ઊભી થઈને રાજકુમારની સામે વારે વારે જોવા લાગી. પહેલાં જોયેલાં શરીરચિહ્નો, સ્વર, અવસ્થાનું પ્રમાણ, રૂપરંગ વગેરેની પરીક્ષા કરીને તેણે માની જ લીધું કે આ મારા પતિ જ છે. મારું હૃદય પણ તેમનામાં પરોવાઈ રહ્યું છે. પરંતુ મને દુર્ભાગીને મરેલા પતિનું દર્શન થાય ખરું? આ સ્વપ્ન છે કે ભ્રમ? મુનિપત્ની મૈત્રેયીએ મને કહ્યું હતું કે ગમે તેવી મુશ્કેલી આવે તો પણ આ વ્રતનું પાલન કરતી રહેજે. એક બ્રાહ્મણે મને દસ હજાર વર્ષનું સૌભાગ્ય સાંપડશે એમ કહ્યું હતું. તે બ્રાહ્મણદેવતાનું વચન ચોક્કસ સત્ય થશે. આ ઈશ્વર વિના બીજું તો કોણ જાણી શકે? મને પ્રતિ દિન મંગલસૂચક શુકન દેખાય છે. પાર્વતીપતિ શંકર જો પ્રસન્ન હોય તો માનવીને માટે શું દુર્લભ હોઈ શકે? આમ જાતજાતના વિચાર કરીને તેની શંકાઓ નિર્મૂળ થઈ ગઈ. તેણે પોતાનું મુખ નીચે કરી દીધું. રાજકુમારે કહ્યું, ‘હું તારા પતિના શોકસંતપ્ત માતાપિતાને આ સમાચાર કહેવા જઉં છું, તારા પતિ તને બહુ જલદી મળશે.’ આમ કહી રાજકુમાર અશ્વ પર સવાર થઈ પોતાના બે સાથીને લઈ પોતાના રાજ્યમાં પહોંચ્યો. નગરઉદ્યાન પાસે ઊભા રહીને નાગરાજપુત્રોને સંહાિસન પર અધિકાર જમાવી બેઠેલા બંધુઓની પાસે મોકલ્યા. નાગકુમારે તેમને કહ્યું, ‘તમે મહારાજ ઇન્દ્રસેનને હમણાં જ કારાવાસમાંથી મુક્ત કરો અને સંહાિસન ખાલી કરો. મહારાજના પુત્ર પાતાળમાંથી પાછા આવ્યા છે. તમે અવઢવમાં ન રહેતા, નહીંતર ચંદ્રાંગદનાં બાણ તમારા પ્રાણ લઈ લેશે. તે યમુનામાં ડૂબીને નાગરાજ તક્ષકને ત્યાં પહોંચ્યા હતા, તેમની સહાય મેળવીને અહીં પાછા આવ્યા છે.’
નાગકુમારની વાત સાંભળીને શત્રુઓએ તે સ્વીકારી લીધી. મહારાજ ઇન્દ્રસેનને તેમના ખોવાયેલા પુત્રના સમાચાર આપી સંહાિસન પાછું સોંપી દીધું. મહારાજને પ્રસન્ન કરવા છતાં તેઓ ભયભીત રહ્યા. મારો પુત્ર આવી રહ્યો છે તે જાણીને રાજા ગદ્ગદ્ થઈ ગયા, રાણી પણ. પછી બધા પ્રજાજનો, મંત્રીઓ, પુરોહિત રાજકુમારને મળ્યા અને રાજકુમાર માતાપિતાનાં ચરણોમાં પડ્યો, રાજારાણીએ પુત્રને ગળે લગાવ્યો. પછી રાજકુમાર નગરજનોને મળ્યા અને પોતાની વાત વિગતે જણાવી. રાજાએ માની લીધું કે મારી પુત્રવધૂએ ભગવાન મહેશ્વરની પૂજા કરીને આ સૌભાગ્ય મેળવ્યું છે.
નિષધરાજે આ આખી ઘટના મહારાજ ચિત્રવર્માને જણાવી. એ સાંભળીને રાજા આનંદવિહ્વળ થઈ ગયા, સમાચાર લાવનારાઓને બહુ ધન આપ્યું. પોતાની પુત્રીને બોલાવી તેનાં વૈધવ્યસૂચક ચિહ્નો દૂર કરાવ્યાં અને તેને અલંકારમંડિત કરી. સમગ્ર દેશમાં ઉત્સવ થઈ ગયો. બધાંએ સીમન્તિનીના સદાચારની પ્રશંસા કરી. રાજાએ જમાઈને બોલાવી પુત્રીને વળાવી. રાજકુમાર પત્નીને લઈને પોતાના નગરમાં આવ્યો અને બંને વિહાર કરતા રહ્યાં. તેમને ત્યાં આઠ પુત્ર અને એક કન્યા જન્મ્યા. સીમન્તિની નિત્ય ભગવાનની પૂજા કરતી રહી.
(બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ) (૧,૫)