કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૨. વિશ્વજનની સ્વરૂપ!
Jump to navigation
Jump to search
૩૨. વિશ્વજનની સ્વરૂપ!
ઉશનસ્
વળાવી બા, આવું, ઘરમહીં પ્રવેશું, નીરખું તો,
નવાઈ! ના ખાલી કશું જ ઘરમાં! કો સભરતા
બધે છે વ્યાપેલી જનનીરૂપ! આ શૂન્ય ન સ્થિતિ!
પથારીમાં જોઈ હતી મૂરત જે વ્યક્તિરૂપ તે
હવે થૈ વિભૂતિસ્વરૂપ વિકસંતી ચિતવને,
કરુણા-વાત્સલ્યે સભર નરી એ વિશ્વજનની!
પરંતુ રેખાઓ પરિચિત મને એ મુખતણી
ચહી જેને માતા કહી કહી મમત્વે ભજી, યજી;
અરે, એને આવા વિતત રૂપમાંયે લઉં પ્રીછી;
તને હંમેશાંયે વતનઘર વંટોળ વચમાં,
ભીંજાતી ભીંતોમાં ટગુમગુ થતી દીવડી સમી
અને સંધ્યાકાળે તુલસીતણી ડોલે ઘૃતતણા
દીવારૂપે શીળી પ્રસરતી પ્રભા ક્યાં દીઠી ન’તી?
પિતાના પૂજાપે પમરતી ન’તી ધૂપસળી તું?