અંતિમ કાવ્યો

Revision as of 00:42, 30 March 2024 by Meghdhanu (talk | contribs) (Meghdhanu moved page અંતિમકાવ્યો to અંતિમ કાવ્યો without leaving a redirect)


Antimkavyo.png


અંતિમકાવ્યો

નિરંજન ભગત



પ્રારંભિક


અનુક્રમ



મારું હોવું

મારું હોવું શું હવે તમને નડી રહ્યું ?
તમારું મન હવે સતત એની સાથે લડી રહ્યું ?

સાથે હતા ત્યારે તો એ બહુ બહુ ગમતું’તું,
તમારા મનમાં તો એ ક્ષણે ક્ષણે રમતું’તું;
હવે તમારું એ શૂન્ય મન શા શા ઘાટ ઘડી રહ્યું ?

સાથે નથી ત્યારે મારું હોવું કૈં ટળશે નહિ,
હોવું ન હોવું એમાં તમારું કૈં વળશે નહિ;
તમારી આ દ્વિધા જાણી તમારું મન શું રડી રહ્યું ?

સપ્ટેમ્બર, ૨૦૧૨
 

નિકટ – દૂર

સ્ત્રી: આપણે પરસ્પરથી અત્યંત નિકટ થવું નથી.
પુરુષ: તો આપણે પરસ્પરથી અત્યંત દૂર પણ જવું નથી.
સ્ત્રી: અત્યંત નિકટ થવામાં ક્યારેક મને ભય થાય,
          તમારા વ્યક્તિત્વમાં જ રખે મારા અસ્તિત્વનો લય થાય !
પુરુષ: અત્યંત દૂર જવામાં ક્યારેક મનેય ભય થાય,
          આપણી પરસ્પર જે આત્મીયતા રખે એનો ક્ષય થાય !
સ્ત્રી: અત્યંત નિકટ નહિ થવું ને અત્યંત દૂર નહિ જવું.
પુરુષ: સમુદ્રમાં હોય જેવું બે નૌકાનું સાથે સાથે વહી જવું.

૨૦૧૩
 

હવે

આ મારો હાથ તમારા હાથ સાથે હળ્યો,
હવે શું દૂર ? શું પાસે ? જ્યાં પ્રાણ પ્રાણમાં ઢળ્યો.

હવે આ પ્રેમ તે પ્રેમની પારનો પ્રેમ,
નહિ નામ ને રૂપ, હવે હેમનું હેમ;
હવે શું વાણી ? શું વાદ ? જ્યાં શ્વાસ શ્વાસમાં ભળ્યો.

હવે હું નહિ, તું નહિ, હતું તે સૌ ગયું,
કશું ન્હોતું ત્યારે જેમ હતું તેમ થયું;
હવે શું જન્મ ? શું મૃત્યુ ? જ્યાં અંત આદિમ ફળ્યો.

માર્ચ, ૨૦૧૩
 

સત્યાશીયે

વર્ષોનાં મારાં કર્મોને આજે એકસાથે સ્મરી રહું,
ત્યારે સંકલ્પોની ફૂલીફાલી સૃષ્ટિમાં હું સરી રહું.

હે અગ્નિ ! તમે મારા અણુઅણુમાં વસ્યા,
ક્ષણેક્ષણ તમે મારા શ્વાસેશ્વાસે શ્વસ્યા;
એમાં મારા ચૈતન્ય સ્વરૂપને હું સાક્ષાત્ કરી રહું.

હે અગ્નિ ! તમે બીજપ્રક્ષેપો કર્યાં કર્યાં,
ને સૌ સંકલ્પો ને કર્મો રૂપે ફળ્યાં કર્યાં;
એ નિષ્કામ, નિર્લેપ કર્મોનું ધ્યાન આજે ધરી રહું.

