ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/મથુરાદાસ જેરામ

From Ekatra Wiki
Revision as of 01:07, 5 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મથુરાદાસ જેરામ

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઇસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં

હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલિ આપું
એની કરુણભવ્ય ગાથા રચું
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો
ભડનો દીકરો હતો એ
તડ ને ફડ હતો એ
મને એકંદરે ગમતો

શરૂઆતરૂપે કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો
એ વિધવિધ ફૂલોને રોપતો, ઉછેરતો
મન મૂકીને ખડખડ હસતો
તક મળ્યે બહારગામ જઈ
વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો
ઝનૂની ઘોડા પલાણતો

ઉનાળાની રાત્રિએ
તારાઓની નિકટમાં સૂઈ જતો

(ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી
જુઓને, થોરો નામનો ફિલસૂફ શહેર મૂકી દઈ એકાંત સરોવર-તીરે વસતો
એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ ફિક્કો પડી જાય)

પણ હા, મથુરાદાસ વેપારી બળૂકો, હોં
ત્રીસ વરહ સુધી દરરોજના દહ દહ કલાક
પેઢી પર રચ્યોપચ્યો રે’
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફૅક્ટરી નાખવી, રેતીવાળા રોટલા
ખાઈને પડી રે’વું
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડો
ફિકર, પ્રામાણિકતા, ઝઘડા, મહત્ત્વાકાંક્ષા
અજવાળું વિખેરાતું હતું
મથુરાદાસનું કોડિયું બે વાટે બળતું હતું

(તમે ઇમ્પ્રેસ નહીં થાઓ
કદાચ તમારો બૉસ
સામાન્ય ગુમાસ્તામાંથી
કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય
તમે કહેશો કે યાર, સફળતા એને કહેવાય
મથુરાદાસનું તો જાણે... સમજ્યા)
જો કે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
શરીરે
એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં
વગડાઉ કાગડાનો પગ તૂટી જાય
પછી ન વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે
ન પિંજરે બેસીને લોકોનું મનોરંજન
એવી સ્થિતિ થઈ હતી
પણ લાચારીને મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહ્યો
આ મોત સાથેનો પ્રવાસ હતો
અને તેણે સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી

(માળુ, આયે તમને નહીં જામે
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાખી
જેમાં કૅન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય
ના, હવે આ ફૉર્મ્યુલા તમને નહીં ચાલે)

તો, માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ
હું તારા માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી
વાતચીત કે વર્ણનોથી
વાઙ્મય મંદિર ચણી શકતો નથી
જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં પીંછાં ઓઢાડી શકતો નથી
તારાં સંદર્ભનાં નગ્ન ડિલ પર
એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા