રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પાઠકસાહેબ : જીવન અને વ્યક્તિત્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પાઠકસાહેબ : જીવન અને વ્યક્તિત્વ

ઈ. સ. ૧૯૨૨થી ૧૯૫૫ સુધી, લગભગ ૩૪ વરસ, અવિરત સાહિત્યસેવા કરનાર રામનારાયણનો જન્મ ધોળકા તાલુકાના ગાણોલ ગામે, એમના મોસાળમાં, વિદ્યાસંસ્કાર તથા વાક્‌પટુતા માટે જાણીતી પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં વચ્છસ્‌ (વત્સ) ગોત્રમાં, ઈ. સ. ૧૮૮૭ના એપ્રિલની આઠમી તારીખે (ચૈત્રી પૂર્ણિમાએ) થયો હતો. “ગાંધીયુગના આ સાહિત્યગુરુ”નું પારણું પંડિત યુગે હીંચોળ્યું હતું.[1] તેમનું વતન તો હતું ધોળકા તાલુકાનું ભોળાદ. પિતા વિશ્વનાથ સદારામ પાઠક (મૃત્યુ : ૧૦-૮-૧૯૨૩) સંસ્કૃતના વિદ્વાન હતા; તેઓ બીલખાના શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય હતા. તેમણે પંચદશી, નચિકેતા, કુસુમગચ્છ, ભગવદ્‌ગીતા, મહિમ્નઃસ્ત્રોત આદિ સંસ્કૃત ધર્મગ્રંથોના ગુજરાતીમાં અનુવાદ આપ્યા હતા. વિશ્વનાથે મહદંશે શિક્ષણક્ષેત્રે કામ કર્યું અને પાછળથી સંન્યાસ પણ સ્વીકાર્યો. માતા આદિતબાઈ (તે કરસનજી મહેતાનાં પુત્રી; એમનું મૃત્યુ : ૧૯૨૦) સ્વભાવે કડક, ઉગ્ર પરંતુ કાર્યદક્ષ તથા ધર્મ-સદાચારની કુલપરંપરાનાં જાગ્રત સંરક્ષક હતાં. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. માતાપિતાનાં ધર્મ, વ્યવહાર, વિદ્યાદિના સંસ્કારોનો મૂલ્યવાન વારસો રામનારાયણને મળ્યો.[2] રામનારાયણે કાવ્યરસ-પિંગળરસના તેમ જ તત્ત્વજ્ઞાનરસ-કેળવણીરસના સંવર્ધન-વિકાસમાં માતાપિતાના ફાળાનો સ્વીકાર કર્યો જ છે.[2]

વિશ્વનાથનાં પાંચ સંતાનોમાં રામનારાયણ જ્યેષ્ઠ હતા. તેઓ નાનપણમાં ‘બટુભાઈ’ નામથી ઓળખાતા. (તેમના પિતાને અમુક સમય સુધી બટુકભૈરવની ઉપાસના હતી; તેથી તેમનું નામ ‘બટુ’ પડેલું. કેટલાક તેમને વકીલ તરીકે ‘બટુકકાકા’નું સંબોધન પણ કરતા.) આ બટુભાઈએ શાળાનું શિક્ષણ જેતપુર, રાજકોટ, જામખંભાળિયા અને ભાવનગરમાં લીધું હતું. ચુનીભાઈ ભટ્ટ ગિજુભાઈ, હરસિદ્ધભાઈ વગેરે તેમના સહાધ્યાયીઓ હતા. તેઓ વિદ્યાકીય મંડળની પ્રવૃત્તિ પણ ચલાવતા હતા. રામનારાયણ અધ્યયનમાં તેજસ્વી હતા. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા ઊંચા નંબરે પાસ કરી, શામળદાસ કૉલેજમાં પ્રવેશ મેળવી, ત્યાંથી પ્રીવિયસ-ની પરીક્ષામાં સર્વપ્રથમ આવી ‘પર્સિવલ સ્કોલરશિપ’ પ્રાપ્ત કરી, મુંબઈની ગોકળદાસ તેજપાલ બોડિઁગની બોર્ડરશિપ મળતાં, ત્યાંની વિલસન કૉલેજમાં દાખલ થયા ને ત્યાંથી ૧૯૦૮માં લોજિક અને મોરલ ફિલૉસૉફી —એ ઐચ્છિક વિષયો સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી એ જ કૉલેજમાં દક્ષિણાફેલો તરીકે સંસ્કૃતનું અધ્યાપન કર્યું. રામનારાયણને નાનાભાઈ ભટ્ટના શિક્ષણનો લાભ મૅટ્રિકમાં મળ્યો હતો. મુંબઈમાં તેમને મહાદેવભાઈના સંપર્કનો લાભ મળ્યો. તેમનો સાહિત્ય ને શિક્ષણમાં રસ વધતો જતો હતો. સ્વતંત્ર રીતે જીવવાની એમની વૃત્તિ બળવત્તર થતી જતી હતી. તેમણે ૧૯૧૧માં એલએલ.