હે અગ્નિ ! મારો દેહ ભસ્મમાં ભળી જાય,
ને મારું ચૈતન્ય ચૈતન્યમાં મળી જાય;
તમારી સહાય પ્રાર્થું કે હું એવું મૃત્યુ વરી રહું.

૧૮ મે ૨૦૧૩
 

ભસ્મ રૂપે

હવે તમે કહો છો, ‘ક્યારેક મળશું !’
વર્ષો લગી પરસ્પરથી દૂર ગયા, હવે પાછા વળશું ?

વર્ષો પૂર્વે મળ્યા ત્યારે કેવું મળ્યા હતા,
તમે સહી શક્યા નહિ એવું હળ્યા હતા;
તમે કહ્યું, ‘હવેથી મળશું નહિ, આમ ક્યાં લગી બળશું ?’

આયુષ્યનો અંત હવે બહુ દૂર નથી,
મૃત્યુ આપણે માનીએ એવું ક્રૂર નથી;
ક્યારેક મળશું, પણ સદેહે નહિ, ભસ્મરૂપે ભળશું.

જુલાઈ, ૨૦૧૩
 

નર્યા ને નર્યા

વર્ષોનાં વર્ષો પછી આપણે પાછા ફર્યા,
વચમાં વર્ષોનાં વર્ષો આપણે સ્વેચ્છાએ વિરહને વર્યા.

વિરહમાંયે આપણું મન ભર્યું ભર્યું હતું,
બારે માસ જાણે વસંત હોય એમ થતું,
પરસ્પરનો સંગ ન’તો તોયે કેટકેટલા રંગ ધર્યા.

આપણે જ્યાંથી આરંભ કર્યો અંતે ત્યાં જ મળ્યા,
વિરહનાં વર્ષો એવાં તો ફૂલ્યાં, ફાલ્યાં ને ફળ્યાં,
વર્ષોનાં વર્ષો પૂર્વે હતાં એવાં આજે જાણે નર્યાં ને નર્યાં.

જુલાઈ, ૨૦૧૩
 

ઈશાવાસ્ય

કેટકેટલું રુદન ને કેટકેટલું હાસ્ય,
કેટકેટલું તાંડવ ને કેટકેટલું લાસ્ય.

આપણાં એ વર્ષો, જીર્ણ એમનો ન અંત;
કાળ જાણે થંભ્યો અને આપણે અનંત;
એ વર્ષોમાં જાણે ન કોઈ દૈન્ય, ન કોઈ હાસ્ય.

એ સૌ હવે સ્મૃતિમાં છે, ક્યાંય નથી ગયું;
સીમ તે અસીમ, રૂપ તે અરૂપ થયું;
એ જગત્યાં જગત્ તો હવે આપણું ઈશાવાસ્ય.

જાન્યુઆરી, ૨૦૧૩
 

નિર્વેદ

આપણો વિરહ એ વિચ્છેદ નથી,
એથી સ્તો આપણને એનો કોઈ ખેદ નથી.

મિલનમાં તો દેહનું અંતરપટ નડતું,
વિરહના અવકાશમાં કશું નથી અડતું;
મિલન ને વિરહમાં એટલો શું ભેદ નથી ?

છતાં કદાચ ક્યારેક ક્યાંક મિલન જો થશે,
એથી હરખ કે શોક જેવું કશું નહિ હશે;
હવે શું આપણા બેમાં એટલો નિર્વેદ નથી ?

જાન્યુઆરી, ૨૦૧૩
 

આવજો

જ્યારે જ્યારે તમારું મન માને ત્યારે આવજો !
આવો ત્યારે ‘આવું છું’ એવું કશું યે ના ક્હાવજો !

વર્ષો લગી મળતા’તા મળજો એ રીતે,
મારી સાથે હળતા’તા હળજો એ પ્રીતે;
મનમાં જે હોય તે ક્હેજો, મનને ના તાવજો !

