ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/રામરાજ્ય

From Ekatra Wiki
Revision as of 07:55, 13 April 2024 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search
રામરાજ્ય


(બધાં રામાયણોમાં સૌથી પહેલું અને અધિકૃત તે વાલ્મીકિ રામાયણ. પોતાના અદ્ભુત ચરિત્રનાયક રામ વિશે વાલ્મીકિ કહે છે કે તે વિદ્વાન, સમર્થ, ચરિત્રવાન, કોઈની ઈર્ષ્યા ન કરનાર, અને કૃતજ્ઞ છે. સુભગતા, વિવેક અને ત્વરિત બુદ્ધિમાં તેમની બરાબરીનું કોઈ નથી. મિષ્ટભાષી રામ કોઈના એક ઉપકારથી ખુશ રહે છે. પણ સેંકડો અપકારો યાદ રાખતા નથી. અસત્ય તો બોલે જ નહીં. વક્તા બૃહસ્પતિ જેવા. બીજાના અવગુણ હોય તેટલી સ્પષ્ટતાથી પોતાના દોષ જાણે. સ્વભાવે ઋજુ. ત્યાગ અને ધર્મબુદ્ધિના ગુણો રામને લોકોત્તર કક્ષામાં બેસાડે છે. પોતાના કથાનાયકના આવા ગુણો દર્શાવનાર વાલ્મીકિએ રામની કેટલીક મર્યાદાની સામે આંખમીંચામણાં કર્યાં નથી. પુરુષોત્તમ શ્રી રામને વંદન કરીને, આ કાવ્ય રજૂ કરું છું.)

૧.
જ્યારથી અયોધ્યામાં
રામરાજ્ય ચાલે છે
પુરજનો મહાલે છે

ગુપ્તચર હતા નામે
‘ભદ્ર’, તેને શ્રીરામે
એક વાર તેડાવ્યા

‘લોકવાયકા શી છે?
શી શી બાતમી લાવ્યા?
ડેલે હાથ દઈ આવ્યા?’

આમતેમ જોઈને
ભદ્ર તો શિયાવિયા
જાણે વાચા ખોઈને

‘કોઈ ડર નહીં રાખો
જે કહેવા જેવું હો
સાફ સાફ કહી નાખો.’

‘ટોળમાં વળી ટોળે
સૌ કહે છે, સીતાને
રાવણે લીધી સોડે’

‘આવી નારીનો સંગ
કેમ રાખતા રામ?
એમ પૂછતું ગામ...’

‘વ્હેલી-મોડી શીખવાની
આપણી વહુઓ પણ
જાનકીનાં અપલખ્ખણ’

૨.

રામચંદ્રે તેડાવ્યા
ત્રણે ભાઈઓ, ત્રણે
સદ્ય, સત્વરે આવ્યા

‘શેરી-શેરીએ બંધુ,
જાનકીના ચારિત્ર્યે
હાસ્ય સૌ કરે ખંધું?’

‘યુદ્ધ જીતીને તત્ક્ષણ
ત્યાગતે હું લંકામાં
કેમ સાચુંને, લક્ષ્મણ?’

માંડ માંડ ભુલાવી
એ જ વાત લક્ષ્મણને
પાછી સાંભરી આવી...

૩.

જ્યારે જીત્યા સંગ્રામે
વાત આદરી રામે
વાનરોના સાંભળતાં

‘ધન્ય મારું પૌરુષ ને
વાહ મારી બહાદુરી!
આજ પ્રતિજ્ઞા પૂરી’

સ્વર થતો ગયો ક્રુદ્ધ
‘તારે માટે હે સીતા!
ન્હોતું આદર્યું યુદ્ધ’

‘યશ વધારવા મારો
ને રઘુના કુળનો પણ,
રોળી નાખ્યો મેં રાવણ’

‘સીતા, તું હતી લંકા
રહી રહી પડે શંકા
સેવ્યો તેં દશાનનને?’

‘જા હવે સુખેથી જા
અન્ય કોઈની પાસે
ના રહીશ મુજ આશે’

ઓશિયાળી, અણજાણી
રામના વચનબાણે
આરપાર વીંધાણી

‘મારી અલ્પબલ કાયા
તેને સ્પર્શે રાવણ તો
શું કરું રઘુરાયા?’

‘રુદિયે વસ્યા રામ
અન્ય ના વસ્યું કોઈ
...કેમ બોલતા આમ?’

છેવટે કહે સીતા
‘મારી ગોઠવો ચિતા
એ સિવાય ક્યાં જાઉં?’

૪.

આ તરફ અયોધ્યામાં
રામ બોલે ગુસ્સામાં
‘સાંભળી લે, સૌમિત્રી!

પોહ ફૂટતાં તારે
જાનકીને મૂકવાની
મારા દેશની બારે

જો કર્યું છે આજ્ઞાનું
લેશ માત્ર ઉલ્લંઘન
સાંખી નહીં લઉં લક્ષ્મણ!’

૫.

પ્રાતઃ કાળમાં લક્ષ્મણ
પોતે રથ લઈ આવ્યો
‘તમને બહુ હતું ને મન....

...ગંગા તીરે આવેલા
આશ્રમોને જોવાનું?
ચાલો, લેવા આવ્યો છું’

હોંશે હોંશે લાવીને
દક્ષિણાની સામગ્રી
સીતા બેઠી આવીને

જાહ્નવીને ઓળંગી
કાંઠે ઊતરી, તત્ક્ષણ
ડૂસકે ચડ્યો લક્ષ્મણ

‘મોત આવે તો સારું!
મારે ભાગે કાં આવ્યું
કૃત્ય આવું હિચકારું?

નિષ્કલંક વૈદેહી!
દેવી, મામ્ ક્ષમામ્ દેહિ!
રામે ત્યાગ્યા છે તમને’

જાય પાછો નૌકામાં
સૂનમૂન ઊભી છે
સીતા, વનના ટૌકામાં

૬.

ઊભી ઊભી રુએ છે
જાનકીને વાલ્મીકિ
ભીની આંખે જુએ છે

૭.

‘સીતા,
તું ડરીશ નહીં,
આ રામરાજ્ય નથી

આ કાંઠેથી
રાજ્યસત્તા સમાપ્ત
કવિસત્તા શરૂ

તારું જ ઘર છે આ
વસવું હોય ત્યાં સુધી વસ, સુખેથી
અહીં
મારા કાવ્યમાં’

આધાર : વાલ્મીકિ રામાયણ, સમીલિત આવૃત્તિ
છંદવિધાન : ગાલગા લગાગાગા

(૨૦૧૯)


૧ કીદ્રશં હૃદયે તસ્ય સીતા સંભોગજં સુખમ્
અંકમારોપ્ય તુ પુરા રાવણેન બલાધ્રુતામ્
(ઉત્તરકાંડ, ૪૨ઃ૧૭)
૨ રાવણાંકપરિભ્રષ્ટાં દ્રષ્ટાં દુષ્ટેન ચક્ષુષા
કથં ત્વાં પુનઃરાદદ્યાં કુલં વ્યપદિશન્મહત્
(યુદ્ધકાંડ, ૧૦૩ઃ૨૦)
૩ (યુદ્ધકાંડ, ૧૦૩ઃ૨૨/૨૩)