અર્વાચીન કવિતા/(૧) દલપતરીતિના કવિતાલેખકો

Revision as of 17:32, 9 July 2024 by Meghdhanu (talk | contribs)

૧. દલપતરીતિના કવિતાલેખકો

મનમોહનદાસ રણછોડલાલ ઝવેરી (૧૮૫૪)
કવેશ્વર રેવાશંકર જયશંકર (૧૮૫૫)
કવીશ્વર ગંગાશંકર જેશંકર (૧૮૫૯)
રણછોડ ગલુરામ (૧૮૬૧)
પ્રભાશંકર શામળજી (૧૮૬૫)
કલ્યાણજી પૂંજારામ યાજ્ઞિક (૧૮૭૧)
દેસાઈ ગોરધનદાસ ગિરધરદાસ (૧૮૭૨)
બુલાખીરામ ચકુભાઈ (૧૮૭૨)
મહાશંકર પીતામ્બર જોશી (૧૮૭૨)
મોહનલાલ દલપતરામ (૧૮૭૨)
લાધારામ વિશ્રામ રઘુવંશી (૧૮૭૨)
અંબાશંકર મહાશંકર ભટ (૧૮૭૫)
બેહેરામજી મેરવાનજી મલબારી (૧૮૭૫)
દીનશા માણેકજી સુતરીઆ (૧૮૯૫)
દાદી એદલજી તારાપોરવાળા (૧૮૯૬)
જમશેદજી રુસ્તમજી ઉમરીગર (૧૯૦૪)
વિદ્યાર્થી શામજી રતનશી (૧૮૭૬)
ઓઝા લલ્લુભાઈ કાલિદાસ (૧૮૭૭)
ગીરજાશંકર મૂળજી ભટ્ટ (૧૮૭૭)
મયારામ રઘુરામ યાજ્ઞિક (૧૮૭૭)
નીલકંઠ જીવતરામ (૧૮૭૮)
આદીતરામ જોઈતારામ (૧૮૭૯)
કવી જેશંગ ત્રીકમદાસ (૧૮૮૧)
છોટાલાલ નરભેરામ ભટ્ટ (૧૮૮૩)
મહેતા પ્રતાપરાય શિવલાલ (૧૮૮૩)
કાશીશંકર મૂળશંકર દવે (૧૮૮૬)
જીવરામ અજરામર ગોર (૧૮૮૬)
કહાનજી ધર્મસિંહ (૧૮૮૮)
નગીનદાસ પુરુષોત્તમ સંઘવી (૧૮૮૮)
શુક્લ નથુરામ સુંદરજી (૧૮૮૮)
પૂજારી જટાશંકર અભેરામ (૧૮૯૦)
બાળકૃષ્ણ ભોગીલાલ પંડ્યા (૧૮૯૦)
છોટાલાલ સેવકરામ (૧૮૯૪)
બાઈ એસ્તેર ખીમચંદ (૧૮૯૫)
કવિ મહાસુખરામ નરભેરામ (૧૮૯૫)
મહાસુખ ચુનીલાલ (૧૮૯૮)
ઉમિયાશંકર ખુશાલરાય જોશી (૧૯૦૦)
ગોપાળજી કલ્યાણજી દેલવાડાકર (૧૯૦૦)
બાપાલાલ ભાઈશંકર ભટ્ટ (૧૯૦૦)
મોહનલાલ ઈશ્વરલાલ ભટ્ટ (૧૯૦૩)
ત્ર્યંબકલાલ મણિશંકર વૈદ્યરાજ (૧૯૦૫)
ધીરજરામ નરભેરામ પુરાણી (૧૯૦૭)
સૌ. દીવાળી નાથાલાલ (૧૯૦૮)
કેશવલાલ જમનાદાસ પાલખીવાળા (૧૯૧૨)
ગણેશ છગન વરતિયા (૧૯૧૪)
કવિ સુંદરજી પૂંજાભાઈ (૧૯૧૫)
કરીમઅલી રહીમભાઈ નાનજીઆણી (૧૯૨૧)
ગં. સ્વ. તાપીગૌરી માણેકલાલ મુનશી (૧૯૨૬)
ઠક્કુર નારાયણ વિસનજી (૧૯૩૦)
હરકીસનલાલ શિવલાલ ભગત (૧૯૩૦)
ભોગીન્દ્ર ન્હા. ભટ્ટ (૧૯૩૫)

દલપતશૈલીના લેખકોમાં સૌથી પ્રથમ નામ મનમોહનદાસ રણછોડદાસ ઝવેરીનું આવે છે. તેઓ ભરૂચમાં રહેતા હતા અને પ્રાર્થનાસમાજના ભક્ત હતા. નર્મદે પિંગળ શીખવા માટે સૌથી પ્રથમ પ્રયાસ તેમની પાસે પત્ર દ્વારા કરેલો, અને ‘મિત્રશિરોમણિ કવ્યોપનામક’ તરીકે તેમને સંબોધીને કહેલું કે ‘તમે મારો કર ગ્રહી પિંગળક્ષેત્રની જાત્રા કરાવશો એમ આશા રાખું છું.’ આનો જવાબ તો મનમોહનદાસ તરફથી તેને મળેલો નહિ, છતાં પિંગળ શીખવા માટે દલપતરામને ટાળી નર્મદ મનમોહનદાસ પાસે જાય છે તે પરથી તે વેળા મનમોહનદાસનું જાણીતા કવિ તરીકે સ્થાન કેવું હતું તે સમજી શકાય તેવું છે. વળી આ સ્તબકમાં કોઈ પણ કવિની પ્રથમ છપાયેલી કવિતા મળતી હોય તો તે તેમની છે. ‘બુદ્ધિપ્રકાશ’ પ્રથમ શરૂ થયું ૧૮૫૦માં, ત્યારે ત્રીજા અંકમાં તેમના કુંડળિયા પ્રથમ જોવા મળે છે. તેમનાં નીચેનાં પુસ્તકો મળી આવે છે : ‘નીતિબોધક’ (૧૮૫૪), ‘હિંદુસ્તાનની નિર્ધનતાનાં મૂળ’ (૧૮૬૦), ‘સ્ત્રીઓના ધર્મ વિશે સુબોધ’ (૧૮૬૨), ‘ઈશ્વરપ્રાર્થના-ગરબીમાં’ (૧૮૭૨), ‘મનોપદેશકીર્તન’ (૧૮૭૯), ‘નીતિભૂષણ’ (૧૯૦૨). મનમોહનદાસની શૈલી પહેલેથી જ ઘડાયેલી લાગે છે. ઝડઝમકની પણ સારી હથોટી તેમનામાં દેખાય છે. તેમના પ્રથમ પ્રસિદ્ધ કુંડળિયામાં ‘અક્કડ’ વિશે તેમની પંક્તિઓમાં આ લક્ષણો દેખાય છે :

અક્કડ લક્કડ થઈ ગયા, સમજો ફક્કડ ભાઈ;
ફક્કડમેં કંઈ સાર નહિ, નહિ અક્કડ ચતુરાઈ.

એમની ‘નીતિબોધક’ બે પોથીઓની પ્રસ્તાવનામાંનું એકવાક્ય પ્રાચીન ઉપલબ્ધ કવિતા અંગે તે વખતના કવિઓના માનસના સૂચક તરીકે મહત્ત્વનું છે. ‘આપણી ગુજરાતી ભાષામાં નીતિસંબંધી કવિતાઓ ઘણી જ થોડી ઇઆ મુતલગ નજરે આવતી નથી. અને જે કાંઈ કવિતારૂપ ગ્રંથો છે તે કુમળા મનનાં બાળકોને તેમજ મોટા માણસોને પણ દુર્ગુણમાં નાખે એવા છે’ આ દૃષ્ટિ દલપતશૈલીના બધા જ કવિઓમાં નિરપવાદ જોવામાં આવે છે. હિંદુસ્તાનની નિર્ધનતાનાં મૂળને લેખકે પહેલું કવિતા રૂપે રચીને પછી તેનો નાટક રૂપે વિસ્તાર કરેલો છે. તેમાં ગુણો, દુર્ગુણો વગેરે દેવીઓનાં પાત્રો બની આવે છે. છંદમાં લખાયેલું આ આપણું પ્રથમ નાટક છે. મનમોહનદાસની સૌથી સારી કૃતિઓ ‘ઈશ્વરપ્રાર્થના’ તથા ‘મનોપદેશકીર્તન’નાં પદોમાં છે. ભાષાની તેમાં તળપદી સુંદરતા સરસ રીતે આવી છે. જેમકે,

પ્રભુ પ્રીતિનો તે સ્વાદ રળિયામણો જો,
જ્ઞાન ધ્યાનનો વઘાર તે સોહામણો જો.
...મ્હારો સરિગત હરી ક્યાંહાં સંતાયો.
શોધો શોધો સુજન એનો પાયો.
એનો રહી ગયો છે સઘળો માયો.
સંતસંગ તુરંગ સજાવોની, ચિત સ્વારને ઝટ સમજાવોની,
સ્ફુરતિ કરિ એને શોધાવોની. મ્હારો.

ભોળાનાથ સારાભાઈની ઢબની સ્તુતિઓ પણ તેમણે લખી છે. ૧૯૦૨માં છેલ્લી પ્રકટ કૃતિમાં તેમની શૈલી વિકસેલી દેખાય છે. તેમાં ભાષા ઘણી સાફ છે, લેખકે સંસ્કૃત વૃત્તો વાપર્યાં છે, જુદા જુદા વિષયોનું આલંકારિક નિરૂપણ કર્યું છે, અને ગુણોને અમુક રૂપકો આપી વર્ણવ્યા છે. દલપતશૈલીમાં જેનો હંમેશાં અત્યંતાભાવ છે તે રસચમત્કૃતિ આ કવિમાં પણ ન હોય તે સમજી શકાય તેવું છે. કવેશ્વર રેવાશંકર જયશંકરની પચાસેક વરસ લગી ટકેલી કાવ્યપ્રવૃત્તિ ત્રણ પુસ્તકોમાં પ્રગટ થઈ છે : ‘૧૧ એકાદશી કથા’ (૧૮૫૫), ‘શ્રી કૃષ્ણજન્મચરિત્ર’ (૧૮૬૯) અને ‘મનહરમાળા’ (૧૯૦૦). આમાંનું સૌથી પહેલું પુસ્તક ખાસ નોંધપાત્ર છે. એ સંસ્કૃતનો અનુવાદ છે, અને તેનો વિષય રૂઢ પૌરાણિક કથાઓ છે, તો પણ એ અનુવાદની શૈલીનાં પ્રૌઢિ અને સામર્થ્ય આપણને કેટલીક વાર પ્રેમાનંદની ધીરગંભીર વાણીનું સ્મરણ કરાવે તેવાં ઉત્તમ બનેલાં છે. જંગલમાં ભમતા, ભૂખથી દુર્બળ બનેલા સોમશર્મા પુરોહિતના વર્ણનમાંથી થોડી પંક્તિઓ જોઈએ :

કાઠી કંટક રે સોમપ સાચવી પગ ભરે.
...ઊટકંટોને રેં અવરકંટી ને હેરામણી;
કુઊચ કેયડા રે કંથાર જાળે જીટી ઘણી.
પડી જાય ને રે પ્રોહિત બેઠો થાય છે,
જીર્ણ છે પટ રે ઝયડકે ફાટી જાય છે.
અન્ન યાચીયું રે છીદ્ર પડેથી છુટી પડ્યું,
ભૂખે ભેદીયું રે અંતર થાકી આથડ્યું.
તપ્યું તન્ન ને રે દુરબળ દેહને દીષા ચડી,
ફુટી તુમડી રે ક્યાં પડી કરની લાકડી.
વનવાસી રે બોલે છે પંખી બીહાંમણાં,
ફાલુ જાંબુક રે ગોહોડ ને ઘો ઘુઘવે ઘણાં.
...વપુ વૃદ્ધ છે રે ચર્ણ ન ચાલ્યા આફળે,
ભુજ ભાળ દેઈ રે વાડવ બેઠો તરૂ તળે.