હું તો તમને દેહ-મનથી વરી હતી,
વિધાતાની વક્રતા તે પાછી ફરી હતી;
હવે પછી આ વાત મનમાં કદી ના લાવજો !

માર્ચ, ૨૦૧૪
 

અઠ્ઠયાશીમે

આયુષ્યના અઠ્ઠયાશી વર્ષો ગયાં, સૌ હેમખેમ ગયાં,
હે અગ્નિ, તમે મારા અણુઅણુમાં છો, તમે જાણો છો એમ કેમ ગયાં.

હે અગ્નિ, મને મોહ કે લોભ થયો ત્યાં તો તમે મને ટોક્યો,
હજૂ તો હું કુમાર્ગે ગયો ન ગયો ત્યાં તો તમે મને રોક્યો,
એથી સૌ વર્ષો જેમ બિન્દુથી બિન્દુ પ્રતિ સીધી રેખા જાય તેમ ગયાં.

હે અગ્નિ, હવે પછી પદે પદે મારી પરે ધ્યાન ધરજો,
અંતકાળે હું કહી શકું એમ કરુણાનું દાન કરજો
કે મારાં સૌ વર્ષો જેમ આદિથી આદિ પ્રતિ વર્તુલ જાય એમ ગયાં.

૧૮ મે, ૨૦૧૪
 

નામ નથી

આપણી વચ્ચે જે સંબંધ છે એનું કોઈ નામ નથી,
એ તો બાવન બાહેરો છે, વાણીનું કોઈ કામ નથી.

એને કોઈ રૂપ નથી, આંખથી એ ન જોઈ શકાય,
એના ઘાટ ઘડ્યા નથી, એને ક્યાંય ન પ્રોઈ શકાય;
એ તો નિર્ગુણ છે, એને કોઈ અર્થ, કોઈ કામ નથી.

એની સાથે તુલનામાં સુવર્ણનો કોઈ તોલ નથી,
હીરા, મોતી ને માણેક એના જેવા અણમોલ નથી;
એના મૂલ્યાંકન માટે કોઈ તોલા, કોઈ ગ્રામ નથી.

જુલાઈ, ૨૦૧૪
 

હવેથી હું તમને નહિ ચહું

તમે કહો છો, ‘હવેથી હું તમને નહિ ચહું’,
ભલે ! પણ ‘હવેથી હું તમને નહિ ચહું’ એવું હું નહિ કહું.

એથી આપણો આ પરસ્પરનો પ્રેમ કદી મરશે નહિ,
ને તો પછી તમે જે કંઈ ક્હેશો એનો અર્થ સરશે નહિ;
હું તમને ચાહ્યા જ કરીશ એથી હું તો એકલતા નહિ સહું.

જેને કદી ન ચાહ્યું હોય એને પછી ચાહવું સોહ્યલું છે,
જેને સદા ચાહ્યું હોય એને પછી ન ચાહવું દોહ્યલું છે;
ચાહવું કે ન ચાહવું એવી દ્વિધામાં હું તો ક્યારેય નહિ રહું.

જાન્યુઆરી, ૨૦૧૫
 

નેવ્યાશીમે

[1]
વાતમાં ને વાતમાં નેવ્યાશી વર્ષો તો ગયાં, કાલથી નેવુ થશે,
બાકી જે કૈં રહ્યાં જોતજોતામાં જશે, એમાં આયુષ્ય કેવું હશે ?
આજ લગી વરસોવરસ જેવું સુખે ગયું હવે એવું જશે ?

જન્મ પૂર્વે ને મૃત્યુ પછી અંધકાર છે, એ સત્ય હું ગ્રહી શકું,
જન્મ્યા પછી હવે પ્રકાશ મેં જોયો નથી એવું નહિ કહી શકું;
આ જગતમાં પ્રકાશથી વિશેષ એવું કશું જોવા જેવું હશે ?

