ભારતીયકથાવિશ્વ−૪/વિષ્ણુપુરાણ/વિષ્ણુ ભગવાનનો લક્ષ્મીને શાપ
વિષ્ણુ ભગવાનનો લક્ષ્મીને શાપ
એક વેળા રેવંત નામનો રૂપવાન, કાંતિપૂર્ણ, સૂર્યપુત્ર મનોહર ઉચ્ચૈ:શ્રવા પર બેસી વિષ્ણુના ધામ વૈકુંઠમાં ભગવાનનાં દર્શન કરવા ગયો. ત્યારે લક્ષ્મીએ તેને જોયો. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈને અને દિવ્ય અશ્વને જોઈ તેના રૂપથી ચકિત થઈને ત્યાં ઊભાં રહ્યાં. વિષ્ણુ ભગવાને પણ અશ્વારૂઢ સૂર્યપુત્રને જોઈ લક્ષ્મીને પ્રેમથી પૂછ્યું, ‘હે સુંદરી, અશ્વારૂઢ અને કામદેવ જેવો રૂપવાન આ કયો પુરુષ અહીં આવે છે?’ લક્ષ્મી તે વેળા અશ્વને જ જોતાં રહેલાં એટલે વારંવાર પૂછવા છતાં કશું બોલ્યા નહીં એટલે વિષ્ણુ ભગવાને કહ્યું, ‘અશ્વને જોઈ મોહ પામેલી તું બોલતી જ નથી, તું બધે જ રમે છે એટલે રમા નામથી વિખ્યાત થઈશ અને ખૂબ જ ચંચળ હોવાથી ‘ચલા’ નામથી જાણીતી થઈશ. જેમ કોઈ સામાન્ય સ્ત્રી ચંચળ હોય તેમ તું પણ સ્થિર નહીં રહે. તું મારી પાસે ઊભી છે અને અશ્વને જોઈ મોહ પામી છે એટલે તું મનુષ્યલોકમાં અશ્વિની થઈ જા.’ આમ વિષ્ણુ ભગવાને લક્ષ્મીને શાપ આપ્યો. લક્ષ્મી દુઃખી થઈ ગયાં, ‘મારો નાનકડો અપરાધ અને તેની આવડી મોટી સજા! મેં તમારો આવો ક્રોધ કદી અનુભવ્યો નથી. તમારો અવિનાશી પ્રેમ ક્યાં ગયો? વજ્રનો ઘા શત્રુ ઉપર થાય, પ્રિયજન ઉપર ન થાય, હું તો વરદાનપાત્ર તો આવો શાપ કેમ? આજે હું તમારી આગળ જ પ્રાણત્યાગ કરીશ. તમારા વિરહમાં હું જીવું કેવી રીતે? તમે કૃપા કરો. હું આ શાપમાંથી મુક્ત થઈને તમારી પાસે ક્યારે આવીશ?’
વિષ્ણુએ આ સાંભળી કહ્યું, ‘જ્યારે પૃથ્વી પર તને મારા જેવો પુત્ર થશે ત્યારે આ શાપમાંથી મુક્ત થઈ મારી પાસે આવીશ.’
પછી તો લક્ષ્મીજી વિષ્ણુને પ્રણામ કરી મૃત્યુલોકમાં ઘોડી રૂપે રહેવા લાગ્યાં. આ લક્ષ્મીદેવીને જોઈ ભયભીત થઈને રેવંતે વિષ્ણુને પ્રણામ કરીને પોતાના પિતા સૂર્ય પાસે જઈ ભગવાનના શાપની વાત કરી. સૂર્યપત્નીએ ભૂતકાળમાં જ્યાં ઉગ્ર તપ કર્યું હતું ત્યાં રહીને લક્ષ્મી તપ કરવા લાગ્યાં. સુપર્ણાક્ષિ નામના તે સ્થળે યમુના અને તમસા નદીનો સંગમ હતો, ત્યાં ત્રિપુરારિ, ચંદ્રશેખર, ત્રિશૂળધારી શંકરનું ધ્યાન એકાગ્ર ચિત્તે ધરવા લાગ્યાં. પંચમુખી, અર્ધનારીશ્વર, કપૂરવર્ણા, વ્યાઘ્રચર્મ અને હસ્તીચર્મ ધારણ કરનાર, મુંડધારી સર્પોની જનોઈવાળા શંકરનું ધ્યાન વૈરાગ્ય પામીને લક્ષ્મી ધરવા લાગ્યાં.
આમ તપ કરતાં કરતાં વર્ષો વીતી ગયાં, એટલે પ્રસન્ન થયેલા ભગવાન નંદી પર બેસીને તપ કરતાં લક્ષ્મી પાસે આવ્યાં. ‘તમારો પતિ તો સર્વ લોકને જન્મ આપનાર, બધા જ મનવાંછિત પદાર્થ આપનાર અને છતાં તમારે શા કારણે તપ કરવું પડ્યું? વિષ્ણુને બાજુ પર મૂકીને મારી સ્તુતિ શા માટે? પતિસેવા સ્ત્રીઓનો સનાતન ધર્મ છે, પતિ જેવો હોય તેવો સ્ત્રી માટે તો તે આરાધ્ય જ છે. તો તમે વિષ્ણુને બદલે મારી ઉપાસના કેમ કરી રહ્યાં છો?’
લક્ષ્મી બોલ્યા, ‘મારા પતિએ મને શાપ આપ્યો છે, શાપમુક્તિનો ઉપાય પણ તેમણે બતાવ્યો છે જ્યારે મને પુત્ર થશે ત્યારે આ શાપમાંથી મુક્તિ મળશે. હવે જો પતિ જ ન હોય તો પુત્ર જન્મે ક્યાંથી? તમે પ્રસન્ન થયા હો તો મને વરદાન આપો. તમારામાં અને વિષ્ણુમાં કશો ભેદ નથી. મેં વિષ્ણુ પાસેથી જ આ વાત જાણી છે. આ જાણીને જ મેં તમારો આશ્રય લીધો છે.’