‘શ્રીકૃષ્ણજન્મચરિત્ર’નો પદબંધ એકસરખી સુંદરતાવાળો છે, અને વિષય રસાવહ બનેલો છે. ‘મનહરમાળા’ ‘ફાર્બસવિલાસ’ની ઢબે લખાયેલું છે. એ ગ્રંથની પ્રસ્તાવનામાં કવિનો એક પ્રશંસક તેમને ‘કવિકુલકૈરવેન્દુ’નું બિરુદ આપી આ પુસ્તકને ‘લોકોત્તર ચમત્કૃતિવાળા અપૂર્વ ગ્રંથ’ તરીકે ઓળખાવે છે, પરંતુ આ પુસ્તકમાં લેખક દલપતરામના જેટલું ચાતુર્ય પણ બતાવી શક્યા નથી. લેખકની શક્તિ એ કરતાં પહેલા બે ગ્રંથોમાં વધારે સ્વાભાવિકતાથી પ્રગટ થયેલી છે. સ્ત્રીઓને ભણાવવાના લાભનું પ્રતિપાદન કરતા એક ‘વનિતા વિદ્યાભ્યાસ’ (૧૮૫૯) કાવ્યમાં કવીશ્વર ગંગાશંકર જેશંકરે પોતાના કથયિતવ્યના દૃષ્ટાંત રૂપે એક સુંદર વાર્તાપ્રસંગ લીધો છે. તેટલા પૂરતું તે કાવ્ય નોંધપાત્ર ઠરે છે. તે માઘ પંડિતની બે પુત્રીની વાર્તા છે, જેમાં પોતાની ભણેલી પુત્રીને તેની પરીક્ષા માટે તે અભણ વર સાથે પરણાવે છે. પુત્રી પોતાના પતિને વિદ્યામાં પ્રેરે છે. જતે દિવસે તે જ કાળિદાસ બને છે, અને માઘને-પોતાના સસરાને શાસ્ત્રાર્થમાં હરાવે છે. કાલિદાસ અને માઘની આ સગાઈ ગોઠવી દેવામાં કવિએ પ્રતિભાભરેલી છતાં ઇતિહાસવિરુદ્ધ કલ્પના કરી છે; છતાં આવા પ્રાસંગિક વિષય માટે આવું ગૌરવભર્યું ભૂતકાળનું દૃષ્ટાંત તે લઈ આવે છે તે પણ ઘણું કહેવાય. મનમોહનદાસ પછી બીજા અગત્યના કવિ રણછોડ ગલુરામ છે. પોતાનાં પુસ્તકોની પ્રસ્તાવનામાં તેમણે દલપતરામને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે અને તેમાં તેમની સાથે પોતાને ‘ઘણા દિવસનો પ્રસંગ’ રહ્યો છે એમ પણ નોંધ્યું છે. એમનાં પ્રકટ પુસ્તકો આ છે : ‘સુબોધમાળા’ (૧૮૬૧), ‘રણછોડકૃત કાવ્યસુધા’ (૧૮૬૬), ‘ચોવીસાના ચોમાસાની ચડાઈ’ (૧૮૬૮), ‘રેલનો ભયંકર ખેલ’ (૧૮૭૫), ‘પ્રાકૃત એકાદશી માહાત્મ્ય’ (૧૮૭૭), ‘સુધન્વા આખ્યાન’ (સંપાદન, ૧૮૮૬). આમાંનું ત્રીજું અને ચોથું પુસ્તક એ પ્રાસંગિક ઘટનાનાં કાવ્ય છે, પણ એ પ્રકારનાં બીજાં કાવ્યોમાં એ ઘણાં મહત્ત્વનાં છે. એ આફતોનાં વર્ણન ઘણાં જ હૂબહૂ છે. વિગતોની પસંદગી કુશળતાભરેલી છે. ‘રેલનો ભયંકર ખેલ’ કટાવ છંદમાં લખેલું છે. બેશુમાર યમકોથી ઊભરાતા આ કાવ્યના છંદ વિશે કવિએ લખેલી નોંધ બહુ રસિક છે : ‘આ છંદ રેલવે ગાડીની પેઠે ઝપાટાબંધ વાંચ્યા જવો અને જેમ ગાડી સ્ટેશને થોડી થોડી વારે થોભે છે તેમ આ છંદને વાંચતાં વાંચતાં પણ દમ ભરાઈ જાય તો ત્યાં પાસેના પ્રાસ ઉપર જરા અટકીને પછી આગળ ચાલવું.’ કવિનું ‘રણછોડકૃત કાવ્યસુધા’ દળદાર મોટું પુસ્તક હોવા ઉપરાંત તેમાં કેટલાંક સુંદર કાવ્યો આવેલાં હોઈ મહત્ત્વનું છે. કવિની ઇચ્છા આ સંગ્રહને ‘હાલના વખતના વિદ્યાર્થીઓને અનુસરતું ગુજરાતી ભાષાનું કવિતારૂપ પહેલવહેલું પુસ્તક’ કહેવરાવવાની છે. દલપતરામ વગેરેનાં છૂટક કાવ્યો કે સંગૃહીત કાવ્યસંગ્રહોને ધ્યાનમાં રાખી આ વાક્ય વિચારવા જેવું છે. આ સંગ્રહમાં કવિએ શામળની ઢબે કેટલીક વાર્તાઓ લખી છે. જૂની રીતની ઝડઝમક અને સમસ્યાદિકભરી અર્થચતુરાઈવાળી કથનની રીત પ્રશસ્ય છે. ‘બુદ્ધિધનાખ્યાન’માં ‘સરસ્વતીચંદ્ર’માંના ‘બુદ્ધિધન’નું મૂળ સંભવિત દેખાય છે. ‘સરસ્વતીચંદ્ર’ બીજું અગત્યનું કાવ્ય છે. તેમાં મંડનમિશ્ર, તેની પત્ની સરસ્વતી તથા શંકરાચાર્ય વચ્ચેના વિવાદની કથા આવે છે. વાર્તામાં શંકરે કામશાસ્ત્રના પ્રશ્રનો જવાબ આપી શકવા જે પરકાયાપ્રવેશ કરેલો તેટલો ભાગ કવિએ છોડી દીધો છે. કથામાં મંડનમિશ્ર સંન્યાસ લે છે તેનું વર્ણન સરસ છે :

મોર ગયો રહિ મોરલી, હંસિની રહિ વણ હંસ,
શૂક ગયો રહિ સારિકા, વધ્યો વિરહનો વંશ.

કવિએ એક બનેલી બિના ઉપરથી ‘ફડિયાનો રાસડો’ લખ્યો છે. તેમાં તેને ત્યાં પડેલી ધાડનું સુંદર વર્ણન આવે છે. કવિની વર્ણનશક્તિના ઉદાહરણ રૂપે થોડીક પંક્તિઓ લઈએ :

ગોળનાં માટલાં લૂટીને નાખ્યાં કાટલાં કુવાની માંય,
પાધરે ચોપડા ચીરી પછાડ્યા, જનનો જથો મળ્યો જ્યાંય,
કટકા ચોપડા ચીઠીઓ કેરા, પવને ફરે ચોપાસ;
જાણે પાળેલાં ફડિયાનાં ફૂદાં ચઢિયાં ઉડી આકાશ.

આખા સંગ્રહમાં ઉત્તમ કૃતિ ‘માતૃવિયોગ’ છે. એ જમાનામાં આટલું સુંદર આત્મલક્ષી કાવ્ય એ કાળના કવિતાજગતની એક અસાધારણ ઘટના જેવું લાગે છે. આપણાં વિરહકાવ્યોમાં અથવા કરુણપ્રશસ્તિઓમાં કદાચ પ્રથમ સારું કાવ્ય કહેવાય. તેમાંની થોડીક પંક્તિઓ જોઈએ. વિષયનિરૂપણમાં પણ કવિએ ઘણી અદ્યતનતા બતાવી છે તે પણ જોઈ શકાશે :

જે દિવસે નિસર્યો હું જવા મુજ મિત્રનિ સાથ પ્રવાસ મુંબાઈ,
ગાડિ અગાડિ ઉભી રહી માડિ, વળાવિ કહ્યું વળજે ઝટ ભાઈ,
એમ વળી ઉચરી મુજ આગળ, કાગળમાં લખજે કુશળાઈ,
જો મળવૂં ન હતૂં ફરિ તો શિદ રાખિ દગો મુખ ભાખિ ભલાઈ?
એક ઘડી અળગો કરતી નહિં કેમ હવે અળગી હઠિ માડિ,
સૂત વિના સુખ માણતી ના પળ, કેમ તહાં તું નિભાવિશ દાડી.
ટેવ અધીરિ હતી પણ ત્યાં જઈ, ટેવ શું ધીર ધર્યા તણિ પાડી,
સ્વર્ગ વિષે સુરવર્ગમહીં વસિ, પુત્ર વિસારિ દીધો શું પછાડી.

કાવ્ય કેવળ અર્થચાતુર્ય કે કલ્પનાવિલાસ બનવાને બદલે લાગણીના સાચા તંતુને કેવા છેડી જાય છે તે સ્પષ્ટ છે. આ કવિ દલપતશૈલીમાં અતિ કુશળતા ધરાવનાર એક હોશિયાર કારીગર તરીકે તથા અદ્યતનતાની ઘણા નજીક આવનાર કવિ તરીકેનું સ્થાન ધરાવે છે. કેટલીક વાર રણછોડ ગલૂરામનાં કાવ્યો સાથે પોતાનાં કાવ્યો છપાવનાર પ્રભાશંકર શામળજીએ કાવ્યનાં નાનાં નાનાં ચારેક પુસ્તક બહાર પાડેલાં છે. પોતે ‘ક્રપાવંત કવિશ્વર દલપતરામ પાસે’ કવિતાનો અભ્યાસ કર્યાનું સ્વીકારે છે. તેના પહેલા કાવ્યસંગ્રહ ‘તુખમ તાશીર કે સોબત અસર’(૧૮૬૫)માં કેટલાંક સારાં કાવ્યો છે. સોબતની અસર બતાવવા શામળની ઢબે તેણે વાર્તા લખી છે. છપ્પાઓ પણ શામળના જેવા જ છે, પણ તેણે શામળથી આગળ જઈ માત્ર સ્ત્રીનિંદામાં જ અટકી ન રહેતાં પરપુરુષની પ્રીતિને પણ વખોડી છે; જોકે કેટલીક વાર એનું વર્ણન પ્રશંસાત્મક જેવું લાગે છે :

પર પુરુષની પ્રીતિ બંધ વજ્જરના ભીડયા,
થઈ પરપુરુષની પ્રીતિ તો મૂકે નહિ મરતા લગી,
કહે પરભાશંકર પ્રેમ શું ડગે નહિ કોઈથી ડગી.

લેખકમાં આ જાતની થોડીક અવળાઈ દેખાય પણ છે. ચાહ, પાન અને બીડી જેવાં દલપતદૃષ્ટિએ દુષ્ટ વ્યસનનાં તેણે વખાણ પણ કર્યાં છે : ‘બીડીમાં તો બહુ રહે યારી.’ સ્ત્રીઓ માટે તેણે ઇચ્છાવરની ભલામણ કરી છે. તથા દલપતરામને ચોંકાવે તેવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે કે ‘ખરી પ્રીત હોય તેને વ્યભિચાર કહેવાય નહિ.’ લેખકે જૂની રીતના મહિના, તિથિઓ, માતાજીના ગરબા વગેરે લખ્યાં છે જેમાં તે જૂના કવિઓની હરોળમાં બેસી શકે તેવી હથોટી અને પ્રસાદ બતાવે છે.

સખી રે કાનો કીયા જનમનો વેરી
શાને કાજે શામ તજ્યા મારી શેરી,
અલબેલોજી ઓરો આવે તો રાખું ઘેરી.

નર્મદની રીતે પોતાનાં કાવ્યોના ‘કલ્યાણ કાવ્ય’ નામે ત્રણેક અંક (૧૮૭૧) બહાર પાડનાર કલ્યાણજી પૂંજારામ યાજ્ઞિકના ‘ગોપીવિલાપ’માં કેટલીક સારી પંક્તિઓ છે. લેખક શૃંગાર કરતાં વિરહ વર્ણવવો વધારે ઠીક ગણે છે એ તેની લાક્ષણિકતા છે. વિરહના મહિનાના વર્ણનમાં કવિ ગુજરાતની ઋતુઓને તથા તળપદા જીવનને વિભાવ કરી ભાવને સરસ ઉઠાવ આપે છે :

જાણ્યો મેં આવ્યો જેષ્ટ, કેરીઓ દીઠી રે,
મને પતી જતાં પરદેશ, ન લાગે મીઠી રે,
...પોષે પીડા પીંડમાં, પતી વિણ વારંવાર,
ટાઢે ધ્રૂજે દેહડી, તાપું વિણ અંગાર.

કજોડાના કષ્ટને કવિએ અશિષ્ટ થયા વગર, છતાં કરુણ વિનોદથી વર્ણવ્યું છે :

ધણી ઢીંચણ સમ તે ધાર, રાંકડો રૂએ રે,
હૈયાફૂટો એ તો હમેશ પોતડી ખૂએ રે.
નથી લાજમાં સમજણ લેશ, ખોળો તે ખૂંદે રે,
આપું શ્રીફળની જો શેષ કેડેથી કૂદે રે.

એ જમાનાના કવિઓએ વિષયને અતિશયોક્તિથી વર્ણવ્યો છે, છતાં છેલ્લી લીટીનું ચિત્ર, આવા વિષયનું રસૌચિત્ય જરા બાજુએ મૂકીએ તો રમણીય બને છે.
દેસાઈ ગોરધનદાસ ગિરધરદાસે ‘દુનિયાદારીનું ડહાપણ’ (૧૮૭૨)માં દલપતશૈલીમાં ઘણી હથોટી બતાવી છે. કાવ્યો બોધાત્મક છે, છતાં એની શૈલી રુક્ષ નથી રહેતી. તેના પોતાના શબ્દોમાં કહીએ તો તેણે ‘ટૂંકામાં પણ રસીલી ભાષામાં વર્ણન’ કર્યું છે. તેનાં કાવ્યોનાં મથાળાં ‘ખાસડાં કોને મારવાં જોઈએ?’, ‘પત્થરની સાથે કોને પછાડવો?’, ‘ડામ કોને દેવો?’ તેની વાણીના બળનાં સૂચક છે. પોતે જ્યાં જ્યાં અવગુણ દેખે છે ત્યાં તે સખત ફિટકાર વરસાવે છે. કવિઓ પણ તેના કટાક્ષમાં આવી ગયા છે :

થોડું ઘણું ભણી અને હૈયામાં હુંપદ ધરે,
જેવી તેવી ચીંથરીઆ ચોપડી બનાવે છે.
રસ અને શબ્દતણું જ્ઞાન અને ભાન નહીં,
રાગડા તાણીને વળી છોકરાં રીઝાવે છે.

દલપતની દૃષ્ટાંતશક્તિ પણ તેનામાં જોવામાં આવે છે.

દોરંગી દુનિયા દીસે, બોલે અવળા બોલ,
વડને કહેશે પીપળો, નેપાળાને ગોળ.

લેખકે હિંદીમાં પણ રચનાઓ કરી છે.

કવિ બુલાખીરામ ચકુભાઈએ દલપતશૈલીમાં ઘણું લખ્યું છે, પણ તેમનું માનસ વધારે મુક્ત છે. કવિ તરીકે તેમણે સારી ખ્યાતિ મેળવેલી, તથા તેમના અકાળ અવસાનની ખોટ પણ ત્યારે ઘણી અનુભવાયેલી.* [1] તેમનાં નાનાં-મોટાં ચાર પુસ્તકો મળી આવે છે. ‘રસિક ગાયન સમાજ’ (૧૮૭૨), ‘રંગીલાનો રંગ’ (૧૮૭૨), ‘યુવરાજયાત્રા’ (૧૮૭૬), ‘કાવ્યકૌસ્તુભ’ (૧૮૮૪); પણ આ ઉપરાંત બીજા છએક ‘ગ્રંથો’ પ્રસિદ્ધ કરવાની આશા તેમણે જણાવેલી છે, જેમાંનો એકે પ્રસિદ્ધ થયો લાગતો નથી.

પહેલા પુસ્તકમાં કવિએ શૃંગારરસનો નવે રસમાં ઉત્તમ રસ તરીકે પુરસ્કાર કર્યો છે. તેમની લખાવટ નર્મદને મળતી છે. તેમાં નર્મદની સ્થૂળતા તથા રુક્ષતા પણ છે. લાવણીઓ કેટલીક સારી લખાઈ છે. ભાષા બગડેલી હિંદી છતાં કેટલીક વાર સારી ચમત્કૃતિ કવિએ સાધી છે :

નદી સાભર પનઘટ પટે ખડી પનિહારી,
મુખ પરે બરસતા નૂર જાઉં મેં વારી;
...મેં મેડા મેરા સખી કનકગારસે લીંપા,
કોઈ સજ્જન મીલે ફિર ખેલું આજ ગંજીપા.