બી થઈ અમદાવાદમાં વકીલાત આરંભી; પરંતુ નાદુરસ્ત તબિયતને લઈ હવાફેરના ખ્યાલથી મહીકાંઠા એજન્સીના મુખ્ય મથક સાદરાને તેમણે વ્યવસાયક્ષેત્ર બનાવ્યું. નૈતિકતા ને સત્યનિષ્ઠાને વળગી રહીને તેમણે વકીલાત ચલાવી અને તેમાં તેઓ સફળ થયા. તેમની ઇચ્છા વકીલાત દ્વારા વીસ હજાર રૂપિયા ભેગા કરી, તેના વ્યાજમાંથી જીવન-નિર્વાહ કરતાં, અનન્યભાવે સારસ્વતસાધના કરવાની હતી, પરંતુ, એમની એ ઇચ્છા અધૂરી રહી. તેમનાં પ્રિય પત્ની ‘સહચરી’ અને ‘રમણીરત્ન’[3] મણિગૌરી (તે યજ્ઞેશ્વરનાં પુત્રી), જેમની સાથે તેઓ ૧૯૦૩માં પચ્છેગામમાં લગ્નગ્રંથિથી જોડાયેલા, તેમનું પ્રસૂતિમાં ઇન્ફ્લ્યુએન્ઝાના હુમલાથી ઈ. સ. ૧૯૧૮માં નિધન થયું. તેમના સુખી દાંપત્યજીવનમાં મહાવિક્ષેપ આવ્યો. તે પછીના વરસે તેમની એકની એક પુત્રી સરલા ને બહેન સવિતાનું અવસાન થતાં તેમનું મન વાનપ્રસ્થ જેવું શાંત ને વિદ્યારત જીવન ગુજારવા તરફ વળ્યું. દરમ્યાન ૧૯૧૯માં રામનારાયણ ટાઇફૉઇડની ગંભીર બીમારીમાં સપડાયા પણ એમાંથી ઊગર્યા. તેવામાં પ્રખર લોકસેવક ઇન્દુલાલ યિાજ્ઞિકે તેમને ગુજરાત કેળવણી મંડળમાં સ્વયંસેવક તરીકે જોડાવાનું નિમંત્રણ આપ્યું. રામનારાયણે અમદાવાદ આવી આચાર્ય તરીકે જે. એલ. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલનું છએક માસ સફળ સંચાલન કર્યું. એટલામાં ગાંધીજીના અસહકારના આંદોલનનાં મંડાણ થતાં, ગાંધીવિચારથી આકર્ષાઈ તેઓ તેમના મિત્રો સાથે ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈ રાષ્ટ્રીય કેળવણીના વિચારક -પ્રચારક થયા. તે કાળનું વિદ્યાપીઠનું વાતાવરણ અનોખું હતું. પંડિત સુખલાલજી, મુનિ જિનવિજયજી, ધર્માનંદ કૌસંબી, કિશોરલાલ મશરૂવાલા, પ્રો. નદ્‌વી, કાકાસાહેબ કાલેલકર, આચાર્ય કૃપાલાણી ને ગિદવાણી – આવા આવા પ્રાજ્ઞજનોને પ્રેરણાદાયક સંપર્ક વિદ્યાપીઠમાં ત્યારે ઉપલબ્ધ હતો. વળી સાદરાથી પ્રાપ્ત થયેલી રસિકલાલ છોટાલાલ પરીખની પ્રગાઢ મૈત્રી પણ એમની સારસ્વત-પ્રવૃત્તિમાં સતત સહાયક રહી. વિદ્યાપીઠે સાચા અર્થમાં તેમને દ્વિજત્વ સમર્પ્યું. તેમણે લખ્યું છે :

“અસહકારના પ્રારંભમાં પૂજ્ય ગાંધીજીના શબ્દો ઝીલી અસહકારમાં જોડાઈ મેં ગુજરાત વિદ્યાપીઠની સેવા સ્વીકારી તેને હું મારા જીવનનો એક ધન્ય પ્રસંગ ગણું છું. મારા અભ્યાસના તેમ જ સાહિત્ય પ્રવૃત્તિના પાયા મારા વિદ્યાપીઠ જીવનમાં નંખાયા અને એ વખતે જીવનના ખાતામાં ઉત્સાહ અને ઉલ્લાસની એક એવી મોટી રકમ જમા થઈ છે જે જીવનપર્યંત પહોંચશે.” (આકલન, ૧૯૬૪, પૃ. ૧૯૧) અન્યત્ર પણ રામનારાયણે ગાંધીજીને પોતાના જીવન પર અસર કરનારી વ્યક્તિઓમાં પ્રથમ યા દ્વિતીય સ્થાન આપ્યું છે.[4] રામનારાયણ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ને થોડા જ સમયમાં ગુજરાત પુરાતત્ત્વમંદિર શરૂ થયું. રામનારાયણ એ મંદિરની પ્રબંધ સમિતિના સભ્ય હતા અને કેટલોક સમય રસિકલાલ પરીખ સાથે તેના સહમંત્રી રહી તેમણે કામ પણ કરેલું. રામનારાયણે ‘પુરાતત્ત્વ’ ત્રૈમાસિકમાં સક્રિય રસ લીધો હતો. ગૂજરાત કેળવણી મંડળ દ્વારા ૧૯૨૦માં સ્થપાયેલ મહિલા પાઠશાળાના તેઓ વરસો સુધી અધ્યાપક રહ્યા. ગૂજરાત વિદ્યાપીઠમાં