શંકર ભગવાને પૂછ્યું, ‘મારી અને વિષ્ણુની એકતા તમે કેવી રીતે જાણો? જ્ઞાની મુનિજનો અને દેવો પણ અમારી એકતા જાણી શકતા નથી. મારા ભક્તો વિષ્ણુની નિંદા કરે છે અને વિષ્ણુના ભક્તો મારી નિંદા કરે છે. તો તમે મને આ એકતાની વાત કરો.’
આ સાંભળી લક્ષ્મીએ કહ્યું, ‘એક સમયે વિષ્ણુને એકાંતમાં બેસીને ધ્યાનમગ્ન જોયા. પછી ધ્યાનમાંથી જ્યારે જાગ્યા ત્યારે મેં તેમને પૂછ્યું, ‘સમુદ્રમંથન વખતે જ્યારે હું સમુદ્રમાંથી પ્રગટી ત્યારે પતિ માટે મેં બધા સામે જોયું હતું, તમે બધા કરતાં ચઢિયાતા છો એમ માની તમને વરી. તો અત્યારે તમે કોનું ધ્યાન ધરતા હતા?’
વિષ્ણુએ મને કહ્યું, ‘હું આશુતોષ શંકર ભગવાનનું ધ્યાન ધરતો હતો. ક્યારેક તેઓ મારું ધ્યાન ધરે છે. હું શિવનો પ્રાણાધાર અને તે મારા પ્રાણાધાર. અમારામાં કશો ભેદ નથી. મારા જે ભક્તો તેમનો દ્વેષ કરે છે તેઓ નરકે જાય છે.’ આમ જાણીને મેં તમારું ધ્યાન ધર્યું તો હવે મને મારા પતિ કેવી રીતે મળે તે કહો.’
શંકર ભગવાને લક્ષ્મીને ધીરજ બંધાવતાં કહ્યું, ‘તમે સ્વસ્થ થાઓ. તમારા તપથી હું પ્રસન્ન છું. તમારો પતિ સાથે મેળાપ થશે જ એમાં જરાય શંકા નથી, મારી પ્રેરણાથી વિષ્ણુ અશ્વ રૂપે તમારી પાસે આવશે. તમને નારાયણ જેવો પુત્ર થશે અને પુત્ર મેળવીને તમે વૈકુંઠે જશો. તમારો પુત્ર એકવીર નામે વિખ્યાત થશે. તેનાથી હૈહયવંશ વિસ્તરશે. તમે હવે જગદંબાને શરણે જાઓ.’
આમ લક્ષ્મીને વરદાન આપીને શંકરપાર્વતી અંતર્ધાન થઈ ગયાં. લક્ષ્મીએ જગદંબાનું ધ્યાન ધર્યું. હવે વિષ્ણુ ક્યારે અશ્વ રૂપે આવશે તેની પ્રતીક્ષા કરવા લાગ્યાં. લક્ષ્મીને વરદાન આપીને કૈલાસ ચાલ્યા ગયેલાં શંકર ભગવાને ચિત્રરૂપને દૂત બનાવી વૈકુંઠ મોકલ્યો.
ચિત્રરૂપને વિષ્ણુ પાસે જઈને તેઓ લક્ષ્મીનો શોક દૂર કરે એ વાત કહેવા કહ્યું, ચિત્રરૂપ શંકર ભગવાનની આજ્ઞાથી વૈકુંઠ ગયો. ત્યાં અનેક દિવ્ય વૃક્ષો, વાવ હતાં. હંસ, સારસ, મોર, પોપટ કોયલ જેવાં પક્ષી હતાં. ધજાથી શોભતાં ભવનો શોભામાં અભિવૃદ્ધિ કરતાં હતાં. ગંધર્વો હતા. પારિજાત, બકુલ, ચંપો, અશોક જેવાં વૃક્ષો હતાં. પક્ષીઓનું કૂજન સંભળાતું હતું. જય વિજય નામના દ્વારપાલ ત્યાં ઊભા હતા. તેમને ચિત્રરૂપે પોતાના આગમનની જાણ વિષ્ણુ ભગવાનને કરવા કહી.
દ્વારપાલ જય ભગવાનને પ્રણામ કરી કહેવા લાગ્યો, ‘અત્યારે શંકર ભગવાનનો દૂત આવ્યો છે. તેને અહીં લાવું કે નહીં? તે ચિત્રરૂપ શા માટે આવ્યો છે તેની મને જાણ નથી.’ ભગવાને તેને અંદર લાવવાની આજ્ઞા આપી. ચિત્રરૂપે જયની સાથે અંદર જઈને પ્રણામ કર્યાં. ભગવાને પૂછ્યું, ‘શંકર ભગવાન તો કુશળ છે ને? તેમણે તમને અહીં શા માટે મોકલ્યા છે? શંકર ભગવાનનું કોઈ કાર્ય છે કે દેવોનું કોઈ કાર્ય છે?’