તેમણે ગુજરાતીમાં લખેલી કેટલીક લાવણીઓ દયારામને યાદ કરાવે તેવી છે. જેમકે,

ઓરા આવો ને નંદલાલા,
છો જગજીવન જબરા તમે બહુ,
શું ય પાડો છો ચાળા?
આમ અમારી હાંસી કરો છો તે,
ક્યમ સહિએ કહો કાળા,
ઝૂડીશું અમે મળી બાળા,
બોલીએ ના ત્યાં સુધી અમે નીકર
કરીએ નરમ તમ ગાળા,
માનો બુલાખીના શ્યામ મનોહર
ઠઠ્ઠો કરો માં ઠાલા, કહે છે તમારા જ ઢાળા.

આ શૃંગારરસનાં કાવ્યો ભેગું ‘હનુમાનચરીત્ર’ પણ કવિએ ગોઠવી દીધું છે. ‘યુવરાજયાત્રા’ ગવર્નરના દરબારનું એક પ્રાસંગિક કાવ્ય છતાં એમાં દેશી રાજાઓને પોતાની પરાધીનતાનું, તુચ્છતાનું ભાન થતું કવિએ વર્ણવ્યું છે એ રીતે તે મહત્ત્વનું છે :

ગવર્નરે ગણકાર્યા નહિ તે, લેખામાં ગણિયા ન લગાર,
ભોગ હશે પૂરણ કે આવ્યા અમે નફટ મુંબઈ મોઝાર.
તજી રાણીઓ અને રાવણાં રાજમહેલથી પગલું બહાર
કદી અમે નહિ અરે! કાઢતા, ખેર! વપુ આ બને ખુવાર.
આવ્યા કરમાં ગૃહી પોતિયું, કશી કદર ન કરી સરકાર.

છેલ્લી પંક્તિનો વિનોદ, ધોતિયાની વિગતે ખોટો, પણ તત્ત્વતઃ બહુ સાચો છે. કવિનો સૌથી મહત્ત્વનો અને મોટો ગ્રંથ ‘કાવ્યકૌસ્તુભ’ છે. આમાં દલપતરીતિની શૈલી તથા વિષયો તરફ વધારે ઝોક છે. વળી કવિ સાધારણ સુધારક કરતાં ય પીછેહઠ કરનારું માનસ બતાવે છે :

પતિને પરમેશ્વર ગણિ પૂજે, દે કજિયાને દાટી,
ઉત્તમ અબળાની એ રીતી, મીણનો ય પણ માંટી.

ઝડઝમકમાં કવિ બહુ ફસાયેલા છે. દલપતની રીતે સૃષ્ટિસૌંદર્ય વર્ણવ્યું છે તે ખૂબ મહત્ત્વાકાંક્ષાવાળું હોવા છતાં કવિને બહુ સફળતા મળી નથી. કવિએ ઉત્પ્રેક્ષાઓ પણ ઘણી અનુચિત વાપરી છે. આ સંગ્રહનું ઉત્તમ અને ખૂબ મહત્ત્વનું કાવ્ય ‘કાવ્ય ચરચા શતક’ છે. સમકાલીન કવિતાની તથા કવિઓની એમાં ઘણી નિખાલસ તથા ઉગ્ર ચર્ચા છે. ખાસ કરીને તો કુકવિઓને બહુ ઝૂડ્યા છે. કુકવિને કૂતરા અને વાંદરાની સાથે સરખાવ્યો છે.

હાય! હાય! કવિતાની શી ફજેતી થાય છે.

એમ કહી માણગોળિયા વ્યાસ, પાજી મહેતાજીઓ, તથા બીજા શીઘ્ર કવિઓ કવિતાની શી દુર્દશા કરે છે તે જણાવતાં કવિ લખે છે :

સુવિચાર રૂપી કુવાથંભ તો પડ્યો છે ભાગી,
સાહિત્યનું લંગર તુટી અને તણાય છે.

અને છેવટે તળપદી પણ ગ્રામીણ છટાથી તે કહે છે :

કવિતાના કથનનું હારદ વિચારવું જે,
એ તો નથી બાપતણો બોટી જવો લાડવો;
રસ અલંકાર તણી રીતભાત જાણવી જે,
કળા વિણ એ તો કાંઈ કાંદો નથી કા’ડવો,

કવિમાં આવેશ છે તેટલી કળાની ઔચિત્યભરી સુંદરતા નથી. મહાશંકર પીતામ્બર જોશીએ ‘દુનિયાના મોટા શોધ’ (૧૮૭૨) ઉપર કાવ્યો લખ્યાં છે. તે કાળ લગીમાં થયેલી મોટી ઔદ્યોગિક શોધોને સુંદર અને સમર્થ કલ્પનાબળથી કાવ્યબદ્ધ કરવામાં આવી છે. લેખક શોધની પૂર્વભૂમિકાનો ઉઠાવ સરસ રીતે આપે છે અને શોધાયેલા પદાર્થોને સજીવન કરી રમણીય બનાવે છે. ‘વરાળયંત્રની શોધ’નું કાવ્ય સૌથી સુંદર કહેવાય તેવું છે. આજે પણ વૈજ્ઞાનિક શોધખોળોનો રસિક રીતે પરિચય આપવાને કામ આવે તેવું આ પુસ્તક છે. અને વિજ્ઞાનના વિષયમાં તથા સામાન્ય રૂપે પણ ઇતર વાચન તરીકે તેનો પુનરુદ્ધાર થાય તો વિદ્યાર્થીઓને ઘણું કામ આવે તેવું છે. દલપતરામના પાટવી પુત્ર મોહનલાલે પણ પિતાની શૈલીનાં કાવ્યો લખેલાં છે, પણ આ શૈલીના ઘણા કવિઓની પેઠે તે પણ વીસરાઈ ગયા છે. પોતાની ૨૨ વરસની છૂટક છૂટક પુસ્તકાકારે પ્રસિદ્ધ થયેલી કવિતાનો સંગ્રહ તેમણે ‘મોહનવાણી’ (૧૮૮૯) નામે બહાર પાડેલો છે. તેમનામાં દલપતની વિપુલતા કે અતિ તેજસ્વી અર્થ કે શબ્દની ચમત્કૃતિ નથી, પણ તેમનાં ‘લક્ષ્મીમહિમા’ (૧૮૭૨) અને ‘વિદ્યામહિમા’ (૧૮૭૪)નાં બે પુસ્તકો ધ્યાન ખેંચે તેવાં છે. ‘લક્ષ્મીમહિમા’માં એક ખૂબ ખૂબ લક્ષ્મીવંતની સ્ત્રી વધુ લક્ષ્મીવાળા રાજા પર મોહીને પ્યારમાં પડે છે તેની જરા ચોંકાવે તેવી વાર્તા આખ્યાન રૂપે કહી છે. તળપદી ભાષાના અને તેમાં ય ગાળોના પણ તેમણે ઠીક પ્રયોગો કર્યાં છે. ‘વિદ્યામહિમા’ એથી વધારે સૌષ્ઠવવાળું, ચમકદાર તથા ઘડાયેલું છે. સરસ્વતીએ પોતાને પરણવા આવેલા દેવોની કરેલી દશામાં તેઓ સારી કહેવાય તેવી ચમત્કૃતિ સાધી શક્યા છે :

ગયો પરણવા નાગ, ઓળિ ચોળી શિર વાળ્યો;
ગયો પરણવા સૂર્ય, લેઈ સેંથામાં સાર્યો,
ગયો પરણવા વિષ્ણુ, ધનુષ્ય લઈ ભ્રમરો કીધી,
ગયો પરણવા ચંદ્ર, ટીલડી કીધી સીધી,
વળી ગયા પરણવા શિવ તો નેણ કીધ અમિપાત્ર લઈ,
મનમોહન શાળીગ્રામ તે રહ્યા ઊર રૂપે થઈ.

‘મોહનવાણી’નાં દસ પ્રકરણોમાંના છેલ્લામાં ‘ફાર્બસવિલાસ’ની ઢબે કવિએ ‘કાવ્યકળા’ પણ લખી છે. કચ્છ-અંજારમાં વસતા લુહાણાના બારોટ અયાચી કવિ લાધારામ વિશ્રામ રઘુવંશીએ ‘હંસવિરહ’ (૧૮૭૨) અને ‘શિક્ષારત્ન’ (૧૯૦૧) બહાર પાડેલાં છે. ‘હંસવિરહ’ હંસરાજ કરમસી જે.પી.ના સ્વર્ગવાસનું ‘ફાર્બસવિરહ’ની ઢબનું કાવ્ય છે. તેમાં આત્મલક્ષી વ્યથા કરતાં સર્વગત શોક વધારે છે. ઘણી પંક્તિઓ કાવ્યગુણવાળી છે :

તારા અનુરાગના અંબુધિમાં ઉડુપ મન
વિરહ પવનના ઝપાટા નથી ઝાલતો,
પ્રીત તણા મોજ પાર વિના પરવત જેવા,
બુદ્ધિ રૂપી સુખાણીનું કરે છે બેહાલ તો.
ધીરજના શઢતણાં ચોતરફ ચીરાં થયાં,
વિવેક કુવાનો થંભ ત્રુટવાનો તાલ તો...

