નીરખ ને/સૌન્દર્ય અને પ્રત્યક્ષ બોધ
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|
{{gap}સૌંદર્ય સમગ્ર દર્શન સિવાય આવતું નથી... કદી કદી અમારા સ્વાગત માટે ઝાડનાં પાંદડાં કાપીકાપીને ટીંગાડે છે. મને આ બહુ વિચિત્ર લાગે છે. મારા સ્વાગત માટે તે આવી કાપાકાપી શી? એ તો સૂકાઈ જવાનાં, કારણ તેમનો અંશી (આત્મા) છે તેનાથી અંશને દૂર કરવામાં આવે તો તે ક્ષીણ જ થાય. એટલે સૌંદર્ય સમગ્રતા સિવાય વરતાતું નથી. અને સમગ્રતા સિવાય આકલન થઈ શકતું નથી. જેને સત્ય કહે છે તે એકાંગી હોતું નથી. એકાંગીપણાથી કદીય સત્ય દેખાશે નહીં. સાંગોપાંગ સત્યનું જ્ઞાન છે ત્યારે જ સત્યનું આકલન થાય છે. આમ સમગ્રતા સિવાય સૌંદર્ય નથી અને સત્યનું જ્ઞાન એ જ સમગ્ર જ્ઞાન છે. આટલું લક્ષમાં આવ્યું કે તરત સૌંદર્યનો સત્ય સાથે શો સંબંધ છે તે સમજાશે. ઘડીભર એમ સમજી લો કે પરમ સુંદરતાની મૂર્તિ સમી એક વ્યક્તિ છે, મારી મા છે. બિલકુલ સર્વાંગસુંદર; જગતમાં સૌથી સુંદર જેને કહે છે તે જ તે છે. પણ તેના તે સર્વ સૌંદર્ય કરતાં તેનો અને મારો જે સંબંધ છે તે સર્વથી સુંદર છે. તે મારી મા છે એ એક વાત બાજુ પર મૂકી દઈએ તો બાકીનું તમામ સૌંદર્ય ગૌણ થઈ જાય છે... એટલે કે સૌંદર્ય સમગ્રતા સિવાય હોઈ શકે નહીં. સમગ્રતામાં જો થોડી પણ ઊણપ આવી તો તે સૌંદર્ય સુંદર નહીં થાય અને તે સત્ય સિવાય પૂર્ણ થતું નથી. એટલે જે સત્યની શોધ કરે છે તેને સૌંદર્ય ક્યાં ક્યાં સંતાયેલું છે તે પણ સમજાય છે. જેટલી સત્યની શોધ થશે અને જીવનની સમગ્રતા જેટલી લક્ષમાં આવશે તેટલું જ ગંભીર સૌંદર્ય પ્રકટ થશે. એક વાર એક ગૃહસ્થે મને ૧૦૦ પાનાંનું કવિતાનું પુસ્તક આપેલું; આજકાલ જે રીતે છાપે છે તે જ રીતે પાનાંના મધ્યભાગમાં થોડીક કડીઓ છાપીને ચારે બાજુ પુષ્કળ કોરી જગ્યા છોડી છોડીને છાપેલું હતું. મેં એમને કહ્યું, ‘તમારા આ શબ્દોમાં જે કાવ્ય દેખાય છે, તે કરતાં તમારા આ ખાલી રહેલા ભાગમાં વધુ કાવ્ય દેખાય છે. તે સૌંદર્ય વધુ ગંભીર લાગે છે. તમારાં લખાણમાં જે ગાંભીર્ય છે તે થોડુંઘણું મર્યાદિત થયેલું છે, પણ જે કોરો ભાગ છે તે મર્યાદિત નથી રહેતું.’ એ હું સમજી શકું છું કે અક્ષરેય ન લખનારો પણ મહાકવિ હોઈ શકે. ગમે એવી કવિતા લખનારા હરકોઈ કવિ નહીં થઈ શકે. ... મૌન જેટલું સુંદર વ્યાખ્યાન જગતમાં હોઈ જ ન શકે. }}
વિનોબા ભાવે
સૌન્દર્ય અને પ્રત્યક્ષબોધ
નિરીક્ષણ એ એક કળા છે. રોદાંએ પણ રિલ્કેને કવિતા કરવી હોય તો પદાર્થો તરફ પદાર્થોમાં જોઈ રહેવા કહ્યું હતું. આપણે માત્ર આંશિક રીતે જોતાં હોઈએ છીએ. વસ્તુને એની સંપૂર્ણતામાં, મનની કે હૃદયની સમગ્રતાથી, નથી જોતાં. આપણે મનનો કે મગજના ઘણા નાના અંશનો ઉપયોગ કરીએ છીએ. મનના મોટા વિસ્તાર સાથે નથી તો આપણે સંસર્ગમાં આવતા કે નથી એને જાણતા. આવું શા માટે બને છે? કૃષ્ણમૂર્તિ કહે છે કે આનાં ઘણાં કારણો હોઈ શકે. આપણે આપણા પ્રશ્નોમાં ડૂબેલા હોઈએ છીએ. આપણી માન્યતાઓનાં રંગીન ચશ્માં આપણે ચઢાવ્યાં હોય છે કે રૂઢિ કે આપણા ભૂતકાળથી આપણું મન કંડિશન્ડ થયું હોય છે. વૃક્ષને એ જેવું છે એવું આપણે કદી જોઈ શક્યા છીએ? આપણા મનમાં પહેલેથી જ વૃક્ષની પ્રતિમા (ઇમેજ) ઘડાઈ ચૂકી છે – આપણી એ વિભાવના દ્વારા આપણે વૃક્ષને જોઈએ છીએ. પણ સાક્ષાત વૃક્ષ તો જુદું છે. આપણે ક્યારે ય ખરેખર બીજાં શું કહે છે એ સાંભળતાં નથી હોતાં. આપણે કાં તો ઊર્મિમય છીએ, લાગણીશીલ છીએ કે બૌદ્ધિક છીએ, જે આપણને પ્રકાશનું, વૃક્ષોનું, પક્ષીઓનું સૌંદર્ય જોતાં અટકાવે છે. આપણે આ કોઈની સાથે સીધા સંબંધમાં નથી. આપણાં પોતાનાં જ ખ્યાલાતો, વિચારો, હેતુઓ કે સંસ્કારો સાથે પણ સીધા સંબંધમાં છીએ કે કેમ એ શંકાસ્પદ છે. આપણા મનમાંનું ઇમેજ નિરીક્ષણ કરતું હોય છે. જો આપણને વૃક્ષ, પક્ષી, સોહામણો ચહેરો કે બાળકના સ્મિતનું નિરીક્ષણ કરતાં આવડે તો પછી કંઈ કરવાપણું રહેતું નથી. જોવાની ક્રિયા – the act of seeing – એ જ સત્ય છે. બીજું કશું સત્ય નથી. કૃષ્ણમૂર્તિના દર્શનનું આ કેન્દ્રવર્તી તત્ત્વ છે. આ વખતના મુંબઈ ખાતેના એમનાં એક વ્યાખ્યાનનું સમાપન કરતાં એમણે કહ્યું હતું કે હકીકત જેવી છે એવી જોશો તો એ ગુલાબની કળીની જેમ પૂર્ણ ગુલાબમાં મ્હોરી ઊઠશે. કૃષ્ણમૂર્તિએ એમના પુસ્તક ‘પરંપરા અને ક્રાન્તિ’માં પ્રશ્નકર્તાઓ સાથે સહયાત્રા કરી ક્રમવાર સૌંદર્ય અને પ્રત્યક્ષબોધ (perception)ના સ્વરૂપને આપણી સમક્ષ કરવા તત્પર રહ્યા છે. સૌંદર્ય શું છે? સૌંદર્યની અભિવ્યક્તિ એટલે