દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/પાંડુ : ઠેકાણું Eden Gardens

Revision as of 02:53, 3 May 2025 by Meghdhanu (talk | contribs)
પાંડુ : ઠેકાણું EDEN GARDENS: BOMBAY

મુંબઈ ખોવાઈ જાય તો મારું સરનામું શું લખું?
કાખમાં સિગ્નલને સંતાડી
ટોળાં થઈ ભોળાં બોળી બંદરનાં તાળાં તોળી ખોળે
(વગડે રાતીપીળી આગ વાવનાં લીલાં પાણી છાતી ખોલી ઢોળે)
પરસેવા સૌને
ને તો યે વાસ વગરની લોક્લબત્તી જલતી સુબહનશામ
ધૂંધળી અગરવગરની બત્તી બાડી ટગરટગર ભાળે આ કોનું નામ?
આમ તો મુંબઈમાં નહિ કોઈ અજાણ્યું
તેમ છતાં યે કદી કદી તો ઓળખાણ પણ પડે નહિ દર્પણમાં
રણમાં પતંગિયું જો મળી જાય
તો જણાવજો કે
ભૂખ્યો દુ:ખ્યો
નથી
સરોવર પાળ
આપનો લિખિતંગ પોપટલાલ
મુકામે મુંબઈ જંગલ ડાળ
(જંગલે છાંય વિનાની રાત રમે નિજ આંગળીઓની સાથ)
વાત તો હિંમતની છે
તાર કાતરી જાળ ઊંચકી કાંટો ચાવી
ડૂબકી દેવું સ્હેલું
વસમું વળગીને રહેવાનું
જયસે પાડા પીઠ પખાલ
લોહકે ફંદેમેં સજ્જડ કાઠી જ્યૂં ચલી કુહાડી ચાલ
હાલમાં મુંબઈને વળગણ ઝાઝાં
પરથમ તો દરિયો ચારેકોર
પછેથી ટ્રામટ્રેનના પાટા
પૉસ્ટર ડાબે જમણે આગે પીછુ
એકી બેકી બંદ પાટિયાં
હોર્ન ફેરિયા બ્રેક રેડિયા સ્પીકર
છેવટ માલીપા બઉ વાસ મારતા
શરમ થાય બોલ્યામાં
ભૂંડા ટેલિફોનના આંટા
કરવી કેમ કરીને વાત?
હલો હાં મુંબઈ બહુ દિવસોથી તમને એક વખત દસ પાંચ ભલે બેમિનિટ સાથે બેસીને
કહેવું છે કે
બસ એક વખત
દસ પાંચ ભલે બે મિનિટ
સાથે છેલ્લું વેલ્લુ મળી
અચાનક મુંબઈ ખોવાઈ જાય તો?
(વનમાં વાટ આંતરી વાટ જોય છે વાસરસજ્જા વાવ)
આવ આ મુંબઈથી શેં ડરવું?
મુંબઈ ડાકણ હોય તો એને પાદર
ભૂત હોય તો પવનપૂત હનુમાન
બટનને ઊંચેનીચે કરવું સવલું કામ
હવે તો દવા ઘણી છે
વ્હિસ્કી સોડા નાકે ચોકે મળે
મેમહીં બેલ્ગાડીમાં બરફ
સિરફ અંગૂઠો સંભાળીને સઈ કરજો
આપોઆપ પ્હોંચશો સરગ
કદી બે ટીપામાં ભૂંસાઈ જાય જો અક્ષર
તો આ ઊંચાં ઊંચાં બિલ્ડીંગોનાં દૂરબીનની હેઠ
પાવતી મૂકી કે ઝટ ઊકલે જૂના લેખ
પૂરમાં તરતો આવ્યો છેક
આગમાં ગુપ્ત ભોંયરે છૂપ્યો
ઊડી ગયો તોપના ગોળાની મોઝાર
ઊઘલે લાવા તો ઝટ દરિયે ડૂબ્યો
ડૂબ્યો ના ડૂબ્યો ત્યાં તો પટ
ડબળક ડબળક બૂચ સરીખો હાલકડોલક બેટ
ઝૂલતાં નારિયેળ દો ચાર
ઝૂંપડી ફૂલ છીપલાં સાંજ સવારે પંખી
થોડી ટાઢી ઊની રાખ
હાડકાં મચ્છીનાં તૃણમાં તમરાં
ને હવા* સાથમાં (* બાવા આદમની)
તડકે સૂકે રૂમાલ
ખૂણે
ટાંક્યું મુંબઈ નામ
હવે. જો વનરાવનની સાઇરન બજતાં
સાવ અચાનક મુંબઈ પ્યારા
સિગ્નલ ભાંગી ભાગે તારાં
સાઇક્લોનની સાઇકલ પર ટોળાંનાં ટોળાં
સાઠ લાખ સાપોનાં જેને ઝેર ચડ્યાં તે
બેટ છોડતાં
બેટ ખૂંદતાં
બેટ ઠેકતાં
બેટ છેકતાં
વાવ ખોળવા
નામ ખોળવા
નામ ખોળતાં અબ તો મિતવા હું જો ખોવાઈ જાઉં
તો તારું સરનામું શું લખું?