અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/થોડો વગડાનો શ્વાસ
Revision as of 16:39, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને...")
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)