ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/શિવશંકર પ્રાણશંકર શુકલ

Revision as of 01:52, 23 April 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શિવશંકર પ્રાણશંકર શુક્લ

શ્રી. શિવશંકર શુક્લનો જન્મ તેમના વતન ગોધરા ખાતે શ્રીગોડ બ્રાહ્મણ જ્ઞાતિમાં ઈ.સ. ૧૯૦૮માં થયો હતો. તેમના પિતાનું નામ પ્રાણશંકર દુર્ગાશંકર અને માતાનું નામ રેવાબહેન. પત્નીનું નામ શારદાબહેન. લગ્નસાલ ઈ.સ. ૧૯૩૪. પ્રાથમિક અભ્યાસ ગોધરામાં પૂરો કરીને શ્રી. શુકલે માધ્યમિક પહેલાં ત્રણ ધોરણો અમદાવાદની સરકારી મિડલ સ્કૂલમાં અને પછીનાં બે આર. સી. હાઈસ્કૂલમાં પૂરાં કર્યાં હતાં. એટલામાં અસહકારની લડત શરૂ થતાં, તેઓ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં દાખલ થયા અને ત્યાંજ મેટ્રિક સુધી ભણ્યા. ઈ.સ. ૧૯૨૪માં તેઓ એ વખતે ગાંધીજીની દોરવણી નીચે રાષ્ટ્રિય શિક્ષણ આપતા ગુજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં દાખલ થયા અને ૧૯૨૭માં એ જ સંસ્થામાંથી પ્રાચ્યવિદ્યાના સ્નાતક થઈને બહાર આવ્યા. આયુર્વેદ તેમનો પ્રિય અભ્યાસવિષય હતો. એમનો તે વિષયનો અભ્યાસ એટલો સંગીન હતો કે પૂનાની આયુર્વેદ કૉલેજમાં એક વર્ષ અધ્યાપક તરીકે કામ કરવાની તક તેમને સાંપડી હતી. પછી તો તેમણે રીતસર વૈદ્યનો ધંધો શરૂ કર્યો. અમદાવાદ, ગોધરા અને શહેરામાં કેટલાંક વરસ તેમણે સ્વતંત્ર દવાખાનું ચલાવ્યું હતું. ઈ.સ. ૧૯૪૬માં વિષમ કૌટુંબિક પરિસ્થિતિને કારણે તેમનું ચિત્ત થોડો વખત અસ્વસ્થ રહ્યું હતું. પછી સ્વસ્થતા પ્રાપ્ત થતાં તેઓ ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં સહાયક ગ્રંથપાલ તરીકે જોડાયા હતા. હાલ તેઓ અમદાવાદના મજૂર મહાજનના પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે કામ કરે છે. શ્રી શિવશંકરે લેખન-પ્રવૃત્તિનો આરંભ ભદ્ર-વ્યાયામશાળાના હસ્તલિખિત માસિકથી કર્યો હતે. વિદ્યાપીઠમાં જોડાયા બાદ ‘સાબરમતી’ માસિકનું તંત્ર સંભાળવાની ફરજ આવી પડતાં તેમની સાહિત્ય-પ્રવૃત્તિને સારો વેગ મળ્યો. ગ્રંથપાલના વ્યવસાયે તેમને વાચનને બહુવિધ બનાવ્યું. કાલિદાસ, જિબ્રાન, ચેખોવ, ટૉલસ્ટોય, ટાગોર, ગાંધીજી અને કાલેલકર તેમના પ્રિય ગ્રંથકારો છે. ભૂગોળ, વૈદક, વનસ્પતિઓ, પ્રકૃતિસૌન્દર્ય અને મજૂરજીવન એમ વિવિધ વિષયો માટેનો શૉખ તેમનું રુચિવૈવિધ્ય બતાવે છે. ભિન્ન ભિન્ન વિષયો પર તેમણે છૂટક લેખો રૂપે તેમજ ગ્રંથસ્વરૂપે રસાળ અને સત્ત્વશીલ લખાણ ઠીક પ્રમાણમાં કરેલું છે. લેખનકાર્યમાં આત્મશ્રદ્ધા બેસતાં શ્રી શુકલે સૌથી પ્રથમ ચેખોવની વાર્તાઓનો અનુવાદ કર્યો અને તેના બે સંગ્રહો પ્રસિદ્ધ કર્યા. પછી તો કાકાસાહેબની છત્રછાયામાં તેમની પ્રવૃત્તિ મહોરતી ગઈ અને શૈલી પણ ખીલતી ગઈ–જો કે કાલેલકર ઉપરાંત તેમના ભાઈ શ્રી. ચંદ્રશંકર શુકલ, ગાંધીજી અને અમુક અંશે મુનશીની શૈલીની અસર તેમનાં લખાણોમાં વરતાયા વિના રહેતી નથી.

