રચનાવલી/૩૬
ત્રણ ત્રણ સદીના વહાણાં વાઈ ગયાં છતાં વિશ્વના નાટ્યસાહિત્યમાં હજી યે કોમેડીના રાજા તરીકે નામ દેવાનું આવે છે તો પહેલું મોલિયેરનું નામ હોઠે આવે છે. આ ફ્રેન્ચ નાટ્યકારની કૉમેડીઓ એટલી બધી સમૃદ્ધ છે અને એટલી પ્રાણવાન છે કે એ વિશ્વના નાટ્યસાહિત્યનો મોટો વારસો ગણાય છે. એનાં નાટકો વાંચીએ છીએ કે ભજવીએ છીએ કે ભજવતા હોઈએ છીએ તો નાટ્યકલાની ગતિશીલતાનો, નાટકકારના અનન્ય કસબનો અને માનવસ્વભાવની ઊંડી સૂઝનો અનુભવ થાય છે. રંગમંચ પર જાણે કે સાક્ષાત જીવન ઊભું થાય છે. રંગભૂમિ સાથેનો આ નાટકકારનો નાતો અતૂટ છે. મોલિયેરે આખી જિંદગી મંચ પર ગાળી છે એમ કહેવાય. રંગમંચથી અલગ એનાં નાટકો ભાગ્યે જ ઊતરડી શકાય. નાટકો લખવા ઉપરાંત બાર બાર વર્ષ સુધી એક નટ તરીકે પોતાની નાટકમંડળી સાથે ફ્રાન્સના જુદા જુદા પ્રાન્તોમાં એણે પ્રવાસો કર્યા છે. ઇટાલિયન નટમંડળોને નજીકથી નિહાળ્યાં છે. એમની મહોરાની અને મૂંગી ચેષ્ટાઓની તરકીબોને બરાબર સમજી પણ છે. મોલિયેર કુશળ અભિનેતા તો હતો જ પણ પોતાની નાટકમંડળીના વડા તરીકે એણે મંડળીનો કારોબાર સંભાળ્યો છે, નટોને પસંદ કર્યા છે, પાત્રોની વરણી કરી છે. રિહર્સલોમાં હાજરી આપી છે, રંગમંચનાં દૃશ્યોની સજાવટમાં તેમજ વેશભૂષાની પસંદગીમાં એનું યોગદાન રહ્યું છે. એ વ્યવસ્થાપક હતો, નિર્માતા હતો, દિગ્દર્શક હતો, નાટ્યલેખક હતો, જાહેરાતકાર હતો અને ખુદ એક અચ્છો નટ પણ હતો. આટઆટલી જવાબદારીના બોજ હેઠળ લદાયેલા મોલિયેરનું જીવનમાત્ર ૫૧ વર્ષ ટક્યું. ૧૬૨૨માં જન્મેલા મોલિયેરનું અવસાન ૧૯૭૩માં થયું પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ ટૂંકા ગાળામાં અને ખાસ તો જીવનના છેલ્લા ૧૪ વર્ષોના ગાળામાં મોલિયેરે ૩૩ જેટલાં નાટકો લખ્યાં છે. એનાં નાટકોનાં પાત્રો અને દશ્યો પરના એના પ્રભુત્વનું કારણ નાટ્યકસબ અને વ્યૂહરચનામાં છે એથી વધુ એની નાટ્યસૂઝ અને તક ઝડપવામાં છે. મોલિયેરની મંચસૂઝ એની નાટ્યસિદ્ધિનું મુખ્ય કારણ છે. આવા વિશ્વવિખ્યાત ફ્રેન્ચ નાટકકારનું એક નાટક ગુજરાતી ભાષામાં અર્વાચીન યુગની શરૂઆતમાં જ મળે, પૂરા ગુજરાતી વેશમાં મળે અને તે પણ ગુજરાતી સાહિત્યના પહેલા વિવેચક ગણાયેલા નવલરામ પંડ્યા પાસેથી મળે એના જેવી નવાઈની વાત બીજી કઈ હોઈ શકે. નવલરામ પંડ્યાએ પહેલાં ‘વીરમતી’ નામનું મૌલિક નાટક લખ્યું અને પછી મોલિયેરના ‘મૉક ડૉક્ટર’ નામના નાટકના વિષયવસ્તુ પરથી ‘ભટનું ભોપાળું’ બીજું નાટક લખ્યું. પણ આ બીજું નાટક પહેલું પ્રકાશિત થયું એટલું જ નહીં પણ ૧૮૭૧માં મુંબઈની કોઈ પારસી નાટક મંડળીએ એને ભજવેલું નાટક પણ ખરું. આમ તો નવલરામ પંડ્યાનો સમય એ અર્વાચીન યુગનો સુધારાનો સમય છે મધ્યકાલીન માનસમાં જીવતી ગુજરાતી પ્રજામાં અંગ્રેજી શિક્ષણ અને