સિગ્નેચર પોયમ્સ/પપ્પા, હવે ફોન મૂકું? – મનોહર ત્રિવેદી
Jump to navigation
Jump to search
મનોહર ત્રિવેદી
તો, પપ્પા, હવે ફોન મૂકું?
તમનેયે મોજ જરી આવે તે થયું મને STD-ની ડાળથી ટહૂકું?
હૉસ્ટેલને?...હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટાંમાં સચવાતું ફૂલ
તોય એ તો ઉઘડે છે... રંગભર્યું મહેકે છેે... ડાળખીમાં કરે ઝૂલાઝૂલ
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું...
મમ્મીબા જલસામાં?... બાજુમાં ઊભી છે?... ના ના... તો વાસણ છો માંજતી
કે’જો આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો...ભોળી છે...ચિન્તાળુ...ભૂલકણી...પાડજો ના વાંકું કે ચૂંકું...
શું લીધું?... સ્કૂટરને? ...ભારે ઉતાવળા... શમ્ભુ તો કે’તો’તો ફ્રિજ
કેવા છો જિદ્દી?... ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
તો, પપ્પા, હવે ફોન મૂકું?