ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/વિવેચન
પંડિતયુગમાં અવલોકનાત્મક, પૃથક્કરણાત્મક, ભાવ્યાત્મક તેમજ નિજની મુદ્રાવાળી સમન્વયદર્શી વિવેચનપદ્ધતિઓ આપણે ત્યાં ફૂલીફાલી છે; અને એ સર્વ પર ભારતીય તેમ જ પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાની પદ્ધતિઓનો પુટ બેઠેલો છે. ગયો દાયકો આનંદશંકર, ઠાકોર, કેશવલાલ, રામનારાયણ, મુનશી, વિશ્વનાથ, વિષ્ણુપ્રસાદ, નવલરામ ત્રિવેદી, ડોલરરાય, મેઘાણી, અનંતરાય, મનસુખલાલ, ઉમાશંકર જેવા વિવેચકોના વિવેચનસંગ્રહોથી સમૃદ્ધ હતો. એમાં નીડર, વિશદ, પૃથક્કરણશીલ, સૌન્દર્યલક્ષી, મૂલગામી એમ વિવિધ પ્રકારનાં વિવેચનોથી સત્ત્વશીલ બનેલું વિવેચનસાહિત્ય આ૫ણને પ્રાપ્ત થયું હતું. આ દાયકામાં પણ આનંદશંકર, ઠાકોર, રામનારાયણ, વિજયરાય, સંજાના, ઉમાશંકર, મનસુખલાલ, રામપ્રસાદ બક્ષી, કે. કા. શાસ્ત્રી, મંજુલાલ મજમુદાર, રતિલાલ જાની, સુરેશ જોશી જેવા વિવેચકોના વિવેચનસંગ્રહો સાંપડ્યા છે, તો કૃષ્ણલાલ ઝવેરી અને રામલાલ મોદીના અભ્યાસયુક્ત લેખસંગ્રહો પણ પ્રકટ થયેલા છે. ન્હાનાલાલ, મેઘાણી, મણિલાલ, બાલાશંકર અને ગોવર્ધનરામના સ્મારકરસ્મૃતિ તેમ શતાબ્દી ગ્રંથો પણ આ દાયકાએ ઉપલબ્ધ કરી આપ્યા છે. એમાંના કેટલાક લેખો તે તે સર્જકના અભ્યાસ માટે ઉપકારક થાય એવા સ્વાધ્યાય-લેખો છે. ગોવર્ધન શતાબ્દી ગ્રંથ તો આપણા શ્રેષ્ઠ સર્જક ગોવર્ધનરામ વિશે લખાયેલા વિવેચન-લેખોને એક જ ગ્રંથમાં સુપ્રાપ્ય કરી આપે છે. ગુજરાત સાહિત્યસભાની કેટલેક અંશે અનિયમિત બનેલી છતાં અત્યારસુધીમાં પ્રગટ થયેલી છ જેટલી વાર્ષિક સમાલોચનાઓ, ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રયોજાતાં અને ગ્રંથસ્થ થતાં 'વાર્ષિક વ્યાખ્યાનો’ તેમ જ 'વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા', ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ થતા તેનાં સંમેલનોના અહેવાલ-નિબંધસંગ્રહ-આ સઘળું આ દાયકાને પણ જમે પક્ષે છે. આમાના કેટલાક અધ્યયનલેખો આપણી વૈચારિક જાગૃતિ અને વિદ્વત્તાના પ્રતિનિધિરૂપ બની રહે એવા છે. આ દશકાના વિવેચન-સાહિત્યને કંઈક આ રીતે અવલોકી શકાય: (૧) આપણા ગઈ પેઢીના પીઢ અને વર્તમાન પેઢીના વિદ્વાન વિવેચકો તરફથી પ્રાપ્ત થયેલા વિવેચનસંગ્રહોમાં આનંદશંકરનો 'વિચારમાધુરી' ભાગ-૨, બળવંતરાયનાં ‘વિવિધ વ્યાખ્યાનો' ગુચ્છ-૩ અને 'પ્રવેશકો’ ગુચ્છ-૧ તે તે વિવેચકની સંપન્નતાનો પૂરતો ૫રિચય આપી રહે છે. આનંદશંકરનો લેખસંગ્રહ મુખ્યત્વે કેળવણી વિષયક, ગ્રંથપરિચયો અને વ્યક્તિ પ્રસંગોને લગતી 'વસંત’-નોંધો છે, જ્યારે બળવંતરાયે ૧૯૧૨થી ૧૯૪૯ના ૩૭ વર્ષના ગાળા દરમિયાન ‘ગુજરાતનાં પ્રશસ્તિકાવ્યો', 'સાહિત્ય અને શીલ', 'આપણા ઈતિહાસના યુગો', 'એક લિપિ-એક ભાષા’ જેવાં જુદે જુદે સ્થળે આપલાં વ્યાખ્યાનો વિચારક અને વિવેચક ઠાકોરનું દર્શન કરાવે છે. એમના 'પ્રવેશકો', 'પારિજાત', 'આપણી કવિતાસમૃદ્ધિ', ‘દિવ્યચક્ષુ' વગેરે કવિતા, નવલકથા, નવલિકા આદિ પુસ્તકોના એમણે લખેલા ૧૭ અભ્યાસનિષ્ઠ પ્રવેશકો છે. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, અંગ્રેજી અને બંગાલી પુસ્તકોના અનુવાદો માટે લખેલા આ 'પ્રવેશકો ’માં ઠાકોરની, અને રામનારાયણના 'સાહિત્યાલોક'ના 'કાવ્ય અને સત્ય’, ‘ક્ષેમેન્દ્રની ઔચિત્યવિચારચર્ચા' જેવા મૂલગામી સૈદ્ધાંતિક ચર્ચાના લેખો તેમજ ‘સરસ્વતીચન્દ્ર', ગાંધીજી, કાલેલકર અને આનંદશંકરવિષયક એમના અધ્યયનલેખોમાં પાઠકસાહેબની-સાહિત્યપદારથ વિશેની સૂક્ષ્મ સમજનો પરિચય થાય છે. ડોલરરાયની ‘સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો'વાળી નાનકડી પુસ્તિકા એમની સંસ્કૃત સાહિત્યમીમાંસાની ઊંડી પર્યેશષણા અને મૌલિક સાહિત્યદૃષ્ટિનો પરિચય આપી રહે છે; રામપ્રસાદ બક્ષીનું 'નાટ્યરસ' પણ એ વિદ્વાન વિવેચકની સંસ્કૃત રસશાસ્ત્રમાંની ઊંડી ગતિનો ખ્યાલ આપવા સાથે કવિતા-નાટકમાં થતી રસનિષ્પત્તિની પ્રક્રિયા વિશદતાથી સ્પષ્ટ કરી આપે છે. રતિલાલ જાનીનું ‘કાવ્યાલોચન' પણ લેખકના ભારતીય સાહિત્યમીમાંસાના અભ્યાસને સુલભ કરે છે. બીજી બાજુ, શ્રી જ. એ. સંજાનાનો 'અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો' વ્યુત્પન્ન વિદ્વાનના લેખોનો સંગ્રહ છે. ગુજરાતી સાહિત્યના એમના અનુશીલનનું અંગ્રેજી પુસ્તક 'સ્ટડીઝ ઇન ગુજરાતી લિટરેચર' પણ, ક્યાંક દૃષ્ટિભેદ રહે છતાં, એમનાં સ્વકીય મૂલ્યાંકનોની મૂલ્યવત્તાવાળું છે. એમના કેટલીકવાર એકતરફી લાગતા અભિપ્રાયો સાચે જ આપણને વિચાર કરતા કરી મૂકે એવા છે. શ્રી વિજયરાયનું 'ગત શતકનું સાહિત્ય' કેટલાક શિક્ષણાચાર્યો, સાંસ્કારિક બળો તેમ જ જૂના-નવા પત્રસાહિત્યનો અચ્છો પરિચય કરાવે છે. રમણલાલ દેસાઈની સાહિત્યવિષયક વિચારણા તેમ જ ધર્મવિષયક ચિંતન