દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કોને કહેવું?

કોને કહેવું?

કોને કહેવું
એય કળે નહીં
તે આખરી એકલતા

કોઈ દેખી ન લે
એ બીકે રોવાય પણ નહીં
એવી એકલતા

સામે અડીખમ ઘેરા લીલા અડાબીડમાં
એક ચકચકતું કૂણું પોપટી પાન
હવાએ હલતું દેખાડ્યું
કોને કહેવું?

બંધ બારણે તડમાંથી તાકતો ઊભો છું
પસરેલી પરસાળમાં પગરવ નથી સંભળાતો
કોને કહેવું?

નહાવા જાઉં ત્યારેય ફોન હાથવગો રાખું
ટપાલીને ટાણા બપોરની કાગાનિદંરનેય ઉડાડી મેલું
ફરી ફરીને જૂના ફોટા જોયા કરું
ઠેકાણાપોથીને ઉઘાડબંધ કર્યા કરું
છાપું છ વાર વાંચું
અડધી રાતે છાપો પડે એવાંય સપનાં દેખું
કોને કહેવું?

ક્યાં જયું તે નક્કી કર્યા વિના
અણધાર્યો નીકળી પડું
અને શહેરમાં કે વેરાનમાં કે વગડામાં
ખોવાઈ જાઉં
ચોફેર ભટકતાં કશું ફરફરેય નહીં
કોને કહેવું?