યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/મારી ભીતર (કેફિયત) : યોગેશ જોષી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મારી ભીતર* [1]
યોગેશ જોષી


મારો પહેલો પ્રેમ કવિતા છે. મારો વધારે પડતો અંતર્મુખી સ્વભાવ પણ કવિનો છે અને છતાં ગદ્યમાં વધારે કામ થાય છે! મારી ભીતર એક કવિ ધૂણી ધખાવીને જો બેઠો ન હોત તો કદાચ ગદ્યમાંય કામ થયું ન હોત... હું કશું વાંચતો-સમજતો નહોતો એ ઉંમરેય મારી અંદર સર્જકતાનાં મૂળિયાં પડેલાં હતાં, ભલે એની મને જાણ નહોતી. સર્જકતાનાં મૂળ કયા જન્મથી પડ્યાં હશે મારી અંદર? સર્જકોનાય સર્જકને શું શું કામ કરાવવું હશે મારી પાસે? જૂના જન્મોનું અધ્યાત્મ સંચિત હશે મારી ભીતર? એ અધ્યાત્મના ભેજ-તેજ થકી જ સિંચન થતું રહેતું હશે મારી સર્જકતાનાં મૂળનું?! – આ બધું કમ્પ્યુટરની પ્રોગ્રામ ફાઇલ જેમ ઓપન કરીને બતાવી શકાય તેમ નથી. મારી ભીતરના માઇક્રો-પ્રોસેસરનાં રહસ્યો હું જાણતો નથી. પાંચમામાં ભણતો ત્યારનો એક પ્રસંગ યાદ આવે છે – સવારની સ્કૂલ. લેસન બાકી હતું તે ઘેરથી વહેલો નીકળેલો. સ્કૂલે પહોંચતાં જ જોયું તો આખીયે રાત વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે, એક લીમડો પડી ગયેલો. રોજ રિસેસમાં અમે એ લીમડા નીચે રમતા. પડી ગયેલા એ લીમડાને જોઈને મને કંઈક થઈ ગયું... એ ‘કંઈક’ – किमपि – એ જ કદાચ મારી સર્જકતાના મૂળમાં હશે? સૂકું પાંદડું ખરતું જોઉં ને આખીયે ધરતી ધ્રુજતી દેખાય એટલો સંવેદનશીલ છું, પણ લોકો સાથે હળવા-ભળવા-મળવાને બદલે, મારી જ ભીતર ઊંડો ને ઊંડો ઊતરતો જનારો હું વાર્તા કઈ રીતે લખી શકું છું? જર્મન કવિ રિલ્કે કહેતા તેમ કવિ માટે અંતર્મુખી હોવું એ કદાચ જરૂરી. પણ વાર્તાકારે તો બહિર્મુખી પણ હોવું જરૂરી છે. જ્યારે મને મારી અંદરની ગુફામાંથી બહાર નીકળવું જ ન ગમે. ટોળાં, અવાજ, મેળા, મેળાવડા, ભીડની જાણે બીક લાગે. પ્રવાસભીરુતાય ભારોભાર. જગતભરના ઉત્તમ વાર્તાકારો સારા પ્રવાસીઓ પણ રહ્યા છે ને પોતાના સમયના સમાજનેય ખૂંદી વળ્યા છે. આમ, વાર્તાકાર માટે તો આંતર્ જગતના વાસ્તવ ઉપરાંત બાહ્યજગતના વાસ્તવની, સમાજની ને મનુષ્યની ઓળખ-પરખ પણ જરૂરી છે. જ્યારે હું તો સમાજથી સાવ પર હોઉં એટલી હદે અંતર્મુખી છું. ‘હં' કહેવાથી ચાલતું હોય ત્યાં સુધી ‘હા' પણ ન બોલું એટલી હદે ઓછાબોલો છું... સોશિયલ ફોબિયાથી જાણે પીડાઉં છું... તો પછી, કેટલાક મિત્રો પૂછે છે તેમ, આ બધી વાર્તાઓ-નવલકથાઓ આવે છે ક્યાંથી? મારી ભીતર બેઠેલો ‘કવિ' કે ‘સાહેબ' જ આ બધું લખાવતો હશે?! ક્યારેક એવુંય લાગે કે મારી ભીતરથી જાણે કોઈ લખાવતું હોય અને હું માત્ર ઉતારો જ ન કરતો હોઉં! ઘણી વાર કોઈ સંવેદન, ઘટના, પરિસ્થિતિ કે પાત્ર મનમાં અવળસવળ થયા કરે, ઘુંટાયા કરે, પ્રગટ થવા રૂંધાયા કરે... પણ આળસને કારણે કે મૂડના લીધે કે સમયના અભાવે લખાય નહિ ને એ ભુલાઈ પણ જાય, તો ક્યારેક કોઈ સંવેદન કે ચરિત્ર જાણે પાતાળ ફોડીને પ્રગટ થવા મથે ને ઘૂંટામણ-રૂંધામણની એવી સ્થિતિએ પહોંચે કે હું લખવા ન બેસું ત્યાં સુધી એ મને જંપવા ન દે, ઊંઘવા ન દે, જીવવા ન દે, શ્વાસ પણ લેવા ન દે...! બધીયે ઇન્દ્રિયો દ્વારા વાસ્તવ ઝીલાય છે, રોપાય છે મારામાં... બધીયે દિશામાંથી અનેક સંવેદનો આવી આવીને ઠલવાય છે મારામાં... અધૂરી રેખાઓવાળાં અનેક પાત્રો, out of focus હોય તેવાં અનેક દૃશ્યો, ન સમજાય કે અડધા પડધા માંડ સમજાય તેવા અનેક મનોસંચલનો, અધૂરી જાણકારીવાળી અનેક વિગતો- ઘટનાઓ, અકળ મનના જરાતરા દેખાતા, ન દેખાતા અંધારિયા અનેક ખૂણાઓ, વાસ્તવજીવનના પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવો, ભાષા દ્વારા, મીડિયા દ્વારા, પ્રકૃતિ દ્વારાય પમાતા જીવનના અનેક ઝબકારા- ધબકારા... – આવું બધું અસંખ્ય બીજ રૂપે ધારણ થતું જાય મારી ભીતર... એમાંનું મોટાભાગનું કરમાઈ જાય, સુકાઈ જાય, ભુંસાઈ જાય... તો કોઈ કોઈ બીજમાં અંકુર ફૂટે... કોઈ જાણે એમાં રંગ, રૂપ, રસ, ગંધ, ઘાટ ને પ્રાણ પૂરે ને કશુંક સહજલીલયા પ્રગટી ઊઠે... તો ક્યારેક પાસે બધાં જ ટુલ્સ હોવા છતાં, સ્કીલ હોવા છતાં, શિલ્પનો ઘાટ-આકાર ઘડાવા છતાં, મથી મથીને મરી જવા છતાંય, એમાં પ્રાણ નથી પુરાતા તે નથી જ પુરાતા.... તો કોઈ વાર એકાદ વીજઝબકારે જ, કાળમીંઢ અંધકારમાંય દોર પરોવાઈ જાય છે... આવી ક્ષણો એ જ જાણે સાક્ષાત્કારની ક્ષણો... અભિવ્યક્તિની તકલીફ મને ક્યારેય પડી નથી; શબ્દો જાણે મને શોધતા આવે છે; કારણ, પ્રગટતાં પહેલાં અંદર બધું ખાસ્સું ઘૂંટાયું હોય; સેવાયું હોય, ક્યારેક જાણ સાથે તો ક્યારેક જાણ બહાર. વળી અભિવ્યક્તિની તકલીફ પડી જ કઈ રીતે શકે? કારણ, ધરાઈ ધરાઈને ધાવ્યો છું હું મારી માતૃભાષાને, બચ્ બચ્... – ‘ક કમળનો ક', ‘સાચી વાણીમાં શ્રીરામ', ‘ઓ ઈશ્વર ભજીએ તને... મોટું છે તુજ નામ', ‘મો૨ે મને પીંછું આપ્યું', ‘નીરખ ને ગગનમાં... કોણ ઘૂમી રહ્યું', ‘વીજ-ઝબકારે મોતીડાં પરોવો પાનબાઈ...', ‘મેરે પિયા મેં કુછ નહિ જાનું... મેં તો પલ પલ બ્યાહ રહી...' ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે...' – ધન્ય ધન્ય થઈ જવાય એવો અમૂલ્ય વારસો મળ્યો છે મને મારી માતૃભાષાના સર્જકો પાસેથી... મારા નરસૈંયા પાસેથી, મારાં મોટીબા પાસેથી, મારા પિતાજી પાસેથી, મારી મા પાસેથી... વાર્તાની માંડણી-ગૂંથણી, પ્રસંગ ક્યાંથી ઉપાડવો, કેમ બહેલાવવો-સહેલાવવો, કેટલું ઢાંકેલું રાખવું; વાસ્તવમાં ઘૂંટીને-ગૂંદીને, કપોલકલ્પિતનેય ક્યાં, કઈ રીતે ને કેટલું ઉમેરવું, વાતમાં મોણ કેટલું નાખવું, વાત કહેતાં કહેતાં ક્યાં અવાજને ધીમો કરવો ને ક્યાં ભારે ક૨વો, ક્યાં ગળગળા થઈ જવું, ક્યાં જરી ભીનો સાદ ઊંચે લઈ જવો ને ક્યાં વાક્યને અધવચ્ચે છોડી દઈને માત્ર સંવેદનને વહેવા દેવું... વગેરે મોટીબાની કથનશૈલીનો વારસોય મારી કલમને મળ્યો છે. પિતાજી ભણતા ત્યારે કવિતા-વાર્તા લખતા ને વિસનગરમાં હસિત બૂચ દ્વારા ચાલતી બુધસભામાંય જતા અને મા તો જાણે સાક્ષાત્ સંવેદનનું જ સ્વસ્થ, સ્વ-રૂપ છે... નાનો હતો ત્યારથી ઝીણું જોવાની ટેવ, તરંગ-કલ્પન-સંવેદન ને વિસ્મય હજીયે એવાં ને એવાં જ છે મારામાં. ધારો કે બસમાં બેઠો હોઉં. સામેની સીટ પર કોઈ ડોસો બેઠો હોય. હું એને ટીકી ટીકીને જોયા કરું – કેવો છે એનો ચહેરો? એના ચહેરા પરની કરચલીઓ?! કેવી ઊપસી છે ભૂરી ભૂરી નસો! એની ઊંડી ઊતરી ગયેલી આંખની ભૂખરી કીકીમાં પ્રકાશનું ગોળ ઝીણું ટપકું... ના; ટીપકી, કેવી ચમકે છે! એ ટીપકીમાં ચમકે છે એના જીવનનું તેજ? કે મરણનો ભેજ? એ કીકીમાં હજી ટમટમે છે કોઈ સ્વપ્ન? એના કપાળની કરચલીઓમાંથી ઉંમરના કારણે કેટલી ને કશીક ચિંતાને કારણે કેટલી? શું શું ચિંતા-પીડા હશે એને? – આમ વિચારતાં વિચારતાં જાણે હું જ એ ડોસો બની જઉં...! ધારો કે ક્યાંક, કોઈ નાની બહેનનાં લગ્ન હોય ને મોટી બહેન હજી કુંવારી હોય તો, મારા ઘરમાં રહ્યે રહ્યેય થાય કે, મોટીબહેનના કાળજામાં શું શું ઘમસાણ ચાલતું હશે! વિચારતાં વિચારતાં જાણે હું જ મોટીબહેન બની જઉં... અંદર કશુંક ઘમસાણ શરૂ થઈ જાય... ભવિષ્યમાં કશું લખીશ એવું સ્વપ્નેય ધાર્યું-વિચાર્યું નહોતું, ત્યારે પણ આવું આવું થતું..! મેં વાર્તાલેખન શરૂ કર્યું ત્યારે સુરેશ જોષીનો જમાનો હતો... ઘટના તત્ત્વનો ાસ થવા લાગેલો. વાર્તાનો મેદ ઊતરતો જતો હતો. આકારનો, સ્વરૂપનો વધારે પડતો મહિમા થવા લાગેલો... કેટલાક વાર્તાકારો તો પોતાની ગણના થાય એ માટે કશા આધાર વિનાનું નર્યું કપોલકલ્પિત અને દુર્બોધ લખવા માંડેલા. આધુનિકતાના રંગો પૂરબહારમાં ખીલેલા હતા. નિબંધ હોય, વાર્તા હોય, નવલકથા હોય કે ગદ્યખંડ; કાવ્યમય ગદ્યની ફેશન ચાલતી હતી... કામુ, કાફકા, સાર્ત્રનાં