બે હજાર ચોવીસ સમક્ષ/રસબોધ – યશોધર રાવલ
વિવેચન
નરેશ શુક્લ
વિવિધ ગ્રંથોનો આસ્વાદ-પરિચય આપતા લેખો
સાતત્યપૂર્વક અભ્યાસ કરનાર અધ્યાપકોમાં યશોધર રાવલનું નામ જાણીતું છે. ગુણગ્રાહી દૃષ્ટિએ કરાવેલા નિબંધ અને કવિતાના આસ્વાદોમાં તેમની ખુશી છલકાતી જણાય છે. આસ્વાદ-સમીક્ષાના ૨૦ લેખો સમાવતું આ પુસ્તક લેખકની એક ભાવક તરીકેની સજ્જતાને પ્રગટાવનારું છે. એમણે આરંભે જ જણાવ્યું છે તેમ એમને નિબંધ અને કવિતામાં સવિશેષ રસ છે. છેલ્લા બે લેખો નિબંધોનાં સરવૈયાં આપતા લેખો છે અને એમાં જે નિબંધો વિશે વાત કરી છે તે પૈકી ઘણા નિબંધસંગ્રહો વિશે અગાઉ સમાવેલા સ્વતંત્ર લેખોમાં એમણે વિગતે આસ્વાદ કરાવ્યો છે.
વધારે અસરકારક રહેલા આસ્વાદલેખોનો આરંભે ઉલ્લેખ કરી લઉં. એ છે ‘નહિ સૂંઘાયેલા ફૂલ જેવી સ્મૃતિકથા ‘વનાંચલ’ (જયંત પાઠક) અને ‘રસાવહ પણ અલ્પખ્યાત કૃતિ ‘નઘરોળ’ (સ્વામી આનંદ) આ બંને લેખોમાં લેખકે કરાવેલા આસ્વાદ ખરેખર મજાના છે. ઝીણવટભર્યાં ઉદાહરણો સાથે એમણે આ સંગ્રહોની વાત માંડી છે. જયંત પાઠકના ‘વનાંચલ’ વિશે આપણાં ઘણાં વિવેચકોએ વાત કરી છે, એની સમીક્ષા કરી છે તેનાથી અલગ ફંટાઈને માત્ર ભાવનલક્ષી અભિગમથી આ સ્મૃતિકથાને યશોધર રાવલે તપાસી છે. એમાં સ્પષ્ટ રીતે એમનામાં રહેલો ભાવક વરતાઈ આવે છે. આરંભે સર્વસામાન્ય માહિતી આપવી, લેખક કેવી રીતે વતનથી દૂર થયા પછી વતન માટે સ્મૃતિમંજૂષાનો વૈભવ આપણી સામે પ્રગટાવે છે તે ઉદાહરણો આપતા જઈને આપણને ચીંધતા જાય છે. ખાસ કરીને આખોય પ્રદેશ, એની લાક્ષણિકતાઓ, વિશેષ કરીને ત્યાંના ઉપેક્ષિત અને પ્રાકૃતિક સરળ જીવન જીવતા આદિવાસીઓને જે રીતે આકારિત કરાયા છે તેની છબીઓ અહીં સ્પષ્ટ રીતે ઊપસી આવે છે. સાથોસાથ સ્વજનો, દાદાજીનું ચિત્ર, એ સમય અને સમયની સાથે ઊભરતું માનસ, કેટલાક ચિત્ત પર અંકિત થઈ ગયેલા પ્રસંગોના આલેખનનું રસાળ ગદ્ય, અને સાથોસાથ એમાં એક સંવેદનપટુ કવિહૃદય પણ આપણી સામે પ્રગટતું જાય છે. આદિવાસી પ્રજાના ઉત્સવો, એમનું ભોળપણ, એનું નૈસર્ગિક રીતે વહેતું જીવન અને એમની સાથે થતી ઠગાઈના અનેક પ્રસંગો આસ્વાદ્ય ભાથું બનીને ઊભરી આવ્યું છે.
