ગુજરાતી બાળવાર્તા સંપદા/ચકલાભાઈનું વેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચકલાભાઈનું વેર

હંસા મહેતા

એક મોચી હતો. તે બેઠો બેઠો રાજાના જોડા સીવતો હતો. એટલામાં એક ચકલો ને એક ચકલી ચીં ચીં કરતાં આવ્યાં. ચકલીએ ઉપરથી હગાર કરી તે બરાબર જોડા પર પડી. આથી મોચી તો એવો ચિડાયો કે તેણે જોરથી જોડો ફેંક્યો. તે બરાબર ચકલીને વાગ્યો ને બીચારી ચકલી મરી ગઈ. આથી ચકલાને તો બહુ જ ગુસ્સો ચડ્યો ને આનું વેર વાળવાનો નિશ્ચય કર્યો. ચકલાભાઈએ તો બરુની ગાડી બનાવી ને એને ચાર દેડકા જોડ્યા. તેમાં બેસીને ઠાઠમાં ચકલાભાઈ મોચીને ઘેર જવા નીકળ્યા. જતાં જતાં રસ્તામાં છાણનો પોદળો મળ્યો. તેણે પૂછ્યું, ‘ચકલાભાઈ ચકલાભાઈ, ક્યાં જાઓ છો ?’ ત્યારે ચકલાએ જવાબ દીધો કે ‘અટક મટક કી ગાડી બનાઈ, મેડક જોડ્યા ચાર; મોચીએ મારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય.’ ત્યારે છાણ કહે કે ‘મને પણ સાથે લો. હું તમને મદદ કરીશ.’ ચકલાએ કહ્યું કે ‘સારું, ગાડીમાં બેસી જાઓ.’ પછી આગળ જતાં કબૂતર મળ્યું. તે કહે કે ‘ચકલાભાઈ ચકલાભાઈ, ક્યાં જાઓ છો ?’ ત્યારે ચકલો કહે કે ‘અટક મટક કી ગાડી બનાઈ, મેડક જોડ્યા ચાર; મોચીએ મારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય.’ ત્યારે કબૂતર કહે કે ‘મને સાથે લઈ જશો ? હું પણ કામ લાગીશ.’ ચકલાભાઈ કહે કે ‘સારું, તમે પણ બેસી જાઓ.’ આગળ ચાલતાં વીંછી મળ્યો. તેણે પૂછ્યું, ‘ચકલાભાઈ ચકલાભાઈ, ક્યાં ચાલ્યા ?’ ત્યારે ચકલાએ જવાબ દીધો કે ‘અટક મટક કી ગાડી બનાઈ, મેડક જોડ્યા ચાર; મોચીએ મારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય.’ ત્યારે વીંછી કહે કે ‘મને પણ સાથે લો, હું તો બહુ જ કામ લાગીશ.’ ચકલાભાઈ કહે કે ‘વારુ, તમે પણ સાથે ચાલો.’ આગળ જતાં કોઈએ રસ્તામાં વટાણા સૂકવેલા તે મળ્યા. વટાણા પૂછે કે ‘ચકલાભાઈ ચકલાભાઈ, ક્યાં જાઓ છો ?’ ત્યારે ચકલો બોલ્યો કે ‘અટક મટક કી ગાડી બનાઈ, મેડક જોડ્યા ચાર; મોચીએ મારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય.’ વટાણા કહે કે ‘મને સાથે લેશો ?’ ચકલો કહે કે ‘સારું, તમે પણ આવી જાઓ.’ પછી આગળ જતાં કાંટાની વાડ આવી. તેણે પૂછ્યું કે ‘ચકલાભાઈ ચકલાભાઈ, ક્યાં ચાલ્યા ?’ ત્યારે ચકલો કહે કે ‘અટક મટક કી ગાડી બનાઈ, મેડક જોડ્યા ચાર; મોચીએ મારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય.’ કાંટા કહે કે ‘અમે પણ સાથે આવીએ.’ એટલે એને પણ ગાડીમાં બેસાડ્યા. સાંજ પડી ને અંધારું થયું, ત્યાં ચકલાભાઈ મોચીના ઘર આગળ આવી પહોંચ્યા. પછી અંદર જઈને જોયું તો મોચી બહાર ગયો હતો. એટલે ઉમરા પર છાણના પોદળાને રાખ્યો; ઓરડામાં જઈને ગોખલામાં દીવાસળીની પેટી હતી તેમાં વીંછીને બેસાડ્યો; ચૂલા આગળ રાખમાં કબૂતરને મૂક્યું; પાછળ ચોકમાં વટાણા વેર્યા; અને વાડમાં કાંટા મૂક્યા. રાત પડી ને જેવો મોચીએ આવી ઉમરા પર પગ મૂક્યો. તેવો જ પગ છાણમાં પડ્યો ને મોચી લપસી હેઠો પડ્યો. શરીર પંપાળતો પંપાળતો ઊઠીને જેવો દીવો કરવાને દીવાસળી લેવા જાય છે, ત્યાં પેટીમાંથી વીંછી કરડ્યો. મોચી તો ચીસ પાડીને નાઠો; ને ચૂલામાંથી દેવતા લઈ દીવો સળગાવવા જાય છે ત્યાં કબૂતરે એવી પાંખ ફફડાવી કે ઊની ઊની રાખ એની આંખમાં ગઈ. ત્યાંથી આંખ ચોળતો ચોળતો તે ચોકમાં ગયો, તે વટાણા પર પગ પડતાં જ સરી પડ્યો ને તેને ખૂબ વાગ્યું. ત્યાંથી બરાડા પાડતો પાછલે બારણેથી નાસવા ગયો ત્યાં વાડ ઉપર આવીને પડ્યો ને ખૂબ કાંટા વાગ્યા. બીચારાને આખી રાત ત્યાં પડી રહેવું પડ્યું. સવારે ચકલાભાઈએ આવીને કહ્યું કે ‘જો, મારી ચકલી મારી તેનું આ વેર.’ મોચી તેને પગે પડ્યો ને એક સોનાની ચકલી તેને ભેટ આપી.