નામો ઊછળતાં હતાં. ઍબ્સર્ડને કે આધુનિકતાને સમજ્યા વિના, અનુભવ્યા વિના, પચાવ્યા વિના જ, કોઈક આકારમાં ઢાળવાની મથામણો ચાલતી હતી... આ બધા વચ્ચે ભોંયમાંથી સહજ ફૂટતી વાર્તા કદાચ ગુંગળાતી હતી. ઉછીની હતાશા-નિરાશા-શૂન્યતાને ઘૂંટી ઘૂંટીને એમાંથી કશુંક નીપજાવવાના પ્રયત્નો થતા હતા ને કૃતકતા ઉઘાડી પડતી હતી, પ્રાણ વગરના, ખાલી ખોખાં જેવાં આકારો ઊભા થતા હતા. ખૂબ ઓછા વાર્તાકારો પાસેથી ને ખૂબ ઓછી સંખ્યામાં સાચી આધુનિક વાર્તા મળી શકી હતી ને બોદી-પોલી, આભાસી આધુનિકતાનોય મેદ ઓછો કરવાનો સમય પાકી ગયો હતો. આધુનિકતાની ફૅશનના પ્રવાહમાં મારે તણાવું નહોતું. શું નથી કરવું એ બાબતે હું ચોક્કસ હતો. માત્ર ફૅશન ખાતર હતાશા, નિરાશા, શૂન્યતાની વાત નથી કરવી. કાચા રંગોવાળી આધુનિકતાની ધજાઓ નથી ફરકાવવી. સાવ દુર્બોધ તો ચાલે જ નહિ. પ્રત્યાયનનો તો પ્રશ્ન જ ન થવો જોઈએ. નરી વાગ્મિતા, ભાષાબાજીમાં નથી રાચવું. કવિતાવેડામાં નથી લપસવું. કેવળ સપાટી પરના રોમાન્ટિક પ્રલાપોની લવરીએ નથી ચડવું. આભાસી પ્રણયત્રિકોણો તરફ તો નજર સુધ્ધાં નથી નાખવી. સ્ત્રી-પુરુષ સંબંધોના સ્થૂળ રાગાવેગમાં નથી રાચવું. માત્ર વાર્તાઓમાં જ બને એવું બધું મારે નથી ગોઠવી દેવું, પણ એના બદલે રોજબરોજના જીવનમાં જે કંઈ નાના-મોટા પ્રસંગો બને એના પર વધારે ધ્યાન આપવું. બધાંયે પાત્રોના હૃદય-મગજ એ લેખકનાં જ હૃદય-મગજ હોય એવું નથી થવા દેવું. બધાં જ પાત્રો પોતાની ‘બોલી'ના બદલે વાર્તાકારનું જ કાવ્યમય ગદ્ય ઉવાચે એવું નથી કરવું. બધાં જ પાત્રો લેખક ડોલાવે તેમ ડોલે એવું નથી થવા દેવું. સહજતા, સરળતા, સાદગી, સચ્ચાઈ નંદવાય એવું કશું નથી કરવું. કશુંક નવું, કશુંક જુદું કરી દેવાના અભરખાય નહોતા. બહુ મોટી મહત્ત્વાકાંક્ષાય નહોતી. બસ, બધું ધારી ધારીને જોવું... ચાહવું... છયે ઇન્દ્રિયો થકી બધું સર્જકચેતનામાં ઊતરવા દેવું, ઠરવા દેવું... એમાંથી કશુંક સહજ ફૂટે એની ધીરજપૂર્વક રાહ જોવી. સાવ કપોલકલ્પિત પણ નહિ ને નર્યું દસ્તાવેજી પણ નહિ; એ બેની વચ્ચે, પણ ઠોસ વાસ્તવની નજીકના કોઈક દોર પર હાથમાં વાંસ લઈને ચાલવું... ભરપૂર જીવનરસને પ્રગટાવવા ધ્યાન કેન્દ્રિત કરવું. શબ્દ પાસેથી મૂવી કૅમેરાનુંય કામ લેવું. વાર્તા ત્રીજા પુરુષ દ્વારા કહેવી અથવા તો પ્રથમ પુરુષ દ્વારા વગેરે રૂઢિચુસ્તતાના બદલે, મારી કથાઓમાં હું તો કોઈ પણ એંગલે કૅમેરા રાખું, જરૂર પ્રમાણે જે તે પાત્રની આંખોમાંય કૅમેરા રાખું ને જે તે પાત્રના મનમાંય. સર્જક તરીકે સમભાવ, સાક્ષીભાવ મારામાં કેળવાતો-વિકસતો રહે એ બાબતેય સ-જાગ, સ-ભાન રહેવા બનતો પ્રયત્ન કરું. એકાદ વૃક્ષ જો ચીતરવાનું હોય તો ડાળ-પાંદડાં વચ્ચેથી દેખાતા-ડોકાતા આકાશને-અવકાશને વધારે મહત્ત્વ આપવું અને ધરતીની ભીતર વિસ્તરતા જતાં મૂળિયાંની ભીતરના જળનેય પાંદડાંની ચમકમાં ચમકાવવું. ભારેખમ મેદાળી ઘટનાઓને બદલે રોજિંદા જીવનની ઝીણી ઝીણી વિગતો પ્રત્યે વધારે ધ્યાન આપવું. વાર્તાનું લોહી આવી ઝીણી ઝીણી નસોમાં વહેતું હોય છે, જે વાર્તાને જીવંત બનાવે. કેવળ દેખાવની, ખોખલી માંસલતાનો કશો અર્થ નથી. ભાગ્યે જ કોઈના જીવનમાં બને એવી ઘટના ઓછામાં ઓછા શબ્દોમાં આલેખવી, પણ લગભગ બધાયના જીવનમાં બને એવી નાની નાની વિગતોની પ્રાણ સીંચીને વાત કરવી. કોઈ વાર્તામાં એંસી વર્ષની ડોશી વિશે લખતો હોઉં ત્યારે હું જ જાણે એંસી વર્ષની ડોસી હોઉં છું ને બે વર્ષના બાળક વિશે લખતો હોઉં ત્યારે હું જ એ બાળક હોઉં છું. લખતી વેળા મારામાંથી હું બાદ થતો જઉં છું ને હું જ મારી કથાનાં જે-તે પાત્રો બની જતો હોઉં છું. લખતી વેળા મારી આસપાસનું સાચુકલું વાસ્તવ બાદ થતું જાય છે ને ધીરે ધીરે વાર્તાનું વાસ્તવ રચાતું-જીવાતું જાય છે. વાર્તાનાં પાત્રોનો સ્વભાવ ઘડાઈ ગયા પછી એ પાત્રોને મન ફાવે તેમ રમાડી શકાતાં નથી. જે દોર વડે વાર્તાકાર પાત્રોને કઠપૂતળીની જેમ રમાડતો હોય એ જ દોર વડે વાર્તાકારનીય આંગળીઓ બંધાઈ ગયેલી હોય છે. વર્ષો અગાઉ થયેલો કોઈ પરોક્ષ અનુભવ, ક્યાંય કશું જોયેલું કે સાંભળેલું હોય એ પણ લખતી વખતે સર્જકચેતનામાં રસાઈને આવે છે ત્યારે, પહેલાં તીવ્રતમ અનુભવાય છે ને પછી પ્રગટે છે. લખતી વખતે મારી બધીયે ઇન્દ્રિયો, મારા પ્રાણ સમેત, જાણે મારી કલમની શાહી બની જાય છે. કેવળ ક્રાફ્ટમેનશીપ તથા સ્કીલ થકી અસંખ્ય બીબાઢાળ શિલ્પો તો રચી દઈ શકાય; પણ એમાં જો પ્રાણ ન પૂરાય તો પછી આવાં અસંખ્ય શિલ્પોનો કશો અર્થ નથી. વાર્તાકારે એ શિલ્પમાં પ્રાણ પૂરવાનો રહે; આ માટે વાર્તાકારે ‘શક્તિપાત’ કરવાનો રહે...! ‘શક્તિપાત' માટેની ઊર્જા એ પણ મારા માટે ‘સર્જનપ્રક્રિયા'ની જેમ રહસ્યમય છે. ક્યાંથી આવતી હશે આ ઊર્જા?! સર્જકના મૌનમાંથી?! સાધના, તપમાંથી? ગત જન્મોના સંચિત અધ્યાત્મમાંથી?! કે પછી સર્જકોનાય સર્જકના આવિર્ભાવમાંથી?! મારો નાનો ભાઈ જન્મ્યો ત્યારે અપાર વિસ્મય થયેલું – નાનો નાનો ભઇલો આવ્યો ક્યાંથી?! મારો દીકરો જન્મ્યો ત્યારેય એટલું જ વિસ્મય અનુભવાયેલું. એટલું જ વિસ્મય આજેય થાય છે – નવજાત શિશુને જોઈને, ફૂટતી તાજી કૂંપળને જોઈને કે હાડપિંજર જેવા