ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/મુનિશ્રી પુણ્યવિજયજી

(મુનિશ્રી) પુણ્યવિજયજી

પ્રાચ્યવિદ્યાના મહાન પંડિત અને પ્રાકૃત ભાષાના ઊંડા અભ્યાસી તથા સંશોધક મુનિશ્રી પુણ્યવિજયજીનું સંસારી નામ મણિલાલ હતું. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૯૫૨ના કારતક સુદિ ૯ના રોજ થયેલો. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી, માતાનું નામ માણેકબહેન (દીક્ષિત થયા ૫છી શ્રી રતનશ્રીજી) અને વતન ક૫ડવંજ, કપડવંજમાં ચિંતામણિ પાર્શ્વનાથની ખડકીમાં મણિલાલનું ઘર હતું. તેઓ જ્યારે બે ત્રણ મહિનાના હતા, ત્યારે એક વખત તેમના મહોલ્લામાં કુદરતી કો૫થી આગ લાગી. આખોય મહોલ્લો બળીને ખાખ થઈ ગયો. મણિલાલનું ઘર પણ ભડકે બળવા લાગ્યું. બાળક મણિલાલ આ સમયે ઘરમાં ઘોડિયામાં સૂતા હતા. તેમનાં માતા નદીએ કપડાં ધોવા ગયેલ. ઘરમાં બીજું કોઈ હતું નહિ, કેમકે પિતા ધંધાર્થે મુંબઈ રહેતા. અંદરથી બાળકની ચીસો સાંભળીને કોઈ સાહસિક વહોરા સજ્જને બળતા ઘરમાં પેસી બાળકને બચાવી લીધો. બળતા નીભાડામાંથી ઈશ્વરકૃપાએ સલામત નીકળેલાં બિલાડીનાં બચ્ચાંની જેમ જ જાણે મણિલાલ જીવતા રહેવા પામ્યા. આ આગના પ્રસંગ પછી પિતાજી કપડવંજ આવીને કુટુંબને મુંબઈ તેડી ગયા. આથી મણિલાલને નાનપણથી જ મુંબઈ રહેવાનો પ્રસંગ બન્યો. તેઓ લગભગ આઠેક વર્ષ મુંબઈ રહ્યા અને ત્યાં તેમણે ગુજરાતી છ ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. એટલામાં તેમના પિતાજી અવસાન પામ્યા. વિધવા થયેલાં માતાને જૈન દીક્ષા લેવાનો વિચાર થયો, પણ દસ વર્ષના અનાથ બાળકને ટળવળતી સ્થિતિમાં છોડી કેમ દેવાય? તેથી તેમણે મણિલાલને પ્રથમ દીક્ષિત બનાવવા વિચાર્યું. બાળકને લઈ પાલિતાણા તીર્થસ્થાનમાં ચોમાસું કરી, ત્યાંની નવાણું યાત્રા વિધિપૂર્વક પતાવી તેઓ છાણી (વડોદરા) ગામમાં તે સમયે બિરાજમાન શ્રી કાન્તિવિજયજીના મુનિમંડળના ચરણે પહોંચ્યાં, ત્યાં તેર વર્ષની ઉમરના મણિલાલને તેમણે વિ.સં. ૧૯૬૫ના મહા વદિ પાંચમને દિવસે દીક્ષા અપાવી અને ગુરુશ્રી ચતુરવિજયજીએ બાળકનું ધર્મનામ પુણ્યવિજયજી રાખ્યું. બીજે જ દિવસે તેમનાં માતાજીએ પણ દીક્ષા લીધી. પ્રગુરુ શ્રીકાન્તિવિજયજીની મમતા અને કાળજીએ શ્રીપુણ્યવિજયજીના વિદ્યાજીવનનું ઊંચું ઘડતર કર્યું. તેમના અભ્યાસ માટે જે બે ચાર અધ્યાપકોનો ઉપયોગ થયેલો તેમાં પંડિત શ્રી. સુખલાલજીનું નામ મોખરે છે. વળી ગુરુશ્રી ચતુરવિજયજી શાસ્ત્રના સંપાદન તથા સંશોધનના ભારે રસિક હોવાથી તેનો શૉખ શ્રી પુણ્યવિજયજીને પણ લાગ્યો, તે એટલે સુધી કે શારીરિક કષ્ટો વેઠીને પણ સન્નિષ્ઠાપૂર્વક સંશોધનકાર્ય કરવાનું આજ સુધી તેમણે ચાલુ રાખ્યું છે. આઠ માસ ગામપ્રતિગામ ફરતાં ફરતાં તેમ ચોમાસાના સ્થિરવાસમાં પણ તેમની જ્ઞાનસાધના ચાલુ જ રહી છે. પ્રગુરુ વૃદ્ધાવસ્થામાં હોવાથી મુનિજીને પાટણમાં લાગલાગટ અઢાર વરસ રહેવાનું થયું; તે દરમિયાન પાટણના એકેએક ભંડારનું અવલોકન તેમણે કર્યું અને જુદા જુદા તમામ ભંડારોને તેમના ગુરુ અને પ્રગુરુની પ્રેરણાથી એક વ્યવસ્થિત જ્ઞાનમંદિરના રૂપમાં ફેરવી નાખવાનો વિચાર મૂર્ત બન્યો. એને પરિણામે પાટણમાં હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. ભંડારનાં-પુસ્તકનું વર્ગીકરણ કરીને જે સરસ ગોઠવણી તેમાં થઈ છે, એની પાછળ મુનિશ્રીનો ભારે શ્રમ રહેલો છે. ભંડારોનાં તમામ પુસ્તકનું એક મોટું લખેલું સૂચિપત્ર પણ તેમણે તૈયાર કરેલું છે. એ જ્ઞાનમંદિરના પ્રવેશઘર પાસે જે શિલાલેખ છે તેમાં મુનિશ્રી પુણ્યવિજયજીનું નામ પણ અંકિત થયેલું છે. ભંડારોની વ્યવસ્થા