રામનારાયણે ગુજરાતી ભાષા-સાહિત્યના તેમ જ પ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા અર્પી હતી. ‘ફરજ અદા કરવાની બુદ્ધિ’[5] એમનામાં એટલી તીવ્ર હતી કે વિદ્યાપીઠના અધ્યાપનકાર્યે તેમને અધ્યયન-શિક્ષણની સંગીન બહુમુખી ઉપાસના તરફ પ્રેર્યા. વિદ્યાપીઠમાં રહી તેમણે અધ્યાપન ઉપરાંત સંપાદન, અનુવાદ, સર્જનાદિ સાહિત્યક્ષેત્રોમાં પદાર્પણ કર્યું. તેમણે અહીં રહ્યાં ‘મહાવીરચરિત’ કે ‘માલતીમાધવ’, ચાણક્યનું ‘અર્થશાસ્ત્ર’ — ઇત્યાદિના કેટલાક અંશોનો અનુવાદ કર્યો, ગૂજરાત પુરાતત્ત્વ મંદિરની પ્રવૃત્તિના એક ભાગરૂપે તેમણે રસિકલાલ પરીખ સાથે મમ્મટકૃત કાવ્યપ્રકાશના પ્રથમ છ ઉલ્લાસોનો અનુવાદ પણ કર્યો. ગૂજરાત વિદ્યાપીઠના છાત્રો માટે થઈને નાટ્યાનુવાદ ને નાટ્યલેખનનો પ્રવૃત્તિ તરફ પણ વળ્યા.[6]. વળી ‘સાબરમતી’ ને ‘યુગધર્મ’, ‘પુરાતત્ત્વ’ ને ‘પ્રસ્થાન’ જેવાં સામયિકપત્રો દ્વારા તેમની રાષ્ટ્રીય શિક્ષણની વિચારણા અને એ શિક્ષણ-સંસ્કારનું સમર્થન-સંવર્ધન કરતી સાહિત્ય-સર્જન-વિવેચનની કળા ચોતરફ પ્રસાર પામી, ઉમાશંકર લખે છે :

“ગાંધીજીની સર્વતોમુખી સર્જકતાના પ્રભાવથી ગુજરાતમાં વિદ્યા-સાહિત્ય-શિક્ષણના ક્ષેત્રમાં જે સંસ્કારપોષક શક્તિ નીકળી, તેમાં સાહિત્યક્ષેત્રના માળી પાઠકસાહેબ સહેજે બની રહ્યા.” (સંસ્કૃતિ, રસપ્ટેમ્બર, ૧૯૫૫, પૃ. ૩૭૦) આ પાઠકસાહેબે ઇન્દુલાલ યાજ્ઞિકના ૧૯૨૨માં શરૂ કરાયેલા સામયિક ‘યુગધર્મ’માં શરૂઆતથી જ ગ્રંથાવલોકનાદિ દ્વારા સહકાર આપેલો. ૧૯૨૫માં ‘યુગધર્મ’ ક. મા. મુનશીના ‘ગુજરાત’ સાથે જોડાઈ ગયું તે ગાળામાં છેલ્લે છેલ્લે તેના સાહિત્યવિભાગનું પાઠકસાહેબ સંપાદન પણ કરતા હતા. ‘યુગધર્મ’ બંધ પડતાં ‘પ્રસ્થાન’ શરૂ થયું. (આરંભ : સં. ૧૯૮૨ના કારતક સુદ પૂનમ.) તેના તંત્રીમંડળમાં સર્વશ્રી રસિકલાલ પરીખ, ડૉ. સુમન્ત મહેતા, ત્રિકમલાલ શાહ, નંદલાલ મણિલાલ શાહ વગેરે સાથે રામનારાયણ પણ હતા. ‘પ્રસ્થાન’ના પ્રકાશક હતા છોટાલાલ મ. શાહ. આ ‘પ્રસ્થાન’ જૂના ‘મોડર્ન રિવ્યૂ’ના જેવી પ્રતિષ્ઠા પામી શક્યું તે પાઠકસાહેબની ‘સ્વચ્છ, સાત્ત્વિક, દૃષ્ટિમંત’ સંપાદનકળાને કારણે. સંવત ૧૯૮૪ના કારતકથી ‘પ્રસ્થાન’ની બધી જવાબદારી રણછોડજી મિસ્ત્રીએ ઉપાડી લીધી અને તેના માત્ર તંત્રી તરીકે રામનારાયણ રહ્યા. તેમણે ‘પ્રસ્થાન’નું તંત્રીકાર્ય સં. ૧૯૯૩ના વૈશાખ સુધી (૧૯૩૭ના મે સુધી) સંભાળ્યું. પાઠકસાહેબની ૧૧ વર્ષની ‘પ્રસ્થાન’-કારકિર્દી દરમ્યાન ‘સ્વૈરવિહારી’ના અનેક નિબંધો, ‘દ્વિરેફ’ની વાતો, ‘શેષ’નાં કાવ્યો વગેરેને પ્રગટ થવાનો સંયોગ ઊભો થયો. પાઠકસાહેબના તંત્રીપદા હેઠળ ચાલતા ‘પ્રસ્થાન’નો ૧૨૦ પાનાં સુધી વિસ્તાર-વિકાસ થયો; અને તેમના અવસાન બાદ પણ તે ચાલુ રહી શક્યું. આ ‘પ્રસ્થાન’ની આરંભની આર્થિક કટોકટી વેળાએ પાઠકસાહેબે ‘દ્વિરેફની વાતો – ભાઃ ૧’નો બધો નફો પણ એને ટકાવવા માટે હોમી દીધો હતો. રામનારાયણે ગૂજરાત વિદ્યાપીઠની એમની કારકિર્દી દરમ્યાન વિદ્યાપીઠના વિનયમંદિરના આચાર્યની કામગીરી ૧૩-૬-૧૯૨૭ થી ૨૮-૪-૧૯૨૮ સુધી બજાવેલી. તેમણે શિક્ષણકાર્ય સાથે સત્યાગ્રહની