મારું મોટું સદ્ભાગ્ય ! મને પ્રેમ મળ્યો, મૈત્રી મળી, કાવ્ય મળ્યું;
આયુષ્ય જાણે કે એક સપનું હોય એમ ફૂલ્યું, ફાલ્યું ને ફળ્યું;
અંતે આ દેહ ભસ્મમાં ભળી જશે, પછી જેવું હતું તેવું થશે.

૧૮ મે, ૨૦૧૫
 

આટલું મારે માટે બસ છે

તમે મને એક વાર ચાહ્યો હતો – આટલું મારે માટે બસ છે.
જેણે પ્રેમ ખાતર પ્રેમ કર્યો એને અન્ય કશામાં શો રસ છે ?

જાતજાતનો પ્રેમ આ સંસારમાં સુલભ છે,
પ્રેમથીયે પર હોય એવો પ્રેમ દુર્લભ છે.
તમે નિષ્કામ ને નિષ્કારણ પ્રેમ કર્યો એનો તમને યશ છે.

ધન, સત્તા, કીર્તિ આ સંસારમાં સ્વર્ગતુલ્ય છે,
એ સૌની તુલનામાં પ્રેમ સૌથી મોટું મૂલ્ય છે.
તમારા એ પ્રેમની તુલનામાં સ્વર્ગોનુંયે સ્વર્ગ એવી તે શી વસ છે ?

૧. સપ્ટેમ્બર, ૨૦૧૫
 

આ એ જ ઘર છે ?

આ એ જ ઘર છે જે અર્ધી સદી પૂર્વે મેં હસતું રમતું જોયું હતું !
એ જીવતું જાગતું હતું એથી તો એની પર મારું મન મોહ્યું હતું.

આ જ ઘરમાં આપણે બે પ્રથમ વાર મળ્યાં હતાં,
આ જ ઘરમાં આપણે બે પરસ્પરમાં ભળ્યાં હતાં;
આ જ ઘરમાં આપણે આપણા વ્યક્તિત્વને એકમેકમાં ખોયું હતું.

આ જ ઘરમાં હવે આપણાં બેનાં પ્રેત વસી રહ્યાં,
અહીં શૂન્યતામાંએ કેવું ખડખડાટ હસી રહ્યાં;
આ એ જ ઘર છે જે વરસો પૂર્વે એક વાર સ્વર્ગ સમું સોહ્યું હતું ?

૧. સપ્ટેમ્બર, ૨૦૧૫
 

કોઈ ભેદ નથી

હવે તમે મને ચાહો કે ન ચાહો એમાં કોઈ ભેદ નથી,
હવે તમે નિકટ હો કે દૂર હો એનો કોઈ ખેદ નથી.

તમે મને ચાહ્યો’તો એ કથા શું શૂન્યમાં શમી જશે ?
આયુષ્યના અંત લગી એ તો સ્મરણોમાં રમી જશે.
અતીત અને અનાગત એ બેની વચ્ચે કોઈ છેદ નથી.

મારા અસ્તિત્વને તમે ક્યારેય તે નહિ હરી શકો,
જે હતું તેને ન હતું એવુ તમે નહિ કરી શકો;
જે મિથ્યાનેયે સત્ય માને એવો પાંચમો કોઈ વેદ નથી.

