યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/વારસો અને શિરછત્ર : ‘ચંદરવો’

Revision as of 14:56, 9 August 2024 by Meghdhanu (talk | contribs)


વારસો અને શિરછત્ર: ‘ચંદરવો'
રાધેશ્યામ શર્મા


ટૂંકી વાર્તામાં પણ એનો લેખક, અર્થઘટનકર્તાની જેમ એક પ્રકારનો સમ્યક્-અન્વય સાધતો હોય છે. આવો સમન્વય નેરેટોલોજિકલ ટેક્સ્ટમાં પ્રવર્તતાં કાર્યો અને ઘટનાશ્રેણીના ઉપલક્ષ્યમાં થતો હોય છે, જેને વિવેચનની પરિભાષામાં ક્રિયા વૃતાંત (diegesis) તરીકે ઓળખવામાં આવે છે. વાર્તાકાર પ્રસંગાનુરૂપ પાત્રો દ્વારા થતી ક્રિયાઓ, ચેષ્ટિતોનો કેવળ વૃત્તાંત નથી આપતો પણ એને અતિક્રમી પ્રતીકની કક્ષાએ વહી જવાનો શબ્દપુરુષાર્થ સાધે છે. યોગેશ જોષીની ‘ચંદરવો’ વાર્તાને આ દૃષ્ટિએ જોવાનો અભિગમ છે. પ્રતીકનો સભાન સ્તરે થતો વિનિયોગ ક્યારેક યાંત્રિક બની જાય છે પણ એવું ના થયું હોય અને સહજ ગતિથી આલેખન વસ્તુલક્ષી રીતિએ ઊતરે ત્યારે કર્તાના કૅમેરાનેત્રનો કલાત્મક લાભ સાંપડે. ‘ચંદરવો’ એક માતાના અખિલ જીવનનો વાત્સલ્ય-ભક્તિભર્યો વર-દ પુરુષાર્થ, બલકે નાર્યાર્થ છે. શારદામા જીવતરના છેવાડે આવી ગયાં છે પણ ચંદરવો સીવવાની ઘેલછાપૂર્ણ ૨ઢ આસપાસનાં સ્નેહી-સ્વજનો માટે એક કોયડા સમી બની જાય છે. અહીં વા-૨-તા માંડીને કહેવી નથી, એનો સ્વાદ તો મૂળ રચનાનાં ઘટકોનાં ક્રમિક સોપાનો ૫૨ ગતિ કરવાથી જ આવી શકે. શુદ્ધ સર્જક પોતાનાં માન્યતાગત રૂઢ મૂલ્યોથી અળગો રહી અર્થાત્ બીજા શબ્દોમાં તટ-સ્થ પ્રવિધિથી પાત્ર અને પરિ-સ્થિતિનું નિરૂપણ કરે એની મજા ઑર છે. અહીં એવું કેટલુંક સંભવ્યું છે. જોઈએ ... પ્રારંભે શારદામાનો પાત્રપ્રવેશ: ‘મોતિયો ઉતારાવેલી, ઝાંખું ઝાંખુંય માંડ જોઈ શકતી ઝીણી ઝીણી આંખો, શિયાળુ તડકાનો ઉજાસ અને ધ્રૂજતા હાથમાં સોયદોરો, આજુબાજુ પડેલા રેશમી કાપડના નાના-મોટા રંગબેરંગી ટુકડાઓ.' એક પાડોશની છોડીને મા દોરો પરોવી આલવાનું કહે છે ત્યાં ‘ચંદરવો’ કૃતિમાં દેખા દે છે. દીકરા સુરેશની વહુ માને આરામ કરવાનું કહે છે ત્યારે શારદામા ચંદરવાના નોસ્ટેલ્જિયામાં સરકી પડે છે: ‘એ ચંદરવો મીં હાચવી રાખ્યો'તો તે સુરિયાના લગનમોં કોંમ આયો.' (અહીં સ્પષ્ટ કર્યું છે માજીએ કે ‘જૂનો ચંદરવો તીં હાચવ્યો નહીં તે ઉંદરડાએ કોરી ખાધો. પણ ઈનું તો કાપડેય કોહી ગ્યું'તું...') માતાને હાથેપગે સોજા ચઢ્યા છે પણ ‘અવાજ ઘૂઘરા જેવો’. ભજનમાં જતાં બંધ થયાં, જ્યાં પૂર્વે મંડળીના એક છોકરાને કાનુડો બનાવી પાટલા પર બેસાડી આરતી ઉતારતાં. નૃત્યની મુદ્રામાં ‘મેહુલો ગાજે' ગીત ગાતાં પડી ગયાં ને થાપાનું ફ્રેક્ચર, બહાર જતાં કાયમ માટે રોકી રહ્યું, પણ ચંદરવો સીવવાનું હાથકામ અસ્ખલિત. (અપવાદ ડૉક્ટરે મહિનો આરામ કરવાનું કહેલું તેટલો જ સમય.) હવે લેખકે ચંદરવાને વિભિન્ન અવસ્થામાં, વિવિધ ઍન્ગલથી કૅમેરાંકિત કર્યા કરીને સામગ્રીનો કેવો કસ કાઢ્યો છે તેનું સંકલન માણીએ . ‘આજે ફરી ઓટલો શોભી ઊઠ્યો – રંગબેરંગી રેશમી ટુકડાઓ અને અધૂરા ચંદરવાથી...’ ‘ઝાંખો ઝાંખો નહીં ચોખ્ખોચણાક! રેશમની સુંવાળપ અને ચળકાટ સાથેના બધા જ રંગો અને ભાત એકદમ ચોખ્ખાં.’ વાર્ધક્યના પૉઝિટિવ આભાસ શારદામાના બોલમાં, ચંદરવાના ટાંકા સાથે લેખકે ગૂંથી દીધા છે: ‘મારી આંખો હારી થઈ ગઈ ક હું?!... નવું તેજ ફૂટ્યું ક હું ?! અવઅ્ નવા દોંત ફૂટશે?!’ (પડોશીઓ અને વહુનેય લાગી જાય છે કે ઉંમરે પહોંચેલા બાનો સ્વભાવ બદલાઈ ગયો. સાઠે બુદ્ધિ...) પડોશી ડોશી આંખો ના ફોડવાની સલાહ દેવા આવ્યાં તો શારદામા ‘જ્વાળામુખીની જેમ' ભભૂકી બરાડ્યાં: ‘મેર મૂઈ ઝેરીલી, અવઅ્થી તારું કાળું મૂઢું નો બતાવતી મનં... નં મું મરી જઉં નં તારઅ્ રોવાય નોં આવતી...' ઉત્તર ગુજરાતની તળપદી વાક્ ક્ષમતાનો, બોલીના પ્રદર્શનપરસ્ત બહેકાટ વગરનો સહજ વિનિયોગ, આવી અન્ય અનેક સનસનાટી ઉલેચતી ઘટનાશ્રિત વાર્તાઓ કરતાં લક્ષ્યમાત્ર છે. સુરેશની વહુને છોકરો આવે ને જનોઈ દેવા જેટલો થાય ને આંગણે માંડવામાં જાતે સીવેલો ચંદરવો બંધાય એની આશા મેલી દીધા પછી માને ભગવાનની મરજીનું આગોતરું કહેણ આવ્યું હોય તેમ જીવતક્રિયા અને ભેળી ભાગવત સપ્તાહ બેસાડવાનો ફણગો ફૂટે છે. જીવનચર્યામાં સજ્યામાં મૂકવાની સામગ્રીના વર્ણનમાં લેખક ફાનસ-છત્રી-નાવડું વર્ણવવાનું વીસરી ગયા, પણ એક-બે સ્થાને વર્ણન, સુસ્પષ્ટ વિવરણ જેવું આલેખવાનું ગોથું પણ ખાઈ ચૂક્યા છે. દા.