‘શિક્ષારત્ન’ એક અન્યોક્તિમાં લખાયેલું કાવ્ય છે. કચ્છના એક તળાવને કવિ પૂછે કે તેં શાં પાપ કર્યાં છે કે તારી આવી દુર્દશા છે. કાવ્યના ૩૮ સવૈયા મઝાના છે. પાપોની ગણતરી બહુ લાક્ષણિક છે. એમાં માત્ર ખૂબ પ્રગતિશીલ દૃષ્ટિને જ જે પાપ લાગે તે પણ ગણાવ્યું છે કે, વ્યાસાસન આસીન થઈ વિપરીત કર્યાં કે તેં વ્યાખ્યાન? આ કાવ્ય દીવાનને સંભળાવતાં એ તળાવનું સમારકામ પણ થયું એ તેનો મહિમા છે. અંબાશંકર મહાશંકર ભટના ‘વિવિધ વિષય ગ્રંથ’ (૧૮૭૫)માં ‘શબ્દ સ્નેહિ એક મૃગનું ઉદાહરન’ કાવ્ય આવે છે તે કલાપીના ‘વીણાનો મૃગ’નું પુરોગામી કાવ્ય જેવું હોઈ જરા ધ્યાન ખેંચે છે. આમાં મૃગનો ઘાત પતિના હાથે થાય છે. કાવ્ય ઘણું સાધારણ છે. અર્વાચીન યુગની શરૂઆતથી જ પારસીઓએ ગુજરાતી સાહિત્યમાં રસ લેવા માંડેલો છે. ઘણા પારસીઓ દલપતરામના પ્રશંસક હતા. ઘણા વખત લગી ગુજરાતનું સમગ્ર જીવન એકરંગે વિકસતું રહ્યું, પણ અમુક વખત એવો આવ્યો જ્યારે અમુક પારસી લેખકોએ પોતાનો અલગ ચોકો ઊભો કર્યો. પારસીઓમાં જે અર્ધસંસ્કારી ગુજરાતી બોલાતી હતી તેનાથી પોતાના ભિન્ન વ્યક્તિત્વનું પ્રસ્થાન પ્રારંભી તેઓ પોતાની સાહિત્યપ્રવૃત્તિને, ભાષાને, કવિતાને ફારસી ઢબના રંગોમાં વિશેષ રંગવા લાગ્યા. અને એક કાળે તેમના પૂરતું આ વિરોધી મનોદશાએ ઘણું ઉગ્ર રૂપ પણ લીધેલું, તેમ છતાં તેમને હાથે જે પારસી ઢબની ગુજરાતીમાં સાહિત્ય સર્જાયું છે તેમાં કળાનાં કેટલાંક રુચિર તત્ત્વો પણ રહેલાં છે. પણ આખો પારસી સમાજ આવો ‘હિંદુવિરોધી’ ન હતો; તેઓમાંથી ઘણાએ માત્ર પોતાની બોલીની ખાસિયતને વળગી રહી તેમાં જ પોતાનું સાહિત્યસર્વસ્વ વિકસાવવાનો આગ્રહ છોડી દીધો, શિષ્ટ સર્વમાન્ય રૂઢ ગુજરાતી ભાષા તે જ પોતાની પણ ભાષા એમ તેમણે સ્વીકાર્યું, અને પોતાની ભિન્નતાને ગુણપોષક ગણવાને બદલે અશિક્ષિતપણાનું લક્ષણ માની તેમાંથી નીકળી જઈ શુદ્ધ ગુજરાતીનો અભ્યાસ કરી તેને સિદ્ધ કરી તેમાં જ સાહિત્ય રચવા માંડ્યું. આવા સાહિત્યકારોમાં પ્રથમ માનવંતું સ્થાન બેહેરામજી મેરવાનજી મલબારી (૧૮૫૩-૧૯૧૨)નું છે. તેમણે નીચેનાં પુસ્તકો. લખેલાં છે : ‘નીતિવિનોદ’ (૧૮૭૫), ‘વિલ્સનવિરહ’ (૧૮૭૮), ‘અનુભવિકા’ (૧૮૯૪), ‘સંસારિકા’ (૧૮૯૮). કવિ ખબરદારે તેમનાં કાવ્યોનું દોહન કરી તેમના જીવનચરિત્ર સાથે પ્રસિદ્ધ કરેલું છે. ૧૮૭૫માં જ્યારે મલબારી પોતાનો પ્રથમ સંગ્રહ બહાર પાડે છે ત્યારે કવિતાની ‘હિંદુ સ્કૂલ’ સામે પારસી લેખકોમાં જબરો વિરોધ ફેલાયેલો લાગે છે. શુદ્ધ ગુજરાતી તરફ વળતા મલબારીને ભય છે કે ‘વર્ણશંકર અને ગુણહીન પારસી ગુજરાતી’માં એક પણ કવિતા ન લખવા બદલ મારો સ્વીકાર પારસીઓ તો નથી કરવાના, પણ ‘પવિત્ર ગુજરાતી સાથે આમ લાડ કરું તો હિંદુઓ રખે મને હસી કાઢે’! અને તેથી તે દર્દભરી અપીલ કરે છે કે ‘વિવેકી વાંચનારા – તારી અને મારી વચ્ચે સંભાવ ન હોય તો ક્યાં જાઊં?’ સદ્‌ભાગ્યે આ ‘સંભાવ’ તેમને પૂરતા પ્રમાણમાં મળેલો છે. ‘નીતિવિનોદ’ની આ ‘પ્રસ્તાવના’ પણ એક રીતે ગુજરાતી સાહિત્યમાં એક શકવર્તી આલેખ છે. મલબારીએ કેવળ ‘હિંદુ ગુજરાતી’ સાથે જ નહિ પણ હિંદુ સંસ્કૃતિ સાથે પણ ઘણો નિકટનો પરિચય અને આત્મભાવ કેળવ્યો છે. ‘પુરૂષોત્તમ માસ’ વિશે પણ તેમણે કાવ્ય લખ્યું છે તથા પુસ્તકમાં તેમણે હિંદુ દેવદેવીઓનાં ચિત્રો પણ મૂક્યાં છે. તેમની ભાષામાં શુદ્ધ ગુજરાતીની અસાધારણ પ્રૌઢિ પણ આવેલી છે. ગદ્ય પણ તે ઘણું સમર્થ રીતે લખી શકતા હતા. તેમની શૈલી મુખ્યત્વે દલપતરામની રહી છે; છતાં છેવટના કાવ્યસંગ્રહમાં તેમણે સ્વીકાર્યું છે કે સાહિત્યે અદ્યતનતા સાધવાની જરૂર છે. અને તે રીતનાં ઘણાં કાવ્યો એ સંગ્રહમાં મળી આવે છે. ‘નીતિવિનોદ’માં કર્તાની દલપતરીતિની, દલપત જેવી અને કદીક તેથી ય મધુર ભાષામાં અનેક પ્રચલિત વિષયો લખેલા જોવા મળે છે. તું સહુ દુઃખભંજન, અકળ નિરંજન, મનમદમંજન, મોક્ષપતી, શશિ સૂર્ય સિધારે, તુજ આધારે, તુજ પલકારે સ્વર્ગ ગતી. ‘વિલ્સનવિરહ’ એ એક સુંદર વિરહકાવ્ય છે. કાવ્ય ક્યાંક ક્યાંક સાધારણતામાં સરી પડે છે. કવિની દૃષ્ટિ આગળ ‘ફાર્બસવિરહ’ રહેલો છે. અને કેટલીક વેધક પંક્તિઓમાં તે તેને પણ ટપી જાય છે. સરસ્વતીને કહે છે : સજ ભગવો શણગાર, ભભુત લે અંગે ચોળી, કર ગંભીર પુકાર નામ વિલ્સનનું બોલી. તેમણે વિલ્સનના મૃત્યુ માટે ભારતમાતાને વિલાપ કરતી વર્ણવી છે અને તેમાં હિંદના મહાપુરુષો સહજાનંદ, બ્રહ્માનંદ, રામમોહન, ભાઉ દાજી, કરસનદાસ મૂળજી, મહેતાજી દુર્ગારામ, તથા ફાર્બસનાં મૃત્યુ પણ યાદ કર્યાં છે. વિલ્સનના જીવનપ્રસંગનું તથા તેના મરણનું વર્ણન સાધારણ છે, પણ વિલ્સનના જીવનનો એક કરુણ પ્રસંગ આ કાવ્યનું ઉત્તમ અંગ બની જાય છે. કાવ્યની એકાગ્રતા નાયકના મૃત્યુમાં નહિ, પણ પત્નીના મૃત્યુથી નાયકને થતી વેદનામાં સધાય છે. એ રીતે આખું કાવ્ય વિશૃંખલ બને છે, પણ એ જમાનામાં આવી ક્ષતિ સ્વાભાવિક જેવી છે. વિલ્સનની પત્નીના મૃત્યુનો આ પ્રસંગ કદાચ એ ગાળાની ઘણી કૃતિઓમાં ખૂબ ઊંચે સ્થાને બેસી શકે તેટલો કળામય છે. ભરતાર ચંદા, વરસાદ વગેરે પાસેથી આશ્વાસન મેળવવા તેમને અરજ કરે છે, પણ સૌથી ઉત્તમ ઉદ્‌બોધન તેણે ‘કબરના પથ્થર જોગ કરેલી અરજ’માં છે : આશાનું વૈમાન મારું સુખ આસમાને પ્હોંચી છુપી બેઠું હવે તારા અંધારા ઉદરમાં, તેને જો તું દિયે માન તો હે શિલા વ્હાલી! તને આપું હું આસન મારા તાતેલા જીગરમાં. કવિ વિલ્સનના મૃત્યુનું દુઃખ આર્દ્ર કરે તેવા ‘વિયોગવિલાપ’માં વર્ણવે છેઃ ઠરે નહિ મનડું રે ઠેરવ્યું, અરે કંઈ કરતાં કંઈ જ કરાય, બનિ મોહ અંધું રે પતંગિયું, બીરાની ઘોર ઉપર ટંગાય. સ્મૃતિ થઈ લાગી રે પિશાચણી, મન એ વેરણથી હુલકાય, ગતિ સમ જોઈ રે દાસની, અરે કાંઈ કરજે ઉપાય. ‘અનુભવિકા’માં વીસેક ગીતો છે. એમાં કવિએ પોતાના જીવનના અનુભવો ગાયા છે. કેટલેક ઠેકાણે શબ્દોનું કે ઉક્તિનું ઔચિત્ય પણ છે. જોગ થયો હાવાં, નહી ભ્રાંત, નૌતમ નારી રે, દાબું છાતી સરસિ એકાંત, પ્યારીમાં તું પ્યારી રે. આ ઉક્તિ પ્રિયા પ્રત્યે નહિ, પણ માતા ગુજરાત પ્રત્યે છે! કેટલાંક પદો સુંદર અને કદીક જોરદાર પણ છે. મલબારીની સારામાં સારી તથા ઘણી જાણીતી બનેલી કૃતિઓ ‘સંસારિકા’માં છે. કવિએ આમાં દલપતરૂઢિમાંથી નીકળી નવા વિષયો અને નવી શૈલી અજમાવવાનો સફળ પ્રયત્ન કરેલો છે. દેશપ્રીતિનાં સુંદર કાવ્યો નર્મદ પછી પહેલી વાર અહીં મળે છે. ઇતિહાસને પણ કવિએ સુંદર રીતે વિષય તરીકે લીધો છે. કટાક્ષ પણ તેમણે અજમાવ્યો છે. મૌન જેવા વિષયને પણ કવિ સ્પર્શ્યા છે. મલબારીનું પ્રસ્થાન ઘણી રીતે મહત્ત્વનું છે. ઐતિહાસિક દૃષ્ટિના વિકાસપૂર્વક સામાજિક અને આર્થિક અન્યાયો સામે પહેલી વાર અહીં કવિતામાં આવેશ સાથે કહેવામાં આવે છે. પુસ્તકનાં કુલ ૩૫ કાવ્યોમાં ‘સુણ ગરવી ગુજરાત...’, ‘રસ પાતાં રસ પી લે રસિકડા....’, ‘બોલ્યું પાળો રે દેશિયો’, ‘સુરતી લાલા સ્હેલાણી’ તથા ‘સગાં દિઠાં મેં શાહઆલમનાં’ની શ્લોકાન્તવાળી ‘ઇતિહાસની આરસી’ ખાસ જાણીતાં અને કળાબળવાળાં કાવ્યો છે. આ સિવાય કેટલાંક પૂરતાં જાણીતાં ન બનેલાં છતાં સુંદર એવાં કાવ્યો છે. આ સંગ્રહમાં વિષય પ્રમાણે ચિત્રો મૂકવાનો પ્રથમ પ્રયાસ છે, તથા સુંદર છપાઈ અને ઉઠાવની દૃષ્ટિએ પણ આ પુસ્તક અગત્યનું છે. મલબારી સાથે શુદ્ધ ગુજરાતીના લેખન તરફ વળેલા બીજા બે-ત્રણ પારસી લેખકોની પણ નોંધ અહીં જ કરી લઈએ. દીનશા માણેકજી સુતરિયાએ ‘કુળવંતી અથવા અજ્ઞાનવિલાપ’ (૧૮૯૫) લખ્યું છે. નિર્વિદ્યાપુરમાં રહેતા અભણસેન રાજાની કુળવંતી નામની પુત્રી જ્ઞાનસાગરના પુત્ર વિદ્યાવંત ઉપર પ્રેમમાં પડી, ઘર છોડી તેમને પરણે છે, એવી વાર્તાને દેશી ઢાળો તથા સંસ્કૃત વૃત્તોમાં મૂકી છે. વાર્તાનો તંતુ નબળો છે. કથનમાં ચાતુર્ય લાવવાનો લૂલો પ્રયત્ન છે. પુસ્તકના બે ગુણ : એક તો ઘણી શુદ્ધ કહેવાય તેવી તેની ભાષા છે, બીજો સ્ત્રીને ઘર છોડી નીકળવા જેટલી સબળા બનાવી છે તે. શુદ્ધ ગુજરાતી લખનાર પારસી કવિઓમાં દાદી એદલજી તારાપોરવાળાનું સ્થાન ગણનાપાત્ર છે. એમનું જાણીતું થયેલું ‘પશુમાં પડી એક તકરાર’ કાવ્ય પશુ-હક રક્ષક (૧૮૯૬) નામના એક ઇનામને માટે લખેલા સંગ્રહમાં આવેલું છે. અશોકનાં ૧૪ ફરમાનોમાંથી એક ફરમાનને પણ તેમણે કાવ્યમાં ગૂંથ્યું છે. ૧૯૦૪માં તેમણે ‘દાદી શતસાઇ’માં પોતાના હજારો દોહરામાંથી વીણીને ૭૦૧ દોહરા પણ આપ્યા છે, જેમાંના કેટલાક તેમણે દશ વરસની ઉંમરે પણ લખેલા છે. આવા દોહરાની ખૂબી સામાન્યતઃ તેમાં મુકાયેલા દૃષ્ટાંતની ચમત્કૃતિ ઉપર રહે છે. એવી ચમત્કૃતિ લેખકમાં બહુ નથી. ભાષા સુંદર, નિર્મળ-શુદ્ધ છે. જમશેદજી રુસ્તમજી ઉમરીગરના ‘જમશીદવાણી’ (૧૯૦૪)માં ઉપદેશ અને ભક્તિનીતિનાં કાવ્યો છે. ભાષામાં પારસી બોલીનો મરોડ રહી ગયો છે. લેખક અદ્વૈત તત્ત્વજ્ઞાનથી પરિચિત લાગે છે. ઈશ્વરનું સ્તવન કરતાં તે કહે છે : અચિન્ત્ય ને અજરામર ને વળી અકળ સકલ જગસ્વામી છંદો સારા છે, પણ પારસી ઢબની બેતો એથી ય વિશેષ સારી છે. એમાં કવિની કલમ કંઈક જોર પણ પકડે છે. શુદ્ધ ગુજરાતી તરફ પહોંચવાનો લેખકનો શુભ પ્રયત્ન નોંધપાત્ર છે. કલાપીના સંવાદો ઉપરથી જેસલ અને તોળલના સંવાદને તેમણે પદ્યરૂપ આપેલું છે. અને તે આ લેખકની એક સારી પ્રાસાદિક કૃતિ છે. આ રીતે શુદ્ધ ભાષામાં લખનાર બીજા પારસી લેખકોનાં નામ શ્રી કૃષ્ણલાલ ઝવેરીએ તેમના ‘ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો’માં મૂક્યાં છે તે નીચે પ્રમાણે છે : સોરાબ પાલમકોટ, પેસ્તનજી કે. તારાપોરવાળા, ફીરોઝ બાટલીવાળા અને ડા. ડી. એન. પટેલ. આ લેખકોમાંથી કોઈની કૃતિઓ બહાર પડી નથી. શ્રી ઝવેરીએ સોરાબ પાલમકોટ અને પેસ્તનજી તારાપોરવાળાની જે પંક્તિઓ ટાંકી છે તે તે લેખકની શૈલીનો કંઈક ખ્યાલ આપતી હોવાથી અહીં ઉતારીશું : ‘વિલાપ વિભિષણનો સુણી બોલ્યા ત્યાં રઘુવીર, મિત્ર શોક મિથ્યા હવે, વીર પુરુષ ધર ધીર, – પાલમકોટના ‘ઈદ્રજિતવધ’ના લાંબા કાવ્યમાંથી. વાયુ! જેવો અનુભવ અહીં પામતો હ્યાં વહે તું, ધીમે ધીમે સકલ વસુધા વ્યાપતો તે રહે તું! કે સૌ તેનું શ્રવણ કરતાં શાંતિ પામે સદાનાં, ચાખે તેઓ અમર સુખ આ સ્વપ્નની વાટિકાનાં. – તારાપોરવાળાના ’સ્વપ્નવાટિકા’માંથી. આ કાવ્ય ‘કાવ્યમાધુર્ય’માં સંગ્રહાયેલું છે. વિદ્યાર્થી શામજી રતનજીના ‘વડોદરા વર્ણન’ (૧૮૭૬)માં એક આગનું જોરદાર વર્ણન છે. ખાસ કરીને તેની ઉપમાઓ : ...જેમ વીજળી ચમકે મોટે પર્વ, અગ્ની આવી રે, ભીમ લેઈ ચડ્યો ગદા જેમ, અગ્ની આવી રે. માત ક્રોધી સ્વભાવ લઈ એમ, અગ્ની આવી રે, શુરે નીકળ્યા પાંડવ શૂર, અગ્ની આવી રે, જેમ નાદીર તૈમૂર આવ્યા ક્રૂર, અગ્ની આવી રે. ઓઝા લલ્લુભાઈ કાલિદાસે દલપતરીતિમાં પુષ્કળ લખ્યું છે. તેઓ કાઠિયાવાડમાં એક શિક્ષક હતા. તેમનાં નીચેનાં પુસ્તકો બહાર પડ્યાં છે : ‘આર્યોપદેશ’ (૧૮૭૭), ‘કાવ્યપ્રભાકર’ (૧૮૮૯) ‘લલ્લુશતશાઈ’ (૧૮૯૨), ‘બાળાસદુપદેશબત્રીશી’ (૧૮૯૩), ‘કાવ્યકુસુમાકર ભા. ૧’ (૧૯૦૬), ‘ગુજરાતી કાવ્ય રામાયણ’ (૧૯૧૭). દલપતશૈલી પર તેમણે સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું છે. ભાષાનાં ઝડઝમક, ઉપમાઓ તથા બીજાં અલંકરણો તે ચાતુર્યપૂર્વક સાધી શકે છે. તેમની વાણીમાં કટાક્ષ અને બળ બંને છે. તેમને પોતાની કાવ્યશક્તિ વિશે કશા અભિમાની કે દુરાગ્રહી ખ્યાલો પણ નથી. વિવેચકો પાસે તે આશા રાખે છે કે ‘પોતાની ટીકાનાં તિક્ષ્ણ બાણો આ પુસ્તક પર ફેંકી, પોતાનો યથાર્થ ધર્મ બજાવી, મને તથા મારા જેવા બીજા ગ્રંથકારોને પણ વ્યાજબી ઇન્સાફ આપશે.’ કેટલીક રીતે તેમનાં કાવ્યો દલપતરામની પૂર્તિ જેવાં છે. ‘હુન્નરખાનની ચડાઈ’ પેઠે એમણે ‘આર્યસિંહ અને અફીણસિંહ’ની લડાઈ વર્ણવી છે. દલપતે બાકી મૂકેલાં બીજાં વ્યસનોની કવિતા આ તથા બીજા કવિઓએ પૂરી કરી છે. કવિએ હજારો દોહરા લખેલા છે, અને તે સુંદર ઘાટીલી શૈલીમાં દલપતના જેવી જ સમર્થ દૃષ્ટાંતશક્તિ તથા ઉક્તિની ચોટ આ કવિમાં પણ છે : પારસ ને પરસી થઈ કાંચનમય તલવાર, તોય ત્રણ ગુણ નવ તજે માર ધાર આકાર. વળી, પાપી થાય ન પદમણી, ફેલિ ન થાય ફકીર પામર પંડિત નવ બને, કાગ થાય નવ કીર. ‘કાવ્યકુસુમાકર’માં તેમણે પોતાની પચીશ વર્ષની બધી કવિતા ભેગી કરી છે. આમાં કવિએ શૃંગારને દલપત કરતાં ઘણા વધારે મુક્ત ભાવે વર્ણવ્યો છે. અને તે બાલાશંકર વગેરેની અસરને લીધે લાગે છે. તેમણે ગઝલો પણ લખી છે : પદપંકજે પડ્યો પ્રિયા ગુલામ પ્રેમનો, રૂચ્યો ન પ્રેમ પંથ જગત નીતિ નેમનો. ..નિંદા સ્તુતી સમાન જ્યાં અપમાન માન ના, દિદારમાં દિલ્લદાર દીવાનો થઈ ભમ્યો. કેટલીક વાર કવિ જૂની રૂઢ અતિશયોક્તિ દ્વારા પણ સુંદર ભાવ ઉપજાવી જાય છે. વિરહાકુળ બની નાયિકા વિહ્‌વળતા પામી છે તેને દાસી પંખો નાખવા આવી ત્યારે નાયિકા કહે છે : પંખે જાશે પ્રાણ, પ્રજળે પવને કોલસા, દાસી જાત અજાણ, પ્રાણહરણ પંખો ન કર જો સ્વામી સુખ થાય, તો તન આ ટુકડા કરું, ધરું આગ, હોલાય લાહ્ય લાગિ તન વિરહની. કવિએ કેટલાંક સુંદર પદો લખ્યાં છે તેમાં દયારામની ચોટ પણ કદીક આવી જાય છે. આવાં બે અત્યંત સુંદર પદો છે, ‘નાથનાં નેણાં’ અને ‘નયનામૃત’ : સખી જોને મારા સમ ઝાંખી, નેણાં નંદલાલનાં જી રે, જેણે ભરમાવી ભુરકી નાંખી, નેણાં નંદલાલનાં જી રે. ચપળ ચકોર ચારે દિશાએ ન્યાળતાં, આંજેલાં ને અણિયાળાં. નેણાં. ‘નયનામૃત’ ગુજરાતી કવિતાનું એક ઉત્તમ ઊર્મિક કહેવાય તેવું છે : વારી જાઉં નગીના નંદના રે તારી મીટમાં મોહનવેલ, વ્રંદાવનની વાટમાં કરતો ગોવાળિયા શું ગેલ. ...પ્રાણજીવનની પ્રીતડી રે બેની જીવડલા શું જડેલ, બુટા બીલોરી કાચના રે નથી સાંભળ્યા છૂટા પડેલ. ...આવજ્યો મારે આંગણે રે કાંઈ છોગલાં મેલી છેલ, લલ્લુ નેણાં લાલચુ મારાં નાથ સાથે લાગેલ. ‘ગુજરાતી કાવ્ય રામાયણ’માં પ્રથમ વાર રામકથા ટૂંકાવીને સોરઠા-સવૈયા વગેરે છંદોમાં આહ્‌લાદક રીતે મુકાયેલી જોવા મળે છે. શબરી રામને બોર ખવડાવે છે તેની બે પંક્તિઓ નમૂના રૂપે જોઈએ : ફળ ફોલિ રઘૂવર હાથ દિયે શબરી, પ્રભુ લ્યો વળી અન્ય લિયો; પ્રભુ આ બહુ મીઠું મધુર રૂડું, મુજ હાથનું નાથ જરૂર લિયો. ભટ્ટ ગીરજાશંકર મૂળજીનું ‘બાળલગ્નથી બનતી બીના’ (૧૮૭૭) બાળલગ્નના સાહિત્યમાં એક મહત્ત્વનું કાવ્ય છે. ‘વેનચરિત્ર’ની ઢબે તેટલા જ લંબાણથી તે લખાયું છે. આ લેખકે ભોજરાજના જમાનામાં બાળલગ્નો મૂકી દીધાં છે! કાવ્યમાં કવિ કાલિદાસ ભોજ રાજાને રમુજપુરમાં રમુજસિંહની રમુજાબાઈ રાણાંના રમુરાય તનની વાર્તા કહે છે. અને કાલિદાસનું વર્ણન કરતાં કહે છે : એ કવિની મતિ આગળે હાલ કવિ સહુ ઘાસ. મયારામ રઘુરામ યાજ્ઞિકે ‘પરસ્ત્રીદુઃખદર્શક’(૧૮૭૭)માં એક વાર્તા લખી, વચ્ચે ગદ્યમાં ટીકા મૂકી, ‘રાંડબાજોને એ રસ્તા ઉપર કાંઈ રુચિ ઓછી થાય એવું એક નાનું શું પુસ્તક’ રચવાનો સંતોષ લીધો છે. આ વ્યભિચારનિષેધનો ભાવ પણ એ જમાનાના સુધારાનું ખાસ કરીને દલપતવિચારરીતિનું એક અંગ હતો. ‘આ વખતમાં વ્યભિચારાભિમાન બહુ જ વધી ગયેલો જોવામાં આવે છે. પતિવ્રતા સ્ત્રીને વ્રતભંગ કરી પોતે એટલા તો ખુશી થાય છે કે જાણે તેમણે કોઈ મહાભારત કામ કર્યું.’ આમ પોતાની પ્રસ્તાવનામાં એક દલપતઅનુયાયી ઈડરના કવિ નીલકંઠ જીવતરામ લખે છે. પોતાના પર દલપતનું ઋણ સ્વીકારતાં તે લખે છે. ‘આ સુજ્ઞ માણસથી મારે મીત્રતા થઈ અને કવિતાના અભ્યાસમાં વધારો થવાનું સાધન મળ્યું.’ દલપતની મદદથી તેને ઈડર રાજ્યમાંથી વર્ષાસન પણ મળવા લાગેલું. નીલકંઠે સુધારાની શાખાના વિસ્તાર માટે ઠીક ઠીક કવિતા લખી છે. હિંદી ભાષામાં જ કવિતા રચાય એ મતનું તે ઉત્સાહપૂર્વક ખંડન કરે છે. તેનામાં પોતાની કવિતા માટે અહંભાવ પણ ઠીક દેખાય છે. તેની કવિતામાં દલપતની રીતિ ઉપરાંત થોડીક તાજગી છે, બરછટતા પણ છે, વળી દૃષ્ટાંતો લેવામાં કંઈક મૌલિકતા પણ છે. તેણે ઉત્તર હિંદનો પ્રવાસ પણ કર્યો લાગે છે અને તે પ્રવાસનાં વર્ણન પણ આપ્યાં છે. સુધારકોની નિર્બળતાને પણ તેણે કટાક્ષનો વિષય બનાવી છે. વળી દલપતથી જુદા પડી તેણે ‘ધીરે ધીરે સુધારા’ની ભાવનાનો પણ વિરોધ કર્યો છે. ‘જ્યાં ઉન્મત્ત વિચારોથી ભરેલાં ભુંડ જેવા લોક રહેતા હોય અને ઘણું નુકશાન કરતા હોય તેમને તો શસ્ત્ર વિના હઠાવાય જ નહીં.’ આ રીતે કવિમાં કંઈક ખુમારી, કંઈક સ્વતંત્ર વિચારશક્તિ, તથા એક રીતનો નર્મદ જેવો ઊછળતો ઉત્સાહ દેખાય છે. વળી શાહુકારોની ચૂસણનીતિને તેણે જ પ્રથમ વાર સ્પષ્ટ રીતે ખુલ્લી પાડી, ખેડૂતોનો પક્ષ લીધો છેઃ ચોર એ જ સાહુકાર, શાહુકારો તો ચોર જ, પ્રસીદ્ધ છતાં ન કોય દેખતું એ રિત ઓર જ. ધોળે દહાડે ધાડ, જેમ કોળીની પડતી; વણિકો કરતા એમ, કહો શું થાયે ચડતી. એનાં બધાં કાવ્યમાં ‘સૌરાષ્ટ્રદર્શન’ મૌલિક કલ્પનાઓવાળું તથા તાજી છંદોરચનાવાળું છે. વળી આશ્ચર્યવિરામોની પ્રચુરતામાં આ લેખક હરિલાલ હ. ધ્રુવનો પ્રથમ પૂર્વજ લાગે છે. દલપતરીતિનો છતાં તેની પ્રકૃતિમાં તો નર્મદને વિશેષ મળતો આવે છે : રૂઢિ રાજ્ય વિષે અન્યાય! વર કન્યાઓ વેચાય!! લજ્યાઓ તેની લુંટાય!!! શુણિ છાતી ફાટી જાય!!!! ક્યમ નજરથી એ નિરખાય!!!!! કવિએ બે પુસ્તકો બહાર પાડ્યાં છે : ‘નીલકંઠકવિતા’ (૧૮૭૮), ‘કાવ્યકમલાકર’ (૧૮૯૭). આદીતરામ જોઈતારામે ‘સ્વદેશસુખવર્ધક’ (૧૮૭૯)ના નાનકડા કાવ્યમાં સ્વદેશી ઉદ્યોગોની તથા વસ્તુઓની જબરી હિમાયત કરી છે. કવી જેશંગ ત્રીકમદાસ એક બીજા પુષ્કળ લખનાર શિક્ષક છે. ૨૩ વર્ષોની કવિતાનો તેમણે ‘જેશંગકાવ્ય’ (૧૮૯૬)માં સંગ્રહ કર્યો છે. દલપતે લખેલા બધા જ વિષયો પર તેમણે લખ્યું છે. ઉપરાંત લાંબી વાર્તાઓ પણ પદ્યમાં લખી છે, પણ તેમાં કશો ચમત્કાર નથી. સાતસો દોહરા તેમણે વિવેચન, સંવાદ સાથે લખ્યા છે. એક લાંબા ‘કમળાખ્યાન’માં તેમણે સ્વયંવર લગ્નની હિમાયત કરવા વાર્તા લખી છે. વાર્તા શિથિલ અને ઢંગ વગરની છે. એમની કવિતામાં જરા લાક્ષણિક તથા રસિક કહેવાય તેવું