દૂતે ઉત્તર આપ્યો, ‘ગરુડધ્વજ, સંસારમાં જે બને છે તે તમારાથી ક્યાં અજાણ્કહ્યું છે? શંકર ભગવાને એક વિનંતી કરવા મને મોકલ્યો છે. લક્ષ્મી દેવી ઘોડીનું રૂપ ધરીને યમુના અને તમસાના સંગમ પર તપ કરી રહ્યાં છે. જગતમાં કોઈ પણ વ્યક્તિ લક્ષ્મી દેવીના આશીર્વાદ સિવાય સુખી થઈ શકતો નથી. તો પછી તેમનો ત્યાગ કરીને તમે કયું સુખ મેળવી રહ્યા છો? બળહીન અને ગરીબ પુરુષ પણ સ્ત્રીનું ભરણપોષણ કરે છે તો પછી તમે આ મહાન દેવીને ત્યાગ કેમ કર્યો? તમે દૂર છો એટલે તે દેવીને અને તમને જોઈ તમારા શત્રુઓ હાંસી ઉડાવે છે. તો એવાં ગુણસંપન્ન, સુલક્ષણાને પામી તમે સુખી થાઓ. શંકર ભગવાન પણ સતીના મૃત્યુ પછી બહુ દુઃખી થઈ ગયા હતા. તો તમે જાતે જઈને લઈ આવો. તમે ઘોડાનું રૂપ લઈને લક્ષ્મી દેવીનો સહવાસ કરો. પુત્ર જન્મે ત્યારે દેવીને લઈને વૈકુંઠમાં આવજો.’
ચિત્રરૂપની વાત સાંભળીને વિષ્ણુએ ‘ભલે’ કહ્યું અને દૂતને શંકરને ત્યાં મોકલ્યા. પછી ભગવાન વિષ્ણુ સુંદર અશ્વનું રૂપ લઈ તપ કરી રહેલાં લક્ષ્મી પાસે ગયા. પતિવ્રતા લક્ષ્મી પણ ભગવાનને જોઈને અશ્રુભીની આંખે ઊભાં રહ્યાં. એ સંગમ સ્થાને બંનેનો સમાગમ થયો અને સગર્ભા બનેલાં લક્ષ્મીએ સમય જતાં એક ગુણવાન, સુંદર બાળકને જન્મ આપ્યો. ભગવાને લક્ષ્મીજીને કહ્યું, ‘હવે આ રૂપ ત્યજીને વૈકુંઠમાં આવો. તમારો પુત્ર અહીંં જ રહેશે.’
લક્ષ્મીએ કહ્યું, ‘આ બાળક મારા દેહમાંથી જન્મ્યો છે, એને મૂકીને કેવી રીતે આવું? હું તેનો ત્યાગ કરવા માગતી નથી. તેને પણ સાથે લઈ જઈશું, આ પુત્ર મને જીવ કરતાંય વહાલો છે.’
આ સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું, ‘તારે આનું દુઃખ નહીં કરવું. આ પુત્ર અહીં સુખેથી રહેશે. મેં એની રક્ષા વિચારી છે. આ પુત્રને અહીં મૂકવાનું કારણ કહું. યયાતિ વંશમાં તુર્વસુ વંશના રાજા હરિવર્મા છે. સો વર્ષ સુધી તપ કરી રહેલા આ રાજા માટે મેં આ પુત્ર નિર્મ્યો છે. ત્યાં જઈને હું રાજાને પ્રેરણા કરું. પુત્રની ઇચ્છાવાળા રાજાને પુત્ર આપીએ, તે રાજા પુત્રને પોતાને ઘેર લઈ જશે.’
આમ લક્ષ્મીને આશ્વાસન આપી ભગવાન લક્ષ્મી સાથે વૈકુંઠ ગયા.
લક્ષ્મી અને વિષ્ણુ ત્યાંથી જેવા ગયાં કે તરત જ ત્યાં ચંપક નામનો વિદ્યાધર મદનલાલસા નામની પોતાની પત્નીને લઈને ત્યાં આવ્યો. તેણે દિવ્ય બાળકને ભૂમિ પર રમતાં જોયો એટલે વિદ્યાધરે નીચે ઊતરીને બાળકને ઊંચકી લીધો. ગરીબ માણસને ધન મળે અને રાજી થાય તેવી રીતે તે પણ રાજીનો રેડ થઈ ગયો. વિદ્યાધરે એ પુત્ર પત્નીને આપ્યો. હર્ષઘેલી બનેલી મદનલાલસા બાળકને છાતીએ વળગાડી ચૂમવા લાગી, તેને પુત્ર માની લીધો. તેણે પતિને પૂછ્યું, ‘આ બાળક કોનું છે? શંકર ભગવાને જ જાણે મને દઈ દીધો છે.’
ચંપકે કહ્યું, ‘હું ઇન્દ્ર પાસે જઈને હમણાં જ પૂછું છું, આ બાળક દેવ છે, ગંધર્વ છે? દાનવ છે? તેમની આજ્ઞા મળે એટલે આ બાળકને હું પુત્ર બનાવીશ.’ એમ કહી તે વિદ્યાધર બાળકને લઈને ઇન્દ્ર પાસે પહોંચી ગયો. તેમને પ્રણામ કરી. ઇન્દ્રના ચરણે બાળક મૂકીને તે બોલ્યો, ‘યમુના અને તમસાના સંગમ સ્થળેથી આ સુંદર બાળક મને મળ્યો છે. આ કોનો છે? કોણે શા માટે ત્યજી દીધો છે? તમારી આજ્ઞા હોય તો આ બાળકને મારો પુત્ર બનાવું.’
ઇન્દ્રે કહ્યું, ‘અશ્વ રૂપવાળા વિષ્ણુએ અશ્વરૂપી લક્ષ્મી સાથે સહવાસ કરી આ પુત્રને જન્મ આપ્યો છે. અત્યંત ધાર્મિક રાજા તુર્વસુને આ પુત્ર આપવાની ભગવાનની ઇચ્છા હતી. તુર્વસુ ત્યાં જઈ પહોંચે એ પહેલાં જ તમે તે સ્થળે પહોંચીને બાળકને મૂકી દો. રાજા આ બાળક નહીં જુએ તો દુઃખી થશે. આ બાળક એકવીર નામે પણ ઓળખાશે.’
