સિગ્નેચર પોયમ્સ/પૂણ્યસ્મરણ – દલપત પઢિયાર

From Ekatra Wiki
Revision as of 02:15, 21 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પુણ્ય સ્મરણ

દલપત પઢિયાર


અમને કોની રે સગાયું આજ સાંભરે.
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે...
કોની ૨ે સગાયું આજ સાંભરે

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
આઘે લે’ર્યુંને આંબી કોણ ઊઘડે...
કોની રે સગાયું આજ સાંભરે.

આજે ખોંખારા ઊડેે રે સૂની શેરીએ,
ચલમ–તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ...
કોની રે સગાયું આજ સાંભરે.

માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે;
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે...
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ...
અમને સાચી ૨ે સગાયું પાછી સાંભરે.