અને તેમાંનાં પુસ્તકોના વર્ગીકરણની સાથે સાથે જ સંપાદન –સંશોધનનું કાર્ય અને ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓને તથા વિદ્વાનોને સંશોધનમાં મદદ કરવાનું કાર્ય પણ ચાલુ હતું. તેમને હાથે અનેક શાસ્ત્રીઓ અને સંશોધકો ઘડાયા છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા, શ્રી. જગદીશચંદ્ર જૈન, મૂર્તિશાસ્ત્રના અભ્યાસી અને વિકટોરિયા મ્યુઝિયમના ક્યુરેટર શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય ઇત્યાદિ તેમના શિષ્યો છે. ડૉ. બેંડર, ડૉ. આલ્સડોર્ફ, શ્રી. મધુસૂદન મોદી, પ્રૉ. કાન્તિલાલ વ્યાસ, શ્રી. જિતેન્દ્ર જેટલી ઇત્યાદિ વિદ્વાનો પણ પોતાના સંપાદન-સંશોધનકાર્યમાં તેમની પાસેથી કીમતી માર્ગદર્શન પામતા રહ્યા છે. તેમની સાહિત્યપ્રવૃત્તિમાં લીંબડી (સૌરાષ્ટ્ર)ના જ્ઞાનભંડારનું સંશોધન તથા તેના મોટા સૂચિપત્રનું પ્રકાશન નોંધપાત્ર છે. જૈન આગમોના સંપાદન તથા સંશોધનનું ભગીરથ કાર્ય તેમણે આરંભ્યું છે અને તે કાર્ય અદ્યતન ઢબે કરવાનો તેમનો મનસૂબો છે. તેમની સમગ્ર સંશોધન પ્રવૃત્તિનું પ્રેરક બળ મુખ્યત્વે આ કાર્યમાં રહેલું છે એમ કહી શકાય. એ પ્રવૃત્તિ માટે પ્રાચીનમાં પ્રાચીન પ્રતોની શોધ સારુ તેમણે ભર ઉનાળામાં જેસલમીરનો વિકટ પ્રવાસ ખેડ્યો છે અને ત્યાં અસહ્ય યાતનાઓ અને પરિશ્રમ વેઠીને પણ દોઢ વર્ષ લગી રહ્યા છે. જેસલમીરના ગ્રંથભંડારો ઉથલાવવામાં અને સૂકા રણ જેવા, કશી જાતની સગવડ-સુવિધા વિનાના પ્રદેશમાં રહી અવિરત શ્રમ કરવામાં કેટલી સનિષ્ઠા, અને તિતિક્ષાવૃત્તિ જોઈએ છે તે અનુભવીઓ સારી પેઠે જાણે છે. મુનિજીએ એ બધું વેઠીને જેસલમીરના મૃતપ્રાય ભંડારોને સંજીવની છાંટી છે એમ કહીએ તો કશું ખોટું નથી. ભંડારોની સુવ્યવસ્થા કરવા ઉપરાંત ૨૧૪ જેટલી અત્યંત દુર્લભ પ્રતોની તેમણે ફોટો-ફિલ્મ લેવરાવી લીધી છે. એ માઈક્રોફિલ્મમાં જૈન સાહિત્ય ઉપરાંત બ્રાહ્મણ સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય વગેરેના પણ અનેક અમૂલ્ય ગ્રંથો છે. જૈન આગમો અને બીજાં મળીને કુલ ૪૯ પુસ્તકોના પાઠને ત્યાંની પ્રતિઓ સાથે મેળવીને તેનાં પાઠાંતરો તેમણે ઉતરાવી લીધાં છે. લગભગ ૧૬ જેટલાં જૈન આગમો અને અન્ય જૈન પુસ્તકોની પૂરી નકલો તેમણે કરાવી છે. જેસલમીર ઉપરાંત જોધપુર, બિકાનેર અને નાગોરના જ્ઞાનંડારો તથા રાજસ્થાનના મુખ્ય મુખ્ય રાજકીય જ્ઞાનસંગ્રહો પણ તેમણે જાતે તપાસી લીધા છે. જેસલમીરના જ્ઞાનભંડારોનો તેમણે તૈયાર કરેલો વૃત્તાંત તથા ત્યાંનાં પુસ્તકનું સૂચિપત્ર ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવાનાં છે. ડૉ. આલ્સ ડોર્ફે પણ જર્મન ભાષામાં મુનિશ્રીને જેસલમીરના વસવાટ વિશે એક લેખ પ્રસિદ્ધ કીધો છે. મુનિશ્રી લિપિશાસ્ત્ર (Peliography)માં નાગરી લિપિના અસાધારણ નિષ્ણાત છે. લિપિ ઉપરથી તેઓ હસ્તપ્રત કઈ શતાબ્દિમાં લખાઈ છે તેનો ચોક્કસ નિર્ણય કરી શકે છે. વળી, પોતે જે લિપિનો એકવાર પરિચય કરે છે તે અનશુદ્ધપણે લખી પણ શકે છે. મુનિશ્રીની આ વિરલ શક્તિ ખાસ નોંધપાત્ર છે. પ્રાચીન સાહિત્યના સંપાદન અને સંશોધનમાં સતત રચ્યાપચ્યા રહેતા મુનિ શ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પં. બેચરદાસજી વગેરે વિદ્વાનોને સંપાદન-સંશોધન કાર્યમાં તેમણે ઘણી સહાય કરેલી છે ને હજુ પણ કરતા રહે છે. તેમની સાથે કામ કરવામાં ઘણું ખરું અમદાવાદના વતની મુનિશ્રી રમણિકવિજયજી હોય છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ સંસ્કૃતપ્રાકૃતનાં તમામ સંપાદનો તેમના ગુરુશ્રી ચતુરવિજયજી સાથે કરેલાં છે.*[1]