ઇન્દ્રની વાત સાંભળીને ચંપક બાળકને તરત જ લઈ ગયો અને જ્યાંથી જડ્યો હતો ત્યાં મૂકી દઈ ઘેર ગયો. તે જ સમયે ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે તપ કરી રહેલા રાજા તુર્વસુ પાસે ગયા. ભગવાનનું દર્શન કરી રાજી રાજી થઈ ગયેલા રાજાએ પ્રણામ કર્યાં અને ભગવાનની સ્તુતિ કરવા માંડી.
એ સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું, ‘તમે હમણાં જ તમસા અને યમુનાના સંગમ સ્થાને જાઓ. ત્યાં તમારે જોઈએ એવો પુત્ર મેં મૂક્યો છે. લક્ષ્મી દેવીએ એને જન્મ આપ્યો છે, તો તમે એ સ્વીકારજો.’
રાજા પ્રસન્ન થઈને તે સ્થળે ગયા અને ભૂમિ પર રમી રહેલા બાળકને તેમણે જોયો. તે પગનો અંગૂઠો મોંમાં મૂકીને ચૂસતો હતો. કામદેવ જેવાં રૂપવાન વિષ્ણુલક્ષ્મીના અંશવાળા બાળકને જોઈ રાજા ઘણો આનંદિત થયો. આંસુથી ગળગળા થઈને તે બોલ્યો, ‘વિષ્ણુ ભગવાને મને આપ્યો છે, તો નરકની યાતનામાંથી પુત્ર મને ઉગારજે. તારા માટે સો વરસ મેં કઠિન તપ કર્યું હતું. તને જન્મ આપીને લક્ષ્મીદેવી વિષ્ણુ ભગવાન સાથે વૈકુંઠ પહોંચી ગયા છે.’ રાજાએ એ પુત્ર પોતાની પત્નીને આપી દીધો.
રાજા નગરમાં પહોંચ્યા ત્યારે મંત્રીઓએ અને લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. નગરવાસીઓએ રાજા ઉપર ડાંગરની અને પુષ્પોની વર્ષા કરી. રાણીએ પુત્રને ખોળામાં લઈ પૂછ્યું. ‘આ ઉત્તમ બાળક તમને ક્યાંથી મળ્યો? કોણે તમને આપ્યો? આણે તો મારું મન મોહી લીધું છે.’
રાજાએ આનંદપૂર્વક બધી વાત કરી. રાજાએ પુત્રપ્રાપ્તિના અવસરે ઉત્સવ કર્યો, યાચકોને ઉદાર બનીને દાન આપ્યું, ગીતો ગવાયાં. તેનું નામ એકવીર પાડ્યું. તે રાજા પણ ઇન્દ્ર જેવા જ પરાક્રમી હતા. વિષ્ણુના ગુણવાળો પુત્ર પ્રાપ્ત કરીને રાજા પ્રસન્ન થયા અને ઘરમાં આનંદ ઓચ્છવ કરવા લાગ્યા.
રાજાએ પુત્રના સંસ્કાર કર્યા, તેના ઉછેરની બધી વ્યવસ્થા કરી અને તે ધીમે ધીમે મોટો થવા લાગ્યો. છઠ્ઠા મહિને અન્નપ્રાશન, ત્રીજે વર્ષે ચૌલ સંસ્કાર, અગિયારમે વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર કરાવી ધનુર્વેદની શિક્ષા આપી. પુત્રમાં બધી જ ક્ષમતાઓ જોઈ બ્રાહ્મણોને આમંત્રિત કરી રાજ્યાભિષેકની તૈયારી કરી. પુત્રને રાજગાદી આપી રાજા પત્નીને લઈને વનમાં જતા રહ્યા, છેવટે શંકરની આરાધના કરતાં કરતાં તેઓ સ્વર્ગે ગયા. એકવીર પિતા-માતાની ઉત્તરક્રિયા કરી શાસન કરવા લાગ્યો. ધર્મજ્ઞ રાજકુમારને મંત્રીઓ ખાસ્સું માન આપતા હતા.
એક દિવસે રાજકુમાર મંત્રીપુત્રો સાથે અશ્વારૂઢ થઈ ગંગાકિનારે ગયો. ત્યાં ફળફૂલોથી ભરચક વૃક્ષો પર કોયલ — ભમરા ગુંજન કરતા હતા. મુનિઓના આશ્રમોમાં વેદમંત્રો ઉચ્ચારાતા હતા. હોમનો ધુમાડો આકાશમાં પ્રસરેલો હતો. હરણનાં બચ્ચાં આશ્રમમાં કૂદાકૂદ કરતાં હતાં. પાકેલી ડાંગરના ક્યારાઓ ગોવાલણો સાચવતી હતી. ખીલેલાં કમળથી વન શોભતું હતું. અશોક, ચંપો, ફણસ, બોરસલી, તિલક, લીમડા, પારિજાત, સાગ, તાલ, તમાલ જેવાં વૃક્ષો ત્યાં હતાં. ત્યાં રાજાએ ગંગામાં ખીલેલું એક અદ્ભુત સુવાસિત કમળ જોયું. તે કમળ પાસે રાજીવલોચના સુંદર કન્યાને અશ્રુપાત કરતી જોઈ. સુવર્ણકાંતિ ધરાવતી તે કન્યાની ડોક શંખ જેવી હતી, પક્વ બિંબાધર હતો, પાતળી કટિવાળી તે હતી. સખીઓથી દૂર જઈને તે એકાંતમાં અશ્રુપાત કરતી હતી.
