ભજનરસ/સામળિયો મુંજો સગો
સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ,
નંદના લાલન સે
નીંદરડી મેં નેડો લગો.
હું રે જાતી’તી ગાંધી કેરે હડે, વા’લા,
મહેકે ગાંધી કેરે ટમેં લાલન સગો
સામળા સારી ધોડી ધોડી થાકી, વા’લા,
મુંને વડલે વિસામો વલો લગો.-
જળ રે જમનાનાં ભરવાંને ગિયા’તાં, બેલી,
સુરતા ચૂકીને બેડો ભગો-
બાઈ મીરાં કે ગિરધરના ગુણે જીવો
સંતના ચરણમાં ચિત લગો.
સામળિયો મુંજો સગો.
મીરાંના પ્રાણથી અનુપ્રાણિત થયેલું આ કચ્છી છાંટનું ભજન પ્રેમભક્તિની ચાર ભૂમિકા માટે ધ્યાન ખેંચે એવું છે. પ્રભુ સાથે હૈયાનું સગપણ બંધાઈ જાય અને પ્રાણનો તંતુ સંધાઈ જાય ત્યારે સ્વપ્ન, જાગૃતિ, સુષુપ્તિ અને તુરિયાનાં દ્વાર કેવાં ઊઘડતાં આવે છે એની ઝાંખી આ સાવ સાદા-સીધા લાગતા ભજનમાં થાય છે. એ ચાર ભૂમિકા જરા જોઈ વળીએ.
નીંદરડી મેં નેડો
પ્રીતમની ઝંખના જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે જાગૃતિમાં ઊઠતી વરાળનાં સ્વપ્ન અવસ્થામાં વાદળ બંધાય છે. ઇન્દ્રિયો પોઢી ગઈ હોય, બહારનાં આકર્ષણો અને કોલાહલ વિરમી ગયા હોય ત્યારે મનમાં ને મનમાં રમતી મૂર્તિને આકાર ધરવાનો અવકાશ મળે છે. મીરાંનાં ઘણાં ભજનોમાં સ્વપ્ન-દર્શનની વાત આવે છે, એને જ આ ભજન અનુસરે છે. મીરાંના આવાં બીજાં બે-એક વેણ :
સુપન મેં હરિ દરસ દીન્હો,
મૈ ન જાણ્યું હરિ જાત,
વૈણાં મ્હારાં ઉઘણ આયા
રહી મન પછતાત.
સોવત હી પલકા મેં મેં તો
પલક લગી પલ મેં પિય આયે
મેં જું ઊઠી પ્રભુ આદર દેણહું
જાગ પડી, પિય ઢુંઢ ન પાયે.
સ્વપ્ન-દર્શન કે સ્વપ્ન-સાક્ષાત્કારની એક ભૂમિકા છે. બધાં જ સ્વપ્નાં મનનો ખેલ નથી હોતાં. સ્થૂળ ઇન્દ્રિયો ગ્રહણ ન કરી શકે એવા સંદેશા ને સંકેતો સ્વપ્નમાં ઝીલી શકાય છે. જ્યારે ભગવદ્ સ્મરણ, નામ-રટણ અંતર્મનનો કબજો લઈ લે, એનો ધ્વનિ હૃદયમાંથી અનાયાસ જાગવા માંડે, ભાવ-તરંગો ઊંઘમાં પણ શમે નહિ, ત્યારે ભાવગ્રાહી ભગવાન દ્વારા ભક્તને આવો અનુભવ થાય છે. વિરહી અંતરની કરુણ ભૂમિ પર આમ કૃપાનાં છાંટણાં થાય છે. પણ સ્વપ્નનું મિલન કાંઈ સંતોષ થોડું આપી શકે? ભક્તની વ્યાકુળતા તો આવાં દર્શનથી અનેકગણી વધી જાય છે. અને સ્વપ્ન-સાક્ષાત્કારનો હેતુ પણ એ જ હોય છે. આ અપાર્થિવ સ્વપ્ન પાર્થિવ ગતને પલટાવી નાખવામાં મહત્ત્વનો ભાગ ભજ્વે છે. સ્વપ્નમાં પડી ગયેલી તિરાડ જાગૃતિના જગતની દીવાલોને ભેદવા માંડે છે. અનેક વિષયો પાછળ ભમતા ભ્રમરને કોઈ એવી અલૌકિક મધુગંધ ખેંચે છે, કે તેને ભગવાનનાં ચરણકમલ સિવાય ક્યાંયે ચેન પડતું નથી. ક્યાં ક્યાં છે આ અપૂર્વ પદ્મગંધ? જ્યારે પાગલ બની નેત્રો એને જ શોધવા નીકળી પડે છે ત્યારે વળી થાય છે, એ ક્યાં ક્યાં નથી?
