સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/સંપાદક-પરિચય
અનંત રાઠોડ
અનંત રાઠોડ ‘અનંત’ (જન્મ. ૧૯૯૪) ગુજરાતી ભાષામાં ઓછું પણ ખૂબ ગુણવત્તાપુર્વકનું કામ કરીને જાણીતા થયેલા ગઝલકાર, લેખક, સંપાદક અને આર્કાઈવિસ્ટ છે. ગુજરાતી ભાષાના બે ખૂબ મોટાં ગજાના સાક્ષરો, ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જ્યાં ભણ્યા તે ઈડર, તેમનું વતન છે. તેઓ ૨૦૧૬માં અમદાવાદની એમ.જી. સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાંથી રસાયણશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા છે. ટૂંક સમય રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યા બાદ હાલ તેઓ દિલ્હી સ્થિત રેખ્તા ફાઉન્ડેશનના ગુજરાતી વિભાગમાં સંપાદક તરીકે કાર્યરત છે. તેઓ ગુજરાતી ભાષાના એક સરસ વીજાણુ આર્કાઇવ, એકત્ર ફાઉન્ડેશનના તંત્ર સંચાલકોમાંના એક છે. વિકીપિડિયા જેવા સામુહિક માધ્યમ ઉપર તેમણે – નિસ્વાર્થ ભાવે – અનેક સુસંશોધિત લેખો લખીને ગુજરાતી સાહિત્યકારો વિશેની અધિકૃત માહિતી દુનિયાના દરેક ખૂણાના વાંચકોને સુલભ કરાવી આપી છે.
બાળપણમાં દાદા તરફથી બાળવાર્તાના સંસ્કાર અને પિતા તરફથી સાહિત્યિક વારસો મેળવ્યો, અને શાળા દરમ્યાન જ કવિતા તરફ વળ્યા. સમયાંતરે કવિતા અને છંદનો વ્યવસ્થિત અભ્યાસ પણ તેમણે કર્યો. અનંત રાઠોડની કાવ્યચેતનાને વધુ પોષક વાતાવરણ અમદાવાદમાં મળ્યું. અમદાવાદ આવીને ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ચાલતી બુધસભામાં તેઓ જોડાયા જ્યાં તેમનો સંપર્ક ગુજરાતી સાહિત્યના અન્ય સ્થાપિત કવિઓ સાથે થયો, અને તેમની કાવ્યલેખનની પ્રવૃત્તિને યોગ્ય બળતણ મળ્યું અને તેમના અવાજમાં પરિપક્વતા આવી. તેમની સંખ્યામાં ઓછી લખાયેલી ગઝલોને તત્કાલીન સામયિકોમાં જરૂરી સ્થાન મળ્યું.
તેમની કવિતામાં ઉદાસી ખૂબ તીણાં સ્વરે ઘૂંટાયેલી છે. નિતાંત એકાંત અને તેની સામે પડેલી જિજિવિષા તેમની કવિતાનું એક ઉપકારક પાસું છે. તેમની ગઝલોમાં થતો કારુણ્ય, આક્રોશ, અને બૈભત્સ્યનો ત્રિમેળ ગુજરાતી ગઝલના ચિત્રમાં નવો આકાર ઉમેરે છે. જીવનની સંકુલ ક્ષણોની બહુપરિમાણિતાને ગઝલ જેવા ટૂંકા પ્રકારમાં ખેડવામાં તેઓ સફળ રહ્યા છે. તેમની કવિતાનું ઉદ્ગમ તેમની આત્મલક્ષિતા છે, પરંતુ તેમના કવ્યની બહુલતા સર્વ વાચકોને પોતિકી જગ્યા બનાવી આપી આવકારે છે.
– ચિંતન શેલત