લડતનું કાર્ય પણ સ્વીકારેલું. બારડોલી સત્યાગ્રહ વખતે તપાસ કમિશન સમક્ષ લોકોનો કેસ રજૂ કરનારાઓમાં મહાદેવભાઈ, નરહરિભાઈ સાથે તેમની પણ સરદાર વલ્લભભાઈએ વરણી કરી હતી અને રામનારાયણે એમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. ૧૩-૫-૧૯૩૦ના રોજ ધોળકા તાલુકાની લોલિયા ખાડી તરફની સત્યાગ્રહીઓની કૂચમાં તેમણે આગેવાની લઈ ધરપકડ વહોરી હતી અને તેમને છ માસની સજા ફરમાવનાર ન્યાયાધીશ ઇસાની તરફથી ગૌરવપૂર્વક અહિંસાત્મક નીતિરીતિએ વર્તન કરનાર સત્યાગ્રહી તરીકે પ્રશંસા પણ મેળવી હતી. ૧૯૨૮માં તેઓ રાજીનામું આપી વિદ્યાપીઠમાંથી છૂટા થયા ને ‘પ્રસ્થાન’ને પૂરો સમય આપતાં, ૧૯૨૮થી ૧૯૩૫ દરમ્યાન ખાનગી ટ્યૂશનાદિની આવકથી જીવનનિર્વાહ ચલાવતાં, આર્થિક ભીંસ પણ તેમણે અનુભવી. ૧૯૩૫થી તેમણે ફરીથી શિક્ષણક્ષેત્રે વિધિપુરઃસર પ્રવેશ કર્યો. ૧૯૩૫થી ૧૯૩૭ દરમ્યાન મુંબઈની એસ. એન. ડી. ટી. કૉલેજમાં, ૧૯૩૭થી ૧૯૪૬ અમદાવાદની એલ. ડી. આટર્‌સ કૉલેજમાં, ૧૯૪૬ના જૂનથી ૧૯૫૦ના જૂન સુધી મુંબઈની ભારતીય વિદ્યાભવન સંસ્થામાં, ૧૬-૮-૧૯૫૦થી ૧૯૫૨ અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વિભાગમાં અને ત્યાર બાદ ૧૯૫૨થી આયુષ્યના અંતકાળ સુધી ફરીથી મુંબઈની ભારતીય વિદ્યાભવન સંસ્થામાં તેમણે અધ્યાપન-સંશોધનનું કાર્ય ચાલુ રાખ્યું. આ દરમ્યાન ૧૯૪૨માં હંગામી આચાર્ય તરીકે પણ તેમણે એલ. ડી. આટર્‌સ કૉલેજમાં કામ કર્યું હતું. તેઓ ભારતીય વિદ્યાભવનમાં હતા તે દરમ્યાન ૧૯૪૭ના માર્ચ-એપ્રિલમાં હૃદયરોગનો પ્રથમ અને ૧૯૫૨માં બીજો હુમલો થયો હતો. ૧૯૫૦ના ઑક્ટોબર-નવેમ્બરમાં પક્ષઘાતનો હુમલો પણ વેઠ્યો હતો. હૃદયરોગનો ત્રીજો હુમલો, મુંબઈમાં, ૨૧-૮-૧૯૫૫ના રવિવારના રોજ બપોરે ૧ા વાગ્યાના સુમારે થયો અને તેઓ અવસાન પામ્યા. અવસાન વેળાએ તેઓ મુંબઈ રેડિયો સ્ટેશનના ગુજરાતી વિભાગના સલાહકાર પણ હતા. રામનારાયણનું અંગત જીવન સાદું અને વ્યવસ્થિત હતું. પ્રથમ પત્નીના અવસાન બાદ, ૨૫ વરસનું એકાકી જીવન ગાળ્યા બાદ; ૧૯૪૫માં જૂનની ૧૮મી તારીખે, ૫૯ વરસના રામનારાયણે તેમનાં ત્રીસ વરસની વયનાં શિષ્યા હીરાબહેન કલ્યાણજી મહેતાના પ્રસ્તાવ-આગ્રહથી તેમની સાથે લગ્ન કર્યું. આ લગ્ને સમાજમાં ભારે ઊહાપોહ જગાડ્યો. હીરાબહેને લગ્ન વખતે કહેલું : ‘જો છ મહિનાયે પરિણીત જીવન ગાળી શકું અને પાઠકસાહેબની સેવા કરી શકું તો સંતોષ છે.’ હીરાબહેનને સાવિત્રીસદૃશ સેવા કરવાની તક એક દાયકો મળી. તેમના પ્રસન્ન દાંપત્યે વિરોધનો વળ શમાવી દીધો. આ પાઠકસાહેબ આમરણ ‘જીવનના સાક્ષી તેમ જ ભોક્તા’ રહ્યા; કેમ કે તેમનામાં રસિકલાલ પરીખ કહે છે તેવો ‘એસેટિક ટેમ્પરામેન્ટ’ હતો. ‘નળાખ્યાન’નું કરુણરસપ્રધાન કડવું વાંચતાં જેમની આંખ સજળ થઈ જતી તે પાઠકસાહેબે ‘હૃદયમ્‌ દ્વિતીયમ્‌’ જેવી પોતાની પ્રથમ પત્નીને અગ્નિદાહ અર્પતાં આંખમાંથી ટીપું પાણીયે સાર્યું નહોતું એ હકીકત તેમના આ આંતરવ્યક્તિત્વની પરિચાયક છે. “તેઓ જીવનમાં ‘મોરેલિસ્ટ’ હતા, પરંતુ સાહિત્ય કે કલાને તો રસદૃષ્ટિએ જ જોતા.” આવા રામનારાયણનો જીવનમાં તેમ જ સાહિત્યમાં ધર્મમંત્ર હતો ‘પ્રસ્થાન’ના પૂંઠા પરનો પેલા ધ્યેયમંત્ર—દૃષ્ટિપૂતં ન્યસેત પાદમ્‌ | રામનારાયણ ‘મહાન શિક્ષક’ હતા. વિદ્યાર્થીઓ માટે તેઓ એક વાતાવરણરૂપ હતા. તેમનું મિત્રમંડળ નાનું, પરંતુ શિષ્યમંડળ વિશાળ હતું. સર્વશ્રી સ્નેહરશ્મિ, સુંદરમ્‌, કરસનદાસ માણેક, નગીનદાસ પારેખ તેમના શિષ્યો હતા. તેમની આસપાસ કવિઓ-સાહિત્યરસિકોની મંડળી જામી રહેતી. તેઓ સારી વાતચીત કરનાર (Conversationalist) હતા. પાઠકસાહેબનું જીવન કર્તવ્યનિષ્ઠ હતું. ઔચિત્યવિવેકનો જીવન અને સાહિત્યમાં સતત પક્ષ લેનાર પાઠકસાહેબ ‘રુચિ-ર પુરુષ’ (man of taste) હતા. રસિકતા ને સંયમ, જીવનનો મુક્ત ઉલ્લાસ અને કર્તવ્યબુદ્ધિનું ગાંભીર્ય — એનો સમન્વય એમનામાં જોવા મળે છે. બ. ક. ઠાકોરની કવિતાનો આસ્વાદ લેનારને માદલપુરની ઠાકરડા કોમની બહેનોના ગરબામાં પણ રસ પડતો. તેઓ જૂની રંગભૂમિનાં નાટકો ને ભવાઈનો આદર કરતા તે પણ ઉત્કટ કલાપ્રીતિને કારણે. તેમની રસવૃત્તિ વ્યાપક અને ઊંડી હતી. તેમના વિચાર-વ્યક્તિત્વમાં મુનશી-પરંપરા તથા ગાંધી-પરંપરા, પંડિત પેઢી ને ગાંધી પેઢીનો સુંદર સુમેળ સિદ્ધ થયેલો જોવા મળે છે. રામનારાયણે પ્રાચીન અને અર્વાચીન, ભારતીય તેમ જ પાશ્ચાત્ય શિષ્ટ સાહિત્યવારસાને ઠીક ઠીક આત્મસાત્‌ કર્યો હતો. પ્રેમાનંદનો દશમસ્કંધ અને દલપતરામનું દલપતપિંગળ, કથાસરિત્સાગર અને અરેબિયન નાઇટ્‌સ, મહાભારત ને ભાગવત, અભિજ્ઞાનશાકુંતલમ્‌ અને ઉત્તરરામચરિતમ્‌, રઘુવંશ ને મેઘદૂત, ફિટ્‌ઝજિરલ્ડનું ઓમર ખય્યામ, ગોગોલનું ‘ડેડ સોલ્સ’ ને આનતોલ ફ્રાન્સનું ‘થેય્‌સ’, ચેખૉવની વાર્તાઓ — આવી આવી વિવિધ દેશકાળમાં, વિવિધ રીતે લખાયેલ સાહિત્યકૃતિઓમાં પાઠકસાહેબની નિર્બંધ ગતિ જોવા મળે છે. આમ છતાં એકંદરે પાઠકસાહેબનો વધુ વ્યાસંગ પાશ્ચાત્યને મુકાબલે સંસ્કૃત કાવ્ય ને કાવ્યવિચારનો લાગે છે. તેમણે ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા’ની પ્રસ્તાવનામાં લખ્યું છેઃ “...જે જે શાસ્ત્રો આપણા દેશમાં વિકાસ પામેલાં હોય તે શાસ્ત્રોનો અભ્યાસ આપણી પ્રણાલિકાએ અને આપણી ભાષા દ્વારા પ્રથમ કરવો જોઈએ; અને તેમાં પશ્ચિમે કરેલી વિશિષ્ટ પ્રગતિનો આપણાં શાસ્ત્રો સાથે સમન્વય કરવો જોઈએ.” (પૃ. ૯) ‘કાવ્યની શક્તિ’માં પણ તેમણે જણાવ્યું છે કે “પશ્ચિમનું વિવેચનસાહિત્ય જેમ લાંબા ઇતિહાસ પર પ્રતિષ્ઠિત થયું છે, તેમ આપણું પણ આપણા પ્રાચીન ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થવું જોઈએ... આપણા કાવ્યશાસ્ત્રના ગ્રંથોના કેટલાક વિચારો ઘણા જ તાજા અને સ્વતંત્ર વિચારપદ્ધતિને ગતિ આપે તેવા છે. આપણે એનો અભ્યાસ નહિ કરીએ ત્યાં સુધી આપણું વિવેચન માત્ર પશ્ચિમના બદલાતા વિચારોના પડઘારૂપ રહેશે અને આપણો અભ્યાસ આપણા ભૂતકાળમાં મૂળ ઘાલી કદી સ્વતંત્ર રીતે વધશે નહિ.” (પૃ. ૧) રામનારાયણે ગુજરાતી-ભારતીય તેમ જ પાશ્ચાત્ય પ્રશિષ્ટ સાહિત્ય-સંપત્તિના સુરુચિપૂર્ણ વિનિયોગથી પોતાની સર્જનદૃષ્ટિનો તેમ વિવેચનદૃષ્ટિનો ધ્યાનપાત્ર વિકાસ સિદ્ધ કર્યો છે. બાળાશંકર ને કાન્ત, ન્હાનાલાલ ને બ. ક. ઠાકોરના કવિકર્મના પુરસ્કાર-મૂલ્યાંકનમાંથી