મહેકે ગાંધી કેરે હાંમેં
ગાંધીની ઘટમાં કેટકેટલી ચીજવસ્તુઓ ભરી હોય! એનું ગંધિયાણું-કરિયામું એટલે અનેકવિધ સુગંધ ને સ્વાદનો મેળો. હિંગ ને બરાસ-કપૂર ત્યાં સાથે જ મળી જાય. પણ આ વિવિધ અને વિરોધી સ્વભાવને ઘટે એવા ઘરાકનાં પગલાં થાય છે, જેને સહુ વસ્તુમાંથી એક જ મહેક ઊઠતી લાગે છે. પેલો હૈયાનો સગો, લાલન એવી કાંઈ મોહિની લગાડી ગયો છે કે એની લાલી ને મહેક ચોમેર ઘેરી વળે છે. મથુરાની વાટે ગોરસ લઈ જતી ગોપી જેવો જ ઘાટ આ ગાંધીની દુકાને પણ જોવા મળે છે. જ્યારે હૈયામાં અને હાટ કે વાટમાં એક જ વસ્તુ વિલસતી હોય ત્યારે દુનિયાદારીની લે-વેચ કેવી? અહીં બધું જ અ-મૂલ્ય. મઘમઘતો પ્રેમ એ જ સગપણમાં ને સાટામાં. પ્રીતમની સ્મૃતિનો આ પ્રભાવ સ્નેહથી ભરી ભરી સુગંધ રૂપે વ્યાપી ગયો છે, પણ સ્વરૂપની પ્રાપ્તિ બાકી છે. ગુણવિકાસની સીમા વિસ્તરતી જાય છે, પણ ગુણનિધિનું એકાંત મિલન બાકી છે. એ ક્યાં થઈ શકે? જ્યાં કશું લેવા દેવાનું નથી રહેતું એવી સર્વનાશી બંસીના સૂરમાં, એ બંસીવરના સામીપ્યમાં.
વડલે વિસામો
અનંત જન્મોથી ચાલી આવતી પ્રીતમની શોધ પૂરી થાય છે કાલપ્રવાહને કાંઠે રહેલા અચલ આશ્રયમાં. વડલો એટલે એક સઘન, શીતળ, પરમવિશ્રાન્તિ. મહાપ્રલયમાં બધું જ જ્યારે ડૂબી જાય છે ત્યારે વડના પાંદ પર જે અસ્તિત્વ મંદ મધુર હસે છે તેનો સહવાસ, કૃષ્ણભક્તોને માટે જે ‘બંસી-બટ’નો મહિમા છે તે અહીં પ્રત્યક્ષ થાય છે. પ્રાણના ઊર્ધ્વ પ્રયાણમાં એક એવું પદ આવે છે, જે વિષ્ણુનું ૫૨મ પદ છે, જે કૃષ્ણનું નિત્ય લીલાધામ છે: દેહભાવનો નાશ થાય છે ત્યારે આ દેવતત્ત્વ એના નીલોજ્જવલ સ્વરૂપમાં પ્રકાશી ઊઠે છે. કોઈને કદાચ અરાંબંધિત લાગે પણ વિષ્ણુ અને વટનું સામ્ય અતિ પ્રાચીન કાળથી વણાતું લોકભજન સુધી પહોંચી ગયું હોય એવો ભાસ થાય છે. ‘રઘુ-વંશ’ [સર્ગ ૧૩, શ્લોક ૫૩]માં લંકાથી પાછા ફરતાં પુષ્પકમાં આકાશગમન કરતાં રામ જે સ્થળો સીતાને બતાવે છે તેમાં ભૌગોલિક વર્ણનો જ છે કે વિશેષ કાંઈ, એ શોધવા જેવું છે. ‘મેઘદૂત’ના અર્થઘટનમાં વાસુદેવશરણ અગ્રવાલે જે કાર્ય કર્યું તે મહાકવિની બીજી રચનાઓમાં પણ કરવા જેવું છે. અહીં નીલકમલના ઢગ સમા વડને દર્શાવી રામ સીતાને કહે છે કે ઃ સોયં વટઃ શ્યામ ઇતિ પ્રતીત’ ‘આ શ્યામ નામથી ઓળખાતો વડ રહ્યો’, એ વચન