અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/થોડો વગડાનો શ્વાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
થોડો વગડાનો શ્વાસ

જયન્ત પાઠક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
         નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
         આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
         રોમ મારાં ફરકે છે ઘાસમાં,
         થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
         પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
         અર્ધું તે તમરાંનું કુળ;
         થોડો અંધારે, થોડો ઉજાસમાં,
         થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
         થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)




જયન્ત પાઠક • થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ


આસ્વાદ: પ્રાણ અને પ્રકૃતિ: બંનેનો વિજય — જગદીશ જોષી

મોટી મોટી ઇમારતો વચ્ચે રહેનારને પ્રકૃતિનો પાલવ પકડવાની ક્યારેક તક મળે ત્યારે હૈયું આંખમાં આવીને માળો બાંધીને બેસે છે. પહાડોને જોઉં ત્યારે જન્માંતરો પહેલાંના પૂર્વજોને મળતો હોઉં એવો આનંદ થાય. નદીની સાથે તો એવો નાતો કે તે સંબંધને કોઈ પણ નામ આપીને ઓળખાવાય નહીં. છતાં નાડીઓમાં વહેતા લોહીને જાણે કે પોતાનો સહોદર લય પ્રાપ્ત થયો લાગે. આંગણામાં નેવા સાથે સીંદરીથી બાંધેલી નાનકડી પરબ જેવી પ્રકૃતિને કાંઠે બેસીને આતુર ચકલાંની જેમ ઝાકળ-ટાઢું જળ બોટતું મન કોણ જાણે કેમ પણ હાથવગું રહેતું નથી!

ગીતની પહેલી પંક્તિ જ, સૂર્યના પ્રથમ કિરણની જેમ, કેટલું બધું કહી જાય છે! અને છતાં અતિશયોક્તિથી નહીં, સાદગીના સંયમથી. વીસમી સદીના આપણે હવે બાહ્ય રીતે ‘સંસ્કૃત’ થયા; પરંતુ મારી ભીતર ભમતા મારા શ્વાસમાં થોડોક અમથો વગડાનો શ્વાસ ભળી ગયો છે. સાચું કહું તો એ થોડોક શ્વાસ જ મારાં ફેફસાં માટે પ્રાણવાયુ છે. એ થોડોક વગડાઉ શ્વાસ છે એ જ મારી અંદરની હરિયાળીને હેલે ચડાવે છે. ફૂલોને બગીચામાં જોઉં છું ત્યારે આનંદ અવશ્ય થાય છે; પરંતુ વનના ઊંડાણમાં લીલું લીલું ઝૂલતા ઘાસને જોતાં જે રોમાંચ થાય છે એવો અનુભવ પેલો બગીચો ક્યારેય ન કરાવી શકે.

બે કોસનો નાનકડો કૂવો પણ આખી વાડીને પાણી પાઈ પાઈને ધરતીના રસકસને જશની કલગી ચડાવે તેમ, બે કડીના આ નાનકડા ગીતમાંય કવિએ મનુષ્યમાત્રમાં રહેલા Primitive Manને પ્રગટ કર્યો છે એમાં કવિતાનાં ફેફસાંમાં કેવી ઊંડી નરવાઈ છે તેનું દર્શન થાય છે. અડીખમતા ને મુલાયમતા જેવા બે ભિન્ન ધર્મોને સાથે સાથે સમતાપૂર્વક કેમ જીરવવા એ પ્રકૃતિ મનુષ્યને શીખવી શકે. મારા પિંડમાં પહાડોનાં હાડ છે પણ મારી નાડીમાં તો નદીનાં નીર છે. ધિંગી ધરપત સાથે સાથે વહનનો તરવરાટ પણ મારામાં છે. તો આ માનવનું ગીત છેઃ ‘આદિ’ એટલે અસંસ્કૃત નહીં, પણ આદિ એટલે અનાદિ. એની આંગળીમાં આદિવાસીનું તીર ભલે હોય પણ એની છાતીમાં તો બુલબુલનો માળો છે. જો આમ ન હોત તો ક્રૌંચવધથી વીંધાયેલો આદિકવિ પણ આપણને કેમ મળત? માણસના મનને રોમેરોમે પુલકિત કરવાનો સબક તો ધરતી પોતાના ઘાસથી આપણને શીખવે છે. પણ એ માટે જોઈએ શહેરી જીવનનો વાતાનુકૂલ પવન નહીં, પણ વગડાનો થોડોક શ્વાસ.

વગડાનો થોડોક શ્વાસ મારા શ્વાસમાં છે એમ કહેતાં કહેતાં પેલો આદિમાનવ બીજી કડીમાં તો સ્વયં વૃક્ષ થઈ જાય છે. મને જે પાંદડાં ફૂટે છે એ તો પીએ છે સૂરજનો રંગ. સૂર રંગને — રાગને પી પીને ચકચૂર બનેલાં પાંદડાં જ આટલી લીલાશથી ચળકી શકે ને! મૂળિયાંને માટીની ભીનાશ તો ગળથૂથીમાં જ મળી છે; પણ એ ભીનાશમાંથી પેલી માદક ગંધને છૂટી પાડવા માટે તો વાયુ જ ખપે — ‘પેલો વગડાનો વા’. આ આદિમાનવ થોડોક વગડો છે, પહાડ છે, નદી છે, તીણું તીર છે, બુલબુલ છે, અને બુલબુલનો વિસામો — માળો પણ છે. એનામાં બન્ને કુળનો સમન્વય છે — તમરાના ને પતંગિયાના કુળનો. અને અંધકાર અને ઉજાસ બન્ને સાથે જૂનો ઘરોબો છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ — રૂપ, રંગ અને રસ ‘આ ત્રણે ગુણોની તરવેણી’ ઉપર રહીને જ મનુષ્ય ધરતી અને આકાશની સાથે પોતાનો નાતો ટકાવી રાી શકે. પોતાની ચેતનાને પ્રત્યેક સ્તરમાં થોડી થોડી વિસ્તરવા દેતો પેલો આદિમાનવ અનાદિ તત્ત્વને પોતાના શ્વાસમાં સંઘરી રાખી શકે એમાં જ પ્રાણ અને પ્રકૃતિ બન્નેનો વિજય નથી? (‘એકાંતની સભા'માંથી)