ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/વિદર્ભરાજ અને તેમના પુત્રની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદર્ભરાજ અને તેમના પુત્રની કથા

વિદર્ભ દેશમાં સત્યરથ નામના એક ધર્મજ્ઞ, ધીર, સત્યપ્રતિજ્ઞ રાજા થઈ ગયા. ઘણો બધો સમય સારી રીતે પસાર થયા પછી શાલ્વ રાજાઓએ તેમના નગર પર આક્રમણ કર્યું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. શાલ્વ રાજાઓના ઘણા સૈનિકો માર્યા ગયા પણ અંતે વિદર્ભરાજ માર્યા ગયા. તેમના સૈનિકો ભાગી ગયા. રાજાની પતિવ્રતા અને સગર્ભા પત્ની નગરમાંથી નીકળી પશ્ચિમ દિશામાં નીકળી. બહુ ચાલ્યા પછી તેણે એક તળાવ જોયું. તેના કાંઠે એક ઘટાદાર વૃક્ષ નીચે બેઠી અને એક પુત્રને ત્યાં જન્મ આપ્યો. પછી તે તરસ લાગવાથી તળાવમાં ઊતરી અને ત્યાં એક મગર તેનો કોળિયો કરી ગયો. તે બાળક જન્મતાંવેંત માતાપિતા વિનાનો થઈ ગયો અને તે પણ ભૂખેતરસે રડવા લાગ્યો. તે જ વેળા એક બ્રાહ્મણી ત્યાં આવી ચઢી. ‘અરે આ શું? હજુ તો આ બાળકની નાળ પણ કપાઈ નથી. તેની મા ક્યાં ગઈ? આ અનાથ બાળક ભૂમિ પર પડી રડે છે. આ કોનો પુત્ર હશે? ચાંડાલનો કે શૂદ્રનો, વૈશ્યનો કે બ્રાહ્મણનો કે પછી ક્ષત્રિયનો? આ પુત્રનું પાલન કરી શકું છું પણ એ કયા કુળનો છે તે જાણ્યા કર્યા વિના હું એને અડકું કેવી રીતે?’ તે આમ વિચારતી હતી તેવામાં એક સંન્યાસી આવી ચઢ્યા. તેમણે તેને કહ્યું, ‘દુઃખી ન થઈશ. શંકા કર્યા વિના તું એનું પાલન કર. તને પરમ કલ્યાણપદ મળશે.’

એમ કહીને તે તો ચાલ્યા ગયા. બ્રાહ્મણી બાળકને લઈ પોતાને ઘેર આવી. તે રાજકુમારને પોતાના પુત્રની જેમ જ ઉછેરવા લાગી. તે એકચક્રા નામની નગરીમાં રહેતી હતી. ભિક્ષાન્ન વડે બંને પુત્રોને ઉછેરવા લાગી. બ્રાહ્મણોએ બંનેના સંસ્કાર કર્યા. બંને બાળકો માની સાથે ભિક્ષા માગવા જતા હતા. એક દિવસે દૈવયોગે તે બ્રાહ્મણી ભિક્ષા માગતા માગતા મંદિરમાં ગઈ. ત્યાં મોટા મોટા ઋષિઓ હતા. તે બંને બાળકોને જોઈ એક શાંડિલ્ય નામના તેજસ્વી ઋષિએ કહ્યું, ‘દૈવ પણ કેવું છે? કર્મોનું ઉલ્લંઘન કરવું બહુ કઠિન છે. આ બાળક બીજાની માતાના આશ્રયે જીવે છે. બ્રાહ્મણ બાળકની સાથે આ બાળક પણ બ્રાહ્મણ થઈ ગયો છે.’

તેમની વાત સાંભળીને બ્રાહ્મણીને નવાઈ લાગી, તેણે બધાની વચ્ચે તે મુનિને પૂછ્યું, ‘બ્રહ્મન્, હું એક સંન્યાસીના કહેવાથી આ બાળકને મારે ઘેર લઈ આવી છું. મને એના કુળના કોઈ સમાચાર નથી. હું પુત્રની જેમ તેને ઉછેરું છું. તમે મને કહો કે આ બાળકનું કુળ કયું છે? તેના માતાપિતા કોણ છે?’

એટલે મુનિએ કહ્યું, ‘આ વિદર્ભરાજનો પુત્ર છે.’ પછી તેમણે બધી વાત માંડીને કહી. આ સાંભળીને બ્રાહ્મણીને પણ નવાઈ લાગી અને તેણે ફરી પૂછ્યું, ‘આ રાજા યુદ્ધમાં મૃત્યુ કેમ પામ્યા? આ બાળકને દરિદ્રતા કેમ મળી? તેને પોતાનું રાજ્ય ફરી મળશે કે નહીં? મારો આ પુત્ર પણ ભિક્ષાન્નથી જીવે છે, તેની દરિદ્રતા પણ દૂર થશે કે નહીં?’

શાંડિલ્ય મુનિ બોલ્યા, ‘આ રાજકુમારના પિતા પૂર્વજન્મમાં પાંડ્ય દેશના એક ઉત્તમ રાજા હતા. તે ધર્મજ્ઞ હતા અને પૃથ્વીનું પાલન ધર્માનુસાર કરતા હતા. એક દિવસ સાંજે તેઓ શંકર ભગવાનની પૂજા કરી રહ્યા હતા. તે જ વેળા નગરમાં ભારે કોલાહલ મચ્યો. એ સાંભળીને રાજાએ પૂજા અધવચ્ચે છોડી દીધી અને રાજભવનની બહાર નીકળ્યા. રાજાનો મંત્રી શત્રુને પકડીને તેમની પાસે લાવ્યો. તે શત્રુ પાંડ્યરાજાનો જ સામંત હતો. તેને જોઈ રાજાએ તેનું મસ્તક કપાવી નંખાવ્યું. શિવપૂજા અરધેથી મૂકીને રાજાએ આવું કર્યું અને પછી ભોજન પણ કરી લીધું અને સૂઈ ગયો. આ જ રાજા બીજે જન્મે વિદર્ભરાજ થયો. એટલે શત્રુઓએ તેને યુદ્ધમાં મારી નાખ્યો. પૂર્વ જન્મનો પુત્ર આ જન્મે પણ પુત્ર થયો છે. તેની માએ પૂર્વજન્મમાં દગાફટકાથી પોતાની શોક્યને મારી નાખી હતી. એ પાપને કારણે મગરનો કોળિયો તે બની ગઈ… આ તારો પુત્ર પણ ઉત્તમ બ્રાહ્મણ હતો. તેણે પોતાની આખી જંદિગી દાન લેવામાં વીતાવી, યજ્ઞ વગેરે કર્યા ન હતા. એટલે જ તે દરિદ્ર બન્યો છે. આ દોષનિવારણ માટે તે પણ ભગવાન શંકરના શરણે જાય.’

પછી તે બ્રાહ્મણીએ શિવપૂજનનો વિધિ પૂછ્યો. એટલે મુનિએ બધો વિધિ વિગતે કહ્યો.

બ્રાહ્મણીએ બંને બાળકો સાથે મુનિને પ્રણામ કર્યાં. ‘મુનિશ્રી, આજે હું તમારા દર્શન માત્રથી ધન્ય થઈ ગઈ છું. આ બંને બાળક તમારે શરણે. મારા પુત્રનું નામ શુચિવ્રત અને આ રાજકુમારનું નામ ધર્મગુપ્ત. અમે ત્રણે તમારા શરણે. આ ઘોર દરિદ્રતામાંથી અમને ઉગારો.’

પછી તેમણે તેને ધીરજ બંધાવી, બંને બાળકોને ભગવાન શંકરની આરાધનાનો મંત્ર આપ્યો. તે સ્ત્રી બંને પુત્રોને લઈને ઘેર ગઈ. બંને બાળકો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આમ બંનેના ચાર મહિના સુખેથી વીત્યા. એક દિવસ શુચિવ્રત રાજકુમારને લીધા વિના નદીકિનારે સ્નાન કરવા ગયો અને આમતેમ ફરવા લાગ્યો. પાણીના મારથી ત્યાં ખાડો પડી ગયો હતો. તેમાં દાટેલો એક ખજાનાથી ભરેલો એક કળશ તેણે જોયો. તે જોઈને તેને આનંદ થયો અને કળશ લઈને ઘેર ગયો. માને તે બતાવી કહ્યું, ‘મા, જો તો ખરી, ભગવાન શંકરની મોટી કૃપા. તેમણે દયા કરીને કળશ રૂપે આ પ્રસાદ આપ્યો.’

બ્રાહ્મણીએ રાજકુમારને બોલાવી કહ્યું, ‘પુત્રો, આ સંપત્તિને તમે બરાબર વહેંચી લો.’