સંસ્કારને બળે નવી જાગૃતિ આવતી જતી હતી, પણ મોટે ભાગે સમાજની તંદુરસ્ત રાખનારી લગ્નસંસ્થામાં જ ભયંકર સડો હતો, કલહયુક્ત દાંપત્યજીવન, કજોડાં, કન્યાવિક્રય, વૃદ્ધલગ્ન જેવી લગ્નજીવનની બદી અને અંધશ્રદ્ધા, ઢોંગ, વહેમ, જડ રૂઢિઓ અને રીતરિવાજો જેવી સમાજીવનની ખરાબીઓ વચ્ચે પ્રજા રહેંસાતી હતી. પ્રજાની સુધારણા એ વખતના લેખનનો મુખ્ય આશય હતો. દલપતરામ અને નર્મદના સાહિત્યે તો એ કામ આદરી દીધું હતું. નવલરામ પંડ્યાએ સુધારણા કામ માટે નાટક જેવું હથિયાર હાથમાં લીધું. ફ્રેન્ચ નાટકકાર મોલિયેરે એના જમાનામાં સમાજવ્યવહાર પર જોરદાર ચાબખાઓ ફટકાર્યા છે અને તેથી નવલરામે મોલિયેરના એક નાટક પર પોતાની પસંદગી ઉતારી. પણ નવલરામ નાટકો માત્ર અનુવાદ નહોતો કરવા માગતા. તેથી તેમણે ગુજરાતી પાત્રો, ગુજરાતી સમાજ, ગુજરાતી રૂઢિઓ અને ગુજરાતી વાતાવરણમાં મૂળના નાટકના વિષયવસ્તુને પલટી નાંખ્યું. એમાં સુધારાવધારા કર્યા અને એક રીતે જોઈએ તો ગુજરાતી નાટક જ બનાવ્યું. મૂળ નાટકમાં એક પુત્રીનો પિતા પુત્રી જેને ચાહે છે અને પરણવા ઇચ્છે છે એની સાથે પરણવા દેતો નથી. આથી પિતાનો નોકર ઢોંગી ડૉક્ટર થઈને એ બંનેને પરણાવી આપવાનું બીડું ઝડપે છે અને જાતજાતના પેંતરા રચી બંનેનું લગ્ન કરાવી આપે છે. ‘ભટનું ભોપાળું’માં પણ મૂળ વાત એ જ છે. પણ નવલરામે એને ત્રણ વાતમાં પરોવી થોડી બહેલાવી છે અને એમ કરીને સમાજસુધારાના પોતાના આશયને પણ પૂરો કર્યો છે. ત્રણ અંકના આ નાટકમાં શરૂમાં ભોળો ભટ અને એની પત્ની વચ્ચે કલહ બતાવ્યો છે. પછી પોતાની પુત્રી ચંદાને કોઈ વૃદ્ધ નથ્થુશા સાથે પરણાવવા તૈયાર થયેલા લાલચી પિતા ઝુમખાશાહનું પાત્ર દાખલ થાય છે. પણ ખબર પડે છે કે ચંદા ઘેરથી નીકળી ત્યારની મૂંગી થઈ ગયેલી છે. મૂંગી ચંદાને બોલતી કરવા માટે ચંદાના પિતા અને વૃદ્ધ નથ્થુશા ભોળા ભટને વૈદ્ય માનીને ચાલે છે અને ભોળો ભટ વૈદ્યના સ્વાંગમાં છેવટે સૌને છેતરીને ચંદા અને આનંદના સ્નેહલગ્ન કરાવી આપે છે. આવા કથાનકમાં વૃદ્ધની લગ્નલાલસા અને પિતાની ધનલાલસાની જબરી ઠેકડી ઉડાડવામાં આવી છે. વૃદ્ધ નથ્થુશાના ચમચા જેવા હજા અને કમાલખાંનાં પાત્રોનો નાટકકારે કટાક્ષ માટે ખાસ ઉપયોગ કર્યો છે. નાટકકારે ‘ભટનું ભોપાળું’ એવું નાટકને શીર્ષક આપ્યું છે પણ તે ઉપરાંત એમણે બીજાં ત્રણ શીર્ષકો સૂચવ્યાં છે ‘આનંદ ચંદા’, ‘પ્રેમનું પ્યાલુ’ અને એ ઉપરાંત ‘ઢોંગી વૈદ્ય, ભુવાની ઠગાઈનું તથા કેટલીક નઠારી રુઢિઓનું રમુજી ચિત્ર.’ છેલ્લું શીર્ષક નાટકના હેતુને બરાબર પ્રગટ કરે છે. ફ્રેન્ચ મોલિયેરના નમૂના ઉપર તૈયાર કરેલા આ નાટક ‘ભટનું ભોપાળું’નાં અનેકવાર પ્રકાશનો થયાં છે. છેલ્લે છેલ્લે ચન્દ્રશંકર ભટ્ટે ખૂબ કાળજી લઈને આ નાટકનું સંપાદન કર્યું છે; હાલમાં તે ઉપલબ્ધ છે.