ત. ‘ચંદરવાના ટાંકા લેતાં લેતાં, પોતાના જીવતરમાંથીય સમયના કેટલાક રંગબેરંગી ટુકડાઓ સંધાઈ સંધાઈને શારદામાના હૃદયમાં જાણે એક ચંદરવો રચાતો જતો.' – પુનરાવર્તન થોડું કઠે છે. છતાં કર્તાની સૂક્ષ્મ નજર ચરિત્રના ક્લોઝઅપ લેવામાં શારદામાના સંકુલ માનસને ઊંડળમાં લે છે: ‘કપાળમાંની ઢગલોએક કરચલીઓ એકમેકની વધારે નજીક આવી ને એમની દૃષ્ટિ કશાક અદૃશ્યને જોવા લાગી.' (કશાક અદૃશ્યને જોતી દૃષ્ટિનો ઉલ્લેખ કૃતિના અનુગામી પરિવેશનું ઇંગિત આપે છે તે અંતે સમજાય એવી સંરચના રસપ્રદ છે.) દેવદેવીઓના ફોટા સાથે ચશ્માની ફ્રેમ પણ ‘ઇસ્ટીલ’ની આવે છે પછી આવતા વર્ણનમાં ‘કરચલીઓ'નો સરસ ઉપ-યોગ જુઓ. ‘...પણ આ ઉંમરેય, સોળ વરસની શરમ એમના ચહેરા પરની કરચલીઓ ઓળંગતી ઊભરાઈ આવી.’ મુહૂર્તના દિવસોમાં ભજનની રમઝટ અને સજ્યા જમણવારની તૈયારીઓ વચાળ ચંદરવાનું સમયસર દર્શન દેખો: ‘શારદામાએ બનાવેલો ચંદરવો પવનમાં ઝૂલતો હતો. રેશમી ટુકડાઓના અલગ અલગ રંગો તડકામાં ઝળહળતા હતા.' ‘પણ કોને ખબર હતી કે ભાગવત સપ્તાહ સાંભળવા કે લહાણી વહેંચાતી જોવાય શારદામા રહેવાનાં નથી!' પરોઢિયે શારદામા ઢળી જાય છે. વાતાવરણમાં સ્તબ્ધતા. આજ્ઞાંકિત પુત્ર સુરેશ સ્વસ્થ થઈ જાય છે. નવાંનક્કોર કપડાં પહેરેલી સ્ત્રીઓ માના આદેશ અનુસાર કાળાં લૂગડાં નહીં પણ સફેદ સાડીઓ પહેરવાની શોધાશોધમાં પ્રવૃત્ત થાય છે, પછીનું નિરૂપણ કાબિલે દાદ છે. ‘સુરેશભાઈ’, કો’કે પૂછ્યું, ‘બહાર છે એ રંગબેરંગી ચંદરવો ઉતારી દેવો છે ?' ‘ના, ભલે રહ્યો.’ આ ત્રણ શબ્દોનો, શબ્દોથી લવાયેલો અંત, વાર્તાકળામાં અપેક્ષિત ‘સિંગલ ઇફેક્ટ'નો સંયત અને રસકીય નમૂનો છે. ‘હજીયે કેટલું દૂર?’ વાર્તાસંગ્રહમાંથી ‘ગૂર્જર અદ્યતન નવલિકા સંચય'માં વરણીપ્રાપ્ત આ નવલિકાનો પરિચય આપતાં કવિ વાર્તાકાર હરિકૃષ્ણ પાઠકે ચંદરવાને અન્ય માટે ‘હર્યોભર્યો વારસો અને રંગીન શિરછત્ર' કહીને યોગેશની કથનકળાને સમુચિત અંજલિ આપી છે. અમદાવાદ, ૧૯-૮-૦૫ (‘ઉદ્દેશ’માંથી).