ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/મૃણાલ

From Ekatra Wiki
Revision as of 09:38, 9 October 2024 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search


મૃણાલ
સુરેશ જોષી

મૃણાલ, મૃણાલ
તું સાંભળે છે?
અત્યારે તું બેઠી હશે તારા પરિવાર વચ્ચે
સુરક્ષિત
આજ્ઞાંકિત ઘડિયાળનો નિયમિત ટીક્ટીક્ અવાજ
ચાર દીવાલનો પહેરો
સોફાનો પોચો પોચો ખોળો
બિહામણી છાયાઓને ભગાડી મૂકતી ફલોરેસન્ટ લાઇટ
ને છતાં મૃણાલ,
વર્ષોનાં જામેલાં થર ઊડી જાય છે એક ફૂંકે
ગાઢું જંગલ ઘેરી વળે છે દીવાલોને
રાતી ઇંટને ઢાંકે છે લીલ
એને ફાડીને ઊગી નીકળ્યા છે પીપળા
અર્ધો તૂટેલો ઝરૂખો
જેમાં હજી બેઠી છે નિષ્પલક પ્રતીક્ષા
એની પાસે ટોળે વળીને બેઠા છે કેટલા ય કજળી ગયેલા સૂરજ
નીચેની તળાવડીમાં ક્યાંક તરે છે કોઈકનું મસ્તક
પાસે થઈને ચાલી જાય છે સીડી
કોઈ ચઢે છે ને ઊતરે છે
રૂમઝૂમ રૂમઝૂમ
ને પેલી બારી
હજુ એમાં જડાયું છે તારું મુખ
તારી આંખ પાંખો ફફડાવીને ઊડું ઊડું કરે છે
નીચે સર્પ-યુગલનું મૈથુન
એના સિસકારાના બોદા પડઘા
ઢંઢોળે છે વાવના અન્ધ જળને
બહેરો સમય વટવાગોળની જેમ લટકે છે અહીં
મૃણાલ, મૃણાલ
સાંભળે છે તું?
મારો અવાજ
થોરને કાંટો ફૂટે તેમ એ ફૂટે છે મારે કણ્ઠે
મોટા શહેરના મધરાત વેળાના નિર્જન ચોકનું
કણસતું મૌન
શહેરને ખૂણે ખૂણે દૃઢ આસને બેઠેલાં પૂતળાંઓને
વીંટળાઈ વળેલી નિ:સંગતા
બારાખડીના ખોડા વ્યંજનોની જેમ અથડાતા આ લોકો
સિગારેટના ધોળા કાગળનાં પાંદડાંવાળું ઝાડ
એના પર ચાવી આપેલા એલાર્મ ક્લોકનાં પંખી
એની છાયામાં બે ખોટા સિક્કા જેવા સરખા પ્રેમી
થિયેટરોની નિયોન લાઇટનો કામુક ઘોંઘાટ
ગંદી અફવાની જેમ પ્રસરતો પવન
વારાંગનાના મેલા દર્પણ જેવી નદી
જાહેરખબરના પોસ્ટર જેવું ચોંટાડેલું આકાશ
સાત લંગડા ઘોડાને શોધતો સૂરજ
ભૂવાની ડાકલીના ફિક્કા પડઘા જેવો ચન્દ્ર
મૃણાલ, મૃણાલ
આ બધામાં ક્યાં છે તું?
સાંભળે છે મારો અવાજ?
પથ્થરના હૃદયમાં રહેલા ઉલ્કાના સ્મરણ જેવો
વનમાં લાગેલા દવથી ભડકેલા વાઘની આંખના તણખાથી ત્રોફાયેલો
તારાં આંસુના તેજાબથી કોતરાયેલો
કબ્રસ્તાનના ધોળા ધૂપધોયા વિષાદભીનો
જળમાં સળકતા કશાક આદિમ સ્પર્શના નિ:શ્વાસ જેવો
ખંડિયેરમાં અથડાતા જરઠ બોખા કાળ જેવો ઠાલો
દરમાં સરી જતા શાપ જેવો નિ:શબ્દ
મૃણાલ, સાંભળે છે તું મારો અવાજ?
તારાં વાચાળ કંકણ
બે આંખોનો સદા ચાલ્યા કરતો ચટુલ સંવાદ
શ્વાસોનું વૃન્દગાન
આંગળીઓનાં ઇંગિત
ધૂર્ત હૃદયની રહસ્યકથા
ઘરમાં ફરતા પડછાયાનો ઘોંઘાટ –
મૃણાલ, મૃણાલ
તું શી રીતે સાંભળશે મારો અવાજ?
