નારીસંપદા : ટૂંકી વાર્તા/દ્વિધા

From Ekatra Wiki
Revision as of 02:13, 20 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દ્વિધા

પ્રીતિ જરીવાલા

ફોનની ઘંટડી વાગતી અને સ્વરૂપા થથરી ઊઠતી. જિંદગીમાં ક્યારેય જૂઠું ન બોલનારી એ છેલ્લા કેટલાક દિવસોથી કેટલું જૂઠું બોલતી થઈ ગઈ હતી ! ઘણીવાર તો એવી અકળાઈ જતી કે એને થતું આ ફોનનો છુટ્ટો ઘા કરી તેને તોડીફોડી નાખે. તે દિવસે તો એને એ ફોનની નહીં પણ જાણે અનિકેતના મૃત્યુની ઘંટડી હોય એમ લાગતું હતું. ફોન ન ઉપાડી એ ફોન કરનારને ટાળી શકે એમ પણ ન હતી. પોતે કોઈ નિર્ણય લઈ જ નહોતી શકી. સ્વરૂપાએ ધ્રૂજતા હાથે ફોન ઉપાડ્યો. “હેલો” “બહેન, તમે શું વિચાર્યું?” “ભાઈ, તમે મારી મુશ્કેલી સમજો. મારી કોશિશ ચાલુ જ છે. હવે હું જ તમને ફોન કરીશ.”, કહી સ્વરૂપાએ રિસીવર પછાડ્યું હતું. એક વરસમાં તો એની આંખી જિંદગી પલટાઈ ગઈ હતી. એ દિવસ તો એની સ્મૃતિમાંથી જાણે ખસતો જ ન હતો. ડૉ. કામતની ક્લિનિકમાં અનિકેતના બધા રિપોર્ટ લઈ ડૉક્ટરને મળવા ગઈ હતી. અનિકેતના અસહ્ય કમરદર્દનું એ દિવસે નિદાન થવાનું હતું. ડૉક્ટર બધા જ રિપોર્ટ ઝીણવટથી તપાસી રહ્યા હતા. સ્વરૂપા અધીરાઈથી ડૉક્ટરના જવાબની રાહ જોઈ રહી હતી. ડૉક્ટરે કહ્યું હતું, “તમારા પતિને પ્રોસ્ટેટનું કેન્સર છે, એ પણ લાસ્ટ સ્ટેજનું.” આ સાંભળીને સ્વરૂપાના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ હતી. આંખોમાં ધસી આવેલાં ઝળઝળિયાંમાંથી ડૉક્ટરનો ચહેરો પણ એને સ્પષ્ટ દેખાતો ન હતો. પર્સમાંથી રૂમાલ કાઢી એણે આંખો લૂછી હતી. “પણ ડૉક્ટર આની ટ્રીટમેન્ટ તો હશે ને?” “તમને ખોટી આશા નથી આપતો. હવે આની કોઈ જ ટ્રીટમેન્ટ નથી.” ડૉક્ટરને હવે એ આગળ શું પૂછે? એમના આ એક જ વિધાનથી એનું આખું વિશ્વ, એની આખી દુનિયા ધરાશાયી થઈ ગઈ હતી. અનિકેત જ તો એનું સર્વસ્વ હતો. એના વગરની જિંદગીની તો એ કલ્પના પણ કરી શકે એમ નહોતી. ભારે હૈયે ડૉક્ટરની ક્લિનિકમાંથી બહાર નીકળી હતી. પર્સમાંથી ચાવી કાઢી ઘરનો દરવાજો હળવેથી ઉઘાડી સ્વસ્થતાનું મહોરું પહેરી એ અનિકેત પાસે બેઠી. “શું કહ્યું ડૉક્ટરે?”, અનિકેતે ઉત્સુકતાથી પૂછ્યું. “ડૉક્ટરે કહ્યું છે કે ચિંતા કરવા જેવું કંઈ નથી.” “પણ મારા રોગનું નિદાન શું કર્યું?” “હા, એ તો પ્રોસ્ટેટનું કેન્સર છે પણ એકદમ શરૂઆતનું સ્ટેજ છે એટલે દવાથી જ સારૂં થઈ જશે. વાંધો નહીં આવે.” “મારા રોગની દવા છે? અત્યાર સુધીની ટ્રીટમેન્ટથી હજી સુધી તો મને કંઈ ફાયદો થયો નથી.” “અત્યાર સુધી નિદાન નહોતું થયું ને. હવે જોજો ને તમે, આ નવી દવાથી તમને ફરક પડવા માંડશે.” દિવસે દિવસે અનિકેતની પીડા વધતી જતી હતી. ક્યારેક અનિકેત અસહ્ય દુઃખાવાથી ચીસો પાડી ઊઠતો, “રૂપ, રૂપ, કંઈ કર. મને આ દુઃખાવામાંથી છુટકારો અપાવ.” અનિકેતની પીડા એનાથી જોવાતી નહોતી. એ જેટલી એની શારીરિક પીડા અનુભવતો હતો એટલી જ એ એની માનસિક પીડા અનુભવતી હતી. એ પણ શું કરે? સાવ લાચાર હતી. શરૂશરૂમાં તો દુઃખાવો ઓછો કરવાની ગોળીઓથી થોડાં કલાકો માટે અનિકેતને રાહત રહેતી. પછી તો એ ગોળીઓની પણ કંઈ જ અસર ન થતી. એ રાતે તો અનિકેતના દર્દે જાણે માઝા મૂકી હતી. દર્દથી પીડાતો એ પથારીમાં ઉછાળા મારતો હતો. “હે ભગવાન, હવે મને આમાંથી છૂટકારો આપ. રૂપ, રૂપ તું કઈ કર. ડૉક્ટરને કહે મને કોઈ એવું ઇંજેક્શન આપી દે કે હું આ પીડામાંથી કાયમનો છુટકારો પામી જાઉં. હવે મારાથી સહન નથી થતું.” “હમણાં જ ડૉક્ટરને ફોન કરું છું”, અનિકેતના માથે હાથ ફેરવતાં એ બોલી. અનિકેતની પીડા એનાથી જોવાઈ નહીં ત્યારે હારીને એણે ડૉક્ટરને ફોન કર્યો હતો. “ડૉક્ટર, હું મિસિસ સ્વરૂપા શાહ બોલું છું. આપના પેશન્ટ અનિકેતની વાઇફ.” “હા, બોલો.” “ડૉક્ટર અનિકેતને અસહ્ય પીડા થાય છે. એની પીડા ઓછી થાય માટે કંઇક તો ઉપાય હશે ને?” “સારું, આવતીકાલે સાંજે પાંચ વાગ્યે મને મારી ક્લિનિકમાં મળો.” “થેન્ક્યુ સર.” ડૉક્ટરના આ એક વિધાનથી એને કેટલું બધું આશ્વાસન મળ્યું હતું. એ તરત જ અનિકેતના ખાટલા પાસે દોડી ગઈ હતી. “જુઓ, આવતીકાલે સાંજે ડૉક્ટરે મને એમની ક્લિનિક પર મળવા બોલાવી છે. તમારો દુઃખાવો ઓછો થાય એની ટ્રીટમેન્ટ વિશે મારી સાથે ચર્ચા કરવાના છે. ડૉક્ટર સાથે બધું જ નક્કી કરી આવીશ. થોડી હિંમત રાખો.” બીજે દિવસે એ કેટલી આશાઓ સાથે ડૉક્ટરને મળી હતી. ડૉક્ટરે કહ્યું, “મને લાગે છે કે આપણે અનિકેતને રેડિયોથેરપી શરૂ કરીએ. એની જિંદગી તો નહીં બચે પણ દુઃખાવામાં થોડી રાહત થશે.” “ડૉક્ટર, આવતી કાલથી જ રેડિયોથેરપી શરૂ કરી દઈએ. મારાથી હવે એમની પીડા નથી જોવાતી.” “તમે વિચાર કરીને કહો. ચાળીસ હજારથી પચાસ હજારનો ખર્ચો થશે.” “ડૉક્ટર રૂપિયાની વ્યવસ્થા થાય એટલે એક બે દિવસમાં જ હું તમને જણાવું છું.” ડૉક્ટરની ક્લિનિકથી ઘેર પાછાં ફરતાં એ વિચારી રહી હતી. છેલ્લા એક વર્ષથી ચાલતી અનિકેતની ટ્રીટમેન્ટમાં આમ તો સારી એવી મૂડી ખર્ચાઈ ગઈ હતી. એણે પોતાના બધા દાગીના વેચી દીધા હતા. એ વાતની જાણ તો એણે અનિકેતને થવા જ નહોતી દીધી. એને એ કોઈપણ જાતનું ટેન્શન આપવા નહોતી ઇચ્છતી. અનિકેતના ઑપરેશન માટે ઘર પણ તો એણે બેંક પાસે ગિરવી મૂક્યું હતું. એ વાત પણ તો એણે એનાથી છુપાવી હતી. અનિકેતને તો એનામાં કેટલો અતૂટ વિશ્વાસ હતો. એ જ્યાં કહેતી ત્યાં અનિકેત સહી કરી આપતો. હવે ફક્ત એના સેવિંગ્સ અકાઉન્ટમાં પચાસ હજાર રૂપિયા બાકી હતા. એણે મનોમન નક્કી કરી લીધું હતું કે એમાંથી અનિકેતની રેડિયોથેરપી તો થઈ જ જશે. ઘેર આવી એ અનિકેતને વળગી પડી હતી. અનિકેતના માથામાં હાથ ફેરવતાં ફેરવતાં એણે ડૉક્ટર સાથે થયેલી બધી વાતચીત કરી હતી. સ્વરૂપાએ કબાટમાંથી પાસબુક કાઢી ખાતરી કરી લીધી હતી કે એના સેવિંગ્સ અકાઉન્ટમાં પચાસ હજાર રૂપિયા છે. ડૉક્ટરને ફોન કરી રેડિયોથેરપી માટે અપોઇન્ટમેન્ટ લેવા એ રિસીવર ઉપાડતી હતી ત્યાં જ ફોનની ઘંટડી વાગી હતી. એ એક ફોને એને એક નવી જ પીડામાં મૂકી દીધી હતી. “હેલો” “હેલો” “તમે કોણ બોલો છો?” “હું આપનો એલ. આઈ. સી. એજન્ટ નિશિથ દલાલ બોલું છું.” “બોલો, નિશિથભાઈ.” “મેં તમને એટલે ફોન કર્યો કે અનિકેતભાઈની વીમા પોલિસીના પ્રીમિયમનો ચેક મને હજુ મળ્યો નથી.” “ઓ... બાપ રે... આ તો મારા મગજમાંથી સાવ ભૂલાઈ જ ગયું હતું.” “કંઈ વાંધો નહીં પણ એક બે દિવસમાં મોકલી આપજો.” “ઓ.કે.” ફોનનું રિસીવર મૂકી એ તો ત્યાં ને ત્યાં જ ફસડાઈ પડી. ‘હે પ્રભુ, આ પાછી નવી ઉપાધી મારા માટે ક્યાં મોકલી !’ પ્રીમિયમના પચાસ હજાર રૂપિયા પોતે ક્યાંથી કાઢશે? આ એક ફોન માત્રથી તો જાણે એના માથે આભ ફાટ્યું હોય એવી પીડા એ અનુભવી રહી. એની સામે પહેલીવાર અનિકેતની પીડા એને વામણી લાગી. આ તો પીડા હતી દ્વિધાની. એક બાજુ હતી અનિકેતની રેડિયોથેરપી. એને શારીરિક પીડામાંથી રાહત આપવી તો બીજી બાજુ એલ. આઈ. સી. ના પ્રીમિયમની રકમ. એ ન ભરે તો એની લાચાર જિંદગી. પોતાના દાગીના નથી રહ્યા. ઘર પણ નહીં રહે. વીમાની રકમ પણ નહીં મળે. હવે એ ક્યાંયની નહીં રહે. આ એને શું થઈ ગયું છે ! અનિકેતને ભૂલી એ પોતાનો વિચાર કેમ કરવા લાગી છે ! આવી સ્વાર્થી કેમ થઈ ગઈ ! એ મનોમન વિચારી રહી કે આજ સુધી ફક્ત અનિકેતની પીડા કેમ ઓછી થાય એ જ ઉપાયો કરતી અને વિચારતી આજે કેમ એ પોતાના વિશે વિચારવા લાગી છે ! પોતાની જિંદગીની ચિંતા કરવા લાગી ! આ એને એકાએક શું થઈ ગયું ! એ તો માનતી હતી કે પોતે પોતાની જાત કરતાં પણ વિશેષ અનિકેતને ચાહે છે તો પછી આ બધા વિચારો કેમ ઊમટ્યા છે એના મનમાં ! અનિકેતના ગયા પછી એનું શું? ના, ના, આ બધા વિચારો એનાથી કરાય જ નહીં. ભવિષ્યમાં એનું જે થવાનું હશે તે થશે પણ એણે અનિકેતને પીડામાંથી બચાવવો છે. એને કેટલી વેદના થતી હશે. એ કેટલું સહન કરે... પણ ડૉક્ટરે તો ચોખ્ખું કહ્યું હતું કે રેડિયોથેરપીથી અનિકેતની જિંદગી તો નહીં બચે તો