તેમનું સૌથી પ્રથમ કાવ્ય ‘વિધવાની અરજી સધવાને’ (૧૮૮૧) છે. ૧૫૭ કડીની એ ગરબીમાં કેટલીક સારી પંક્તિઓ મળે છે. છોટાલાલ નરભેરામ ભટ્ટે કવિત્વના કશા જ દાવા વગર પોતાની બે કૃતિઓ બહાર પાડેલી છે : ‘કામકટાક્ષ’ (૧૮૮૩), ‘શાંતિસુધી અથવા રઘવીર સુકન્યા’ (૧૮૯૬), બંનેમાં બે લાંબી વાર્તાઓ છે. પણ તેમાં વાર્તાની કળા કે કવિતાની ચમક જેવું થોડુંક જ છે. કવિની ભાષા સુઘડ, સંસ્કૃતની છટાવાળી છે, પણ કાવ્યવિષય ક્યાંય રસત્વ પામતો નથી. માત્ર ઝડઝમક એ જ આ લેખકની કાવ્યકળાનો અવશેષ રહે છે. ‘કામકટાક્ષ’માં કેટલાક પ્રસંગ, ખાસ કરીને વનનાં વર્ણન સારાં છે. કવિ ચિત્રો ઊભાં કરી શકે છે. કવિની સૌથી યાદ રહે તેવી તો કવિએ પોતાને વિશે લખેલી પંક્તિઓ છેઃ ન સાદરામાં ન સમાદરામાં, ન પાદરામાં ન દયાદરામાં, લસુંદરાની ન વસુંધરામાં, પરંતુ છે વાસ વડોદરામાં. મહેતા પ્રતાપરાય શિવલાલ માંકડે ‘મનોરંજક પ્રતાપ – કાવ્ય’- (૧૮૮૩)નાં બસોએક પૃષ્ઠ ભરીને દલપતશૈલીનાં કાવ્યો લખ્યાં છે. તેની નોંધ એટલા પૂરતી લેવી જોઈએ કે લેખક બાળપણથી જ અંધ હતા છતાં તેમણે આટલી કાવ્યપ્રવૃત્તિ કરી છે. દલપતરામના એક અંગત શિષ્ય અને તેમનું મહત્ત્વનું ગણાય તેવું પ્રથમ જીવનચરિત્ર લખનાર કાશીશંકર મૂળશંકર દવેએ પણ થોડીક કાવ્યપ્રવૃત્તિ કરી છે. તેમાં તે યુગના બે કવિઓનાં વિરહનાં નાનાં કાવ્યો મુખ્ય છે : ‘નર્મદવિરહ’ (૧૮૯૬), ‘દલપતવિરહ’ (૧૮૯૮). લેખકમાં દલપતરીતિની પણ કશી અસાધારણ શક્તિ દેખાતી નથી, છતાં કેટલીક પંક્તિઓ સુંદર બની ગઈ છે. નર્મદને માટે તે લખે છે : કરી હોળી ને નર્મ નાશી ગયો છે, મહેતા નૃસિં’ સાથ એ જૈ રહ્યો છે. ...ગયો તે ખરા જ્ઞાનનો ચાખનારો, ...ગયો જ્ઞાનના અશ્વનો બેસનારો, ...ગયો આર્યભૂમી તણો દૃઢ હાથી, ગયો શબ્દ રૂપી શરો સાથ ભાથી. ‘દલપતવિરહ’માં લેખક કંઈક પ્રૌઢિ તથા વિશેષ કલ્પનાબળ પણ બતાવે છે. કાલિદાસના જેવી પ્રૌઢિથી તે લખે છે કે, ગુરુ એ ગુજરાતનો જતાં, ગયું છે શું ગુજરાતનું નહીં, થઈ ખંડિત કાવ્યની કળા, રસવારિ પ્રસરી ગયું વહી. દલપતરામને નીતિના પ્રશ્નનો નિર્ણય કરવા સ્વર્ગમાં તેડવામાં આવ્યા એ તર્ક ગુરુ અને શિષ્ય બંનેને છાજે તેવો છે. પણ એની સૌથી પ્રસન્ન સુંદર કડી તો આ છે : ફાર્બસ મિત્ર હવે મળશે જ મહીપતરામ હવે મળશે, દુઃખ વિયોગનું દૂર થશે જ વખો ચિર કાળ તણો ટળશે. મિત્ર અનેક જતાં વન નંદન સ્વર્ગ તણે સ્થળ સાંપડશે, વિશ્વ વિયોગનું સ્થાન થયું, પણ સ્વર્ગ સંયોગનું સ્થાન થશે. જીવરામ અજરામર ગોર (ભુજના) એ વખતના એક જાણીતા કવિઓમાંના હતા. તેમના લેખન કરતાં તેમનું માનસ વધારે નોંધપાત્ર છે. તેઓનું વલણ તો હિંદુસ્તાની કવિતા તરફ વધારે રહેલું, પણ શુભચિંતકોનું માનીને તે ગુજરાતીમાં લખવા લાગ્યા. વળી પોતે બધા જ રસો લખી શકે તેમ છે છતાં શૃંગાર અને વીરરસ કેમ ન લખ્યા તેનાં કારણ આપતાં કહે છે કે શૃંગાર રસશિરોમણિ છે છતાં તેમાં બહુ લખાઈ ગયું છે. વળી વીરરસ, લખી શાંતિના જમાનામાં લોકોને ‘ઝનૂન’ ચડાવવું ન જોઈએ! તેમણે ઘણાં પુસ્તકો લખેલાં હોવાનું કહેવાય છે, તેમાંથી નીચેનાં મળી શક્યાં છે : ‘પ્રેમપંચોતરી’ (૧૮૮૬), ‘કાવ્યકળાધર – કળા પહેલી’ (૧૮૯૩), ‘દાદાભાઈસ્તોત્ર’ (૧૮૯૪). શૃંગાર લખવાની અનિચ્છા છતાં તેમણે ‘પ્રેમપંચોતરી’માં પ્રેમ આલેખ્યો છે. ન્હાનાલાલના ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’ના પૂર્વજ જેવું આ કાવ્ય છે. સવૈયા તેમજ બીજા છંદો સારા છે : પ્રેમ જ પુત્ર પિતા ભવમાં વળી, પ્રેમ સુબાંધવ ને ભગિની છે, પ્રેમ દિસે જનિતા જ સુતા વળી, પ્રેમ પ્રિયા પતિની લગની છે; પ્રેમ જ મિત્ર પવિત્ર દિસે, સરવત્ર જ પ્રેમ તણી મગની છે. ‘કાવ્યકળાધર’માં પરચૂરણ રીતની કવિતા છે. માત્ર ઘાટીલા પદબંધ સિવાય બીજી કશી લાક્ષણિકતા તેમાં નથી. ‘દાદાભાઈસ્તોત્ર’માં દાદાભાઈ હિંદમાં આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું તેનું રૂઢ રીતે વર્ણન છે. માત્ર ગાડીમાં ઊભા ઊભા લોકોના પ્રણામ ઝીલતા દાદાભાઈનું એક ચિત્ર મનોહર ઊપજી ગયું છે : કર્રી કર્રી કર ઊંચા મંદ હાસ્યે કરીને. નરવર શુભ દાદા લે સલામો ફરીને. હર હર પ્રતિ હેરે આપ ઊભા રહીને, નર નર પ્રતિ આપે સર્વ સંતોષ લૈ ને. કહાનજી ધર્મસિંહે ઘણા ઉત્સાહપૂર્વક કવિતાનું સેવન કર્યું છે. ‘સુબોધસંગ્રહ’ (૧૮૮૮), ‘ગૌરક્ષાપ્રકાશ’ (૧૮૯૧), ‘સુંદરી અથવા સુબોધ ગરબાવળી’ (૧૮૯૨) નામે ત્રણે પુસ્તકો તેમણે લખ્યાં છે, અને તેમાંની સર્વ કૃતિઓનો સંગ્રહ ‘કહાનકાવ્ય’ (૧૮૯૭) નામે બહાર પાડ્યો છે. દલપતશૈલીના આ કવિએ ચાલુ રીતિનાં પુષ્કળ કાવ્યો જોડવા ઉપરાંત લોકસાહિત્યનું થોડુંક સંપાદન ‘કાઠિયાવાડી સાહિત્ય’ નામે (૧૯૧૩)માં કરેલું છે. આ લોકસાહિત્યના સંપાદનનો પ્રારંભ કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે તેમનું નામ સ્મરણીય છે. વળી હિંદી સાહિત્યનો પણ તેમને સારો પરિચય લાગે છે. ગુજરાતી વાચકો માટે હિંદી કવિતામાંથી ‘સાહિત્યસંગ્રહ’ (૧૮૯૭) નામે તેમણે કરેલો એક વિપુલ સંગ્રહ પણ નોંધવાલાયક છે. એમની સ્વતંત્ર કવિતામાં દલપત કરતાં યે કદીક ચડી જાય એવી ભાષાની સફાઈ, સરળતા તથા શિષ્ટતા છે. તેમને કવિપણાનો મોહ નથી એ એક ઘણી સારી વસ્તુ છે. અર્થશાસ્ત્ર તથા ગોરક્ષા વિશે તેમણે લખેલાં કાવ્યો નોંધપાત્ર છે. દુરાગ્રહી સુધારકોને પણ તેમણે ઊંચક્યા છે. નર્મદને લેખકે આપેલી અંજલિની કેટલીક પંક્તિઓ મનોહર છે : અમર નામ નર્મદા, સર્વદા આ અવની પર, કર્યું તારું તેં ખરે, અહો ધિર વીર કવીશ્વર! ...નર્મદ તારી જોડ જડે ના જોતાં જગમાં આજ ભરતભૂમિમાં કવિઓ કેરા ઢગમાં. નગીનદાસ પુરુષોત્તમ સંઘવીની કાવ્યરીતિ દલપતશૈલીની છે છતાં તેમનું માનસ દલપતથી ઘણું જુદી જાતનું છે. જેને ‘રસિકતા’ને નામે ઓળખવામાં આવે છે એવી સ્થૂલ શુંગારપ્રિયતા તેમનાં કાવ્યોમાં ઘણી જોવામાં આવે છે. તેમનાં કાવ્યોનો સંગ્રહ ‘પદ્યસંઘ’ (૧૮૯૨) છે. તે પહેલાં તેમણે બોડાણાની વાર્તાને ‘વિજીયસિંહવિજય’ (૧૮૮૩) નામે લખેલી, પણ તેમાં અતિ સાધારણ જૂની રીતના પદબંધ સિવાય કશું નથી. ‘પદ્યસંઘ’માં જુદા જુદા વિષયો પર પ્રકીર્ણ કાવ્યો છે. લેખક સંસ્કૃતના જાણકાર છે; સંસ્કૃત રીતિનું માધુર્ય પણ કદીક લઈ આવે છે. સરસ્વતીને તેઓ સંબોધે છે : કવીન્દ્રવૃન્દવંદિતે! મહાન્ધકારધ્વંસિની, દ્વિજેન્દ્રહંસવાહિની, મતિપ્રભાપ્રકાશિની. તેઓ કેટલીક વાર નવાનવા તુક્કા ઊભા કરી કલ્પના તથા ભાષા બંનેને લડાવે છે. સંગ્રહનાં ધ્યાન ખેંચે તેવાં કાવ્યોમાં ‘શૃંગારશતક’, ‘પાખંડપચીશી’, ‘અમલદારઅષ્ટાદશી’, ‘પાખણ્ડમણ્ડપ ખણ્ડનશટપદાવલી’ છે. ‘શૃંગારશતક’ કશી ચારુતા વિના અત્યંત સ્થૂળતામાં રમે છે. પાખંડને અંગેનાં તેમનાં કાવ્યો જોરદાર છે. તેમને કટાક્ષની સારી હથોટી છે. છપ્પાને ષટ્‌પદાવલીનું સુંદર નામ આપી લખેલા ૧૧૮ છપ્પામાંથી ઘણાખરા સારા છે. તેમાં લેખકે સામાજિક બદીઓ, દેશી રાજાઓ તથા મૂઢ ધાર્મિકતા પર કરેલા પ્રહારો ધ્યાન ખેંચે છે. લેખકની ભાષામાં સંસ્કૃત તરફ વધારે પડતું વલણ છે, જોકે શબ્દનો કે કલ્પનાનો ઝાઝો વિવેક નથી. સંસ્કૃત તથા હિંદી કાવ્યના તથા કાવ્યશાસ્ત્રના સારા એવા અભ્યાસી શુક્લ નથુરામ સુંદરજીએ ઘણું લખેલું છે. તેમણે પોતાની મોટા ભાગની કવિતા ‘કવિતાસંગ્રહ ભા. ૧’ (૧૯૧૬)માં સંગ્રહીને મૂકી છે. એ સિવાય ‘વિવેકવિજયકાવ્ય’ (૧૯૧૫) પણ તેમણે લખેલું છે. કવિએ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના તથા નાટ્યશાસ્ત્રના દોહન તથા મતસંગ્રહ જેવા ‘કાળશાસ્ત્ર’ તથા ‘નાટ્યશાસ્ત્ર’ બે મોટા ગ્રંથો લખેલા છે, જે તેમની અથાગ મહેનત લેવાની શક્તિ બતાવે છે. દલપતરીતિની લગભગ સંપૂર્ણ સિદ્ધિ આ લેખકમાં છે. વિષયનું વૈપુલ્ય પણ છે, એમનાં છેવટનાં કાવ્યોમાં તે અદ્યતન કવિઓની નજીકમાં પણ આવી જાય છે, પણ સમકાલીન નવી કવિતાના ઉત્તમાંશોનું રહસ્ય તેઓ સમજી શકેલા નથી. તેમનાં કાવ્યોમાં સંસ્કૃત તથા ફારસીની પણ છાયા છે. નર્મદની છાપ પણ લેખક ઉપર છે. લેખકે કાવ્યોના અનુવાદો પણ કરેલા છે. લેખકની ભાષામાં શરૂઆતમાં કચાશ લાગે છે, ‘વિપ્રલંબ’ અને ‘કાઠીણ્યતા’ જેવા શબ્દો તે વાપરે છે, પણ આગળ જતાં તે ભાષા ઉપર સારું પ્રભુત્વ બતાવે છે. કર્તાનું સૌથી પહેલું નોંધપાત્ર કાવ્ય ‘ઋતુવર્ણન’ (૧૮૮૮) છે. ૨૦૦૦ પંક્તિના આ કાવ્યમાં યમકાદિ વગેરેના સમુચિત ઉપયોગ સાથે કલ્પનાચાતુર્ય તથા અલંકારોને બળે રસિક બની છે. એક વિરહિણીની ઉક્તિ જોઈએ : દૂર કરું દાદુરને મોર બધા મારી નાખું, પકડી પપીહા કારાગારમાં ધરું છું આજ. ઘન તણી ઘાત કરું, ચપળાને ચોળી નાખું, બની શુરવીર તારા સામી વિચરું છું આજ; અબળા બનીને હું બેઠી’તી આટલા દિવસ પાપણી પાવસ તને ગ્રિષમ કરું છું આજ. ‘શ્રીકૃષ્ણબાળલીલાસંગ્રહ’ (૧૯૦૭)નાં હિંદી પરથી અનુવાદિત કાવ્યોમાં કર્તાની ‘સંક્ષિપ્ત કૃષ્ણબાળલીલા’ની મૌલિક રચના ખાસ નોંધપાત્ર