મૃણાલ, તું કોણ, હું કોણ?
મારા જખમને ટેકે ઊભી છે રાત
તારા શ્વાસે ખીલે છે સ્વર્ગનાં પારિજાત
હું દેશવટો ભોગવું છું આંસુના બિલોરી મહેલમાં
તારા સ્મિતનું પાનેતર લહેરાય છે હવામાં.
ઉર્વશીના નૃત્યભંગનો લય બહેલાવી મૂકે છે તારાં ચરણ,
કરોળિયાની જાળમાં ઝિલાયેલા ઝાકળની આંખે
તાકી રહ્યું છે મારું મરણ.
મૃણાલ, પૂછું એક વાત?
તારી આંખોના અંધારિયા ભોંયરામાં
કોણ લટકે છે ઊંધે મસ્તકે?
તારી શિરાઓની ભુલભુલામણીમાં
કોણ સળગે છે જામગરીની જેમ? તારા સ્પર્શના અડાબીડવનમાં
કેટલા તેં સંતાડ્યા છે મણિધર નાગ?
તારી કાયાના આ સાગરમાં
કોના ડુબાડ્યા તેં કાફલા સાતેસાત?
તારા શ્વાસના ખરલમાં
કોણ ઘૂંટી રહ્યું છે ગરલ?
મૃણાલ, મૃણાલ
સાંભળે છે તું?
તને મેં જોઈ હતી એક વાર
લીલીછમ તળાવડી
ને લીલો લીલો ચાંદો
લીલી તારી કાયા
ને લીલો એનો ડંખ
લાલ ચટ્ટક ઘા મારો
ને ભર્યું એમાં લાલ ચટ્ટક મધ
એને ચાખે લાલ લાલ કીડીઓની હાર
એની સંખ્યા ગણતી બેઠી ભૂવાની જમાત
મારી આંખે લીલો પડદો
ઢળે લીલો ચારે કોર અંધાર.
મૃણાલ, જો ને –
ચારે બાજુ ઊડી રહ્યા પવનના લીરા
કૂવાના ચોર-ખિસ્સામાં થોડા સૂરજના ટુકડા
શહેરના બાગમાં ફૂલોની શિસ્તબદ્ધ કવાયત
પાનની દુકાનના અરીસાઓની ચાલે મસલત
પૂલ નીચે સૂકી નદી વાગોળે મરણ
રસ્તે રસ્તે તગતગે આસ્ફાલ્ટનાં રણ
ચુંથાયેલા રેશનકાર્ડ જેવા બધે ચહેરા
ફરીશું શું અહીં કહે સપ્તપદી ફેરા?
મૃણાલ,
હું જાણું છું;
ઢીંગલીઓનો પહેરો ગોઠવીને
તું સાચવી રહી છે તારું શમણું
ચન્દન તળાવડીને કાંઠે છે એક મહેલ
રૂમઝૂમ એમાં નાચે પરીઓ
પવન વગાડે પાવો
એ મહેલમાં એક ઝૂલો
એના પર તું કદી એકલી એકલી ઝૂલે
કદીક તારી આંખો ઊડી જાય દૂર દૂર
તારા કાન સરવા થઈને સાંભળે
રજનીગન્ધાની સુગન્ધ જાણે હમણાં લાવશે સંદેશો
હમણાં પૂરપાટ દોડ્યો આવશે રાજકુમાર
ઊંચા ઊંચા મહેલની ઊંચી અટારીએ
તું મીટ માંડીને જોઈ રહે
એક રાત જાય, બીજી રાત જાય
કોઈ આવે નહિ
પરીઓ થાકીને બની જાય ઝાકળ
સૂરજ કરી જાય એમનું હરણ
ઢીંગલીઓનાં ચીંથરાં તાણી જાય ઉંદર
ચન્દન તળાવડીનાં નીર સુકાય
મહેલના બને ખંડેર
અસવાર વગરનો અશ્વ દોડ્યા કરે દશે દિશા
તારા શ્વાસમાં ગાજે એના પડછંદા
એ સાંભળી તું બેસી રહે
કહે તો મૃણાલ, આમ કેટલા વીત્યા યુગ?