રજૂ કરતું 'સાહિત્ય અને ચિંતન' પણ અહીં સ્મરી લઈએ. અનંતરાય રાવળનાં 'સાહિત્યવિવેક' અને 'સાહિત્યનિકર્ષ'-માંનાં કૃતિનિષ્ઠ અને કર્તાનિષ્ઠ તેમજ પ્રવાહદર્શન કરાવનારાં સહૃદયી વિવેચનો એક આજન્મ અધ્યાપકની અભ્યાસપરાયણતાનાં દ્યોતક છે. મનસુખલાલ ઝવેરીનું ‘પર્યેષણા' વિવેચકની નીડરતા અને વિશદ તેમ જ ક્રમિક રજૂઆતથી આકર્ષી રહે છે. અંબાલાલ પુરાણનું ‘સાહિત્યની પાંખે’ મનનીય સાહિત્યલેખોનો સંગ્રહ છે. એમાં કાવ્યકલા, નર્મદ-મણિલાલ જેવા સાહિત્યકારો તેમ જ 'સમૂળી ક્રાંતિ' જેવાં પુસ્તકો વિશે ઊંડી વિચારણા છે. કનૈયાલાલ મુનશીનું 'પરિષદના પ્રમુખસ્થાનેથી' એમણે પરિષદનાં ત્રણ અધિવેશનો પ્રસંગે તેમજ અન્યત્ર આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ છે. ધનસુખલાલ મહેતાના 'સર્જનને આરે'માં કાવ્યતર સર્જનોની સમીક્ષા અને સ્વસ્થ ગ્રંથાવલોકનો સંગ્રહાયાં છે. ભાઈલાલ કોઠારીનો ‘વિવેચનસંચય’ સહૃદય અધ્યાપકના અભ્યાસલેખોનો, તો મગનભાઈ દેસાઈનો ‘વિવેકાંજલિ' ૧૩૫ જેટલાં વિવિધ કૃતિઓનાં અવલોકનોનો સંગ્રહ છે. આ સિવાય ‘ત્રિવેણી' [અનામી], ‘આસ્વાદ' [જિતેન્દ્ર દવે] અને 'સાહિત્યસુધા' [જનાર્દન પંડ્યા]માં પણ કેટલાક સાહિત્યવિષયક લેખો નોંધપાત્ર છે. ધનસુખલાલનાં 'રંગોત્સવ', ‘નાટ્યવિવેક' તેમ જ એમનાં અને શ્રી ચન્દ્રવદન મહેતા, ચુનીલાલ મડિયાનાં નાટકની ભજવણી અંગેનાં લખાણો અને હીરાલાલ કાજીની 'ગુજરાતી રંગભૂમિ' પરની પુસ્તકા માહિતીપ્રદ છે. આ સર્વમાં પોતાના મનોહર તેજથી દેદીપ્યમાન શ્રી ઉમાશંકર જોષીના 'અભિરુચિ’, ‘શૈલી અને સ્વરૂપ' તેમ જ ‘નિરીક્ષા' એ ત્રણ વિવેચનસંગ્રહો આપણા વિવેચનસાહિત્યના અલંકારરૂપ બની રહે છે. એમાં વિષય ‘મહાભારતમાં માનવતા’ હોય કે ‘પૂર્વ પશ્ચિમની સાહિત્યક્ષેત્રમાં પારસ્પરિક અસર’નો, લેખ કાલિદાસ, રવીન્દ્રનાથ કે ન્હાનાલાલ વિશે હોય, અવલોકન ‘અભિસાર', 'છંદોલય', ‘ભગવાનની લીલા' કે 'ગાતાં ઝરણાં'નું હોય, પરિચય આન્દ્રે જીદ, એલિયટ કે રોબર્ટ ફ્રોસ્ટનો હોય-લેખકની મૌલિક અને વેધક સાહિત્યદૃષ્ટિ અને એમની તાજગીભરી પ્રસન્નચારુ ગદ્યશૈલી એ વિવેચનલેખોને સર્જનની સમકક્ષ લાવી મૂકે છે. સાહિત્યનાં નિબંધ, એકાંકી, ટૂંકી વાર્તા, સૉનેટ આદિ સાહિત્યસ્વરૂપો, બળવંતરાય, શ્રીધરાણી, હરિશ્ચન્દ્ર ભટ્ટ જેવા કવિઓની કવિતા, ગોવર્ધનરામનું મનોરાજ્ય, પચ્ચીસીની કવિતા, સરસ્વતીચન્દ્ર, માનવીની