અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ જોષી/કદાચ (કવિનું વસિયતનામું)
Revision as of 17:05, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> કદાચ હું કાલે નહીં હોઉં — કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે મારી બિડાય...")
કદાચ હું કાલે નહીં હોઉં —
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે;
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોરવયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;
કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રકટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં.
(ઇતરા, પૃ. ૧૨)