એવી રડતી કકળતી કન્યાને જોઈ રાજાએ પૂછ્યું, ‘તું કોણ છે? તારા પિતા કોણ છે? ગંધર્વકન્યા છે કે દેવકન્યા? તું રડે છે શા માટે? અહીં એકલી કેમ છે? કોકિલકંઠી, તને કોણે ત્યજી દીધી છે? તારો પતિ ક્યાં, પિતા ક્યાં છે? તારું દુઃખ મને કહે, હું એ દૂર કરીશ. મારા રાજ્યમાં કોઈ ચોરો, રાક્ષસોથી દુઃખી નથી. ભયંકર ઉત્પાતો થવાનો સંભવ નથી, વાઘ-સિંહની ભીતિ નથી. તો તું શા માટે વિલાપ કરે છે તે મને કહે. પ્રાણી દ્વારા, દેવતાઓ દ્વારા, માનવીઓ દ્વારા થતાં કઠોર દુઃખ દૂર કરવાં એ મારું કર્તવ્ય છે. હું સભાનતાથી એનું પાલન કરું છું. તો તારી વ્યથા કહે.’
રાજા એકવીરની વાત સાંભળીને તે મધુરભાષિણી કન્યા બોલી, ‘સાંભળો ત્યારે દુઃખ ન હોય તો રડવું શાને આવે? તમારા પડોશમાં રૈભ્ય નામના ધાર્મિક રાજા છે. તેની પત્ની રુક્મરેખા સુંદર, ચતુર, પતિવ્રતા છે. પુત્રરહિત તે સ્ત્રીએ પતિને વારંવાર કહ્યું, ‘મારા જીવનનું પ્રયોજન કયું? મારા વ્યર્થ જીવનને ધિક્કાર છે. નિ:સંતાન સ્ત્રી સુખી નથી.’
એટલે રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો, પુષ્કળ દાન આપ્યું, યજ્ઞમાં સતત ઘીની આહુતિ અપાતી રહી. એટલે તે અગ્નિમાંથી સુંદર અંગોવાળી સુલક્ષણા કન્યા પ્રગટી. બ્રાહ્મણોએ તેને અગ્નિકુંડમાંથી બહાર કાઢી. રાજાને કહ્યું,‘રાજન્, આ પુત્રીનો સ્વીકાર કરો. યજ્ઞકુંડમાંથી જન્મેલી મણિઓની માળા જેવી છે, એટલે તેનું નામ એકાવલી રહેશે. પુત્ર સમાન આ કન્યાને પામી તમે સુખી થશો. ભગવાન વિષ્ણુએ જ તમને આ કન્યા આપી છે.’
બ્રાહ્મણોની વાત સાંભળી રાજાએ તે કન્યા જોઈ અને પત્ની રુક્મરેખાને આપી દીધી. ‘આ પુત્રી સ્વીકારો.’ કમળપાંખડી જેવી આંખોવાળી તે કન્યાને રાણીએ આનંદથી સ્વીકારી, પુત્રપ્રાપ્તિ જેવો આનંદ તેમને થયો. વિધિ પ્રમાણે બધા સંસ્કારો કર્યા. બ્રાહ્મણોને ખાસ્સી દક્ષિણા આપી. રાજારાણીને નિત્ય આનંદ ઓચ્છવ. તેમના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ ભેદ ન હતો. હું રાજાના મંત્રીની કન્યા યશોમતી છું. હું અને એકાવલી સરખી વયનાં, અમે સખીઓ, રાત દિવસ સાથે રહેતા. જ્યાં સુવાસિત કમળ દેખાય ત્યાં તે જતી રહેતી. એક વાર ગંગાકિનારે દૂર દૂર કમળ ખીલ્યાં હતાં. ત્યાં તે મારી સાથે સખીઓને લઈને નીકળી પડી. મેં રાજાને કહ્યુંં, ‘તમારી લાડકી પુત્રી કમળ જોઈ ખૂબ દૂર દૂર નિર્જન વનમાં જતી રહે છે.’ એટલે રાજાએ તેને દૂર જવાની ના પાડી, પોતાના મહેલમાં કમળસરોવરો ઊભા કર્યાં. તો પણ એકાવલી બહાર જતી રહેતી. તેનું રક્ષણ કરવા રાજાએ સૈનિકો મૂક્યા, તે મારી અને સખીઓ સાથે આવતી રહેતી.
એક દિવસ સવારે અનેક રક્ષકોથી ઘેરાયેલી સખીઓથી વીંટળાયેલી ગંગાકાંઠે જઈ ચઢી. હું પણ કમળ સાથે રમતી એકાવલી સાથે આવી. અને અમે રમતાં હતાં ત્યારે કાલકેતુ નામનો રાક્ષસ અનેક શસ્ત્રધારી રાક્ષસો સાથે ત્યાં આવી ચઢ્યો. તેણે કામદેવની રતિ જેવી, કમળ સાથે રમતી એકાવલીને જોઈ. ત્યારે મેં એકાવલીને કહ્યું, ‘આ કોઈ દૈત્ય આવ્યો છે, તો આપણે રક્ષકોની સાથે ચાલ્યા જઈએ,’ પછી અમે રક્ષકો પાસે જતા રહ્યા. ત્યારે એ કામાતુર બનેલો રાક્ષસ ગદા લઈને દોડતો આવ્યો, રક્ષકોને હડસેલી એકાવલીને પકડી લીધી. ‘એને છોડી દે, મને લઈ લે,’ પણ તે રાક્ષસે મને ન જ લીધી અને તે એકાવલીને લઈને ચાલ્યો ગયો. અમારા રક્ષકો અને પેલા રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું, દાનવના ક્રૂર સૈનિકો રક્ષકો સાથે લડવા લાગ્યા. પણ તે મહાબલી કાલકેતુ બધા રક્ષકોને મારીને એકાવલીને લઈ ગયો. મારી સખીને રડતી જોઈ હું તેની પાછળ પાછળ દોડી, એકાવલી મને જોઈ શકે એ રીતે હું ચીસો પાડતી રહી. મને જોઈને તે સખી થોડી સ્વસ્થ થઈ. હું પણ તેની પાસે ગઈ, તે બહુ ગભરાઈ ગઈ હતી, તે પરસેવે રેબઝેબ હતી. મને ગળે વળગીને તે બહુ રડવા લાગી. કાલકેતુએ મને પ્રેમથી કહ્યું, ‘ચંચલ નેત્રોવાળી તારી સખી ગભરાઈ ગઈ છે, તું તેને સ્વસ્થ કર. મારું નગર સ્વર્ગ જેવું સુખદાયી છે. તો બી જઈને ચીસો કેમ પાડે છે? હવે તું એને શાંત થવા કહે.’ પછી મને પણ મારી સખીની સાથે રથમાં બેસાડી પોતાના નગરમાં લઈ ગયો. મને એકાવલીને સુંદર મહેલમાં મૂકીને ચોકી કરવા રાક્ષસોને ગોઠવી દીધા.
