આમંત્રિત/કૃતિ-પરિચય
‘ આમંત્રિત’ વિશે
પ્રીતિ સેનગુપ્તાની નવલકથા “આમંત્રિત” દરિયા-પારની, એટલેકે ‘ડાયસ્પૉરા’ કૃતિ છે. એ ફક્ત દરિયા-પારથી લખાયેલી છે તેટલું જ નહીં, બલ્કે એ બધી રીતે દરિયા-પારના જીવન વિષે જ છે.
સુજીત જેવું એક પાત્ર આગલી નવલકથા “બે કાંઠાની અધવચ” માંથી અહીં લેવાયેલું છે, અને એ મૂળ ભારતથી અમેરિકા આવીને વસ્યા હતા. આ નવલકથા “આમંત્રિત”માંનાં બધાં જ મુખ્ય પાત્ર - સચિન, ખલિલ, અંજલિ, રેહાના વગેરે - અમેરિકામાં જન્મ્યાં, ઉછર્યાં અને વિકસ્યાં છે. તોયે, માતા-પિતાના મૂળભૂત ભારતીય સંસ્કાર એ દરેકમાં અમુક રીતે સ્પર્શાયેલા રહ્યા છે, અને પશ્ચિમના જીવનનાં શાશ્વત મૂલ્યો પણ એમનાં વિચાર અને વ્યક્તિત્વમાં સચવાયેલાં રહ્યાં છે, વિકસતાં ગયાં છે. એ દરેકને આપવામાં રસ છે - પૈસાનું દાન તો ખરું જ, પણ પરસ્પર હુંફ અને મૈત્રી આપવા પ્રત્યે પણ એ બધાં સજાગ છે.
આ કથાનક માનવીય સંવેદનોથી ભરપુર છે. જેમકે, એક દાદા પૌત્રીના મૃત્યુનો આઘાત સહે છે; બે પિતા સંજોગોને લીધે પોતપોતાના વિખૂટા પડેલા પુત્રો સાથે સુખદ સંપર્ક પામે છે; બે વિચારશીલ અને સહૃદયી યુવાનો, લગ્નના ખર્ચા ટળ્યા પછી પણ, સરસ મૌલિક રીતે મિજબાની યોજે છે. અંતે તો, “આમંત્રિત” નવલકથા, આધુનિક જીવનમાં પણ વિભિન્ન સ્તરો પરથી લાગણીશીલતા તથા સાચો પ્રેમ દર્શાવતી વારતા છે.
લેખિકાના મનમાં તો અપૂર્વ એવું ન્યૂયોર્ક શહેર પોતે જ એક મહત્ત્વનું પાત્ર છે. એથીયે વધારે, આ શહેર અને એની હડસન નદી એમને માટે પ્રિયપાત્રો છે. શહેરનાં સુંદર સ્થાનો, તેમજ એનાં કાફે અને રૅસ્ટૉરાઁ પણ જાણે અહીં ગૌણ પાત્રો જ બન્યાં છે. પ્રીતિ સેનગુપ્તા, સાચી રીતે જ, એમની આ “આમંત્રિત” નવલકથાને એમનું ન્યૂયોર્ક માટેનું ‘પ્રેમ-ગીત’ કહે છે.