અર્વાચીન કવિતા/મહેતાજી ગણપતરામ રાજારામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મહેતાજી ગણપતરામ રાજારામ
[૧૮૪૮ – ૧૯૨૦]

ભરૂચ જિલ્લાનો કેળવણી ખાતાનો ઇતિહાસ (૧૮૭૭), લીલાવતી કથા (૧૮૭૨), બાળલગ્નનો નિષેધ (૧૮૮૮), બાળલગ્નથી થતી હાનિ (૧૮૮૯), લઘુભારત, ભાગ પાંચ (૧૮૯૬, ૧૯૦૦, ૧૯૦૩, ૧૯૦૭, ૧૯૦૯) મહેતાજી ગણપતરામ રાજારામમાં કાવ્યકળાની બાહ્ય કારીગરીની એ ગાળામાં પ્રચલિત રીતિની પૂરેપૂરી શક્તિ છે, પણ તેમનામાં પ્રતિભાબળ ઝાઝું નથી એટલે તેમની રચનાઓ છેવટ જતાં કારીગરીના અતિરેકમાં જ સરી પડી છે. આ કારીગરીની પરિપૂર્ણતાએ કવિમાં ઘણું અભિમાન પણ પ્રેર્યું છે. ‘લઘુભારત’ની પ્રસ્તાવનામાં તે કબૂલ કરે છે કે તેમનાથી પોતાનો ઇતિહાસ વર્ણવતાં ‘આત્મશ્લાઘાના કીચડમાં પડી જવાયું છે.’ કવિ નોંધે છે કે પોતાની કવિતા જોઈ દલપતરામને થયું કે પોતાની જગા જાળવનારો કોક પાક્યો ખરો. અને તેમણે લખ્યું કે ‘જેમ સોસાયટીએ મને સોનાને અક્ષરે કવીશ્વર પદ કોતરાવી આપ્યું છે તેમ એમને પણ આપે તો ખોટું નથી.’ અને કેટલાકે તેમને પ્રેમાનંદ સાથે પણ સરખાવી આપ્યા! આ બધું છતાં લેખકને કવિતા પ્રત્યે સાચો ઉત્સાહ છે. તેમણે મહેનત પણ પુષ્કળ કરી છે. કવિની ઉત્તમ કહેવાય તેવી કૃતિ ‘ભરૂચ જિલ્લાનો કેળવણી ખાતાનો ઇતિહાસ’ છે. ‘લઘુભારત’માં મહાભારતની કથાનો સંક્ષેપ કરી તેને પદબંધમાં મૂક્યા સિવાય બીજું કશું લક્ષણ દેખાતું નથી. લેખકે આટલું બધું લખવામાં પારાવાર મહેનત કરી છે, પણ તે માત્ર મહેનત જ રહી છે. બાળલગ્નને અંગેનાં બે પુસ્તકો ઇનામને ખાતર લખાયેલાં છે. એમાં લેખકની રસવિવેકની અશક્તિ બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રાકૃત અપ્રાકૃત, પ્રસ્તુત અપ્રસ્તુતનો ભેદ કર્યા વગર કવિ એકસરખી રીતે માત્ર શબ્દાલંકારોમાં જ કાવ્યસર્વસ્વ જુએ છે. ‘લીલાવતી કથા’માં ઉદયરત્નના ’લીલાવતીના રાસ’ની વાર્તાને લેખકે લાંબી કરીને મૂકી છે. કાવ્યગુણમાં તે મૂળને પહોંચે તેવું તો ન જ હોય, તદ્દન લુખ્ખું નામ ધરાવતું કર્તાનું પહેલું પુસ્તક વધારે નિર્મળ રહી શક્યું છે : તે માત્ર કેળવણી ખાતાનો ઇતિહાસ જ નથી, પણ ગુજરાતના પ્રારંભની અવસ્થામાંના સમાજજીવનનું એક રસિક બયાન છે. દલપત કરતાં કર્તાનો પદબંધ વધારે શ્લિષ્ટ છે. પદ્યનો ઉછાળ પણ એકસરખો ટકી રહે છે. ભાષામાં વધારે સંસ્કાર દેખાય છે. કવિ કેટલીક સુંદર કલ્પનાઓ પણ કરી શક્યા છે. નર્મદાસ્તુતિ જૂની ઢબની છતાં સુંદર છે :

