રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 01:39, 26 October 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

અંગ્રેજીમાં જુદા જુદા સર્જકો વિશે નાની પુસ્તિકાઓની એક કરતાં વધુ શ્રેણી સુલભ હોય છે. ત્રણચાર ફરમાના આવા લઘુ ગ્રંથ(મૉનોગ્રાફ)માં તે તે સર્જકપ્રતિભા વિશે જાણવા જેવી બધી વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતી સાહિત્યના મહત્ત્વના સર્જકો અને ચિંતકોને આ શ્રેણીમાં સમાવી લેવાનો ખ્યાલ છે. તેમાં મધ્યકાળના તથા અર્વાચીન સમયમાં દલપત-નર્મદ યુગથી આરંભી ગાંધીયુગ સુધીના ગણનાપાત્ર બધા લેખકોને સમાવેશ કરવા ધાર્યો છે. કંઈક અંશે ઐતિહાસિક સમયક્રમ જાળવીને પુસ્તિકાઓ આપી શકાય તે તો દેખીતું જ ઘણું ઇષ્ટ છે, પરંતુ આ પ્રકારની યોજનાઓમાં સર્વત્ર જે અનિવાર્ય મુશ્કેલીઓ હોય છે તેને કારણે પુસ્તિકાઓ જેમ જેમ તૈયાર થશે તેમ તેમ પ્રકાશિત કરવાની રહેશે. તેમ છતાં પુસ્તિકાઓના પ્રકાશનક્રમમાં જુદા જુદા યુગોનું પ્રતિનિધિત્વ જળવાતું રહે તે પણ યથાશક્ય જોવાશે. પુસ્તિકાઓમાં વિષયનિરૂપણના મુખ્ય દૃષ્ટિકોણ નીચે પ્રમાણે રહેશે : ગુજરાતી સારસ્વતોના જીવનનો ટૂંક પરિચય, એમની કૃતિઓનો વિવેચનાત્મક ખ્યાલ, એમના સાહિત્યનું મૂલ્યાંકન-પુનર્મૂલ્યાંકન એમના વિશેના અભ્યાસીઓના અભિપ્રાયોની સમીક્ષા, આપણા સાહિત્યમાં તેમનું સ્થાન, વિગતવાર સંદર્ભસૂચિ.