એ જ રીતે સ્વામી આનંદના ગદ્યના જે વિશેષો એમણે તારવી આપ્યા છે તે નોંધપાત્ર છે. સ્વામી આનંદ દ્વારા લખાયેલાં રેખાચિત્રો ગુજરાતી રેખાચિત્રોમાં એમની આગવી લાક્ષણિકતાઓ જ નહીં, માનવીય રૂપોનાં વૈવિધ્યને કારણે પણ બહુ જાણીતા છે. એ વાત વિગતે આ લેખમાં ઉપસાવી શકાઈ છે. ‘નઘરોળ’નું પાત્ર આજે પણ એટલું જ જીવંત અને શિરમોર ગણાય એવું આલેખાયું છે. એની વિગતે નોંધ લીધા પછી સ્વામી આનંદની ભાષાના કાકુઓ, એમની લાક્ષણિકતાઓ, માનવસ્વભાવને ઉપસાવવા માટેની આગવી શૈલીની ઉચિત નોંધ લેવામાં આવી છે. એ જ રીતે વીસમી સદીમાં અમેરિકન પ્રજામાનસને આલેખતો નિબંધ સ્વામી આનંદના વાચન અને માનવીય સંવેદનવ્યાપને ચીંધનારો નિબંધ છે. એની આ આસ્વાદકે વિગતે નોંધ લીધી છે તો અમેરિકાની વાયુસેનાએ જાપાન પર વરસાવેલા અણુબૉમ્બની ઘટનાના કેવાકેવા આઘાત-પ્રત્યાઘાતો વિશ્વમંચ પર પડ્યા તેને આલેખતા બે નિબંધો ઐતિહાસિક રીતે પણ મહત્ત્વના ગણાય. એ સમયે થયેલી આ અમાનુષી બૉમ્બવર્ષાએ માનવચિત્ત પર જે અસરો જન્માવી એને જો સમજવાની જિજ્ઞાસા હોય તો આ નિબંધો ખાસ વાંચવા જેવા છે – તેની જરૂરિયાત યશોધર રાવલ ઉપસાવી શક્યા છે. એવા જ એમના એક નિબંધ ‘કંસના વારસ’ વિશે લેખકે જે કહ્યું છે તે પણ એ સમયની માનસિકતા સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચા જગવે છે. સ્વામી આનંદ કઈ રીતે શંકરાચાર્યના મતની સાથે ઊભા રહે છે – એ વિગતે ઉપસાવી આપ્યું છે. ઘોડાગાડીવાળા સાથેનો સંઘર્ષ, શાહુકારો-શોષિતોના કિસ્સા હોય કે સ્વામીએ લખેલા ‘મારા ઘરધણીઓ’ શીર્ષક હેઠળના નિબંધો હોય, એમાં જે રીતે રેખાચિત્રો ઉપસાવે છે તે ખરેખર અનન્ય હોય છે. યશોધર રાવલે આ બધા નિબંધો વિશે વિગતે આસ્વાદ- લેખ કર્યો છે. લેખકનો સમીક્ષામાં જવાનો સ્વભાવ ઓછો છે, મોટાભાગે ગુણગ્રાહી સ્વભાવે તેમણે આ લેખો લખ્યા છે. પ્રવીણ દરજીના નિબંધસંગ્રહો વિશે બે દીર્ઘ લેખો છે સાથોસાથ અન્ય સરવૈયાંમાં પણ પ્રવીણ દરજીના નિબંધો વિશે ઉલટભેર વાત થઈ હોવાની છાપ ઊપસ્યા વિના રહેતી નથી. પ્રવીણ દરજીના લલિત નિબંધો ‘સમુદ્રનાં મોજાં’ વિશે વાત કર્યા પછી જ્યારે ‘લલિત નિબંધનું સુવર્ણ શિખર નિબંધકાર પ્રવીણ દરજી’ નામનો લેખ આવે છે ત્યારે સાવ થોડા જ ફેરફારો સાથે એનું પુનરાવર્તન થતું જોઈ શકાય છે. મોટાભાગની માહિતી એની એ જ છે, અર્થઘટનો અને ઉદાહરણો એ જ રાખીને બે વખત એ લેખ છાપ્યો હોય તેમ જણાયા વિના રહેતું નથી. આવા પ્રમાદને બદલે, પુસ્તક માટે એક જ લેખ કર્યો હોત તો વાચકનાં શ્રમ અને શક્તિ બચવા સાથે કાગળની પણ બચત થઈ શકી હોત. એ જ વાત પાછી સરવૈયામાં તો આવી જ છે. એવું જ બન્યું છે બીજા લેખકોના લલિત નિબંધો બાબતે. જો કે, પ્રશ્ન જરૂર થાય કે નિમિત્ત ઓઝા, પાર્થ દવે, હરદ્વાર ગોસ્વામી, નરેન્દ્ર વાઘેલા જેવા નવોદિતોના નિબંધોને ક્યારેક એ ચિંતનપ્રધાન, ક્યાંક એને લલિત નિબંધ જેવાં ખાનાંમાં નાખતા ગયા છે પણ એમના વિશેષો તાણીતૂસીને ઉપસાવ્યા હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી. હા, યશોધર રાવલે વીરુ પુરોહિતના ‘નિમજ્જન’ના નિબંધો, નલિની