અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/સ્મરણ

From Ekatra Wiki
Revision as of 05:08, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્મરણ| જયદેવ શુક્લ}} <poem> ધૂળથી છવાયેલા ને કાટથી વસાયેલા કાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્મરણ

જયદેવ શુક્લ

ધૂળથી છવાયેલા
ને
કાટથી વસાયેલા કાતરિયામાં
અચાનક રણકી ઊઠ્યો
રત્નજડિત ને રત્નખચિત ચરુ!
દાદીમાની નેહભીની આંખ વિનાનાં
ઝાંખ વળેલાં ચશ્માં
તાકી રહ્યાં.

પિતાજીના ચન્દનવરણા ટીપણામાં સચવાયેલાં
ઘડી, પળ, પ્રહર, ચોઘડિયાં, નક્ષત્રો
ખરી પડ્યાં
ને ખર્યું
આશકાનું ભસ્માંકિત બીલીપત્ર.
માએ બનાવી આપેલો
ગાભાનો દડો
દડી પડ્યો હાથમાંથી.

પોથીનાં ફાટી ગયેલાં સોનેરી પૃષ્ઠો પરથી
મંત્રો આમ્રમંજરીની જેમ રણક્યા.

તૂટેલા અરીસામાં સચવાયેલો
બાળકનો અશ્રુભીનો ચહેરો
તાકી રહ્યો અપલક.
તપખીરની ડબ્બીમાં દબાયેલી છીંકો
એકસામટી જાગી.

વાચનમાળામાં સાચવીને મૂકેલો
સોનામહોર જેવો તડકો
વળગી પડ્યો.

તાંબાનાં આચમની, પવાલું ને ત્રભાણમાં
રણકતો ને રેલાતો
સંધ્યાવંદનનો સંકલ્પ
હોઠ પર ફરફર્યો વર્ષો પછી.
સિગારેટનાં ખોખાંની ચાંદીના ચન્દ્રમાંથી
હરણ કૂદ્યું….
ફાળ ભરતું દોડ્યું…
ફાળ ભરતા હરણની ખરીમાંથી
રત્નો ખરતાં રહ્યાં…
બોદું બોદું હસતી કોડી
તાકી રહી નિ :સહાય…