યાદ આવી જાય છે. વળી એ શ્યામ નામે સામાન્ય વડ નહોતો પણ સીતા વડે ઉપયાચિત હતો, સિદ્ધિ માટે પ્રાર્થિત હતો, એ વડની વિશેષતા છે. વૈદિક સૂકતો, મહાકવિઓનાં કાવ્યો અને ઠેઠ ગામતળનાં લોકભજનો ક્યાંક આ ધરતીનાં સંસ્કારબીજ સંઘરી બેઠાં છે એવો મનમાં વહેમ છે, અને તે હસી કાઢવા જેવો નથી લાગતો. ભજનવાણીમાં ઊંડે ઊંડે ઊતરતાં ક્યાંક એની ભાળ લાગશે. ફરી ‘વડલે વિસામો’ લેવા જતાં બ્રહ્માનંદનું ભજન સંભળાય છે :
ગંગાજી કા તટ હો, યા યમુનાજી કા બ્દ હો,
મેરા સાંવરા નિકટ હો,
જબ પ્રાણ તન સે નિ.
પ્રાણ અને પ્રિયતમના મિલનની વેળા હવે આવી પહોંચી. ક્યાં રહ્યું છે આ મિલનબિંદુ? કેવી છે એની મિલન-માધુરી?
સુરતા ચૂકી ને બેડો ભગો
નંદના છોરાની નજરે પડે તેની સુરતાનું ઠેકાણું રહે જ નહીં. શાન અને યોગમાર્ગમાં તો સુરતાને અલગ કરતાં રહેવું પડે, પણ આ ગોકુલ ગાંવનો પૈડો જ ન્યારો છે. અહીં દેહમાં રહેલી સુરતાને કોઈ કાંકરી મારી પોતાનામાં સમાવી દે છે. ગોપી જ્યારે કહે કે ‘બેડું મારું નંદવાણું’ ત્યારે તેમાં કૃત્રિમ રોષ ને અફસોસને ફોડી આનંદ બહાર રેલાઈ જાય છે. નંદવાઈ જવામાં જ આનંદ છે એ તે જાણે છે. મીરાંનાં બીજાં ભજનોમાં આવી ફરિયાદ ને આનંદ બંને ફોરી ઊઠ્યાં છે :
ઝૂમકહાર શીદ તોડ્યો?
જળ જમુનાનાં ભરવાને ગ્યાં’તાં,
ઘડુલો મારો શીદ ફોડ્યો?
અધર સુધા રસગાગરી, અધરરસ ગૌરસ વૈશ,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ફરી અમીરસ પીવૈશ.
ગોપી જમુનાનું જળ ભરીને આવે છે ત્યારે કૃષ્ણ એનું બેડું ફોડી નાખે છે, અને મહી વેચવા બહાર જાય છે ત્યારે મટકી ફોડી નાખે છે. જમુનાની જેમ નિરંતર વહેતા આનંદને એકાદ, અલગ, ક્ષુદ્ર ઘડામાં પૂરવા માંડીએ તો એ વિશ્વવિહારી એમ બદ્ધ થવા દે? અને પોતાના અંતરમાં જ સભર ભરેલા આનંદનું બહાર મૂલ કરાવવા જઈએ તો એ અંતર્યામી સાંખે ખરા? કૃષ્ણ ક્યાંયે દૂધ નથી ઢોળી નાંખતા, મહીનાં મટકાંને જ ભાંગે છે એનું કારણ શું? મહીં એ મધ્ય અવસ્થા છે. મહી જામે એ પ્રાણની સ્થિરતા, કુંભક અવસ્થા. આ કુંભકમાં જ જ્યારે વિસ્ફોટ થાય ત્યારે દેહથી અલગ આત્મતત્ત્વ ઊછળી પડે છે. પણ એ માટે પ્રભુ સંગાથે પ્રાણનો સંબંધ, શ્વાસોચ્છ્વાસે સુમિરણનો તાંર સંધાઈ જવો જોઈએ :
સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ.