ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/કેર કાંટો વાગ્યો — લોકગીત

Revision as of 03:05, 4 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કેર કાંટો વાગ્યો

લોકગીત

હાં કે રાજ !
વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તાં
મુને કેર કાંટો વાગ્યો. હાં કે રાજ !

વડોદરાના વૈદડા તેડાવો, મારા કાંટડિયા કઢાવો,
મુને પાટડિયા બંધાવો; મુને કેર કાંટો વાગ્યો. હાં કે રાજ !

ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો; મુને કેર કાંટો વાગ્યો.હાં કે રાજ !

ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુ:ખે;
મુને કેર કાંટો વાગ્યો

ઘરમાંથી રાંધણિયાને કાઢો ! મારી ધુમાડે આંખ્યું દુખે !
મને કેર કાંટો વાગ્યો !

આંગણિયેથી ગાવલડીને કાઢો,એના વલોણાંને સોતી;
મુને કેર કાંટો વાગ્યો.

સસરાજીને ચોવટ કરવા મેલો,મુને ઘૂંઘટડા કઢાવો;
મુને કેર કાંટો વાગ્યો.

નણંદડીને સાસરિયે વળાવો,એના છોરૂડાંને સોતી,
મુને કેર કાંટો વાગ્યો.

ફળિયામાંથી પડોશણને કાઢો,એના રેંટિયાને સોતી,
મુને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ!
-લોકગીત

કાંટો કેડમાં કેમ વાગ્યો?

લોકગીતનો રચયિતા અનામી હોય. તેના પાઠાંતરો પણ મળે. ઘણી વાર જુદા જુદા સર્જકો પોતપોતાના અંતરા ઉમેરતા જાય અને એમ સમૂહ-સર્જન થતું જાય. મોટા ભાગનાં લોકગીતોની જેમ આ ગીત પણ સ્ત્રીમુખે કહેવાયું છે.

ગામના કૂવે કે વાવડીએ પાણી ભરવા જવું એ સ્ત્રીઓ માટે જાણે ઉત્સવ. ઘરની મર્યાદામાંથી મુક્તિ મળે, સરખેસરખી સાહેલડી સાથે સુખદુ:ખની વાતો કરવા મળે. કહેવત છે કે જેનું બેડલું ઊજળું તે વધારે દુ:ખી, કારણ કે તેવી સ્ત્રી ઘરની જંજાળથી દૂર રહેવા પાણિયારે વધુ સમય પસાર કરે. ગીતમાં ફરિયાદનો સૂર મુખ્ય છે. નાયિકા તેના 'રાજ'ને મેડીએ મળી હશે અને એકાંતનો લાભ લઈ અંતરનો ઉભરો ઠાલવ્યો હશે. મધ્યયુગની સ્ત્રી મહદંશે પુરુષાશ્રિત રહેતી એટલે તેણે આવી માગણીઓ કરવી પડતી. (સાંભરે છે- છેલાજી રે, મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો.)

નાયિકાને કેર કાંટો લાગી ગયો છે. 'કેર' એટલે પાંચ-છ હાથ લાંબી વનસ્પતિ, 'કેરડો.' સાંઈરામ દવેએ પ્રશ્ન પૂછેલો, 'વાવડીએ જતાં કાંટો પગમાં વાગવો જોઈએ, કેડમાં કેમ વાગ્યો?' સાંઈરામભાઈ, 'કેડ કાંટો' નહિ પણ 'કેર કાંટો.'

લોકગીતમાં બહુધા મુખડું ચિત્તાકર્ષક (ઇન્સ્પાયર્ડ) હોય, પછી તો ઝવેરાતની કે પોષાકોની કે વાસણકૂસણની યાદી જ આવતી હોય. ગામડાની ગોરી માટે વડોદરા અને ધોરાજી મોટાં નગર ગણાય એટલે એનો ઉલ્લેખ કર્યો છે. કાંટો તો સહેલી પાસે સોઈથી યે કઢાવી શકાય, પણ નાયિકાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોઈએ છે, માટે વડોદરાથી વૈદડા તેડાવે છે. (અમદાવાદથી નહિ- વૈદડાના 'વ'કાર સાથે વડોદરાનો જ મેળ પડે.) વૈદડાએ કરવાનું શું, તો 'કે કાંટો કાઢીને પાટો બાંધવાનો. લોકગીત મુખ્યત્વે અભિધાના (શબ્દાર્થના) સ્તરે ચાલતું હોય, એમાં વ્યંજના ઓછી હોય. આધુનિક કવિ અનિલ જોશી જુઓ કેવો પાટો બાંધે છે-

"પેલ્લા વરસાદનો છાંટો મુને લાગિયો,
હું પાટો બંધાવાને હાલી રે."

શારીરિક કાંટાની સારવારનું થયું, પણ માનસિક કાંટાનું શું? વ્યાધિ (દેહની પીડા)ની વાત કર્યા પછી નાયિકા આધિ (માનસિક સંતાપ)ની વાત માંડે છે. સસરા ગામપંચાત કરવા ચોતરે જતા હોય, તો ઘૂંઘટ કાઢવાની લપ ટળે. નણંદ છોકરાંછૈયાં સાથે અડિંગો જમાવીને બેઠી છે, મહેણાં મારે છે, ક્યારે સિધાવશે? પડોશણ કૂથલી કાંતતી બેઠી છે, એનેય કાઢો, તમારી ઉપર ડોળો છે એનો, હું જાણુંને સ્ત્રીચરિત!

નાયિકા રોજેરોજ ફેરવવા પડતાં વલોણાં, ઝીંકવા પડતા ખાંડણિયા અને રાંધણિયાના ધુમાડાની ફરિયાદ પણ કરી લે છે. શિષ્ટ કાવ્યકૃતિ હોય તો પરાકાષ્ઠા પર પૂરી થાય, પણ આ લોકગીત એકાએક પૂરું થઈ જાય છે.

લોકગીતમાં એક સ્ત્રી ગાતી હોય અને અન્ય ઝીલતી હોય, અથવા ગરબો લેવાતો હોય, માટે 'હાં કે રાજ' જેવાં મોટિફ જોવાં મળે. ૧૯૯૭માં પ્રદર્શિત થયેલા ચલચિત્ર 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'માં આ ગીતના રચયિતા તરીકે અરવિંદ બારોટનું નામ એક બ્લોગમાં અપાયું છે, પણ વાસ્તવમાં આ લોકગીત છે. રાજેન્દ્ર શાહે 'કાંટો'નો શૃંગારિક અર્થ કરીને સુંદર ગીત રચ્યું છે-

"કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે."

***