તેમની વિવેચનાનો ઉત્ક્રાંતિમૂલક ક્રમ લાધી શકે છે. રામનારાયણ કહે છે તેમ તેમની વિવેચન-પ્રવૃત્તિનો પ્રારંભ થયો સંવત ૧૯૭૮માં ‘સાબરમતી’ના પહેલા અંકમાં પ્રસિદ્ધ થયેલા ’કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનાં કાવ્યો’-એ લેખથી. તે પછી તેમણે વાર્તા અને કવિતાક્ષેત્રમાં પદાર્પણ કર્યું. પાઠકસાહેબે પોતાની ભાવયિત્રી પ્રતિભાનો સબળ પરચો સૈદ્ધાંતિક તેમ જ કૃતિનિષ્ઠ વિવેચનમાં આપ્યો છે. આ ભાવયિત્રી પ્રતિભાની રસલક્ષી એકાગ્ર ગતિએ એમનામાંની કારયિત્રી પ્રતિભાને પણ કદાચ સંકોરી અને કારયિત્રી પ્રતિભાના અનેક નોંધપાત્ર ઉન્મેષો પ્રયોગનિષ્ઠ વાર્તા, કવિતા વગેરેમાં પ્રાપ્ત થયા. ‘સાબરમતી’, ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ જેવાં સામયિકોએ; તેમના ભાષાસાહિત્યના શિક્ષક તરીકેના સ્વધર્મે તેમને કલમ ચલાવવા પ્રેર્યા અને તેમણે તેમનો સાહિત્યશક્તિઓનો ઉત્તમ હિસાબ ગુજરાતને આપ્યો. રામનારાયણ જીવનભર શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા. તેથી ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિદ્યાસભા જેવી સાહિત્યિક સંસ્થાઓ સાથે તેમનો સંબંધ ચાલતો રહ્યો. ભારતીય વિદ્યાભવન જેવી સંસ્થાના તે તેઓ સેવક પણ રહ્યા. તેમણે ૧૯૨૮માં નડિયાદ મુકામે ભરાયેલી નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્યવિભાગના તેમ જ ૧૯૩૭-૩૮ના વર્ષ દરમ્યાન કરાંચી મુકામે ભરાયેલી તેરમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ સાહિત્યવિભાગના પ્રમુખ તરીકે પ્રશસ્ય કામગીરી બજાવી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનના તેઓ પ્રમુખ હતા. રામનારાયણે ૧૯૩૩માં રા. બ. કમળાશંકર પ્રા. ત્રિવેદી વ્યાખ્યાનમાળામાં ‘નર્મદાશંકર કવિ’ પર વ્યાખ્યાન આપ્યું હતું. તે પછી શ્રી ફાર્બસ ગુજરાતી સભાના ઉપક્રમે ‘કવિ નર્મદનું ગદ્ય’ – એ વ્યાખ્યાન એમણે આપ્યું હતું. પાઠકસાહેબે ૧૯૩૫-૩૬માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ પર સુંદર વ્યાખ્યાન આપ્યાં. રામનારાયણની ‘ઉત્તર માર્ગનો લોપ’(સંવત ૧૯૯૬) વાર્તા ૧૯૪૨ની શ્રેષ્ઠ ગુજરાતી નવલિકા તરીકે પસંદ થઈ હતી અને તેને ઈ. સ. ૧૯૪૩માં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક મળ્યો હતો. તેમના ‘પ્રાચીન ગુજરાતી છંદો’ ગ્રંથને ગુજરાત વિદ્યાસભાનું ૧૯૪૯નું સ્વ. હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક અને તે જ ગ્રંથને માટે ૧૯૪૬થી ૧૯૫૦ સુધીના ઐતિહાસિક નિરૂપણના ઉત્તમ ગ્રંથ તરીકે સુરતની નર્મદ સાહિત્યસભાનો નર્મદ સુવર્ણચંદ્રક તેમ જ તેમના મરણોત્તર ગ્રંથ ‘બૃહત્‌ પિંગલ’ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક આપવામાં આવ્યાં હતાં. પાઠકસાહેબ ગુજરાતી વિવેચનસાહિત્યના ઇતિહાસમાં આનંદશંકર, બલવન્તરાય આદિની હરોળમાં સ્થાન પામતા પ્રથમ પંક્તિના વિવેચક છે. સંયમ અને રસિકતાનો સુંદર મેળ એમના રુચિતંત્રમાં વરતાય છે. તેમનામાં ફિલસૂફની એક વિશિષ્ટ નજર હતી. તેઓ જીવન અને જગતને લાક્ષણિક દૃષ્ટિકોણથી નીરખીને તેની