ડિસેમ્બર, ૨૦૧૫
 

અધૂરૂં

તે દિવસે તમારા ઘરમાંથી વિદાય થતો હતો
(ત્યારે જાણ્યું ન’તું હું તમારાથી હંમેશ માટે દૂર જતો હતો),
ત્યારે તમે કહ્યું’તું, ‘થોડુંક અધૂરું છે, પૂરું થશે એટલે કહીશ.’
મેં કહ્યું’તું, ‘ત્યાં લગી તમારાથી દૂર રહીશ.’
‘પૂરું થશે એટલે કહીશ’, એ શબ્દોને વર્ષો થયાં,
તમારા મૌનમાં ને મૌનમાં વર્ષો ગયાં;
જાણું નહિ કેમ પણ મેંય તે તમને પૂછ્યું નહિ: ‘પૂરું થયું ?’
મારું એ પૂછવાનું પણ અધૂરું રહ્યું.
કોઈનુંયે ક્યારેય બધું પૂરું થયું હોય છે ?
સૌ મનુષ્યોનું કૈં ને કૈં અધૂરું રહ્યું હોય છે.
અલ્પજીવી મનુષ્યોની એ નિયતિ,
અપૂર્ણ એવા મર્ત્ય મનુષ્યોની એ ગતિ.
ચિતામાં ખોળિયું તો ભસ્મમાં ભળી જતું હોય છે
તો સાથે સાથે જીવનમાં જે અધૂરું રહ્યું તે પણ બળી જતું હોય છે.

૨૧ જાન્યુઆરી, ૨૦૧૬
 

હણી નહિ શકો

તમે મારા અસ્તિત્વને હણી નહિ શકો,
ભૂતકાળને ભૂલી તમે સ્વપ્નોની જાળ વણી નહિ શકો.

કાળની ચિરગતિમાં આજની કાલ થતી હોય છે,
સ્મરણોની સ્થિતિમાંથી કાલ ક્યારેય જતી હોય છે ?
મને, તમારા ભૂતકાળને તમે અવગણી નહિ શકો.

આજ પછી તમે જે કૈં મનમાન્યાં ગીત ગાયાં હશે,
તેની પરે આજ લગી જે કૈં કર્યું તેની છાયા હશે,
વિસ્મૃતિ ને વંચનાના પાયા પર કશું ચણી નહિ શકો.

મે, ૨૦૧૬
 

દ્વિધા

હું મને અનેક વાર પૂછું છું: શું હું તમને ધિક્કારું છું ?
ને તોયે રાતદિન હું તમને મારા હૃદયમાં ધારું છું ?

ક્ષણેક્ષણ હું આ દ્વિધામાં રહું છું,
મૃત્યુ પૂર્વે મૃત્યુની વ્યથા સહું છું;
તમને મારા હૃદયમાંથી દૂર કરવામાં હું હારું છું.

હવે ક્યાંથી કહું: ‘તમે દૂર જાઓ !’?
ને જો તમે જાતે જ દૂર ન થાઓ
એથી તો હું તો મરું છું ને સાથે સાથે તમનેય મારું છું.

મે, ૨૦૧૬
 

સર્વસ્વ મળી ગયું

મને તમારો પ્રેમ મળ્યો, એમાં તો તમારું સર્વસ્વ મળી ગયું,
હું સદ્ભાગી, જાણું નહિ મારું એવું તે કયું પુણ્ય ફળી ગયું.

મારી પાસે શું ન્હોતું ? ધન હતું, કીર્તિ હતી, ન હતો એક પ્રેમ,
એ પ્રેમ મને મળ્યો, સર્વસ્વ મળ્યું, હવે એ જ મારું યોગક્ષેમ;
એ પ્રેમની પાવક જ્વાળામાં મારું જે કૈં પાપ તે પ્રજ્વળી ગયું.

તમારો પ્રેમ તો મૃત્યુંજયનો મંત્ર, હવે મૃત્યુનો જય નથી,
મૃત્યુ ભલેને ગમે ત્યારે આવે, હવે મને મૃત્યુનો ભય નથી;
એ પ્રેમ તો ચિરંતન, હવે મૃત્યુ પૂર્વે મરવાનું ટળી ગયું.