શું? વ્યક્તિ સૌંદર્ય દ્વારા પોતાને કેવી રીતે fulfil કરે છે? સૂર્યાસ્તમાં, સોહામણી સવારમાં, માણસ માણસ વચ્ચેના સંબંધમાં, મા અને બાળકમાં, પતિ અને પત્નીમાં સૌંદર્ય રહ્યું છે? એ વિચારની અતિ સૂક્ષ્મ ગતિમાં રહ્યું છે? કુરૂપતામાં, ભયંકરતામાં, ખૂન અને હિંસામાં સુંદરતા હોઈ શકે? એક પ્રશ્નકર્તા પૂછે છે કે કળાકારની કળાકૃતિ જો ભયંકરતાને આલેખે – જેમ કે પિકાસોનું ગુરનિકા – એ સૌંદર્ય છે? કૃષ્ણમૂર્તિ કહે છે કે તો પછી આપણે પૂછવું જોઈએ કે અભિવ્યક્તિ શું છે? સર્જકતા શું છે? સુંદરતા અભિવ્યક્તિમાં એટલે એની સિદ્ધિમાં રહી છે? કળાકાર કહે છે કે મારે અભિવ્યક્તિ દ્વારા મારી જાતને ફુલફિલ કરવી જોઈએ. કળાકાર અભિવ્યક્તિ વગર ખોવાયેલો થઈ જાય. આપણે અભિવ્યક્તિ દ્વારા જ સૌંદર્યને ખોળતા આવ્યા છીએ. કોઈક નદીના ભવ્ય સેતુમાં, આધુનિક કાચ અને પોલાદની ઇમારતોમાં, ફુવારાઓની સૌમ્યતામાં, સંગ્રહસ્થાનોમાં એની ખોજ ચલાવીએ છીએ. આપણે હંમેશાં બીજાની અભિવ્યક્તિમાં સૌંદર્ય શોધીએ છીએ. તો શું સ્વ-અભિવ્યક્તિ(Self-expression)માં સુંદરતા છે? સૌંદર્યની માંગ શું અભિવ્યક્તિ માટે, સેલ્ફ-એક્સપ્રેશન માટે હોય છે? સૌંદર્ય અભિવ્યક્તિથી નિરપેક્ષ હસ્તી ધરાવી શકે? – એ પ્રશ્નના જવાબમાં કૃષ્ણમૂર્તિ કહે છે કે સૌંદર્યનો પ્રત્યક્ષબોધ એ જ એની અભિવ્યક્તિ છે – Perception of beauty is its expression. બંને જુદાં નથી. Perceiving is expressing – બંને વચ્ચે સમયનું અંતર નથી. ‘જોવું એ કરવું’ છે. જોવા અને કરવા વચ્ચે ગાળો નથી; આ મન જેનો ગુણ ‘જોવું અને કરવું? (Seeing and doing) છે એનું સ્વરૂપ શું છે? એ અનિવાર્યપણે અભિવ્યક્તિ સાથે સંકળાયેલું નથી. અભિવ્યક્તિમાં કદાચ પરિણમે, પણ એને એની સાથે લાગતુંવળગતું નથી, કારણ કે અભિવ્યક્તિ સમય માંગી લે છે. પુલ બાંધવો કે કવિતા લખવી એટલે સમય જોઈએ. પણ જે મન જુએ છે, જે મનને બોધ થવો (perceiving) એ જ કરવું છે, એવા મનને સમય હોતો જ નથી. આવું મન સંવેદનશીલ હોય છે. માન્યતાઓથી, સંસ્કારોથી, ભૂતકાળથી મન મુક્ત થઈ ગયું છે. ભૂતકાળ જ આપણા મનમાં નિરીક્ષક (observer) થઈને બેઠો હતો, અને આ નિરીક્ષક જ રહેતો નથી. એટલે નિરીક્ષણ અને નિરીક્ષ્ય વચ્ચે અવકાશ રહેતો