ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/નિવેદન
કાવ્ય-આસ્વાદનું મારું પહેલું પુસ્તક ‘જુગલબંધી’ પ્રકટ થયાના થોડા દિવસોમાં લાભશંકર ઠાકરનો પત્ર મળ્યો, તેમાંથી થોડી લીટીઓ અહીં ઉતારું છુંઃ “તે 'જુગલબંધી' અમને અનેરો આસ્વાદ આપી ગઈ છે. અમસ્તા,એમ જ એક-બે-ત્રણ લખાણો વાંચી જાઉં. મૂળ કાવ્યો/અનુવાદો પણ વાંચું. તે એ રીતે ગણતરીના દિવસોમાં આ સ્વાદ્ય સામગ્રી અપન ચટ કર ગયા. મને સાચે જ ઉદયન મજા આવી. એક તો અહીં રસાસ્વાદ કરાવતી પરંપરિત ભાષા નથી...અહીં તમારી ચેતનાનું responding છે; જે રસપ્રદ છે... તમે બધું મજાથી/આનંદથી કહ્યું છે. બધે તમારી ચેતનાના જે સ્પંદનો પ્રકટ થયાં છે તેમાં તમારા આનંદના સંકેતો છે…સળંગ પુસ્તકો વાંચી શકવા માટે પણ ધીરજ જોઈએ. ‘જુગલબંધી’ બે-ત્રણ દિવસમાં સમય મળતાં વાંચી ગયો અને મજા જ આવી.”
નીરવ પટેલના ત્રણ પોસ્ટકાર્ડ સામટાં મળ્યાં. તેમણે લખ્યું હતું, “ ‘જુગલબંધી’ના ૩૪ મા પાને પહોંચતાં પહોંચતાં મારી અધીરાઈનો અંત આવી ગયો,અને આ પત્ર લખવા બેઠો. હજી મારી કવિતા લગી પહોંચવાનું બાકી છે, એ તો અનુક્રમણિકા જોતાં ૫૦ મા પાને છે. પણ ત્યાં લગી ચૂપ રહી શકાય તેમ નથી. એક કવિ જ્યારે આસ્વાદક બનીને આવે ત્યારે આસ્વાદ જ કાવ્ય બની જાય એવા કવિ રમેશ પારેખના સંકેત સાથે કેવળ સહમતિ જ નહિ બલ્કે નુસરત ફતેહઅલી ખાંની ‘આફરીં…આફરીં…’ ગાઈને નાચી ઊઠવાનું મન થઈ જાય છે!… વાક્યે-વાક્યે રોકાયા વગર રહેવાય નહિ, શબ્દોનાં ગુચ્છ નર્યા ડહાપણના ભંડાર લાગે, કલ્પના-રૂપક- દ્રષ્ટાંતો-માહિતીથી ભર્યાં ભર્યાં! લાગણીઓથી છલોછલ!.. આ અવતરણો આસ્વાદકના વિશાળ અભ્યાસ અને રસરુચિનાં દ્યોતક છે જે સૌ કોઈમાં હોતાં નથી!… કવિતાને આવો મરમી તો જવલ્લે જ મળે! આફરીં… આફરીં… ઉદયનભાઈ, મારા ખરા હ્રદયનાં અભિનંદન સ્વીકારશો. અદ્ ભુત સમજ છે કવિતાની આપને. આપના આસ્વાદનો ઘેલો, નીરવ પટેલ.”
રમેશ પારેખની પ્રસ્તાવનામાંથી કેટલીક લીટીઓ ઉતારું છું: “ઉદયન બહુશ્રુત છે, સ્મૃતિબળિયો છે અને કલમનો સ્વામી પણ છે પરંતુ જ્યાં ને જ્યારે કહેવાનું આવે ત્યારે વિવેકપૂર્વક મિતાક્ષરી બની જાય છે ને પોતાની શૈલીને લવચીક બનાવીને એવું કશું સુંદર ને અપૂર્વ કહી નાખે છે કે કાવ્ય, કવિ અને આસ્વાદકને પણ આપણો સલામ કર્યા વિના છૂટકો નહિ… તે કશું એવું લખી દે છે કે આપણને લઘુકાવ્ય માણ્યાની તૃપ્તિ થાય. તો ભાવકો, તમને મારી શુભેચ્છા કે તમે ‘જુગલબંધી’નો સ્વાદ તમારી રીતે પામો અને થોડા વધુ સમૃદ્ધ બનો- જેવી રીતે હું બન્યો છું.”
૨૦૨૨ સુધી કાવ્ય-આસ્વાદનાં મારાં છ પુસ્તક પ્રકટ થયાં. તેમાંથી તારવેલા કેટલાક આસ્વાદ અહીં મૂક્યા છે. ગુજરાતીનાં પ્રતિનિધિ કાવ્યો રજૂ કરવાનો આ ઉદ્યમ નથી. બલ્કે આ કાવ્યો વાંચતાં મને થયેલો આનંદ તમારી સાથે વહેંચવાનો આ ઉપક્રમ છે.
–ઉદયન ઠક્કર
૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