મે, ૨૦૧૬
 

નેવુમે: કાવ્ય અને કૃતાર્થતા

મિત્રો,
આજે મને નેવુ વર્ષ પૂરાં થાય છે. વર્ષોથી તમે સૌ મિત્રો પ્રેમ વરસાવો છો. આજે તમે સૌેએ સાથે મળીને જે પ્રેમ વરસાવ્યો છે એ માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. તમારા પ્રેમને હું પ્રણામ કરું છું. એનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું અને ધન્યતા અનુભવું છું.
મનુષ્યની અનેક વિશેષતાઓ છે. એને કાળનું ભાન છે. એ એની એક મુખ્ય વિશેષતા છે. એથી એ જાણે છે કે એના આયુષ્યને અવધિ છે. ઉપનિષદના ઋષિએ આયુષ્યની સો વર્ષની અવધિ આંકી છે. મને લાગે છે કે હું સો વર્ષ જીવી શકીશ. તમારો પ્રેમ મને જિવાડશે.
આજના જન્મદિવસ માટે મેં એક કાવ્ય રચ્યું છે: ‘નેવુમે’. નેવુ વર્ષ થયાં હોય અને દસમા દાયકામાં પ્રવેશ થવાનો હોય ત્યારે એક વાર મૃત્યુ તરફ નજર નાંખવી જોઈએ. આ કાવ્યમાં મૃત્યુને સંબોધન છે. પણ આ મૃત્યુનું કાવ્ય નથી. આ જિજીવિષાનું કાવ્ય છે, જીવવાની ઇચ્છાનું કાવ્ય છે:

નેવુમે

મૃત્યુ, હું જાણું છું તું કેમ આવતું નથી
તારે આવવું નથી એવું નથી, પણ તું ફાવતું નથી.
નેવુ વરસ લગી તો તારે ધીરજ ધરવી !
એક દાયકો રહ્યો ત્યાં શું અધીરાઈ કરવી ?
આ તો તને સહજ પૂછ્યું, બાકી તને કોઈ તાવતું નથી.
આવવું છે ? આવ ! તને કોઈ રોકટોક નથી,
તું જો આવીશ તો મને કોઈ હર્ષશોક નથી;
હું જાણું છું તું તો સાવ મૂંગું છે, કદી કશું ક્હાવતું નથી.

૧૮ મે, ૨૦૧૬
 

મેં કેટકેટલાં મૃત્યુ જોયાં !

મેં કેટકેટલા નાના, મોટા ને સમવયસ્ક મિત્રો ને સ્વજનો ખોયા !
મારું જીવન ધન્ય હોય તો એ સૌનો પ્રેમ એનું કારણ,
પ્રેમ એ તો આ મર્ત્યલોકમાં મૃત્યુનું એકમાત્ર વારણ;
હવે નહિ કહું મેં એ સૌ ખોયા, એ સૌ મારી સ્મૃતિમાં સદાયના સોહ્યા.
થોડાક નાના મિત્રો રહ્યા, એમનો પ્રેમ મળતો રહેશે.
મારાં બકીનાં સૌ વર્ષમાં એ તો સતત ફળતો રહેશે;
જાણું ના કેમ કાળભગવાન મારા ભાગ્ય પર આટલું મોહ્યા.

૧૮ મે, ૨૦૧૬
 

એકાણુમે

જ્યારે આ સાંજ ધીમેધીમે નમતી જાય,
ત્યારે આ કોની છાયા ધીમેધીમે ભમતી થાય ?

ત્યારે સવારનાં ઝાકળનાં રૂપ
અને બપોરના તડકાના ધૂપ,
એ સૌની સ્મૃતિઓ મારા મનમાં રમતી થાય.

જ્યારે સાંજ ભાર સૌ ખમતી થાય
અને દૂર ક્ષિતિજે શમતી જાય
ત્યારે કોઈની છાયામૂર્તિ મને ગમતી જાય

૧૮ મે, ૨૦૧૭
 

મૃત્યુને (એક)

મૃત્યુ, મારા જન્મ સાથે તારો જન્મ.
પણ ત્યારે તો તું દૂર, દૂર.
દૂરથી તારો ચહેરો જોયો હતો, ઝાંખો ઝાંખો,
ક્યારેક કઠોર, ક્યારેક કોમળ.
જેમજેમ હું જીવતો ગયો,
તેમ તેમ હું તારી નિકટ થતો ગયો.
તોયે હજીયે તું દૂર.