માની વાત સાંભળીને તેને પ્રસન્નતા થઈ, પણ રાજકુમારે કહ્યું, ‘મા, આ તારા પુત્રના પુણ્યબળે પ્રાપ્ત થયેલી સંપત્તિ છે. હું એમાં ભાગ પડાવવા માગતો નથી. તે પોતે એનો ઉપભોગ કરે. ભગવાન મારા ઉપર પણ કૃપા કરશે.’ આમ ને આમ ભગવાનની પૂજા કરતાં કરતાં એક વરસ વીતી ગયું. એક દિવસ રાજકુમાર બ્રાહ્મણપુત્રને લઈ વનવિહાર કરવા ગયો.પછી તેમણે અસંખ્ય ગંધર્વકન્યાઓને ક્રીડા કરતી જોઈ. તેને જોઈ બ્રાહ્મણપુત્રે કહ્યું, ‘અહીંથી આગળ જવું નહીં. ત્યાં સ્ત્રીઓ વિહાર કરે છે. નીતિમાન પુરુષો તેમનો સહવાસ કરતા નથી. તેઓ છલ કરનારી છે, વાણી દ્વારા ભૂરકી નાખે છે. એટલે ધર્મજ્ઞ બ્રહ્મચારી ક્યારેય તેમની સમીપ જતા નથી.’ એમ કહીને તે પાછો વળ્યો અને થોડે દૂર જઈને ઊભો રહી ગયો. પરંતુ રાજકુમાર એકલો જ નિર્ભય થઈને ક્રીડા કરતી સ્ત્રીઓ પાસે ગયો. એક કન્યાએ તેને આવતો જોઈ મનમાં કશો વિચાર કર્યો અને તેની સખીઓને કહ્યું, ‘સખીઓ, અહીંથી થોડે દૂર એક સુંદર વન છે. ત્યાં ચંપો, બકુલ, અશોક ખીલેલાં છે, ત્યાં જઈને તમે ફૂલ તોડો. હું થોડી વાર અહીં બેઠી છું, પછી તમે અહીં આવજો.’

તેની સખીઓ તો વનમાં ગઈ અને તે ગંધર્વકન્યા રાજકુમારની પ્રતીક્ષા કરતી બેઠી. તેને જોઈને રાજકુમાર કામાતુર થઈ ગયો. તે કન્યાએ તેને કોમળ પાંદડાંનું આસન આપ્યું અને પૂછ્યું, ‘તમે કોણ છો? ક્યાંથી આવો છો? અને કોના પુત્ર છો?’

એટલે રાજકુમારે પોતાનો પૂરો પરિચય આપ્યો. પછી તેણે કન્યાનો પરિચય પૂછ્યો એટલે તેણે કહ્યું, ‘દ્રવિક નામના ગંધર્વ બધામાં અગ્રણી છે અને હું તેમની પુત્રી છું, મારું નામ અંશુમતી. બધી સખીઓ આગળ વનમાં છે અને અહીં હું એકલી છું. હું તમારા મનની વાત જાણું છું. એ જ રીતે દૈવે મારા મનમાં પણ તમારા માટે ઉત્કંઠા જન્માવી છે. હવે આપણા બેનો અનુરાગ ઘટવો ન જોઈએ.’

એમ કહી તે કન્યાએ પોતાના ગળામાંથી મોતીનો હાર કાઢી રાજકુમારને આપ્યો. એટલે તે બોલ્યો, ‘ભીરુ, મારી વાત સાંભળ. હું રાજ્યહીન અને નિર્ધન છું. તું મારી પ્રિયા શા માટે બનવા માગે છે? મૂર્ખ સ્ત્રીની જેમ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સ્વતંત્ર રીતે વર્તવા કેમ માગે છે?’ એટલે તેણે કહ્યું, ‘ભલે. હું પિતાની આજ્ઞાની વિરુદ્ધ કશું નહીં કરું. તમે અત્યારે ઘેર જાઓ. પરમ દિવસે ફરી અહીં આવજો. કામ છે.’ એમ કહી તે કન્યા આવેલી સખીઓ સાથે જતી રહી અને રાજકુમાર બ્રાહ્મણકુમાર પાસે આનંદ પામતો આવી ચઢ્યો. તેણે બધી વાત કહી. અને બંને ઘેર ગયા. પછી ઘેર માતાને પણ બધી વાત બતાવી અને તે રાજી થઈ. પછી ઠરાવેલા સમયે તે મિત્રને લઈને વનમાં ગયો.