મુખ્ય કૃતિઓ

કૃતિનું નામ *વિષય *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ ?
૧. कौमुदीमित्रानंद *નાટક *સં.૧૯૭૩ *આત્માનંદ સભા, ભાવનગર *સંપાદન-સંશોધન
૨. प्रबुद्धशहिणेय *નાટક સં. ૧૯૭૪ *આત્માનંદ સભા, ભાવનગર *સંપાદન-સંશોધન
૩. देवेन्द्रनरकेन्द्रप्रकरण *તત્ત્વજ્ઞાન *આત્માનંદ સભા, ભાવનગર *સંપાદન-સંશોધન
૪. गुरुतत्त्वविनिश्चय *તત્વજ્ઞાન *આત્માનંદ સભા, ભાવનગર *સંપાદન-સંશોધન
૫. ऐन्द्रस्तुतिचतुर्विंशतिका *સ્તુતિ *આત્માનંદ સભા, ભાવનગર *સંપાદન-સંશોધન
૬. वसुदेवहिण्डी भा. १-२ કથા *સં. ૧૯૮૬-૮૭ *આત્માનંદ સભા, ભાવનગર *સંપાદન-સંશોધન
૭. कर्मग्रन्थ भा. १ થી ६ *તત્ત્વજ્ઞાન *સં. ૧૯૯૦-’૯૬, *આત્માનંદ સભા, ભાવનગર *સંપાદન-સંશોધન
૮. बृहत्कल्प भा. १-६ આચારવિધાન સં. ૧૯૮૯-૨૦૦૮ *આત્માનંદ સભા, ભાવનગર *સંપાદન-સંશોધન
૯. कथारत्नकोश *કથા *સં. ૨૦૦૦ *આત્માનંદ સભા, ભાવનગર *સંપાદન-સંશોધન
૧૦. धर्माभ्युदयमहाकाव्य (संधपतिचरित) *કાવ્ય *ભારતીય વિદ્યાભવન મુંબઈ *સંપાદન-સંશોધન
૧૧. ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા *નિબંધ *સારાભાઈ નવાબ, અમદાવાદ *મૌલિક
૧૨. જેસલમેરની ચિત્રસમૃદ્ધિ સં.૨૦૦૮ *સારાભાઈ નવાબ, અમદાવાદ *મૌલિક
૧૩. कल्पसूत्र *આગમ સં. ૨૦૦૮ *સારાભાઈ નવાબ, અમદાવાદ *મૌલિક

અભ્યાસ-સામગ્રી

૧. ‘એક સાહિત્યયાત્રા’: ડૉ. ભોગીલાલ સાંડેસરા, ‘બુદ્ધિપ્રકાશ’ (જાન્યુઆરિ, ૧૯૫૧)
૨. જેસલમેર : પ્રાચીન અને અર્વાચીન : પ્રૉ. જિતેન્દ્ર જેટલી, ‘બુદ્ધિપ્રકાશ’ (ઑગસ્ટ-ઑકટો. ૧૯૫૧)
૩. जेसलमेर का जिनभद्र ज्ञानभण्डार –ડૉ. વાસુદેવશરમા અગ્રવાલ(નાગરી પ્રચારિણી પત્રિકા, વર્ષ ૫૫, અંક ૪).

સંદર્ભ

  1. *પંડિતશ્રી બેચરદાસ દોશીના સૌજન્યથી

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

***