હવે આજે તું નિકટ.
નિકટથી તારો ચહેરો જોઉં છું, સ્વચ્છ સ્વચ્છ,
સદા શાન્ત, સદા સૌમ્ય.
હવે આજે તું અતિ નિકટ.
ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું,
ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું.
ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.

૧૮ મે, ૨૦૧૭
 

આ તમારો પ્રેમ

કથીર હોય કે હેમ,
ના, ના, ના જોઈએ આ તમારો પ્રેમ !

એ ક્ષણમાં સહી ને ક્ષણમાં નહીં,
એ ક્ષણમાં અહીં ને ક્ષણમાં તહીં,
તો ભલેને જે છે તે એમનું એમ !

મિલનમાં દુ:ખ, વિરહમાં સુખ;
તમારા પ્રેમનાં આ કેવાં બે મુખ,
એ ન ફરે આમ ને ન ફરે તેમ !

ડિસેમ્બર ૨૦૧૭
 

પ્રેમ મૈત્રીમાં ફળે

તો પ્રેમ મૈત્રીમાં ફળે,
પ્રેમમાં જે હું તું છે, ને જે મોહ છે તે જો ટળે !

મોહમાં આરંભ, એ મોહનો અર્થ,
પ્રેમમાં અંત, મોહ ન હોય વ્યર્થ,
નદી નમતી નમતી અંતે સમુદ્રમાં ભળે.

મૈત્રી એ તો પ્રેમનું અંતિમ રૂપ,
સુખડ બળે પછી અંતે એ ધૂપ;
મૈત્રીમાં પ્રેમ એના વિશ્વરૂપમાં ઝળહળે !

ડિસેમ્બર ૨૦૧૭
 

મિત્રો થવું કાંઈ સહેલું નથી

પુરુષ: આપણે બે મિત્રો ન થયાં તે ન જ થયાં.
          આપણે મિત્રો થવા મથ્યાં, એમાં કેટકેટલાં વર્ષો ગયાં.
સ્ત્રી: શું મારું માન અભિમાન કારણ હશે ?
          શું તમારો સંકોચ સંયમ ભારણ હશે ?
          આશ્ચર્ય છે કે આપણે એકમેકને આટલાં વર્ષો સહ્યાં.
પુરુષ: વર્ષો ગયાં ? મૈત્રીમાં મોડું વહેલું નથી,
          કારણ ? મિત્રો થવું કાંઈ સહેલું નથી,
          તો ભલે આપણે આમ એકમેકથી દૂર એકલાં રહ્યાં.

જાન્યુઆરી, ૨૦૧૮
 

મૃત્યુને

મૃત્યુ, તું માને છે કે હું તારાથી ડરીશ,
તું આવીશ એ ક્ષણે તને કાલાવાલા કરીશ.

એ ક્ષણ મારા જીવનની અંતિમ ક્ષણ હશે,
એ ક્ષણે મારી ચિરવિદાયનો ઉત્સવ થશે.
એને અંતે શું તું એ જાણે છે કે તું ક્યાં ઠરીશ ?

એ ઉત્સવમાં તું સતત મારી સાથે રહીશ,
એ ક્યારે સમાપ્ત થશે તે તું જ મને કહીશ,
પછી હું તો મરીશ પણ સાથે તું યે મરીશ.

જાન્યુઆરી, ૨૦૧૮
 

  1. ૨૦૧૫ના મેની ૧૮મીએ મારી નેવ્યાશીમી જન્મતિથિ નિમિત્તે ડૉ. પ્રીતિ મહેતા અને ડૉ. રૂપેશ મહેતાએ એમના નિવાસસ્થાને મિત્રમિલન અને રાત્રિભોજન યોજ્યું હતું તે પ્રસંગે વંચાયું.