ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/હું ને મીરાં — ઇન્દુલાલ ગાંધી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હું ને મીરાં

ઇન્દુલાલ ગાંધી

એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા’તાં,
ઘૂઘરીને ઘમકારે ઘેલાં ઘેલાં થ્યાં’તાં :
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં

હાથમાં લાકડીઓ હતી,
પગમાં ચાખડીઓ હતી :
મંદિરની ઓસરીમાં રાત અમે રયાં’તાં
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં.

કાળા કાળા કૃષ્ણ હતા,
ગોરી ગોરી ગોપીઓ,
બોરિયાળી બંડી ને
માથે કાન-ટોપીઓ :
રાસની રંગતમાં અમે કાન ગોપી થ્યાં’તા,
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં.

ભજનોની ધૂન હતી
હું મોહ્યો’તો ગીતમાં
મીરાં તો જોતી હતી
માધવને ભીંતમાં :
પથરા પણ મીરાંને સાદ પાડી રયાં’તાં
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં.
- ઇન્દુલાલ ગાંધી

એક પંક્તિથી ચાર સદી ઓળંગતા કવિ

સહજસમાધિની કોઈ પળે કૃષ્ણમય થઈને કવિ ગાઈ ઊઠે છે: એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં'તાં! મીરાંનાં પદ વાંચવાં એક વાત છે, પરંતુ મીરાંની જોડજોડે જાતરા કરતાં પોતે મથુરા પહોંચ્યા હોય એમ અનુભવવું, એ તદ્દન જુદી વાત છે. ગીતની આ એક જ પંક્તિથી કવિ ચાર સદી ઓળંગી જાય છે. કોઈ પૂછશે: શું કવિ પોતાને મીરાંના સમોવડિયા માને છે? પરંતુ કવિએ કહ્યું છે, 'એક વાર.' ઉત્કટ અનુભૂતિની એક પળ પૂરતાં કવિ કૃષ્ણમય જરૂર થયા હશે. એ અનુભૂતિ જીવનભર ન પણ ટકી હોય. ઈ.સ. ૧૫૩૩માં મેવાડ-મેડતાનો ત્યાગ કરીને મીરાં વૃંદાવન-મથુરા ગયાં હતાં. 'ઘૂઘરીને ઘમકારે ઘેલાં ઘેલાં થ્યાં’તાં'- પંક્તિમાં ઘૂઘરીનો ઘમકાર સળંગ સંભળાય છે. પોતે મીરાંને હળતા-મળતા હતા એવો દાવો કરનાર કવિ, કોઈને ઘેલા યે લાગે. અને મીરાં તો ઘેલી હતી જ! ('એરી મૈં તો પ્રેમદીવાની.') દાવો કર્યો એટલે પુરાવો યે આપવો પડે. કવિ ચિત્ર (ફોટો) તો નથી આપી શકતા, પણ શબ્દચિત્ર આપે છે. સદીઓથી યાત્રાળુઓ લાકડી ઠપકારતાં, વૃંદાવનની જાતરા પગપાળા કરતાં આવ્યાં છે, મીરાં અને કવિ પણ એ સંઘમાં જોડાઈને મંદિરની ઓસરીએ રાત રહ્યાં હતાં. કૃષ્ણનાં કુંજ-નિકુંજમાં તરત પ્રવેશ ન મળે, થોડો સમય ઓસરીમાં વીતાવવો પડે. મથુરાનો શિયાળો આકરો હોય. મીરાંએ અને કવિએ બોરિયાળી બંડી (બોરિયું એટલે બટન) અને કાનટોપી પહેર્યાં હતાં. (કાનટોપીનો પ્રાસ કાનગોપી સાથે રમણીયતાથી મેળવાયો છે.) કાનગોપીએ કાનટોપી નહોતી પહેરી- તેમને તો બસ એકમેકની હૂંફ હતી. કાવ્યનું ગેયત્વ બેવડાવવા માટે કવિએ 'કાળા' અને 'ગોરી' શબ્દોને બેવડાવ્યા છે. રાસડો એવો ચગ્યો હતો કે કવિને આભાસ થયો કે કૃષ્ણ નહિ ને પોતે જ રમી રહ્યા છે. 'ભજનોની ધૂન હતી'- ભજન એનું એ જ હતું, કવિએ એમાં ગીત સાંભળ્યું જ્યારે મીરાંએ એમાં માધવ જોયો. દંતકથા એવી છે કે રાણાએ મેવાડ પાછા ફરવાનું તેડું મોકલ્યું ત્યારે મીરાં કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયાં. ભજનના પડઘા સંભળાતા હતા, જાણે પથરા મીરાંને પોકારતા હતા. ઇન્દુલાલ ગાંધી(૧૯૧૧-૮૬)એ વિવિધ પ્રકારોમાં વિપુલ કાવ્યલેખન કર્યું છે. તેમનું ગીત 'આંધળી માનો કાગળ' ખાસ્સું લોકપ્રિય થયું હતું.

***