બીજે દિવસે કાલકેતુએ મને કહ્યું, ‘તારી સખી ગભરાઈ ગઈ છે. તેને તું મારી પત્ની થવા સમજાવ, અને મનમાં આવે તે ભોગ ભોગવ. આ રાજ્ય પર તેનો અધિકાર. હું તેનો દાસ,’ તે વારંવાર આવી વાત કરતો હતો. એટલે મેં તેને કહ્યું, ‘આવી અપ્રિય વાત મારા મોઢે હું તેને નહીં કહું. તમારે જાતે જઈને કહેવી હોય તો કહો.’ મારી વાત સાંભળીને તે દુષ્ટે સખીને કહ્યું, ‘હે કૃશોદરી, તેં મારા પર ભૂરકી નાખી છે. તેને કારણે મારું હૃદય તારા વશમાં, તો તું મારી પત્ની બન.’
આ સાંભળી મારી સખીએ કહ્યું, ‘મારા પિતાએ મારું લગ્ન રાજકુમાર હૈહય સાથે કરવાનું નક્કી કર્યું છે. હું મારા મનથી તેને વરી ચૂકી છું. તો હવે હું એ બધું બાજુએ મૂકીને બીજાને પતિ કેવી રીતે બનાવું? અમારો આ શાસ્ત્રનિર્ભર નિયમ છે. પિતા જેને કન્યા સોંપે તેને જ કન્યાએ પતિ બનાવવો પડે. કન્યા હંમેશાં પરતંત્ર હોય છે. તે સ્વેચ્છાએ કશું કરી શકતી નથી.’
આમ છતાં કાલકેતુ પોતાના નિર્ણયમાંથી ડગ્યો નહીં. એટલે અમે બંને તે રાક્ષસની કેદમાંથી મુક્ત થઈ ન શક્યા. કાલકેતુનું નગર પાતાળની એક ગુફામાં છે, ત્યાં ખાઈઓ છે, કિલ્લો છે. એટલે મારી સખી ત્યાં છે અને હું તેના વિરહમાં અહીં રડ્યા કરું છું.’
આ સાંભળી એકવીરે કહ્યું, ‘મને નવાઈ તો એ લાગે છે કે તું દુષ્ટના નગરમાંથી અહીં આવી કેવી રીતે? મારી વાત રહસ્યપૂર્ણ છે તે એકવીરના પિતાએ પોતાની પુત્રી હૈહયને આપવાનું નક્કી કર્યું હતું એવું તેં કહ્યું. હવે હૈહયરાજ તો હું જ છું. આ નામનો બીજો કોઈ રાજા નથી. તો તારી સખી મારી વાત તો કરતી નથી ને? તું મારી આ શંકા દૂર કર. હું એ અધમ રાક્ષસને મારીને એકાવલીને છોડાવીશ. તેના પિતાને આ સમાચાર આપ્યા કે નહીં? તેમની પુત્રીનું અપહરણ થયું છે અને તે દુઃખી છે એ વાત તેઓ જાણતા જ નથી? અને જો જાણતા હોય તો તેમણે રાજકુમારીને છોડાવવાનો કોઈ પ્રયત્ન કર્યો જ નહીં? પુત્રી કારાગારમાં છે એ જાણીને રાજા ચૂપ કેવી રીતે બેસી રહે? આનું જે કારણ હોય તે મને જણાવ. હવે મને થાય છે કે હું તેને સંકટમાંથી મુક્ત કરું? કાલકેતુના એ નગરમાં જઈ કેવી રીતે શકાય? પણ પહેલાં એ કહે કે અહીં તું આવી કેવી રીતે?’
યશોમતી બોલી, ‘નાનપણથી હું જગદંબાનો બીજમંત્ર જપ કરું છું. એક સિદ્ધ બ્રાહ્મણે તે મંત્ર મને આપ્યો હતો. હું જ્યારે તે રાક્ષસની કેદમાં હતી ત્યારે મેં એ બીજમંત્ર રટવા માંડ્યો હતો. હું આમ તો ચંડીની આરાધના નિત્ય કરું જ છું. ઉપાસના કરવાથી ભગવતી બધા બંધનમાંથી મુક્ત કરી દેશે એ નિશ્ચિત છે. તે દેવી બધા ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
જગતનું સર્જન, પાલન અને સંહાર કરનારાં દેવી નિરાકાર, નિરાશ્રય છે. લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરનાર આ દેવીનું હું ધ્યાન ધરવા લાગી. એક મહિના સુધી હું બેસી રહી. ત્યારે મારી સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવતીએ સ્વપ્નમાં મને દર્શન આપી કહ્યું, ‘તું સૂઈ કેમ રહી છે? ઊભી થા અને ગંગાકાંઠે જા. ત્યાં રાજવી હૈહય આવશે, તેમનું નામ એકવીર છે. તમામ શત્રુઓને કચડી નાખવાની શક્તિ તેમનામાં છે. તેઓ નિત્ય મારી પૂજા કરે છે. એ રાજા તારું સંકટ દૂર કરશે, તેઓ દેવી લક્ષ્મીના પુત્ર છે. તેમના હાથે કાલકેતુ મૃત્યુ પામશે, અને એકાવલી બંધનમુક્ત થશે.’
