દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/પગ બોળ્યા માટે
ઘર
2 પગ બોળ્યા માટે
2 પગ બોળ્યા માટે
કઈ નદીની માફી માંગું?
વહી ગઈ છે તેની કે સીટી વાગતાં ધસી આવે છે તેની?
અને હજી તો બંધ ચણી એની ચાલ બદલવી બાકી છે
ફૂલ ચૂંટયું માટે કોની માફી માંગું?
ડાળની, પતંગિયાની, પંખીની, તડકાની, ફરકતા વાયરાની
એક કે જનમઆડ કરેલા ફળની?
અને હજી તો જંગલને કાઠગોદામ ક૨વાનું બાકી છે
સીમના તળાવમાં કાંકરો ઉલાળ્યો તો કોની માફી માગું ?
તરંગમાં સળવળેલી નળિયાં નળિયાં ભંગાતી સપાટીની ?
કે છાપરા હેઠ હેબતાયલી માછલીની ?
કે તળિયે જંપેલા એવા જ અણગણ કાંકરાની ?
અને હજી તો આઘેની પાળ પછવાડે એકમેકને અડોઅડ
લીલાંછમ ઊગી નીકળેલાં પેટઝાળ ઝૂંપડાંના ધુમાડા કરવાના બાકી છે
મળશે માફી
પતંગિયા જેવા ઉજાગરાને
પાંપણમાં પૂરી રાખવાની?
ઊંઘને સપના વિના કુંવારી દેખવાની?
એમને ઉડાડી દીધાં છે?
અને હજી તો આંખોને
અંતહીન નીંદરના અફાટ રણમાં દાટી દેવાની બાકી છે.