	‘સરિતાથી સાગર' શ્રી શુકલની શ્રેષ્ઠ કૃતિ છે. એમાં તેમણે ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચનું જીવંત અને પ્રમાણભૂત વર્ણનચિત્ર આપેલું છે. પારસમણિના સ્પર્શથી લોહનું સુવર્ણ થઈ જાય એવી ગાંધીજીના એ ચોવીસ દિવસના અંતઃપ્રેરિત યુદ્ધપ્રવાસની ચમત્કારિક અસર તેમણે વર્ણવી બતાવી છે. મહાત્માજી અને તેમના સૈનિકોને કેન્દ્રમાં રાખીને ગુજરાતનાં ગામડાંમાં આવેલ ચેતન, દેશભરમાં જાગેલ આન્દોલન અને રાજ્યસત્તાને થયેલ સંક્ષોભનું એકી સાથે યથાર્થ દર્શન તેમાં તેમણે કરાવ્યું છે. વળી દાંડીકૂચના બનાવને ઈતિહાસની હકીકત તરીકે કેવળ વર્ણનાત્મક કે કથનાત્મક શૈલીમાં કહી જવાને બદલે તેમણે તેની સાથે થોડોક કલ્પનાનો સંભાર પણ ભર્યો છે. બીજા અનેકોની જેમ ત્રણ જુવાન વિદ્યાર્થીઓને સત્યાગ્રહીઓની સાથે પ્રવાસ કરતા કલ્પીને લેખકે દાંડીકૂચના પ્રત્યેક દૃશ્યે પાડેલી છાપને આત્મલક્ષી રંગે રંગવાની ઠીક અનુકૂળતા કરી લીધી છે. તેમાં નિરૂપાયેલી પ્રકૃતિની પ્રસન્નગંભીર ભૂમિકા અને લેખકની સ્મૃતિમાંથી સ્વયમેવ સરી પડતા કાવ્યોદ્ગારો પુસ્તકમાંના ભવ્ય ને સઘન ઈતિહાસ-ચિત્રને સુંદર ઉઠાવ આપે છે. ગાંધીજીએ પ્રજાને કરાવેલી સ્વરાજ્ય-યાત્રાના અદ્ભુત ને અમર પ્રસંગ દાંડીકૂચ પર મહાકાવ્ય તો રચાય ત્યારે ખરું; પણ તેની ઈતિહાસશુદ્ધ હકીકતને સુંદર ચિત્રરૂપે સાકાર કરીને શ્રી શુકલે એને ચિરકાળ પર્યંત-નિદાન મહાકાવ્યનો લખનાર આવે ત્યાં લગી-લોકકલ્પનામાં મઢી લેવાનું ઈષ્ટ કાર્ય કર્યું છે એ તેમની ન્હાનીસૂની સાહિત્યસેવા નથી...

કાકાસાહેબની હળવી અને પ્રસન્નગંભીર શૈલીનું સફળ અનુસરણ કરતું ‘ગુજરાતની લોકમાતાઓ’ નામનું પુસ્તક શ્રી શુક્લનું બીજું વિશિષ્ટ અર્પણ છે, એમની આ પ્રકારની ગદ્યકૃતિઓ આ દાયકાના એક આશાસ્પદ નિબંધિકાકાર તરીકે શ્રી. શિવશંકરનો પરિચય કરાવે છે. તેમની પાસે વાચન, અવલોકન, અનુભવ, કલ્પના અને વર્ણનશક્તિનું સારું એવું ભાતું છે. તેમની શૈલીમાં વૈયક્તિક વિશિષ્ટતા અને ચિંતનમાં પકવતા આવતાં ગુજરાતના સમર્થ નિબંધકારોમાં તેમને અવશ્ય સ્થાન મળશે. ‘માધવનિદાન’ નામનું તેમનું વૈદક-વિષયક પુસ્તક વર્ષોથી આયુર્વેદ કૉલેજેમાં પાઠ્ય પુસ્તક તરીકે વપરાય છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *પ્રકાશન સાલ પ્રકાશક *મૌલિક કે અનુવાદ *મૂળકૃતિનું નામ
૧. હૃદયમંથન ભા. ૧ *વાર્તાઓ *અનુવાદ *ચેખોવની વાર્તાઓ
૨. હૃદયમંથન ભા. ૨*વાર્તાઓ *અનુવાદ *ચેખોવની વાર્તાઓ
૩. ટેકને ખાતર *નવલકથા *મૌલિક *પ્રેમચંદજી કૃત
૪. યુગાંતર *નવલકથા *મૌલિક
૫. માધવનિદાન *આયુર્વેદ મીમાંસ *સંસ્કૃત ગ્રંથનું ભાષાંતર–સંપાદન
૬. સરિતાથી સાગર *ઐતિહાસિક કથાનક *૧૯૪૯ *ગૂર્જર ગ્રંથ રત્ન કું. અમદાવાદ *મૌલિક
૭. ગુજરાતની નદીઓ નિબંધિકાઓ *૧૯૪૯ *કમલ પ્રકાશન મંદિર, અમદાવાદ *મૌલિક

અભ્યાસ-સામગ્રી

૧. ‘રેખા’ ફેબ્રુઆરિ, ૧૯૫૦.

***