આ સ્વપ્નમાં મને કહી દેવી અંતર્ધાન થઈ ગયાં, હું જાગી ગઈ. સ્વપ્નની બધી વાત મેં એકાવલીને કહી. તે સાંભળીને સખી પ્રસન્ન થઈ અને બોલી, ‘હવે તું તરત ત્યાં જઈને મારું કામ કર. ભગવતીની વાણી અફર છે, તેમની કૃપાથી આપણે બંને મુક્ત થઈ જઈશું.’ તેના કહેવાથી મેં આ સ્થળ ત્યજી દેવાનો નિશ્ચય કર્યો અને ચાલી નીકળી. કોઈએ મને અટકાવી નહીં. ભગવતીની કૃપાથી રસ્તાની જાણકારી અને ચાલવાની શક્તિ મને મળી ગયાં. મારા દુઃખનું કારણ તમને જણાવ્યું, હવે મને તમારો પરિચય આપો, તમે કોના પુત્ર છો?’
યશોમતીની વાત સાંભળીને લક્ષ્મીપુત્ર એકવીર પ્રસન્ન થઈને બોલ્યા, ‘સાંભળ, હું જ હૈહય છું. મારું નામ એકવીર. મારી માતા લક્ષ્મી છે. તેં એકાવલીના રૂપનું જે વર્ણન કર્યું તેનાથી હું વિહ્વળ થઈ ગયો છું. કાલકેતુ સમક્ષ એકાવલી બોલી કે હું હૈહયને વરી ચૂકી છું. બીજા કોઈને હું વરવાની નથી — એ વાત સાંભળીને તો હું વધુ પ્રસન્ન. તો કહે, હવે મારે શું કરવું? કાલકેતુનું સ્થળ હું જાણતો નથી. હું ત્યાં પહોંચું કેવી રીતે? તું મને ત્યાં પહોંચાડી શકે. એકાવલી તારી સખી છે, તેને બહુ દુઃખ સહેવાં પડે છે. તું નિશ્ચિત માન કે હું હમણાં જ રાક્ષસને મારીને એકાવલીને છોડાવીશ. રાજકુમારીનાં દુઃખ દૂર થશે, તેને હું તેના પિતા પાસે પહોંચાડીશ. પછી રાજા તેનું લગ્ન વિધિપૂર્વક કરી શકશે. તારા સાથ અને સહકારથી મારી બધી મનોકામના પૂરી થશે. પરસ્ત્રીનું અપહરણ કરનારા રાક્ષસનો વધ કરવામાં તું મદદ કર. સૌથી પહેલાં તો ત્યાંનો માર્ગ બતાવ.’
રાજકુમારની વાત સાંભળી યશોમતી પ્રસન્ન થઈ ઊઠી. કાલકેતુના નગરમાં જવાનો ઉપાય બતાવવા લાગી. તેણે કહ્યું, ‘તમે સિદ્ધિદાયક આ બીજમંત્ર ગ્રહણ કરો, પછી તમને રાક્ષસોથી રક્ષાયેલું એ નગર બતાવું છું. મારી સાથે તમે તૈયાર થાઓ, મોટી સેના પણ જોઈશે. યુદ્ધની શક્યતા છે. તે બહુ મોટો પરાક્રમી દૈત્ય છે, પાસે પરાક્રમી સૈનિકો છે. મંત્ર જપીને મારી સાથે ચાલો. હું એનું નગર તમને બતાવું છું. હવે તો એ રાક્ષસને મારીને મારી સખીને છોડાવવી એ જ તમારું કર્તવ્ય.’
એકવીરે તરત જ મંત્રદીક્ષા લીધી. તે જ સમયે દૈવયોગે દત્તાત્રય આવી ચઢ્યા. તેમણે મંત્રનો ઉપદેશ આપ્યો. એ ત્રિલોકતિલક નામે જાણીતા મંત્રના પ્રભાવે એકવીર સર્વજ્ઞ બન્યા, બધે જવાનું સામર્થ્ય સાંપડ્યું, એટલે કાલકેતુના નગરમાં જવા નીકળી પડ્યા. જેમ સર્પો પાતાળને રક્ષે તેમ આ નગરને રાક્ષસો રક્ષતા હતા. યશોમતી અને વિશાળ સેના લઈને એકવીર ત્યાં પહોંચ્યા એટલે તેમને જોઈ કાલકેતુના દૂતો ગભરાઈને રાક્ષસ પાસે પહોંચી ગયા. તે વેળા કાલકેતુ એકાવલી પાસે બેસીને તેને મનાવી રહ્યો હતો. રાક્ષસ કામાંધ બની ગયો છે એ જાણીને દૂતોએ કહ્યું, ‘આ એકાવલી સાથે આવેલી યશોમતી જયંત કે કાર્તિકેય જેવા રાજકુમારને લઈને મોટી સેના સાથે આવી રહી છે. તો તમે ચેતી જાઓ. યુદ્વ થશે. તે દેવકુમાર સાથે કાં તો યુદ્ધ કરો કાં તો આ સ્ત્રીને છોડી દો. શત્રુસેના ત્રણેક યોજન જેટલે જ દૂર છે. હવે તરત યુદ્ધની ભેરી વગાડો.’
