અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્નાલાલ પટેલ/દરિયાવ, દાબી દે
Revision as of 06:26, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> દરિયાવ, દાબી દે અણિયાળી આંખો, {{space}}ઢાળી લે પોપચાંની પાંખો. {{space}}{{...")
દરિયાવ, દાબી દે અણિયાળી આંખો,
ઢાળી લે પોપચાંની પાંખો.
જીરવી નાં જાય –
ઝેરીલી જીરવી નાં જાય!
દરિયાવ, ઢાંકી લે છાતડિયે છેડો,
તાણી દે કાપડની કોહો,
ઝાલ્યો નાં જાય –
જીવડો ઝાલ્યો નાં જાય!
દરિયાવ, વે’તેરી નાં મેલ્ય વેણો,
આંટી દે અંબોડે ફેણો,
મનખો રોળાય –
મુજનો મનખો રોળાય!
દરિયાવ, રે’વા દે લચકાતો લે’કો,
મેલી દે મોરલાની ગે’કો,
કાળજડાં કોરાય –
કુમળાં કાળજડાં કોરાય!