પછી... એના મનમાં આ મંથન સતત ચાલ્યા જ કરતું. એ શું કરે? આ તે કેવી વ્યથા? કેટલાય દિવસો સુધી એ આ વ્યથા જીરવતી રહી. ફોનની ઘંટડી રણકી... “હેલો” “બોલો નિશિથભાઈ” “પોલિસીના પ્રીમિયમનો ચેક તૈયાર છે?” “ના.” “કાલે હવે છેલ્લો દિવસ છે. કાલે તમે ચેક નહીં આપશો તો તમારા હસબન્ડની વીમા પોલિસી લેપ્સ થઈ જશે.” “ભાઈ, મારી મુશ્કેલી તમે સમજો. મારી કોશિશ તો ચાલુ જ છે.” “તમને આપેલો ગ્રેસ પિરિયડ પણ હવે પૂરો થાય છે.” “જોઉં છું. હું કોશિશ કરું છું”... ત્યાં તો ‘રૂપ... રૂપ...’ અનિકેતના શબ્દો કાને પડ્યા. ફોન મૂકીને એ અનિકેત પાસે ગઈ. “મારાથી આ દર્દ નથી સહેવાતું. ડૉક્ટરને ફોન કર્યો? રેડિયોથેરપી માટે ક્યારે જવાનું છે?” “સવારે જ ડૉક્ટરને ફોન કર્યો હતો. હૉસ્પિટલના રાઉન્ડ પર હશે એટલે કદાચ એમણે ફોન ઉપાડ્યો નહીં હશે. થોડીવારમાં પાછી ટ્રાય કરું છું. તમે ચિંતા નહીં કરો. ડૉક્ટર ટ્રીટમેન્ટની જે રકમ કહેશે એનો ચેક પણ લખીને તૈયાર રાખીશ.” હવે તો પોતે ખોટું પણ કેટલી સહજતાથી બોલી શકતી હતી. એની સામે જ ખાટલામાં પીડાથી થાકીને માંડ માંડ સૂતેલા અનિકેતને એ જોઈ રહી. જે એને જિંદગીભર તો સાથ નથી આપી શકવાનો. વરસોની વાત તો બાજુએ રહી પણ કેટલા મહિનાઓ કે કેટલા દિવસોનો સાથ હવે બાકી રહ્યો હશે ! એ કેટલા દિવસ અનિકેતને ખોટાં આશ્વાસનો અને વીમા એજન્ટને જૂઠાં બહાનાઓ આપતી રહેશે? આ બધું ક્યાં સુધી? ‘આજે તો હું આનો ફેંસલો કરી જ લઉં.’ એણે નિશ્ચય કરી લીધો. ડૉક્ટરને ફોન જોડ્યો. “ડૉક્ટર કામત?” “યેસ !” “હું મિસિસ સ્વરૂપા શાહ. આપના પેશન્ટ અનિકેતની પત્ની બોલું છું.” “હા, બોલો.” “અનિકેતની રેડિયોથેરપી માટે ક્યારે આવું? એની શું ફી થશે? સાથે ચેક લેતી જ આવું છું.” “ઓકે, આવતીકાલે સવારે દસ વાગ્યે આવો અને આખી ટ્રીટમેન્ટના ચાળીસ હજાર થશે.” “ઓકે... કાલે મળીએ.” સ્વરૂપાએ રિસીવર મૂક્યું. આ પોતે શું કરી રહી હતી ! પોતાની જિંદગીનું શું? શું બધા પાસે ભીખ માંગશે? રહ્યાસહ્યા રૂપિયા અનિકેતની રેડિયોથેરપીમાં વાપરી નાંખશે તો વીમાની પોલિસીનું પ્રીમિયમ કઈ રીતે ભરશે? અનિકેત ક્યાં બહુ દિવસોનો મહેમાન છે. એના બસ થોડા દિવસો માટે એણે એની આખી જિંદગી હોડમાં મૂકી દીધી ! આ શું? શા માટે એ આટલા બધા વિચારોની ગડમથલ પાછી અનુભવી રહી છે ! એને ભણકારા થયા... રૂપ... રૂપ... અનિકેત એને બોલાવતો નથી ને? અનિકેતના ખાટલા પાસે ગઈ. એ હજી સૂતો હતો. ધીમે રહીને એણે પોતાનો કબાટ ખોલ્યો. કબાટમાંથી ચેકબુક કાઢી પેન લીધી. એક ક્ષણ એનો હાથ અટકી ગયો. અને એણે લખ્યું, ‘L. I. C. OF INDIA’.