કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૨. વિશ્વજનની સ્વરૂપ!
Revision as of 09:58, 14 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. વિશ્વજનની સ્વરૂપ!|ઉશનસ્}} <poem> વળાવી બા, આવું, ઘરમહીં પ્રવ...")
૩૨. વિશ્વજનની સ્વરૂપ!
ઉશનસ્
વળાવી બા, આવું, ઘરમહીં પ્રવેશું, નીરખું તો,
નવાઈ! ના ખાલી કશું જ ઘરમાં! કો સભરતા
બધે છે વ્યાપેલી જનનીરૂપ! આ શૂન્ય ન સ્થિતિ!
પથારીમાં જોઈ હતી મૂરત જે વ્યક્તિરૂપ તે
હવે થૈ વિભૂતિસ્વરૂપ વિકસંતી ચિતવને,
કરુણા-વાત્સલ્યે સભર નરી એ વિશ્વજનની!
પરંતુ રેખાઓ પરિચિત મને એ મુખતણી
ચહી જેને માતા કહી કહી મમત્વે ભજી, યજી;
અરે, એને આવા વિતત રૂપમાંયે લઉં પ્રીછી;
તને હંમેશાંયે વતનઘર વંટોળ વચમાં,
ભીંજાતી ભીંતોમાં ટગુમગુ થતી દીવડી સમી
અને સંધ્યાકાળે તુલસીતણી ડોલે ઘૃતતણા
દીવારૂપે શીળી પ્રસરતી પ્રભા ક્યાં દીઠી ન’તી?
પિતાના પૂજાપે પમરતી ન’તી ધૂપસળી તું?
- (સમસ્ત કવિતા, ‘વળાવી બા, આવ્યા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૫૩)