છે. ઝૂલણાની ૧૩૨ કડીઓ ભાષાની તથા છંદની શિષ્ટતા અને શ્લિષ્ટતાવાળી છે. કાવ્ય પણ ક્યાંક સુંદર ચિત્ર બની જાય છે. રાસલીલામાં અંતર્ધાન થયેલા કૃષ્ણને શોધતી ગોપીનું ચિત્ર જોઈએ : વૃક્ષને પૂછતી વેલને પૂછતી લૂછતી આંસુડાં સાડી છેડે, મૃગલીને પૂછતી મોરને પૂછતી કૃષ્ણના ખબર દઈ હાથ કેડે; પેખી પ્રભુ પાયનાં ચિહ્ન બની બાવરી, આમ હરિ આમ કહિ સર્વ ધાવે;... પોરબંદરના રાણા ભાવસિંહજીના મૃત્યુનો શોક ગાતું ‘ભાવવિરહબાવની’ (૧૯૧૫) દલપતરીતિનાં શોકકાવ્યોમાં વધારે સામર્થ્યવાળું છે. કવિએ કટાક્ષો પણ કરેલા છે, ગીતો-ગઝલો પણ લખ્યાં છે, પણ સમગ્ર સૌંદર્યવાળાં બહુ થોડાં છે. એ રસિયો, આંખોમાં વસિયો, કેમ અવરને જોઉં સખી. જેવી સુંદર પંક્તિ પણ કદીક મળી આવે છે. કવિનાં છૂટક કાવ્યોમાં સૌથી જાણીતું તો ‘સાક્ષરસપ્તક’ છે; જોકે તેમાં કેટલીક એવી વ્યક્તિઓ લીધેલી છે જે આજે સાહિત્યજગતમાંથી તદ્દન ભુલાઈ ગયેલી છે. આ સપ્તકના કેટલાક શ્લોકોમાં લેખકે કાવ્યદૃષ્ટિની તથા રચનાની ખૂબ ઝીણવટભરી પ્રભુતા બતાવી છે. લેખકના આ શ્લોકો ચિરંજીવ બની જાય તેવો સંભવ છે. ‘વિવેકવિજયકાવ્ય’ (૧૯૧૫) કર્તાએ અથાક મહેનત લઈ યોજેલું, વેદાંતના તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરતું યોજનાશક્તિના એક સફળ પ્રયોગ જેવું કાવ્ય છે. છંદ અને ભાષાની શિષ્ટતા અને પ્રૌઢિ નોંધપાત્ર છે, અને તત્ત્વજ્ઞાન તથા રૂપકોના રસિકોને રસ આપી શકે તેવું છે. પૂજારી જટાશંકર અભેરામે ‘પ્રબોધચિંતામણી’ (૧૮૯૦)માં કેટલીક સારી કૃતિઓ આપેલી છે. વિષયો લગભગ રૂઢ પ્રકારના હોવા છતાં લેખક તેમાં એક જાતની રમણીયતા સાધી શક્યા છે. એનું કારણ એ છે કે એમણે ભાષા ઝડઝમક વગેરેમાંથી બચાવી લઈ કાવ્યના કથનને સીધું પોતાના પ્રસાદબળે જ વક્તવ્ય તરફ પ્રેર્યું છે. છંદમાં મઝાનો વેગ છે. ભાષાની ચોટ પણ છે. પુસ્તકનાં ઘણાં કાવ્યોમાંથી ‘કુંડળીયાશતક’ અને ‘ભીલા રાણીની ગરબીઓ’ ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. ‘કુંડળીયાશતક’માં એક એક પ્રચલિત કહેવત રસિક ઉક્તિમાં ગોઠવીને તેને એકાદ નવા દૃષ્ટાંતથી પુષ્ટ કરેલી છે. આ ગાળાનાં અનેકાનેક બોધપ્રધાન કાવ્યોમાં ઉત્તમ કહી શકાય તથા દરેક બાળકને પ્રાસાદિક મોહક કૃતિ તરીકે વંચાવી શકાય તેવું શતક છે : અંધા આગળ આરસી, બ્હેરા આગળ શંખ, પત્થરની શીલા પરે કરે વીંછી જો ડંખ, કરે વીંછી જો ડંખ પત્થર નહિ પીડા પામે, જડ જનને ઉપદેશ કરે નહિ આપ વિરામે, કદી નીતિની શીખ માન્ય નહિ કરશે અંધા, નહિ થાય ઉપયોગ આરસી રાખી અંધા. ‘ભીલા રાણીની ગરબીઓ’માં પાર્વતીએ ભીલડી બની શંકરને મોહ પમાડ્યો તેની કેટલીક ખરેખર લલિત ગરબીઓ છે. બાલકૃષ્ણ ભોગીલાલ પંડ્યાએ ‘વિદ્યામહાત્મ અને જ્ઞાતિસુધારો’- (૧૮૯૦)માં થોડાંક જ કાવ્યો આપ્યાં છે છતાં સુંદર રચનાશક્તિ બતાવી છે. લેખકનાં પદબંધ અને બાની બંનેમાં બળ અને નવી ચમક છે : બકરીથી જે બીએ, સિંહને શું સંહારે; શ્વાન ન વિખેરાય, વાઘ વઢતા શું વારે; ઝાંપે પણ ન જવાય, વિદેશે શું વિચરશે; દારાથી જે ડરે લશ્કરે જઈ શું લડશે; બોયું નહીં ભાંગે બાહૂથી તાળું તે શું તોડશે? પરવાર ન પેટ પીડાથકી દેશહિતે શું દોડશે? કચ્છનરેશના સેક્રેટરી તરીકે જીવનનો મોટો ભાગ ગાળનાર છોટાલાલ સેવકરામ દલપતરીતિના એક ઉત્સાહી અને ઘણું લખનાર કવિ હતા. તેમનાં પુસ્તકો આ છે : ‘છોટાલાલબાવની’ (૧૮૯૪), ‘ઉપવનવિનોદ’ (૧૮૯૮), ‘સૌ. લાડકી બ્હેન (લીલાવતી) વિરહ’ (૧૯૦૨), ‘છોટાલાલસપ્તશતી’ (૧૯૦૫). લેખક પાસે પ્રૌઢશૈલી છે, ભાષાની સફાઈ અને છંદનો કાબૂ છે, પણ કાવ્યરસ અલ્પ છે. મોટા ભાગની રચનાઓ બોધાત્મક અર્થાન્તરન્યાસોવાળી, તથા બીજી રૂઢ રીતિની છે. લેખકનું ‘લાડકી બ્હેનના વિરહ’નું કાવ્ય સૌથી સારું છે અને ભગિનીપ્રેમના કાવ્ય તરીકે ગુજરાતી કવિતામાં સૌથી પ્રથમ કહેવાય તેવું છે. વિરહકાવ્ય તરીકે પણ તે મહત્ત્વનું છે. તેમાં આવેલું જીવન અને મૃત્યુના રહસ્યનું ચિંતન તેને elegyની કોટિમાં પણ બેસાડે તેવું છે. આખી કૃતિ શ્લિષ્ટ નથી, ક્યાંક વધારે પડતું લંબાણ છે. કાવ્યનો સૌથી ઉત્તમ ભાગ બહેનનાં સંભારણાંનો છે. ભાવની સચ્ચાઈ આપોઆપ કળામય ઉદ્‌ગારો લઈ આવે છે. બહેનનાં કેટલાંક બહુ સુંદર શબ્દચિત્રો પણ આમાં છે : પુષ્પની જે વેલથકી બ્હેન! તું ઉતારી પુષ્પ, સેવાપુજામાં તું લેતી વેલ તે દુભાય છે; એ વેલીનાં પુષ્પ આજ ખીલી ખીલી ખરી પડે, જાણે તુજ વિયોગથી ઝુરી મરી જાય છે. ...બહેન! તારી જે જે વસ્તુ જોઈ જોઈ રાજી થતાં તે તે વસ્તુ જોઈ જોઈ ચિત્ત ચરચરે છે; સૈયરના સાથમાં જે ભરત ભરેલાં બ્હેન! આજ તે તે ભરત ને સાજ સુખ હરે છે. ...વિલક્ષણ ગતિ કેવી? સમય ને પ્રારબ્ધની, રીઝવતું મન જે જે તે તે વ્યથા કરે છે. બાઇ એસ્તેર ખીમચંદનું ‘સદ્‌બોધકાવ્ય’ (૧૮૯૫) આપણને ખ્રિસ્તી ગુજરાતીઓ તરફથી મળતું પહેલું સારું કાવ્યપુસ્તક છે. સ્ત્રીકવિ તરીકે પણ લેખિકાનું સ્થાન મહત્ત્વનું છે. દલપતરામ સાથે આ કુટુંબને ઠીકઠીક પરિચય પણ હતો. લેખિકાનો છંદ અને ભાષા ઉપર સારો કાબૂ છે : ઊઠને ઊઠને, મુંઢ તું માનવી, ગૂઢ વાતો તણો ગર્થ જાણી, ઊંઘ કાં આમ તું પાપની ઊંઘમાં, મૃત્યુ લેશે નક્કિ જાણ તાણી. પાપ પાખંડના, પ્રેમમાં તું. પડી, દામને દેવ બેઠો જ ધારી. કૂડ ને ક્રોધ તો મિષ્ટ મેવા સમા, સત્ય શીક્ષા તને ખૂબ ખારી. લગ્નગીતોમાં તો લેખિકા હિંદુ જ રહી છે. વિધિઓ બધા હિંદુના જ છે. માત્ર અમુક થોડા શબ્દોના ફેરફાર આવે છે. લેખિકાનું લાક્ષણિક કહેવાય તેવું કાવ્ય તો ‘ઈશ્વી વર્ષના બાર મહિના’ છે, જેમાં જુન બેઠો છે જોબનવંતો રે, વૃષા રૂતુનું માન ધરંતો રે, જન અધિર ને જાણે હસ્તો, ગાઓ ઈશ્વી માસ બારે ઉમંગે રે, પહેરી ઓઢીને આવ્યો જુલાઈ રે, બધે લીલી જાજમો, છવાઈ રે. આપે વર્ષ રૂડાની વધાઈ. ગાઓ. પુસ્તકમાં બીજાં કાવ્યો દલપતરીતિના રૂઢ વિષયોનાં છે. કવિ મહાસુખરામ નરભેરામમાં ચાતુર્યભરી શબ્દચિત્રની શક્તિ છે તથા કલ્પનાબળ છે. ‘દિપોત્સવીનો હર્ષ યા દિવાળી’ (૧૮૯૫)ના નાનકડા કાવ્યમાં કવિ દિવાળીમાં દીવાઓની આટલી બધી મેશ થઈ તેનો નિકાલ બહુ સુંદર રીતે બતાવે છેઃ કવિ કહે કામની તું કંટાળે શું કાજળથી, મોંઘે મૂલે શોધ્યું એ તો હાથમાં ન આવશે. ખુની રાજદ્રોહી ને સ્વદેશના અહિત્તકાર ગુરૂ મિત્રદ્રોહી મુખે મેંશ એ લગાવશે. નિમકહરામી, જારી, જુઠા લખનાર લેખ લાંચીઆ પ્રપંચી મુખ કાજળ લિંપાવશે; શેષ રહેશે તે જરા વરરાજા ધારિ વ્હાલ, જશે પરણવા ત્યાહરે ટપકાં કરશે ગાલ. કવિનું ‘પક્ષીસમાજ’ (૧૯૦૭) સરસ રીતે યોજાયેલું ઠીકઠીક લાંબું કાવ્ય છે. પક્ષીઓની મહાસભા બોલાવી તેમની મારફતે ઠરાવો વગેરે કરાવી સમાજજીવન ઉપર લેખકે કટાક્ષભરી વિચારણા ચલાવી છે. આખા સમાજને કટાક્ષની રીતે લક્ષ્ય કરતું આ કાવ્ય આ ગાળાનાં કાવ્યોમાં મહત્ત્વનું છે. વિષયો જૂના છે છતાં રજૂઆતમાં કંઈ ને કંઈ ચમક આવે છે. સૌથી વધારે વેધક કટાક્ષો બ્રાહ્મણો પરના છે. દરેક પક્ષીને પોતાના સ્વભાવને સુધારીને બોલતું કર્યું છે. બગલો દંભ વિરુદ્ધ બોલે છે, કાબર સંપ વિશે બોલે છે, તીડો બ્રાહ્મણોની ખાઉધરાવૃત્તિને ઝૂડે છે : તીડ કહે મફતનો માલ તાકી દોડે દ્વિજ, શીમાડામાં પડે જાણે માઉ મારવાડની, લોકનો કરે બગાડ, જાણે ઉભરાયો પ્હાડ, વરતાવે ત્રાસ બાકી રાખે નહિ ઝાડની, મહાસુખ ચુનીલાલના ‘કાવ્યસરિતા’ (૧૮૯૮)માં ખાસ કાવ્યશક્તિ કરતાં પુષ્કળ કવિતાપ્રેમ તો દેખાઈ આવે જ છે. ઊંચા પ્રકારની કવિતા કરવાનો ઘણો શુભ પ્રયત્ન છતાં તે દલપતરીતિની પ્રાકૃતતામાંથી ઊંચે જઈ શક્યા નથી. છંદ, ભાષા તથા વિષયનું વૈવિધ્ય સારું હોવા છતાં તેમ જ અનેક કાવ્યો લખવા છતાં તેઓ એકેય રસમય કૃતિ રચી શક્યા નથી. આ પુસ્તકની બીજી આવૃત્તિની પ્રસ્તાવના રમણલાલ વ. દેસાઈએ લખી તેમની કવિતાનો પુરસ્કાર કર્યો છે. લેખકે જ્ઞાની અનવરનાં કાવ્યોનું સંપાદન કરીને સાહિત્યની કીમતી સેવા કરી છે. ઉમિયાશંકર ખુશાલરાય જોશીનું માત્ર એક દેશી રાજાના આશ્રયને લીધે જ બહાર પડી શકેલું ‘બ્રિટિશ રાજની બલિહારી’ (૧૯૦૦)* નર્મદના અંદર મૂકેલા અભિપ્રાય માટે નોંધવા જેવું છે. ‘કવિતાની ધમક સારી છે. છપાવી પ્રસિદ્ધ કરવાનો વિચાર રાખો છો પણ ગાંઠનું ગોપીચંદન ગુમાવી છપાવતા નહિ. કોઈ છપાવી આપતું હોય તો ચૂકવું નહિ, તા. ૨૦-૯-૮૪” અને વરસો લગી લેખકને કોઈએ આ છપાવી ન આપ્યું, લેખકમાં પોતાની શક્તિ વિશે ઘણો અહંભાવ છે, પણ ઘણું જ અજ્ઞાન છે. બુદ્ધને તે જૈન ધર્મ-સ્થાપક કહે છે. અંગ્રેજોનો તે પરમ ભક્ત છે. ‘અંગ્રેજોનાં શુભ પગલાં’ની ગરબીને ‘ટોપીવાળાનાં ટોળાં’ની સાથે સરખાવવા જેવી છે. વિક્ટોરિયા રાણીને દેવી રૂપે ‘અહો મલ્લિકા-મા-અઝમા’ સંબોધી. ગ્રંથના બેતૃતીયાંશ ભાગમાં ‘સુપ્રસિદ્ધ પુરુષો’નાં, હિંદી તથા યુરોપના પ્રાચીન-અર્વાચીન મહાપુરુષોનાં જીવનચરિત્ર ગદ્યપદ્યમાં આપ્યાં છે. એક સાથે આટલા બધા મહાપુરુષોને કોઈએ કાવ્યમાં ગૂંથ્યા નથી.