ઝાડની ડાળ પરથી છેલ્લા પાંદડાને ખરતું જોઈને; ખરતાં ખરતાં એ પીળા-સૂકા પાંદડાએ હવામાં રચેલી અદૃશ્ય આકૃતિ જોઈને કે ભૂકંપમાં ઘરબાર, હાથ-પગ ગુમાવેલા કચ્છના માણસની ટટ્ટાર કરોડરજ્જુ જોઈને... રોજેરોજ આટઆટલા ખૂન-બળાત્કાર-આતંક થયાનું વાંચતો હોઉં; ટીવી સમાચારમાં સગી આંખે જોતો હોઉં, છતાં મને સમજાતું જ નથી કે એક માણસ બીજાનું ખૂન કરી જ કઈ રીતે શકે? કોઈ, કોઈના પર બળાત્કાર કરી જ કઈ રીતે શકે?! કોઈ આતંકવાદી બની જ કઈ રીતે શકે?! અને છતાંય મારી કોઈ વાર્તામાં કે નવલકથામાં ખૂન કે બળાત્કારની વાત ક્યાંથી આવી?! અત્યંત સંવેદનશીલ એવો હું, લખતી-મઠારતી વખતે આવો નિર્મમ બની જ કઈ રીતે શકું છું?! ખબર નથી. લખતી વખતે હું અંદરથી બરાબર સમજતો-જાણતો હોઉં કે આ તો માત્ર વાર્તા છે, આ તો માત્ર કથાનું વાસ્તવ છે, આ બધાં પાત્રોય વાર્તાનાં પાત્રો છે, સાચુકલાં નથી, જીવતાં-જાગતાં નથી; તે છતાંય પાત્રોનાં દુ:ખે દુ:ખી થતો હોઉં છું... મારા જીવનમાં ખરેખર દુઃખ આવી પડે તો મારે માત્ર યોગેશના ભાગે આવતું દુ:ખ જ ભોગવવું પડે. જ્યારે કથા-સર્જનમાં તો બધાંય પાત્રોનાં સુખ-દુઃખ-પીડા મારે એકલાએ જ ભોગવવાં પડે! વળી, વાસ્તવમાં આવી પડનારા દુ:ખ કરતાંયે કલ્પેલું દુ:ખ વધારે પીડાકારક હોય છે. માનશો? કોઈ કરુણ પ્રસંગ આલેખતાં, આ બધું મારી કલ્પનાની જ નીપજ છે એવું જાણવા છતાં, ક્યારેક લખતાં લખતાં આંખોમાં ઝળઝળિયાં ડોકાયાં છે! લાગણી એ પણ મારા અસ્થમાનું એક કારણ છે ને કથાલેખન દરમિયાન ક્યારેક દમની દવાના ડોઝ વધી જાય છે! મારી મા આ વાત બરાબર જાણે છે. આથી જ એ અવારનવાર કહેતી – તું આ બધું લખવાનું છોડી દે તો તારી તબિયત સારી રહે.... પણ પછી એ આમ કહેતી નહીં. પછી એય સમજી ગઈ હતી કે લખવું એ મારા માટે જાણે શ્વાસ લેવા જેવું છે. લખવું એ મારા માટે ખાલી થવાની, સ્વ-સ્થ થવાનીય પ્રક્રિયા છે. પ્રકૃતિને, સમગ્ર સૃષ્ટિને તથા મારી માતૃભાષાને હું અપાર ચાહું છું. મને ‘માણસ'માં અને ‘જીવન'માં રસ છે. આટઆટલાં ખૂન, બળાત્કાર, આતંક, યુદ્ધ છતાંય માણસમાં મને આસ્થા-નિષ્ઠા-શ્રદ્ધા છે. મારી બધીયે વૃત્તિઓ સંતોષાય છે લખવામાં. ધ્યાન કરવું અને લખવું એ મારા માટે અલગ નથી. મારો શબ્દ અને હું અલગ નથી. લખવું એ મારા માટે ‘માણસ'ને અને ‘જીવન'ને ઓળખવાની સાથે સાથે જાતને પામવાની પ્રક્રિયા પણ છે. (‘ખેવના’ - ૮૭, સપ્ટેમ્બર, ૨૦૦૫માંથી).


  1. તા. ૫-૧૨-૨૦૦૪ના રોજ સૂરત ખાતે નર્મદ સાહિત્ય સભાના સર્જન-પ્રક્રિયાના કાર્યક્રમમાં આપેલ વાર્તાકાર તરીકેની કેફિયત.