ભવાઈ કે ભાવીણ જેવી નવલકથાઓ આ સર્વ વિશેના એમના રમણીય નિબંધો એમની ઝીણી મર્મગામી સાહિત્યદૃષ્ટિનો પરિચય આપી વર્તમાન યુગના અગ્રિમ વિવેચક તરીકે એમને પ્રતિષ્ઠિત કરે છે. શ્રી સુરેશ જોશીનો દાયકાના અંતભાગમાં પ્રગટ થયેલ 'કિંચિત્' બૌદ્ધિક જાગૃતિની વાટને સંકોરવાનું શક્ય બનાવે એવા અભ્યાસનિષ્ઠ સાહિત્યલેખોનો સંગ્રહ છે. ‘કાવ્યનો આસ્વાદ' કે 'પ્રતીકરચના’ જેવા એમાંના લેખો આપણી નવ-વિવેચનાને ગૌરવ અપાવે એવા છે. પૂર્વ-પશ્ચિમના સાહિત્ય-'મુનિ’ઓના ચરણે બેસતાં પ્રાપ્ત થયેલી સાહિત્યપદારથની સૂઝ એમને નવતર પેઢીના અગ્રણી વિવેચકરૂપે સ્થાપે એવી છે. (૨) આ દાયકામાં કેટલાક સાહિત્યસર્જકો વિશેના સમગ્રદર્શી અધ્યયનના ગ્રંથો પણ પ્રગટ થયા છે. વિજયરાયનો 'નાનાલાલ કવિની જીવનદૃષ્ટિ'ને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન સમગ્રદર્શી અધ્યયનગ્રન્થ નથી, તેમ છતાં એક જ સર્જકને અવલંબીને આ સ્વતંત્ર પુસ્તિકા પ્રગટ થઈ છે, અને એમાં લેખકે આપણા એ કવિવર પર ટેનિસન, માર્ટિનો આદિ કવિઓ-સંતોની અસરને, એમના જીવનના મહત્ત્વના પ્રસંગોના વર્ણન સાથે, અત્યંત લાઘવથી દર્શાવી છે. રતિલાલ મો. ત્રિવેદીએ પણ ‘મીરાં' વિશે પોતાના વ્યાખ્યાનને એક જ પુસ્તિકામાં ઉપલબ્ધ કરી આપ્યું છે. યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી અંગે રજૂ થયેલા મહાનિબંધો. આ દાયકામાં પ્રકાશિત થયા છે, એથી આપણા કેટલાક સાહિત્યસેવીઓ અને આપણાં કેટલાંક સાહિત્યસ્વરૂપોનાં સાંગોપાંગ અધ્યયન અભ્યાસીઓ માટે સુકર બન્યાં છે. ક્યાંક ક્યાંક એ અધ્યયનગ્રંન્થો અપેક્ષા કરતાં ઓછા ઊતરતા હોય એવી છાપ પણ પડે છે, તેમ છતાં આવાં સમગ્રદર્શી અધ્યયનો વિશેષ પ્રમાણમાં સુલભ થાય એ ઇષ્ટ છે. ધીરુભાઈ ઠાકરનો મણિલાલ નભુભાઈ પરનો સમતોલ સ્વાધ્યાય, અધ્યયનનો સારો આદર્શ રજૂ કરે છે. બિપિનભાઈ ઝવેરીનો રમણભાઈ નીલકંઠ પરનો, સુસ્મિતાબહેન મેઢનો નરસિંહરાવ દિવેટિયા પરનો અને શાંતિલાલ દેસાઈનો ગાંધીજી પરનો મહાનિબંધ – આ દિશાના આવકાર્ય પ્રયત્નો છે. શ્રી કે. કા. શાસ્ત્રીનાં પ્રેમાનંદ અને ભાલણ પરના અધ્યયનો પરંપરાનાં ધેારણેથી એ બંને કવિઓનો વિસ્તારથી પરિચય કરાવે છે. એમાં લેખકે અત્યંત શ્રમ લઈને એકત્રિત કરેલી માહિતી સુસંકલિત કરી આપી છે; પરંતુ આપણા આ બંને સમર્થ ખમતીધર કવિઓ વિશે મૌલિક મૂલ્યાંકનની અપેક્ષા હજી