ગણાત્રા, મફત ઓઝાના માટીમાં ખીલેલાં મેઘધનુષ્ય કે પછી જોસેફ મેકવાનના બે રેખાચિત્રો વિશેના લેખોમાં આસ્વાદની જેવી સજ્જતા દાખવી છે એવી પેલા નવોદિતોના નિબંધસંગ્રહને તપાસવામાં દાખવી નથી. એ લેખો એક જ શૈલીએ, માત્ર થપથપાવતા હોય એવી ઢોંચાઢાળ રીતે લખાયા હોય તેવું દેખાયા વિના રહેતું નથી. ‘ગુજરાતી પ્રવાસસાહિત્ય’ એેવા શીર્ષકથી લખાયેલા લેખમાં આરંભ બહુ ઉલટથી થયો છે, અને એમાં સુધારક યુગ, પંડિત યુગ અને ગાંધીયુગના મહત્ત્વના પ્રવાસકથા-લેખકોની નોંધ લેવાઈ છે, પણ અંતભાગે જતાં લેખક પક્કડ ગુમાવી બેઠા હોય તેવું લાગ્યા વિના રહેતું નથી. એમાં ભોળાભાઈ પટેલ અને પ્રવીણ દરજીની નોંધ અવશ્ય લીધી છે પણ એ જ ગાળાના બીજા મહત્ત્વના પ્રવાસલેખકોને તેઓ ચાતરી ગયા છે. એટલે ભવિષ્યના અભ્યાસીઓ માટે આ લેખ એકાંગી બની રહેવાનો સંભવ છે. સાવ અલગ પડી જતો લેખ એટલે ચુનીલાલ મડિયાકૃત ‘સધરા જેસંગનો સાળો’ વિશેનો લેખ. એમાં એમનાં નિરીક્ષણો અને આસ્વાદ્ય બાબતો તારવી આપવાની શક્તિ નોંધપાત્ર રીતે ઊપસી આવ્યાં છે. તો પ્રેમજી પટેલની લઘુકથાઓના સંગ્રહ ‘ટશિયાભર સુખ’ને પણ સરસ રીતે ઉપસાવી અપાયો છે. જો કે, આગળ કહ્યું એમ યશોધર રાવલ આસ્વાદના માણસ છે, સમીક્ષામાં ઓછું જાય છે. ‘શતાબ્દી-વંદના’ નામના લેખમાં કવિ ઉશનસ્ અને કવિ જયંત પાઠકની આછી મુદ્રા ઊપસે છે. ખરેખર તો એ પ્રમાણમાં ટૂંકા અને એકાંગી લાગ્યા વિના ન રહે. છેલ્લા બે લેખો એટલે ‘ચપટીક ગુલાલ નિબંધ ૨૦૨૦’, અને ‘ચપટીક ગુલાલ નિબંધ ૨૦૨૧’માં સપાટ શૈલીએ નોંધ મળે છે. એ આસ્વાદ નથી, સમીક્ષા પણ નથી. છે માત્ર માહિતી. એ પણ પ્રમાણમાં ઉભડક અને અવ્યવસ્થિત. કોઈપણ જાતનાં નિરીક્ષણો કે તારણો આપ્યા વિનાના આ લેખો થોડી વિગતે અપાયેલી સૂચિથી વિશેષ કશી છાપ પાડતા નથી. આખાય પુસ્તકમાંથી પસાર થયા પછી કહી શકાય કે આ લેખો જે તે કવિ-નિબંધકાર કે લેખકની આસ્વાદલક્ષી છબી જરૂર ઉપસાવી આપે છે. કેટલીકવાર સાવ મંદ સ્વરે જે તે લેખકની મર્યાદા પણ ઉજાગર કરી આપે છે. જેમ કે, હરદ્વાર ગોસ્વામીના નિબંધો વિશે અને પાર્થ દવેના નિબંધો વિશે એમણે મર્યાદાઓને બહુ આછા સ્વરે કહી છે, પણ ધ્યાન ન રહે તો હાથ ન આવે એ રીતે કહેવાની શૈલી શ્રી રાવલે સ્વીકારી છે. બાકી બધી જ રચનાઓને સમજવાની, ખીલવવાની અને ઉદાહરણ આપીને વાત કરવાની પોતાની એક લાક્ષણિકતા ઊભરી આવે છે. ‘સ્પીડ બ્રેકર’, ‘કનેક્ટ થવાની શૈલી’ જેવા શબ્દો એ અવાર-નવાર શોખથી પ્રયોજે છે. આવા શબ્દો અને શૈલી યશોધર રાવલના લેખોમાં અવાર-નવાર પુનરાવર્તન પામતાં રહે છે. એમણે આપેલાં ઉદાહરણો આપણને ક્યારેક એમના મત સાથે સ્વીકાર્ય ન બને – એવું પણ લાગ્યા કરે. ત્યારે થાય કે, યશોધર રાવલ મોટા માપિયાથી લેખકને વધારે લાભ ખટાવી આપે છે જેનો એ હકદાર ન પણ હોય. ઘણા લેખોમાં એવું લાગ્યા વિના રહેતું નથી. આજના સમયે ગ્રંથ-આસ્વાદ અને સમીક્ષાની પ્રવૃત્તિ મંદપ્રાય થઈ છે. બહુ ઓછા સજ્જ સમીક્ષકો આ પ્રકારે નવ-પ્રકાશિત અને નીવડેલા ગ્રંથોની સમીક્ષા કરે છે ત્યારે આવા ગ્રંથનું એક મૂલ્ય જરૂર છે.
[અરુણોદય પ્રકાશન, અમદાવાદ]