દરશનથી દુકૃત જાય શું ફળ સ્નાનનું ત્યાં પૂછવું?
અડક્યેથી ઉજ્જ્વળ થાય શું ત્યાં લઈ હજુરિયો લૂછવું?
ગંગાથિ ગરવા ગુણ વધ્યા હે અમૃતે, શિવસ્પર્શને?
જાહ્નવી મુક્તી સ્નાનથી દે પણ તું તો નિજ દર્શને.

કવિ ભરૂચના ઇતિહાસની ભૂમિકાની પાછળ આખા ભરતખંડના ઇતિહાસની ભૂમિકા આપે છે :

પણ જ્યાં સંપ નહીં પોતામાં, ને પ્રતિદિવસ પડે જ્યાં ધાડ,
તે સ્થાનક તૂટે કો અવસર, ખેતર ભેલ પડે વિન વાડ.
થયું તેમ આ ભરતખંડમાં સંપ ગયો સિંધૂ નદિ પાર,
લાગિ આવવા તેહ તરફથી ધર્મઝનૂની કેરી ધાર.

અને ભરૂચમાં,

વળતી થયાં જે રાજ્ય બળતી ચે’ સમાં એ શે’રમાં,
લોકો રડ્યા પોકો મુકી ઝૂકી પડી મહા કેરમાં.

મુસલમાનો પછી હિંદના રાજકારણમાં થયેલા પલટાને કવિ સુંદર ઉપમાઓથી વર્ણવે છે. મુસલમાનોના રાજ્યકાળને અંધારી રાત, મરાઠાના સ્વદેશી રાજ્યને વિદ્યુતની ઝળક અને વિદેશી અંગ્રેજી રાજ્યને સોમ સાથે સરખાવે છે. સૂર્ય તો સ્વદેશી રાજ્યને જ કહેવાય. અંગ્રેજી રાજ્ય સોમ કેમ? તો કે એ તો ઇંગ્લાંડમાં પ્રકાશિત સ્વતંત્ર રાજ્યના સૂર્યની દીપ્તિથી દીપતા ચંદ્ર જેવું અહીંનું રાજ્ય છે. અને પછી કેળવણી ખાતાની અને તેના ઇન્સ્પેક્ટરોની વાર્તા આવે છે, પણ જરાકે રસહીન થયા વિના. શરૂઆતમાં લોકો સરકારી નિશાળમાં બાળકો નથી મોકલતાં, કારણ કે,

‘ક્યમ પતિજ પડે સરકારની ત્રાશિત મૃગ સમ તેમ તેમને’?

કાવ્યમાં પ્રમાણ કે વિષયનું ઔચિત્ય એકસરખું નથી. અમલદારોનાં વર્ણન અતિશયોક્તિવાળાં છે, પણ એ બધું ક્ષમ્ય જેવું છે. વચ્ચે રમૂજી પ્રસંગો પણ આવે છે. લેખકમાં ગ્રામીણતા પણ ઘણી વાર દેખા દે છે, છતાં લેખકની શક્તિ પ્રસંગ મળતાં ખીલી ઊઠે છે. ગોપાળજી ડેપ્યુટીની સ્તુતિ કરતાં તે ખરેખર કવિત્વભરી ઉપમા વાપરે છે :

દુર થકી દવ ભાળ્યો તે કને જાઈ જોતાં,
મણિ પરવત પેખ્યો દુર્મતી દૂર ખોતાં

કવિતાની કેળવણી વિનાના એ કાળમાં આટલી અસમ અને સ્ખલિત છતાં તેજસ્વી કલમ ચલાવનાર કવિની આ પ્રથમ કૃતિ તેની પ્રાથમિક તાજગી હમેશાં જાળવી રાખે છે.