નથી. મન ઉપરથી બોજો ખસી જાય છે, એ હળવું થઈ ગયું છે. એ જાગ્રત અને સચેત બની ગયું છે, સેન્સિટિવ બની ગયું છે. આવું મન અત્યંત મેઘાવી હોય છે, અને આ મેઘા વિના શું સૌંદર્ય શક્ય છે? આમાં હૃદયને શું સ્થાન હોય છે એ પ્રશ્નના જવાબમાં કૃષ્ણમૂર્તિ કહે છે કે એ તો એકદમ મહત્ત્વનું તત્ત્વ છે. તમે શાંત હો છો ત્યારે કોઈ વિલક્ષણ લાગણી ઊભી થતી લાગે છે. તમારા હૃદય-પ્રદેશમાંથી કોઈ ગતિ શરૂ થાય છે. મેઘા આ હૃદય-પ્રેમને સૂચિત કરે છે. એ સિવાય પ્રત્યક્ષબોધ થાય નહીં. માત્ર બૌદ્ધિક પ્રત્યક્ષબોધ પ્રત્યક્ષબોધ જ નથી. બૌદ્ધિક પ્રત્યક્ષબોધની ક્રિયા આંશિક હોય છે. Intellect is past. હવે જ્યારે પર્સેપ્ટિવ મન હિંસક ક્રિયા જુએ ત્યારે શું થાય? એ “જે છે” તે જુએ છે. મનનું સ્વરૂપ બદલાતું નથી. સૌંદર્ય ત્યારે અભિવ્યક્તિમાં રહ્યું છે? હું કળાકાર, એન્જિનિયર, કવિ હોઈ શકું. પણ આ બધી વ્યક્તિઓ ખંડિત-આંશિક છે. એક અંશ અસાધારણ રીતે પર્સેપ્ટિવ, સંવેદનશીલ બની જાય એમ બને અને અદ્ભુત અભિવ્યક્તિ પામે, પણ છતાં એ ક્રિયા આંશિક જ છે. પર્સેપ્ટિવ મન કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિ માંગતું નથી કારણ કે પ્રત્યક્ષબોધ એ જ અભિવ્યક્તિ છે. જે મન કંડિશન્ડ છે, આંશિક છે, તે સૌંદર્યભાવ તો વ્યક્ત કરે છે, સૌંદર્યનો ગુણ પણ હોઈ શકે. પણ સૌંદર્ય નથી હોતું. સ્વ-અભિવ્યક્તિ(self-expression)માં જેમને રસ છે એવા બહુસંખ્યને સ્વ-હિત(self-interest) હૈયે હોય છે. સેલ્ફને કારણે જ આંશિકતા ઊભી થાય છે. સેલ્ફની અનુપસ્થિતિમાં પ્રત્યક્ષબોધ થાય છે. પ્રત્યક્ષબોધ એટલે કરવું, અને એ સૌંદર્ય છે. કૃષ્ણમૂર્તિ અંતમાં કહે છે કે મને ખાતરી છે કે જે શિલ્પીએ એલિફન્ટાની મહેશમૂર્તિ કંડારી છે એ એની સમાધિમાંથી સર્જાઈ છે. તમે તમારો હાથ પથ્થરને કે કવિતાને લગાડો એ પહેલાં સમાધિની અવસ્થા હોવી જોઈએ. પ્રેરણા સેલ્ફમાંથી ન આવવી જોઈએ. અને ક્ષુદ્ર, નાના, મોટા, બધા ચિત્રકારો સેલ્ફ-એક્સપ્રેશનની કોટિના છે. એટલે “જે છે” એ જોવું – જેમાં સમયનું અંતર નથી, નિરીક્ષણ અને નિરીક્ષ્ય વચ્ચે અવકાશ નથી એ પ્રત્યક્ષબોધ (perception), સૌંદર્ય છે. એ જ અભિવ્યક્તિ છે અને એ જ સત્ય છે.
[ફેબ્રુ., ૧૯૮૪