અંતર્ગત રહેલા રહસ્યને માર્મિક રીતે–રસિક રીતે પ્રગટ કરીને કૃતાર્થતા અનુભવતા. તેમની તાર્કિક વિચારપદ્ધતિ ને સ્વસ્થ જીવનદૃષ્ટિએ તેમની રસિકતાને જરાય રૂંધી નથી, બલકે વધુ સૂક્ષ્મ અને સારગ્રાહી ને એ રીતે સબળ કરીને કાવ્યમાં નૂતન રસક્ષેત્રોને ઉદ્‌ઘાટિત કરી આપવામાં પ્રેરણા-ઉત્સાહ તથા ગતિ-દિશા ચીંધ્યાં છે. તેઓ જો આનંદશંકર, બલવંતરાયની પરંપરાના, ઉપર દર્શાવ્યું તેમ, સમર્થ વિવેચક હતા, તો કેશવ હર્ષદ ધ્રુવ પછીના સમર્થ પિંગળશાસ્ત્રી હતા. વળી તેઓ કેશવ હર્ષદ ધ્રુવ અને નરસિંહરાવની પરંપરાના ગુજરાતીના એક યશસ્વી અધ્યાપક તો હતા જ. કવિતા નિમિત્તે ‘જાત્રાળુ’ ને ‘શેષ’, વાર્તા નિમિત્તે ‘દ્વિરેફ’ તો હળવા નિબંધો નિમિત્તે ‘સ્વૈરવિહારી’ બનતાં બનતાં તેઓ ઉત્તમ ભાવક-વિવેચક ‘રા. વિ. પા.’ તરીકે તો સદાજાગૃત – ક્રિયાશીલ રહ્યા જ. રામનારાયણે ‘હું લેખક કેમ થયો?’ એ પ્રશ્નનો ઉત્તર આપતાં એક વાત ખૂબ માર્મિક રીતે કરી છે. એમનામાં, ઘટેલી ઘટનાઓ – સંવાદો – પાત્રો વગેરેને મનોભૂમિકાએ નાટ્યાત્મક રીતિએ પ્રત્યક્ષ કરવાની એક સહજ વૃત્તિ (એમના શબ્દમાં ‘ધૂન’) હતી. આ વૃત્તિ કંઈક વધારે સારી ભૂમિકાએ કામ કરતી તેઓ સર્જનમાં અનુભવે છે અને તેને જ તેઓ ‘લેખકમાનસ’ કહે છે. તેઓ પછીથી કહે છે : “પણ લગભગ આ લેખકમાનસની સાથે સાથે જ તેના પડોશમાં જ તેના વિરુદ્ધનું એક માનસ વસે છે. આ બીજા માનસને હું મારા લેખકમાનસનો વિદૂષક કહી શકું. આ વિદૂષક કાલિદાસનાં નાટકોના વિદૂષક કરતાં વધારે ભયંકર છે. એ બે અર્થમાં વિદૂષક છે. એક તો એ લેખકમાનસનો સતત ઉપહાસ કરે છે, ક્રૂરમાં ક્રૂર મશ્કરી કરે છે અને તે ઉપરાંત એ વિદૂષક છે, એટલે કે લેખકમાનસના વક્તવ્યને, તે વાણીનું રૂપ લે તે પહેલાં, તેને દોષ દે છે, તેને દૂષણ લગાટે છે, તેની ભૂલો કાઢે છે. અને આ વિદૂષક કોઈ વાર ઊંઘતો હોય કે કોઈ વાર ઘડીભર જાગતો છતાં મૂંગો થઈ ગયો હોય ને કોઈ કૃતિ બહાર પડી જાય તો, ‘હવે તો બહાર પડી ગઈ’ એમ કરીને હારી બેસે તેવો તથી. એ બહાર પડી ગયેલી વસ્તુની પણ મશ્કરી કરે છે, એને પણ દૂષણ દે છે, અને ઘણીવાર તો લેખક લખતો હોય તેમાં ભળી જઈને પોતે એ લેખકની જ વિરુદ્ધ લખવાની તક મળે તો છોડે એવો નથી. હું વાર્તાઓ કે વિવેચનો કે કાવ્યો છપાવું, એટલે સુધી લેખક ફાવી જાય, તો તેની પ્રસ્તાવનામાં પણ તક મળે તો આવ્યા વિના ન રહે. આમ મારા મનમાં હું બે બળો કોઈ વાર એકસાથે, કોઈ વાર વારાફરતી પ્રવર્તતાં જોઉં છું — એ છતાં જો કાંઈ લખાઈ જાય, બહાર પડી જાય તો તે પડે છે.” (આકલન, ૧૯૬૪, પૃ. ૧૯૨-૩) રા. વિ. પાઠકના સમગ્ર સર્જન-વિવેચનની વિલક્ષણતાને – એમના સાહિત્યિક આંતરસ્વરૂપને આ પરિચ્છેદ અપૂર્વ રીતે પ્રકટ કરે છે. ‘પાઠક સાહેબની મૂળ પ્રતિભા કદાચ સાહિત્યકાર કરતાં વિવેચનકાર અને શાસ્ત્રકારની વિશેષ હતી’ એ સાચું તો સાથે સાથે એ પણ સાચું કે આ પ્રતિભાએ એમની કારયિત્રી પ્રતિભાને કેટલાક એવા ખૂબીદાર વળાંકો આપ્યા છે કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક પ્રયોગશીલ વિશિષ્ટ સર્જક તરીકે તો તેઓ અનિવાર્યપણે ઉલ્લેખનીય બની રહે છે.