આ સાંભળી કાલકેતુ ક્રોધે ભરાયો. પોતાની પાસેના રાક્ષસોને તેણે કહ્યું, ‘તમે બધા શસ્ત્રો લઈને શત્રુ સામે જાઓ.’ રાક્ષસોને આવી આજ્ઞા આપીને કાલકેતુએ એકાવલીને પૂછ્યું, ‘હે સુંદરી, આ કોણ આવી રહ્યું છે? તારા પિતા કે બીજો કોઈ? તને લેવા માટે સેના લઈને આવનારનો પરિચય આપ. કદાચ તારા પિતા આવી રહ્યા હોય, જો એવું હશે તો હું યુદ્ધ નહીં કરું. તેમનો આદર કરી, રત્ન, વસ્ત્ર, ઘોડા ભેટ ધરીને તેમનું સ્વાગત કરીશ. ઘેર આવ્યા પછી તેમનો આતિથ્યસત્કાર કરીશ. પણ જો કોઈ બીજો હશે તો તેને હું મારી નાખીશ. કાળની પ્રેરણાથી જ તે મરવા અહીં આવી ચઢ્યો છે. તો તું મને કહે. હું સાક્ષાત્ કાળ છું. અપાર બળ મારામાં છે, મને કોઈ જીતી નહીં શકે. મારા પ્રભાવને જાણ્યા વિના આ કયો મૂર્ખ અહીં આવી ચઢ્યો છે?’
એકાવલીએ કહ્યું, ‘કોણ આવે છે તેની મને જાણ નથી. તમારે ત્યાં હું કારાવાસમાં છું. તે કોઈ જાણતું નથી. આવનાર મારા પિતા નથી, મારા ભાઈ નથી. કોઈ બીજો વીર હશે. કયા કારણે તે આવે છે તે મને ખબર નથી.’
‘આ દૂતોના કહેવા પ્રમાણે તારી સખી કોઈ વીરને લઈને આવી છે. તારી ચતુર સખી ક્યાં જતી રહી? બીજા કોઈ સાથે મારે દુશ્મનાવટ નથી.’
આ દરમિયાન બીજા દૂતોએ આવીને કહ્યું, ‘મહારાજ, તમે આટલા સ્વસ્થ થઈને કેમ બેઠા છો? શત્રુસેના એકદમ પાસે છે. તમે સેના લઈને તરત આવો.’
દૂતોની વાત સાંભળીને કાલકેતુ રથ પર બેસીને નગર બહાર નીકળ્યો. ત્યાં અશ્વારૂઢ થઈને એકવીર પણ આવ્યા અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું — જાણે ઇન્દ્ર અને વૃત્રાસુર લડતા ન હોય! અનેક પ્રકારનાં અસ્ત્રો—શસ્ત્રો ફેંકાયાં. દિશાઓ ચમકી ઊઠી, કાયરો ધૂ્રજી ગયા. એકવીરે ગદા ફેંકી કાલકેતુને મોતને ઘાટ ઉતારી દીધો. તેના મૃત્યુ પછી બાકીના સૈનિકો ચારે દિશામાં ભાગી ગયા. યશોમતી એકાવલી પાસે પહોંચી ગઈ, ‘સખી, અહીં આવ. જો. આ દાનવને એકવીરે કાયમ માટે પહોંચાડી દીધો. આ બુદ્ધિમાને ઘોર યુદ્ધ કર્યું, તે થાક્યા છે એટલે દરવાજા પાસે ઊભા રહીને તને જોવા ઝંખે છે. તારા રૂપગુણની વાત સાંભળી છે. ગંગાકિનારે મેં તારી વાતો કરી છે, એટલે તારા પર મોહ પામીને તને જોવા આતુર છે.’
રાજકુમારીને સખીની વાત તો ગમી પણ હજુ તે કુમારી હતી, એટલે ગભરાઈ ગઈ, મનમાં ભારે સંકોચ હતો. ‘હું કુમારી છું, પરતંત્ર છું, તેમને કેવી રીતે મોં બતાવું?’ આવી ચિંતા કરતી તે યશોમતીને લઈને પાલખીમાં બેસીને ત્યાં ગઈ. ઉદાસ રાજકુમારીએ મેલી સાડી પહેરી હતી, તેને જોઈ રાજકુમારે કહ્યું, ‘હવે મને તારું દર્શન કરાવ. મારી આંખો તને જોવા માટે તરસી છે.’ એકવીરની આવી આતુરતા જોઈ એકાવલી શરમાઈ ગઈ. યશોમતીએ એકવીરને કહ્યું, ‘આના પિતા તમારી સાથે જ પુત્રીને પરણાવવા માગે છે. તમારો મેળાપ થશે જ પણ તમારે પ્રતીક્ષા કરવી પડશે. પહેલાં તો રાજકુમારીને તેના પિતા પાસે પહોંચાડો. પછી વિધિ પ્રમાણે તેઓ કન્યાદાન કરશે.’
યશોમતીની વાત માનીને એકવીર સેના સાથે એકાવલીને સખી સાથે લઈને રાજા રૈભ્ય પાસે પહોંચી ગયો. પુત્રીના આગમનના સમાચાર સાંભળી રાજા મંત્રીઓ સાથે ગયા. ઘણા વખતે મેલાંઘેલાં વસ્ત્રોવાળી પુત્રીને જોઈ. યશોમતીએ તેમને વિગતે બધી વાત કહી. શુભ મુહૂર્તે એકાવલીનો વિવાહ એકવીર સાથે થયો અને કન્યાને વિદાય કરી. એકાવલીએ યોગ્ય સમયે પુત્રને જન્મ આપ્યો. તેનું નામ કૃતવીર્ય અને તે પુત્રના પુત્રનું નામ કાર્તવીર્ય.