ત્યાં જઈને જોયું તો ગંધર્વરાજ અને તેમની કન્યા રાહ જોતાં હતાં. ગંધર્વરાજે રાજકુમારને અભિનંદન આપ્યાં અને સુંદર આસન પર બેસાડી કહ્યું, ‘હું કાલે કૈલાસ પર ગયો હતો. ત્યાં પાર્વતીમાતાની સાથે મેં ભગવાનનાં દર્શન કર્યાં. તેઓ તો કરુણાસાગર છે. તેમણે મને બોલાવી બધા દેવતાઓની સામે કહ્યું, ‘પૃથ્વી પર ધર્મગુપ્ત નામનો એક રાજકુમાર છે. અત્યારે તે નિર્ધન છે. તેનું રાજ્ય ઝૂંટવાઈ ગયું છે. શત્રુઓએ તેના પર અંકુશ જમાવ્યો છે. અત્યારે તે નિત્ય મારી પૂજા કરે છે. તેના પ્રભાવે તેના બધા પિતૃઓ મારા સ્વરૂપને પામ્યા છે. ગંધર્વરાજ, તેની સહાય કરો. હવે તે શત્રુઓને જીતીને રાજગાદી પર બેસી શકશે. મહાદેવ ભગવાનની આવી આજ્ઞા સાંભળી હું ઘેર આવ્યો. અહીં મારી કન્યાએ પણ તમારી બહુ પ્રાર્થના કરી. આ બધું ભગવાનની પ્રેરણાથી થઈ રહ્યું છે. એટલે અત્યારે હું મારી પુત્રીને લઈને આવ્યો છું. તમને મારી આ અંશુમતી પત્ની તરીકે આપું છું. હું તમારા શત્રુઓને મારીને તમને રાજગાદી પર બેસાડીશ. તમે પત્ની સાથે હજારો વર્ષ મનોવાંછિત સુખ ભોગવીને કૈલાસે જશો. ત્યાં પણ મારી કન્યા તમારી સેવા કરશે.’

આમ કહી ગંધર્વરાજે તે જ વનમાં રાજકુમાર સાથે પોતાની પુત્રીનો વિવાહ કરી દીધો અને પહેરામણીમાં ઘણું બધું આપ્યું. ચંદ્રમા સમાન તેજસ્વી ચૂડામણિ અને મોતીઓના હાર આપ્યા. વળી દિવ્ય આભૂષણ, સુવર્ણની બનેલી વસ્તુઓ, દસ હજાર હાથી, એક લાખ ઘોડા, હજારો સુવર્ણરથ આપ્યાં. પછી ઇન્દ્રના ધનુષ જેવું વિશાળ ધનુષ, સહ અસ્ત્રશસ્ત્ર, અક્ષય બાણથી ભરેલાં ભાથાં, અભેદ્ય સુવર્ણ કવચ, શત્રુનો સંહાર કરનારી શક્તિ આપ્યાં. પોતાની પુત્રીની સેવા માટે પ્રસન્ન ચિત્તે પાંચ હજાર દાસીઓ આપી. રાજકુમારની સહાય માટે ગંધર્વોની ચતુરંગિણી સેના આપી. આ બધું પામીને રાજકુમાર ખૂબ પ્રસન્ન થયો. પુત્રીનો વિવાહ કરાવી ગંધર્વરાજ પોતાના લોકમાં ગયા. ધર્મગુપ્ત વિવાહ પછી ગંધર્વોની સેના લઈને પોતાના નગરમાં ગયો અને શત્રુસેનાનો સંહાર કરી પાટનગરમાં પ્રવેશ્યો. શ્રેષ્ઠ બ્રાહ્મણોએ અને મંત્રીઓએ રાજકુમારનો અભિષેક કર્યો અને તે રત્નજડિત સંહાિસન પર બેસીને રાજ્ય ભોગવવા લાગ્યો. જે બ્રાહ્મણસ્ત્રીએ તેનું પાલન કર્યું હતું તે તેમની માતા થઈ અને બ્રાહ્મણકુમાર ભાઈ થયો અને અંશુમતી મહારાણીના પદ પર બેઠી. ભગવાન શંકરની આરાધના કરીને ધર્મગુપ્ત વિદર્ભરાજ થયો.

(બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)