*

સાહિત્યક્ષેત્રે રામનારાયણ પાઠકનું કાર્ય ગુણવત્તા તેમ જ વિપુલતાની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. સાહિત્યકાર પાઠકને તર્કશાસ્ત્રને ફિલસૂફીમાં પણ રસ હતો. એમની ગ્રંથકાર તરીકેની પહેલ ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા’ નામના તર્કશાસ્ત્રના ગ્રંથથી થાય છે! સંવત ૧૯૭૮માં તર્કશિક્ષણની અનિવાર્યતાથી પ્રેરાઈને એ ગ્રંથ તેમણે ઠીક ઠીક જહેમત લઈને રચ્યો. ત્યાર પછી લગાતાર વર્ષે બે વર્ષે એકાદ-બે ગ્રંથને હિસાબે એમના તરફથી નિયમિત ગ્રંથો મળતા રહ્યા છે. ‘નિત્યનો આચાર’ જેવો ગ્રંથ પણ તેમણે આપ્યો છે! તેમના અવસાન સુધીમાં ૨૫ અને ત્યાર બાદ બીજા ૬ ગ્રંથો પ્રકાશિત થયા છે, જેની યાદી રામનારાયણ પાઠકના ગ્રંથોની યાદીમાં આપવામાં આવી છે. ‘આલોચના’માં ‘હવે પછી’ની યાદીમાં અપ્રકાશિત ગ્રંથોમાં ‘સાહિત્યા- સ્વાદ’ (વિવેચનસંગ્રહ), ‘અધ્યાપકની નોંધ ભાગ-૧ અને ૨’, ‘પિંગલપ્રવેશ’, ‘મનનવિહાર’ (નિબંધસંગ્રહ), ‘દ્વિરેફની કિશોર વાતો’ અને ‘રા. વિ. પા.- ની પત્રધારા’ (પત્રસંગ્રહ) – આ નામો આપવામાં આવેલાં છે. (એ યાદીમાંનું ‘કાવ્યપરિશીલન’ પ્રકાશિત થઈ ચૂક્યું છે.) વળી ઉપરના પ્રકાશિત ગ્રંથોની યાદીમાં રા. વિ. પાઠકે, ઉમાશંકરના સહકારથી સંપાદિત કરેલ આ. બા. ધ્રુવના ગ્રંથો તેમ જ મનુભાઈ પ્રા. વૈદ્ય, ખુશમનભાઈ વકીલ અને અરવિંદલાલ મઝમુદાર સાથે તૈયાર કરેલ ‘સાહિત્યસોપાન ભાગ-૧, ૨, ૩. —એ ઉમેરવાના રહે. સ્વ. રામનારાયણ પાઠક સાથે રહીને હીરાબહેન દ્વારા સંપાદિત થયેલ ગૂર્જર વાર્તા-વૈભવમાંની સામાજિક કથાઓનો પણ નિર્દેશ કરવો જોઈએ. વળી રા. વિ. પાઠકે પ્રો. વી. એન. ભૂષણ અને પ્રો. સીતારામ ચતુર્વેદી સાથે રહીને મુનશી સૂક્તિસંચયનું ઈ. સ. ૧૯૪૭માં સંપાદન કરેલું. ‘ચુંબન અને બીજી વાતો’ પુસ્તક ‘પ્રસ્થાન’ કાર્યાલય દ્વારા સં. ૧૯૮૫માં પ્રગટ થયું તેમાં પણ રા. વિ. પાઠક અને નગીનદાસની જવાબદારી જણાય છે. ન્હાનાલાલ સ્મારક ગ્રંથના સંપાદનમાં પણ રા. વિ. સંકળાયા હતા. વળી ઇન્ડિયન નૅશનલ થિયેટર દ્વારા ડિસેમ્બર, ૧૯૫૪ પ્રકાશિત ‘રાસ અને ગરબા’માં ગોવર્ધન પંચાલની સાથે રા. વિ. પાઠકનું પણ કર્તૃત્વ છે. આમ રા. વિ. પાઠકનું વિવેચન, સંપાદન, સર્જન, અનુવાદ આદિનું કાર્ય વિપુલતા તેમ જ વૈવિધ્યની દૃષ્ટિએ ધ્યાન ખેંચે છે. વળી ગુણવત્તાની દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે તેની જે તે ગ્રંથોના સઘન અભ્યાસે પ્રતીતિ થઈને જ રહે છે.


  1. ૧. કાન્તિલાલ કાલાણી, રામનારાયણ વિ. પાઠકની સાહિત્યસિદ્ધિ, અમુદ્રિત મહાનિબંધ, પૃ. ૨.
  2. 2.0 2.1 ૨-૩. રામનારાયણે ‘બુદ્ધિપ્રકાશ’ના જુલાઈ–સપ્ટેમ્બર – અંક, ૧૯૪૪માં, પૃ. ૭૩ પર જણાવ્યુ છે : “હું માનું છું મારા પિતાને ઊંડા મનનપૂર્વક વાંચતા લખતા ચર્ચા કરતા વારંવાર જોયેલા, તે ઉપરથી આવી (લખવાની) ઇચ્છા થઈ હશે.” [‘આકલન’માં પૃ. ૧૯૩ પર ‘એપ્રિલ-જૂન’ને બદલે ‘જુલાઈ-સપ્ટેમ્બર’ જોઈએ.]
    રામનારાયણે ‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી, ૧૯૫૦, પૃ. ૩૩ પર જણાવ્યું છે : ‘મારી કાવ્યની સમજ તેમ જ છંદની સમજ મારા પિતા તરફથી મળેલો વારસો છે... મારાં માતા ભણેલાં નહોતાં પણ તેમને લોકગીતો અને દેશીઓ બહુ સારી આવડતી. હું માનું છું કે હું તેમની પાસેથી એ ગીતો સાચા તાલ સાથે શીખ્યો છું. આ રીતે મારી કૃતિનો મોટો ભાગ મને વારસામાં મળેલો છે.’ રામનારાયણે અન્યત્ર પણ લખ્યું છે : ‘વેદાન્તનાં મૂળ મંતવ્યો, આ ઉપનિષદોનો શોખ, અને કંઈક દાર્શનિક દૃષ્ટિ તરફ ઝોક, એને હું પૈતૃક વારસો ગણું છું’ (આકલન, ૧૯૬૪, પૃ. ૧૮૬-૭.)
  3. ૪. કુમાર, સપ્ટેમ્બર, ૧૯૫૫, પૃ. ૩૩૮.
  4. ૫. આકલન, ૧૯૬૪, પૃ. ૧૮૭.
  5. ૬. રા. વિ. પાઠક, પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા, પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૪.
  6. ૭. જુઓ તેના ફલસ્વરૂપ ‘કુલાંગાર અને બીજી કૃતિઓ, ૧૯૫૯