સોનાવાટકડીમાં શેઢકડાં દૂધ પડી રહે
રૂપલાવાટકડીમાં ચન્દન સુકાય
સૂરજ થાકે ને થાકે ચાંદો
તારી આંખો ના તો યે પલકાય
પણ મૃણાલ,
મહેલને મિનારે બેઠું છે એક પંખી
કાળું કાળું ને મોટુંમસ
લાલ એની ચાંચ
આંખો એની જાણે અગ્નિની આંચ
ઊડી જશે એ લઈને તને
ભાગી આવ, ભાગી આવ.
મૃણાલ, ભાગી આવ.
મૃણાલ, શું કરીશ તું?
રોજ સવારે અખબારના અક્ષરો ઘૂંટેલી ચા પીશે
પછી નાના બાબલાનું બાળમંદિર
મોટી બેબીની સ્કૂલ-બસ
પછી પતિદેવના શર્ટની કફલિન્કની શોધાશોધ
ઝરૂખામાં ઊભા રહી ‘આવજો, આવજો!’
ભોજન, આરામ, રેડિયો પર દાદરા-ઠુંમરી
ટેલિફોનની રણકે ઘંટડી
‘વારુ જરૂર, બરાબર છ વાગે’
વાળ હોળતાં નજરે ચઢશે બે ધોળા વાળ
તરત તોડીને ફેંકી દેશે
એમ્બેસેડર કાર
દોડે પૂરપાટ
ચારે બાજુ ઝળાંહળાં
‘કેમ છો?’ ‘હાઉ સ્વીટ યુ આર’
બોદું હાસ્ય શરાબભીના અવાજ
બજારના ભાવતાલ, સાડી ને ઝવેરાત
ધીમે ધીમે થાય મધરાત
પછી વફાદાર
પત્નીનો પાઠ
થોડાં સ્વપ્નાંનો ભંગાર
વળી પાછી સવાર
ક્યારેક વળી આવે ચઢે તાર
બિઝનેસનો મામલો, ડિયર, સમજી જાને –
કદીક તો રહેવું પડે બેચાર દિવસ બહાર.
મૃણાલ, મૃણાલ મારી સોનાની મૂરત
આ તે શા તુજ હાલ!
મૃણાલ, તું તો જાણે છે બધું
તો પછી મન્ત્ર મારીને મને કરી દે પથ્થર
અથવા ફૂંક મારીને કરી દેને અલોપ
અથવા ચાંપી દેને કોઈ પાતાળમાં
લાળ ઝરતે મોઢે ઘરડું મરણ
ભટકે છે બારણે બારણે
પૂછે છે મારું નામ.
મૃણાલ, હું છું અહીં
શહેરના ટોળામાં ભૂંસતો ફરું છું મારો ચહેરો
દવાની દુકાને વાંચું છું દવાનાં નામ
કે પછી મ્યુઝિયમમાં વાંચું છું જૂનાં તામ્રપત્ર
પ્રાણીબાગમાં અજગરને જોયા કરું છું કલાકના કલાક
બસમાં બેસી શહેરનાં ગણું છું મકાન
હોસ્પિટલમાં મરનાર દર્દી પાસે બોલું છું રામનામ
સરઘસમાં જોડાઈને ગજાવું છું નારો
કોઈક વાર ભાષણ આપવાનો મારો ય આવે છે વારો
આંધળી શેરીને વાંચી આપું સૂરજ
કોઈક વાર ફૂટપાથ પર બેસીને જોઈ આપું નસીબ
જાદુગરના ખેલમાં કદીક લઉં છું નાનો પાઠ
સ્ટેશને બેસીને જોઉં દુનિયાનો ઠાઠ
કોઈક વાર આવે તાવ તો એની નથી કરતો રાવ
આમ તો છું મારા જેવો જ
પણ કોઈક વાર લાગે જુદું
શ્વાસની અમરાઈઓમાં ટહુકી ઊઠે કોકિલ
મસ્તકમાં ઠલવાય હજાર અરેબિયન નાઇટ્સ
હાથ લંબાઈને પહોંચે ત્રેતાયુગમાં
ચરણ બની જાય બેદુઇન આરબ
તેથી તો કહું છું મૃણાલ,
ઘેરી લેને મને તું બનીને ક્ષિતિજ
મૃણાલ, નિંદરથી બીડેલાં તારાં પોપચાંમાં
ઢળી જાઉં બની હુંય નિંદરનું એક બિન્દુ.