  • ૧૯૦૦ની કદાચ બીજી આવૃત્તિ હશે. પહેલી ૧૮૯૭ની કે તે અરસાની હશે, કારણ કે મેં તે જોયેલું ક્વીન વિક્ટોરિયાની જ્યુબિલીને લીધે જ પ્રસિદ્ધ થવા પામેલું એમ માનું છું. રા. વિ. પાઠક.

બોધાત્મા મનોવૃત્તિ કોઈ પણ સુંદર વસ્તુને કેટલી અપકૃષ્ટ કરી શકે તેનું ઉદાહરણ ગોપાલજી કલ્યાણજી દેલવાડાકરના ‘સંગીત સતીમંડળ’- (૧૯૦૦)માં મળી આવે છે. પાર્વતીએ દક્ષના યજ્ઞમાં આપઘાત કર્યો એ પ્રસંગને લેખક ‘હઠીલી સ્ત્રીઓની હઠનું માઠું પરિણામ’ તરીકે ઓળખાવે છે! બાપાલાલ ભાઈશંકર ભટ્ટની ‘સુબોધ ગરબાવળી’(૧૯૦૦)માં મહેતાજીઓના હાથે લખાતી આવેલી બોધપ્રધાન ગરબીઓમાં ચારેક કાવ્યો નોંધપાત્ર છે. કંજૂસ ‘સુખચંદ શેઠની ઉજાણી’ શેઠને લૂંટાવીને લેખકે ઠીક ઊજવી છે. અંગ્રેજી પરથી બનાવેલું ‘વાભાઈનો ખેલ’ તથા ‘રાણી રૂપસુંદરી’ અને ‘મેવારનો રાણો રયમલ’ સારાં છે. મોહનલાલ ઈશ્વર ભટ્ટે ૧૯૦૩માં ‘સુભાષિતસહસ્ત્રી’ જેટલી લાંબી લાંબી રચનાઓ ઉત્સાહપૂર્વક લખવાની મહેનત કરી છે. એ ઉત્સાહ અને મહેનત સિવાય કાવ્યમાં બીજું કશું નોંધવા જેવું નથી. ત્ર્યંબકલાલ મણિશંકર વૈદ્યરાજના ‘કાવ્યપ્રેમી’(૧૯૦૫) નાનકડા પુસ્તકમાં પચાસેક કવિત છે. જેમાંનાં કેટલાંક ખરેખર સુંદર છે : દૂધપાક પૂરી પ્રેમકરી ખવરાવ્યાં હોય, પાણીના પિયાલા તણી એને ના ન પાડીએ. હેત કરી હીંચકાવ્યું હિંડોળા ઉપર હોય, એને ડેલી તણું બંધ બાર ન બતાવીએ. ‘ધીરજકાકા’ને નામે જાણીતા ભરૂચવાસી વૃદ્ધ અને અનુભવી પ્રખ્યાત કવિ ધીરજરામ નરભેરામ પુરાણીનાં બહુ જ થોડાં કાવ્યો ઠેઠ ૧૯૦૭માં ‘કવિ ધીરજરામકૃત કવિતા’માં જોવા મળે છે. એમનાં કાવ્યોનો આ સિવાય બીજો મોટો સંગ્રહ બહાર પડ્યો છે કે નહિ તે જાણી શકાતું નથી. કવિ તેમના હાસ્યને માટે જાણીતા છે, પણ આ કાવ્યમાં સ્વદેશી હિલચાલ વિશે તેમણે શાંત મને બોધ કર્યો છે. પૂંઠા પર મૂકેલી પંક્તિઓમાંનું દૃષ્ટાંત કવિની લાક્ષણિકતાના નાનકડા ઉદાહરણ જેવું છે : બનતી વસ્તુ દેશની સ્હેજ હોય જો ફેર, તે જોયર્તી ચીજ ખરીદવા કદી ન કરવી દેર, વહુ બેટી શરૂઆતમાં રસોઈ સ્વાદ ન થાય, મન મારી જો ખાય તો આખર સુધરી જાય. સૌ. દિવાળી નાથાલાલના ‘વશીકરણ યાને મોહિની’ (૧૯૦૮)માં બાળલગ્ન અને વૃદ્ધલગ્નોને અંગે લખાતાં આવેલાં કાવ્યોની પુનરાવૃત્તિ જેવું છે. ખાસ કરીને દલપતશૈલીમાં એક સ્ત્રીલેખિકાનું આ કાવ્ય છે એટલા માટે તે વધારે ધ્યાન ખેંચે છે. પુસ્તકનો અર્ધો ભાગ ગદ્યમાં પણ છે. કાવ્યોમાં લેખિકાની દૃષ્ટિ પણ પુરુષની પેઠે બાળલગ્ન અને વૃદ્ધલગ્નને નિંદવા તથા તેનો ઉપહાસ કરવાની રહે છે. ક્યાંક ઉક્તિઓ રોચક બને છે. જેમકે, પોલાદને ઝટ પાણી ચઢે પણ, ચઢે ન લોહુને પાણી પાલવટે પડી વૃદ્ધ સ્વામીને જીંદગી થઈ ધૂળધાણી. કેશવલાલ જમનાદાસ પાલખીવાળાના ‘સટોરિયાને શિખામણ’- (૧૯૧૨)માં સટ્ટા વિશે લખાયેલી કેટલીક રચનાઓ કરતાં પણ ક્યાંક વિશેષ ચોટ આવી છે. જેમકે, હાથી કંઈક ઉડી ગયા, વાઘે મૂક્યું માન, રીંછોને રોળી કર્યા સટ્ટે શ્વાન સમાન. અંત્યજ શાળાના એક મહેતાજી ગણેશ છગન વરતિયાનું ‘હિતશિક્ષાવળી’ (૧૯૧૪) એક હરિજન લેખકની કૃતિ તરીકે નોંધપાત્ર ગણાય. વિષયો, શૈલી દલપતકવિતાનાં છે. લેખકે પોતાનું સંસ્કૃતનું જ્ઞાન બતાવવા પ્રયત્ન કર્યો છે, પણ તેમાં ઘણી ભૂલો છે. કવિ સુંદરજી પૂંજાભાઈનાં ‘સુબોધ ગાયક’, ‘સુબોધબાવની’, ‘સુંદર સતસઈ’ (૧૯૧૫ બીજી આવૃત્તિ), ‘સુંદર સંગીત’ (૧૯૩૭) પુસ્તકોનાં સંખ્યાબંધ કાવ્યોમાં દલપતશૈલીનું સફળ અનુકરણ છે. એ શૈલીની નિષ્ફળતાઓ પણ આ કાવ્યોની નિષ્ફળતાઓ છે. નીતિ રીતિ પ્રેમ વૈરાગ્યના વિચારોને દલપત જેટલી પણ પદ્યની કે અર્થની ચમત્કૃતિ વિના પદ્યમાં ગોઠવ્યાં છે. કરમઅલી રહીમભાઈ નાનજીઆણીના ‘કરમકાવ્ય’ (૧૯૨૧)માં લેખકે ગુજરાતી ઉર્દૂ ફારસી અને કચ્છી ભાષામાં કરેલાં કાવ્યો છે. ગુજરાતી કાવ્યોમાં દલપતશૈલી લગી જ લેખક પહોંચી શક્યા છે. ગોવર્ધનરામને વિશે લખેલું કાવ્ય ધ્યાન ખેંચે તેવું છે : શોધું નટવર નૂરને ક્યાં છે ક્યાં છે શૂર, ‘સરસ્વતી’ શણગારનાર ઘૂમ્યો પરિષદ પૂર ગયો ગયો ગુણવંત નર, પરવર પાક હજૂર જમરાજા જંગલી કહું કે કહું તુજને ક્રૂર. ગં. સ્વ. તાપીગૌરી માણેકલાલ મુનશી, શ્રી. કનૈયાલાલ મુનશીનાં માતુશ્રીનાં કાવ્યો ‘અનુભવતરંગ’ (૧૯૨૬)માં દલપતશૈલીના પુરુષ તેમજ સ્ત્રીકવિઓ કરતાં ઘણી વધારે શક્તિ દેખાય છે. પ્રાચીન રીતિનાં ભજનોની હથોટી પણ તેમને વિશેષ છે તથા કેટલેક ઠેકાણે સુરેખ ચિત્રણશક્તિ તથા ઊંચું કલ્પનાબળ તેઓ બતાવે છે; મનડા મહારાજ! અમને આત્મા ભણી લઈ ચાલો રે, આણી તીરે વૈરાગ્ય, પેલી તીરે માયા, વચમાં શાને અથડાવો રે? મનડા. જ્ઞાન અને ભક્તિનાં કાવ્યો કરતાં સાંસારિક સ્નેહનાં કાવ્યો સારાં બન્યાં છે. પોતાના કીર્તિવંત પુત્રને આપેલા આશીર્વાદમાં તેમણે જણાવેલી માતૃસહજ આશા અત્યંત સુભગ રીતે વ્યક્ત થઈ છે : ...આશા મારી એક છે તુજ સ્કંધે ચઢી હું પરવરું, સંસાર ગાળી આનંદમાં, તુજ આંખડી આગળ મરું. પોતાના પુત્રનાં બાળકો વિશેનાં કેટલાંક કાવ્યો ઘણાં મનોહર છે : ...તું તો આવીને બેસતી ખોળે રે, વય નાનું પણ સાનમાં બોલે રે, ...તું તો મારો રે આનંદનો ઓવારો..... ...કાને કડી અને હાથે છે કલ્લી, કેડે સોહે કડીઆળું, ઘૂંટણે ભમતું ભાવેથી જમતું. પાનબીડી હાથે આલું, બેસી ઘૂંટણીએ બારી ને ઓટલે બેસી હસે રઢીઆળું, પડતું આખડતું રાખું હું રડતું, મુખમાં સાકર ઘાલું. કેટલાંક વિનોદનાં કાવ્યો પણ છે. તેમનાં કેટલાંક બીજાં કાવ્યોનાં અવતરણ મુનશીએ પોતાના ‘અડધે રસ્તે’માં મૂક્યાં છે. ઠક્કુર નારાયણ વિસનજીના ‘કાવ્યકુસુમાકર’ (૧૯૩૯)નાં કાવ્યો સંસ્કૃત અભ્યાસને લીધે તથા લેખકની ભાષાસમૃદ્ધિને લીધે છંદપદાદિમાં સમૃદ્ધ હોવા છતાં કલ્પનાશક્તિ તથા રસચમત્કૃતિમાં ઘણાં દરિદ્ર છે. લેખકે હિંદુત્વની ભાવનાથી પ્રેરાઈ લખેલાં કાવ્યો વિષયની દૃષ્ટિએ લાક્ષણિક કહેવાય તેવાં છે. તેમનામાં ક્યાંક સાચો ઉત્સાહ અને જોમ પણ છે. ધર્મગુરુઓની સામેના કટાક્ષનું દલપતરીતિમાં લખેલું કાવ્ય લેખકનું સૌથી સારું કાવ્ય છે : ...ધર્મની રીજન્સી જાણે, સ્વર્ગની એજન્સી જાણે, બૅન્કની કરન્સી જાણે, ‘લાવ લાવ’ જાણે છે. ...પોથીના વન્તાક જાણે, લાડૂ દાળ શાક જાણે, ચાટી દૂધપાક જાણે, ‘ખાઉં ખાઉં’ જાણે છે. ...ચોસઠ ચાલાકી જાણે, બોતેર બેબાકી જાણે. લેખકે સંસ્કૃત, અંગ્રેજી, ફારસી, હિંદી તથા ઉર્દૂમાંથી ઘણા અનુવાદો મુક્ત રીતે કર્યા છે, પણ તે રસાવહ નથી બની શક્યા. રંગૂનમાં રહેતા હરકિસનલાલ શિવલાલ ભગતે ‘કરક’ ઉપનામથી હજારો ભજનો લખેલાં છે તેમાંથી થોડાંકનો સંગ્રહ ‘કરક કાવ્ય’ (૧૯૩૦)માં થયેલો છે. કાવ્યોની ભાષા હિંદીના મિશ્રણવાળી છે. ગીતો પ૨ હથોટી સરસ છે. ગીતોમાં સંગીતક્ષમતા અને મંજુલતા ઘણી છે. સુરતને અંગેનાં બેએક ગીતો ખાસ તેમાંની માનવસહજ માતૃભૂમિની લાગણી તથા સુરતીઓના લાક્ષણિક વિનોદને અંગે ધ્યાન ખેંચે છે : ...યે સુરત શહર ગુલઝાર લાલ રંગ ચટકી, જ્યું શરદપૂર્ણિમા ગગન ચાંદની છટકી. ...ગઈ સુરત સોનેકી મુરત હાથ સે છટકી. ક્યા કહું પડા પરદેશ બાત કિસમતકી. ...ગઈ શીંગ સલુણી દાલ લીંબુસે છિટકી, ગઈ પોંક પાપડી છાસ દહીંકી મટકી. કાંહાં માલપુઆ દૂધપાક કચુંબર કટકી, મૈં સબ લે ન્યારા કરક ગોદડી ઝટકી. ભોગીન્દ્ર ન્હા. ભટ્ટનું ‘પદ્યાત્મક દાહોદદર્શન’ (૧૯૩૫) એ દલપતશૈલીની છેલ્લી કૃતિ કહેવાય. શુષ્ક રીતે વર્ણનાત્મક વિગતો આપ્યે જતી આ કૃતિમાં દલપતરામ હજી પણ જીવતા લાગે છે. કાવ્યમાં ‘ઔરંગઝેબનું જન્મસ્થળ તથા જીવન’ને અંગેનો ટુકડો, બોટાદકરના ‘સૌરાષ્ટ્ર’ની ઢબનો કંઈક કલ્પનામય સુંદર બની શક્યો છે : સામ્રાજ્ય મોગલ તણો તરણિ વિરામ્યો, સંધ્યા થતાં અધિક દોર તમિસ્ર જામ્યો, ...મુગ્લાઈનો શહીદ કે વીર લોક માને ઉદ્યુક્ત સુન્ની બનતો સહુ દાન-ધ્યાને. ...ક્યાં જન્મ, ક્યાં મરણ, ક્યાં ભૂપ દિલ્હી કેરો?



  1. * જુઓ ‘કવીશ્વર દલપતરામ’ ભા. ૨, ઉત્તરાર્ધ, પૃ. ૩૦૯