ગુજરાતી બાળવાર્તા સંપદા/અજબ ચોર

From Ekatra Wiki
Revision as of 14:05, 11 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઝવેરચંદ મેઘાણી

અજબ ચોર

એક હતો ચોર. એને એવું નીમ કે એક વરસમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહિ. એક દિવસ એ ચાલ્યો ચોરી કરવા. રસ્તામાં એક નદી આવી. ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો. વાણિયાના પેટમાં ફાળ પડી. પાણી પૂરું પીધા વિના એ ઊઠ્યો. ચોર કહે, “શેઠજી, પૂરું પાણી તો પી લ્યો.” વાણિયો કહે, “બસ ભાઈ, મારે વધારે નથી પીવું.” ચોર કહે, “શેઠ, તમે ભડકો મા. હું તમને નથી લૂંટવાનો. વિશ્વાસ રાખો, ને પાણી પી લ્યો. મારે તો મોટી ચોરી કરવાની છે.” વાણિયે પાણી પીધું. ચોર કહે, “શેઠ ! તમારી પાસે આ લાકડી છે, તે મને આપો. પૈસા દઉં.” વાણિયાના મોઢા ઉપરથી લોહી ઊડી ગયું. એ બોલ્યો, “ભાઈ મારાથી લાકડી વિના હલાય નહિ. લાકડીને ટેકે ટેકે તો હું હાલું છું. આંહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ?” ચોરે લાકડી ઝૂંટવી લીધી. અને એને ચીરી ત્યાં તો માંહેથી ચાર રત્નો નીકળ્યાં. દાંત કાઢીને ચોર કહે કે, “શેઠજી, તમને મેં અભયવચન દીધેલું, તોય તમે મારી પાસે ખોટું બોલ્યા ! લો તમારાં રત્ન. મારે એ ખપે નહિ. તમે કયે ગામ જાઓ છો ?” શેઠ કહે, “ઉજેણી નગરી.” ચોર કહે, “ઉજેણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજ રાતે હું ચોરી કરવા આવીશ. માટે હુશિયાર રહે.” વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા. રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો ! આવો બહાદુર ચોર કોણ હશે ? આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે ! રાજાએ હુકમ કર્યો કે આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું. માટે બધા સિપાઈને રાતે રજા આપવી. કોઈએ આજે રાતે જાગવાનું નથી. નગરના માણસોને પણ કહેજો કે નિરાંતે સૂઈ જાય. રાજાજી તો દેવતાઈ પુરુષ હતા. એના વચન ઉપર બધાને વિશ્વાસ. રાત પડી. ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા. ગામનાં માણસો પણ સૂઈ ગયાં. નગરના ગઢના દરવાજા દેવાઈ ગયા. રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક જગ્યાએ ઊભા રહ્યા. એને લાગ્યું કે આંહીથી ચોર ઊતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે એટલે તે પાછો ઊતરવા માંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ આ સિસોટી. ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે, એટલે એ અંદર આવ્યો. વિક્રમ રાજા કહે કે, “ચાલ દોસ્તો, હું આ ગામનો ભોમિયો છું. તને સારાં ઠેકાણાં બતાવું.” બન્ને જણા ચાલ્યા. ચાલતાં ચાલતાં એક શાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય, ત્યાં શેઠ-શેઠાણી ભર ઊંઘમાં સૂતેલાં. ચોર થોડી વાર ઊભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યાં કે, “કોણ એ ભાઈ !” આ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યો. રાજાને કહે કે, “ચાલો બીજે ઘેર. આંહીં ખાતર નથી પાડવું.” રાજા કહે, “કાં ?” ચોર બોલ્યો, “શેઠાણીએ મને ‘ભાઈ’ કહ્યો. બહેનને તો કાંઈક દેવાય.” એમ કહીને પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાનો એક વેઢ હતો તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો. પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા. ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલાં. ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો. એના મનમાં થયું કે આ શુકનની સાકર છે. એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળ્યો. રાજા કહે, “કેમ થયું ?” ચોર બોલ્યો, “ભાઈ ! આ ઘરનું લૂણ (મીઠું) મારા પેટમાં પડ્યું. મારાથી લૂણહરામ થવાય નહિ. ચાલો બીજે ઘેર !” રાજાને થયું કે, “આ તે ચોર કે સંત ?” ત્રીજે ઘેર ગયા, રાજાએ રસ્તો દેખાડ્યો. ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો. ચોર તરત બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે, “ભાઈ ! શુકન તો બહુ સારાં થયાં. જાર હાથમાં આવી. પણ જે ઘરમાં શુકન થયાં તે ઘરને કાંઈ લૂંટાય ? એ શુકન તો હવે ફળવાનાં. ચાલો બીજે ઘેર.” રાજા કહે, “ચાલ, ત્યારે રાજમહેલ ફાડીએ.” બેઉ જણા ચાલ્યા રાજમહેલમાં. રાજમહેલની અંદર દાખલ થાય ત્યાં એક પણ ચોકીદાર ન જોયો. ચોર પૂછે છે, “ભાઈ ! આ તે શું ? ગામમાં કોઈ ચોકીદાર જ નહિ ! દરબારગઢમાંયે કોઈ માણસ નહિ. રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને !” રાજા કહે, “અરે ભાઈ ! એ તો બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે. આંહી તો આવું જ અંધેર ચાલે છે. રાજા કશું ધ્યાન નથી દેતા.” મહેલમાં રાણીજી હીંડોળાખાટ ઉપર સૂતેલાં. રાજા ચોરને કહે કે, “આ ખાટના પાયા સોનાના છે. પાયા લઈ લઈએ એટલે છોકરાનાં છોકરાં બેઠાં બેઠાં ખાય.” પણ ખાટ શી રીતે કાઢવી ? રાણીજી જાગી જશે તો ? પછી ચોર એ ખાટ હેઠળ ઉપરાઉપરી ગાદલાં ખડકવા મંડ્યો. ખાટે અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાંખી. એટલે રાણીજીનું શરીર, નીચે ગાદલાં હતાં તેના ઉપર રહી ગયું. પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધી. પછી એને વીંખીને ચાર પાયા જુદા કાઢ્યા. ચારે પાયા લઈને બન્ને જણાં પાછા ગઢની રાંગે પહોંચ્યા. પેલો ચોર કહે, “લે ભાઈ ! આ બે પાયા તારા ને બે મારા. સરખો ભાગ.” રાજા કહે, “હું એક જ પાયો લઈશ. મહેનત તો તારી છે.” ચોર કહે, “ના, તેં જ મને ઠેકાણું બતાવ્યું, તારી મહેનત પણ ઘણી છે.” ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી. તુરત ચોરે રાજાને કહ્યું, “ઓળખ્યા તમને. શાબાશ છે, રાજા ! માથે રહીને ચોરી કરાવી કે ?” રાજા હસી પડ્યા અને પૂછ્યું, “તેં શી રીતે જાણ્યું કે હું રાજા છું ?” ચોરે કહ્યું, “રાજાજી ! હું પંખીની બોલી પણ સમજું છું. આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો અહીં જ ઊભો છે !” રાજાએ શાબાશી આપી. ચોરને પોતાના મહેલે લઈ ગયા. બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઇનામ દીધું. એની નીતિનાં વખાણ કર્યાં. એને રાજમાં મોટી નોકરી દીધી.