સોનાનાં વૃક્ષો/તરુવરની તરસ

Revision as of 16:05, 24 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તરુવરની તરસ

મારા નિબંધોએ દેશદેશાવરમાં મને અસંખ્ય ભાવકો કહેતાં પ્રિયજનો મેળવી આપ્યાં છે. પત્રો અને ફોન આજેય આવતાં રહે છે. થોડું ભણેલાં ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિદ્વાનો જ્યાં જાઉં ત્યાં મારી સન્મુખ આવીને વાતોએ વળગે છે. છેક અમેરિકામાં વસતા વિદ્વાન અભ્યાસી અને સ્વસ્થ વિવેચક ડૉ. મધુસૂદન કાપડિયાને મારા નિબંધો બહુ જ ગમે છે. એ મારા પ્રકૃતિના નિબંધોને ગુજરાતી લલિત નિબંધોમાં નોખા અને ઊંચા શિખરરૂપ માને છે.

શૈશવમાં સ્નેહ–સગવડના કઠોર અભાવોએ મને સીમવગડો – વૃક્ષો – વનો – ડુંગરો તરફ વાળ્યો હતો એમ સમજાય છે. પાનખર – વસંત – વર્ષા બલકે બધી જ ઋતુઓ ગમે છે. પ્રકૃતિમાં પ્રવાસ મને ખૂબ ગમે છે. પ્રકૃતિ મારા જીવનની ધોરી નસ છે. મારી આસપાસનો પરિસર અને મારા અંતરલોકની આબોહવા બંનેનું રસાયન એ જ મારો શબ્દલોક છે. વેઠવા માટે વ્હાલાએ મારી વરણી કરી છે. કર્તાની કરણીમાં કઠોરતા – ક્રૂરતા છે એ જ મારે માટે કિરતારની કૃપા પણ છે.

આ પુસ્તકને પાને પાને કૂંપળ ફૂટાડનાર દેવતાનું આલેખન છે. માટી મારી મા છે ને તરુવરો મારાં દેવીદેવતા છે. કૂંપળ ફૂટે અને પંખીઓ ગાય એ જ મારો આનંદલોક...

આ નિબંધોનું ચયન ડૉ. ગિરીશ ચૌધરી અને પ્રા. નીતિન પટેલે કર્યું છે. મારા સાહિત્ય વિશે કામ કરનાર પ્રા. યોગેશ પટેલ તથા મારા સર્જનલેખનના પરમ ચાહક ભાઈ હેમંત પટેલને યાદ કરું છું. પત્રો અને ફોનથી મને ન્યાલ કરતાં કરતાં મારા સેંકડો ભાવકો માટે હું આવા સંચયો કરું છું. શ્રી વનરાજ પટેલ તથા મીડિયા પબ્લિકેશનના આ સાહસને સલામ કરું છું.

હોળી–ધૂળેટી, ૨૦૬૬
વલ્લભવિદ્યાનગર
મણિલાલ હ. પટેલ
મો. ૯૪૨૬૮ ૬૧૭૫૭