વણસંતોષાયેલી જ રહે છે. શ્રી બાલચન્દ્ર પરીખે ‘રસદૃષ્ટા કવિવર’માં ન્હાનાલાલે ખેડેલા વિવિધ સાહિત્યપ્રકારોની ચર્ચા કરીને એ દ્વારા કવિની કાવ્યકલાનો સહૃદયતાભર્યો અભ્યાસ કરવાનો સંનિષ્ટ યત્ન કર્યો છે. તેમ છતાં ન્હાનાલાલ વિશે હજી. સ્વસ્થ સમતોલ વિવેચનગ્રંન્થને પૂરતો અવકાશ છે. હસિત બૂચનું ‘દલપતરામ – એક અધ્યયન' દલપતરામના સમગ્રદશી અભ્યાસનું, પદવી-અપેક્ષા વિના એક અધ્યાપકના સ્વતંત્ર અધ્યયનનું પ્રાપ્ત થયેલું ફળ છે. માત્ર સાહિત્યકારો જ નહિ, પણ સાહિત્યસ્વરૂપોને કેન્દ્રમાં રાખીને પણ આ દાયકામાં કેટલાંક સ્વતંત્ર પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં ચન્દ્રકાન્ત મહેતાનું 'મધ્યકાળના સાહિત્યપ્રકારો' સૌથી વિશેષ ધ્યાન ખેંચે છે, અને આ પ્રકારનાં અધ્યયનો માટે નમૂનારૂપ બની રહે એમ છે. મંજુલાલ મજમુદારે પણ ગુજરાતી સાહિત્યનાં પદ્યસ્વરૂપો પર સુદીર્ઘ પુસ્તક પ્રકાશિત કર્યું છે, પણ એમાં વિસ્તાર ઝાઝો છે અને કેટલેક સ્થળે શાસ્ત્રીયતાનો પણ ભોગ અપાયો છે. છતાં ખંડી ખંડીને ભરેલી માહિતી, અભ્યાસીઓને, એમાં એક જ સ્થળે ઉપલબ્ધ થાય છે એ મોટો લાભ છે. નંદકુમાર પાઠકનું ‘એકાંકી-સ્વરૂપ અને સાહિત્ય' આ વિષયનું સુરેખ અને સમૃદ્ધ પુસ્તક છે. એમાં સંસ્કૃત સાહિત્યમાં એકાંકીની ઉત્પત્તિ અને એના પ્રકારો તેમ જ પાશ્ચાત્ય દેશોમાં પણ એની ઉત્પત્તિ અને વિકાસ દર્શાવી આ સ્વરૂપની ઝીણવટભરી ચર્ચા કરી છે. એક જ સ્વરૂપની ચર્ચાનું આ સળંગ પુસ્તક આપણા વિવેચનસાહિત્યમાં અત્યંત આવકારપાત્ર છે. જશવંત ઠાકરનું ‘નાટ્યશિક્ષણનાં મૂળ તત્ત્વો' પણ એ વિષેનું ઉપયોગી પ્રકાશન છે. ‘ગુજરાતી નાટ્ય શતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ'માંના કેટલાક લેખોમાં નાટ્યસ્વરૂપ અંગેની સુંદર વિચારણા છે. ‘નાટયશાસ્ત્ર અને આચાર્ય અભિનવગુપ્તાચાર્ય'માંનાં વ્યાખ્યાનોમાં કે. કા. શાસ્ત્રીએ નાટ્યશાસ્ત્રનો રચનાકાળ, અભિનવગુપ્ત અને કાવ્યશાસ્ત્ર અંગે સારી છણાવટ કરી છે. (૩) યુનિવર્સિટી શિક્ષણમાં સ્નાતકકક્ષાએ ગુજરાતી વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી રહી હોવાને કારણે એમને ઉપકારક થવાના આશયથી પણ કેટલાંક પુસ્તકો આ ગાળામાં પ્રકાશિત થયાં છે. એમાંનાં કેટલાંકમાં વિદ્યાર્થી ભોગ્યતા પ્રતિ વિશેષ ઝોક અપાયો છે, તે ક્યાંક ક્યાંક શુદ્ધ વિવેચનનું ધોરણ પણ દૃષ્ટિગોચર થાય છે. કુંજવિહારી મહેતાનાં ‘સાહિત્યરંગ' અને ‘સાહિત્યસ્વરૂપો', જિતેન્દ્ર દવેનું ‘સાહિત્યઘડતર', રણજિત પટેલ અને રામચન્દ્ર પંડ્યાનું 'અર્વાચીન ગુજરાતી સાહિત્ય-સ્વરૂપોનો વિકાસ' આ રીતે નોંધપાત્ર છે. તો ભારતીય સાહિત્યમીમાંસામાં વિદ્યાર્થીઓને શ્રદ્ધેય માર્ગદર્શન આપવાના ઉદ્દેશથી ઈશ્વરલાલ ૨. દવેએ મમ્મટના 'કાવ્યપ્રકાશ'ના ત્રણ ઉલ્લાસોને સંપાદિત કર્યા છે અને વાસુદેવ શાસ્ત્રીએ પણ પછીના કેટલાક ઉલ્લાસો ગુજરાતીમાં સંપાદિત કર્યા છે. જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાએ ભારતીય કાવ્યમીમાંસાનો વિશદ અને અભ્યાસપૂર્ણ પરિચય એમના પુસ્તકમાં પ્રથમવાર જ કરાવ્યો છે. ગુજરાતી, ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનતાં, સંસ્કૃતના કેટલાક અલંકારગ્રંથોની પણ ગુજરાતી-આવૃત્તિઓ પ્રગટ થઈ છે. સહેજ આડા ફંટાઈને અનુવાદના ક્ષેત્રમાં ડોકિયું કરી લઈએ તો વર્સફોલ્ડ અને એબરક્રૉમ્બીની સાહિત્યવિચારણાની બે પ્રસિદ્ધ પુસ્તિકાઓનો શ્રદ્ધેય અનુવાદ નગીનદાસ પારેખે અનુક્રમે ‘સાહિત્યમાં વિવેક’ અને ‘સાહિત્યવિવેચનના સિદ્ધાંતો' એ નામે સુલભ કરી આપ્યો છે. એમણે કરેલ અતુલચંદ્ર ગુપ્તનો ‘કાવ્યજિજ્ઞાસા'નો અને સુરેશ જોશીએ આપેલ વિષ્ણુપદ ભટ્ટાચાર્યની 'સાહિત્યમીમાંસા'નો અનુવાદ પણ આપણા વિવેચનસાહિત્યમાં આવકારપાત્ર ઉમેરણો છે. કે. કા શાસ્ત્રીએ 'સંક્ષિપ્ત ભરત નાટ્યશાસ્ત્ર'માં ભરતના નાટયશાસ્ત્રના સિદ્ધાન્તોનો-તદ્વિષયક અધ્યાયોનો સમશ્લોકી અનુવાદ સુલભ કરી આપ્યો છે.
વિવેચનલેખોનો સંગ્રહ બીજી આવૃત્તિ પામે એ ઘટના પણ આપણે ત્યાં નોંધપાત્ર ગણાવી જોઈએ. મનસુખલાલ ઝવેરીનો ‘થોડા વિવેચનલેખો' સંગ્રહ એની નવી આવૃત્તિમાં ચારેક નવા લેખોના ઉમેરણ સાથે પ્રગટ થયો છે, અને વિવેચક મનસુખલાલનું એમાં ઊજળું દર્શન થાય છે. આ દાયકામાં જેમણે પોતાના વિવેચન કે લેખસંગ્રહો પ્રગટ કર્યા નથી પણ જેમની અવિરત સાહિત્યસાધનાનાં ફળ સામયિકામાં કે અન્યત્ર અધ્યયનલેખરૂપે મળતાં રહ્યાં છે એવા અનેક--આગળ નહિ ઉલ્લેખાયેલા--સંનિષ્ઠ સાહિત્યસેવીઓનું અહીં સ્મરણ કરી શકાય. સર્વ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રસિકલાલ છો. પરીખ, 'દર્શક', નગીનદાસ પારેખ, ગૌરીપ્રસાદ ઝાલા, વ્રજરાય દેસાઈ કાંતિલાલ વ્યાસ, ડૉ. સાડેસરા અને ડૉ. ભાયાણી, યશવંત શુકલ અને રામપ્રસાદ શુકલ, ગુલાબદાસ બ્રોકર, ભૃગુરાય અંજારિયા, નિરંજન ભગત અને બીજા કેટલાક લેખકોના પ્રગટ થયેલા લેખો આપણી વિવેચનામાં માનભર્યું સ્થાન પામે એવા છે. નવતર પેઢીમાંથી જેમણે બેચાર લેખો દ્વારા પણ પોતાનું હીર બતાવ્યું હોય એવા યુવાન સાહિત્યસેવીઓ પણ આપણે ત્યાં ઠીક ઠીક સંખ્યામાં છે, પરંતુ એ સર્વનો ઉલ્લેખ કરવો અહીં ઉચિત ગણ્યો નથી. આ દાયકે એમની સિદ્ધિઓનો વિશેષ જોવો એ કદાચ વધુ પડતી ઉતાવળ ગણાય. આપણાં શિષ્ટ સામયિકો અત્યાર સુધી આપણી વિવેચનાના પ્રકટન માટેનાં વાહન રહ્યાં છે. સાહિત્યપરિષદનો નિબંધ વિભાગ કે લેખકમિલનની ચર્ચાઓ, વિવિધ સ્થળોની વિદ્યાસંસ્થાઓ દ્વારા યોજતાં વ્યાખ્યાનો કે વ્યાખ્યાનમાળાઓ, રેડિયો પરના વિષયો સૂચવીને યોજાતા વાર્તાલાપો, યુનિવર્સિટીના ગુજરાતી વિષયના અભ્યાસક્રમના અધ્યયન-અધ્યાપન અંગે થતા સ્વાધ્યાયો—આ અને આવાં બળોએ આ દાયકાની વિવેચનાને સમૃદ્ધ કરવામાં ઠીકઠીક ફાળો આપ્યો છે. સામયિકોનો સમીક્ષાવિભાગ કે દૈનિક પત્રોના અઠવાડિક સાહિત્યવિભાગો આપણા ગ્રંથાવલોકન વિભાગને સત્ત્વવંત કરવામાં હજી પૂરેપૂરા સફળ થયા નથી, તેમ છતાં એમનો ફાળો ઉલ્લેખપાત્ર તો છે જ. કદાચને આપણી એ કમનસીબી છે કે આપણા કોઈ વિદ્વાન તરફથી ગુજરાતને હજી સાહિત્યમીમાંસાનો સળંગ ગ્રંથ ઉપલબ્ધ થયો નથી. પૂર્વ અને પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોનું પરિશીલન કરીને ઉજ્જવળદૃષ્ટિ બનેલા વિવેચકોની પરંપરા આપણે ત્યાં આનંદશંકરથી ઉમાશંકર સુધી વિસ્તરેલી છે. તેમ છતાં આવો કોઈ શ્રદ્ધેય ગ્રંથ આ૫ણને મળ્યો નથી એ હકીકત છે. આપણા વિવેચનમાં સત્ત્વગર્ભ તાત્તિવક ચર્ચાના, રસલક્ષી-સૌન્દર્યલક્ષી વિવેચનાના પ્રમાણભૂત અને ઉત્તમ લેખો છે; એના એ ખંડદર્શનમાં નિર્મળ કાંચનની દ્યુતિ વિલસે છે, પરંતુ ‘સાહિત્યપદારથ'ની સાંગોપાંગ ચર્ચા-વિચારણાનો વધુ નહિ તો એકાદ ગ્રંથ પણ આવતે દાયકે વર્તમાન પેઢીના પીઢ કે નવતર વિદ્વાનો પૈકી કોઈક તો પૂરો પાડશે જ એવી આશા સેવીએ તો એ વધુ પડતી નહિ જ ગણાય. અત્યારે તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને જીવનલાલ પરીખના નર્મદથી આરંભી કેટલાક વિદ્યમાન વિવેચકોના સાહિત્યવિચારણના બાર લેખોના સંપાદન - 'સાહિત્ય મીમાંસા'(પ્રથમ ખંડ)થી જ સંતોષ માનવો રહ્યો. અલબત્ત, આવા સંપાદનની મૂલ્યવત્તા કાંઈ ઓછી નથી; એનો પ્રવેશક એની ગુણવત્તાને દ્વિગુણિત કરે છે.