ગુજરાતી બાળવાર્તા સંપદા/હવાઈ સફર

From Ekatra Foundation
Revision as of 00:55, 11 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હવાઈ સફર

કિશોર પંડ્યા

નાનુ નાનકો તેના ઘરના આંગણામાં બેઠો હતો. તે સવારના નાસ્તાની સાથે છાપું વાંચતો હતો. હૂંફાળો તડકો હતો. આંગણામાં ફૂલ ખીલી રહ્યાં હતાં. ગુલાબ, ગલગોટો, કરેણનાં ફૂલ હવામાં લહેરાતાં હતાં. તેમનો રસ ચૂસવા મધમાખીઓ આવતી હતી. લીમડાના ઝાડ પર ઉડતા પંખીને નાનુએ જોયા. તેને થયું – મારે પણ ઉડવું જોઈએ. એવામાં તેની નજર એક સમાચાર પર પડી. વિમાનની શોધ થઈ તે પહેલાં લોકો બલૂનમાં બેસીને ઉડતાં હતાં. અચાનક તેના દિમાગમાં એક વિચાર આવ્યો. પોતે પણ બલૂન બનાવશે. મેળામાં ફુગ્ગો વેચનારને તેણે જોયા હતા. હવા ભરી, દોરી બાંધીને તેઓ ફુગ્ગો આપતા. દોરી જો હાથમાંથી છૂટી જાય તો ફુગ્ગો હવામાં ઊંચે ને ઊંચે જવા લાગતો. નાનુએ વિચારી લીધું કે શું કરવું. આળસ કર્યા વગર છાપું બાજુમાં મૂકીને તે તરત ઊભો થયો. નાનુએ પોતાની જાતને મોટેથી કહ્યું, ‘મને લાગે છે કે મારે એક અખતરો તો કરવો જ જોઈએ મારે ચોક્કસ પણે એક બલૂન તો બનાવવું જ જોઈએ. હા, મારે એક વખત ઊંચે તો ઉડવું જ જોઈએ. સાઇકલ, સ્કૂટર કે મોટરમાં ફરવા કરતાં મને વધુ ઊંચે સારું ફરવા મળશે.’ બા રસોડામાં હતી. તે નાનુ માટે વાનગીઓ બનાવી રહી હતી. તેણે તે સાંભળ્યું. ‘મને ચિંતા થાય છે. તે હવે શું કરવા જઈ રહ્યો છે ?’ બાએ કહ્યું, ‘તે હમણાં ઘણું નવું નવુ કરી રહ્યો છે. તેને કુતૂહલ થાય છે. એટલે તે વિચિત્ર નવા નુસખા કરી રહ્યો છે.’ પરંતુ નાનુએ કોઈને કહ્યું ન હતું. તે ઊભો થયો, તેનો કોટ પહેર્યો – તે કશુંક નવું કરવા જઈ રહ્યો હતો. નાનુ એક દુકાનમાં ગયો. જ્યાં મોટા મોટા ફુગ્ગા વેચતા હતા. દુકાનદારને તેણે પૂછ્યું, ‘તમારી પાસે કોઈ ફ્લાઈંગ મશીન છે ?’ ‘એટલે ? ઉડતી મશીનો ?’ દુકાનદારે પૂછ્યું, ‘શું તમારો મતલબ પક્ષી છે ?’ ‘હા, પક્ષીઓ ઉડતાં મશીનો છે,’ નાનુએ કહ્યું, ‘પરંતુ મારો મતલબ સૂંડલો કે મોટી થેલી જેવું છે કે જેમાં હું બલૂનમાં બેઠો હોઉં તેમ બેસી શકું. વાદળ આસપાસ ઊડી શકું. હું એક વિમાન બનાવવા જઈ રહ્યો છું.’ ‘તમે ચોક્કસ તેમ કરી શકો છો, પરંતુ મારી પાસે કોઈ સૂંડલો નથી.’ દુકાનદારે કહ્યું. ‘તો પછી,’ નાનુએ કહ્યું, ‘કૃપા કરીને મને કેટલાક મોટા ફુગ્ગા આપો.’ નાનુએ કેટલાક લાલ, વાદળી, લીલા, ગુલાબી, મોટા ફુગ્ગા લીધા. ‘મને સમજાતું નથી. તમે ફુગ્ગામાંથી વિમાન કેવી રીતે બનાવશો ?’ દુકાનદારે કહ્યું. ‘હું તમને બતાવીશ.’ નાનુ બોલ્યો, ‘મારે હવે પછી કપડાંની ચોરસ થેલી જોઈએ છે. હું સહુને આશ્ચર્યચકિત કરવા માગું છું. તેમને ખબર નથી કે મારી પાસે વિમાન છે.’ નાનુએ બંને આંખો મીંચીને, એક પ્રકારની રમૂજી હરકત કરી. તેનું નાક ઝબક્યું. જાણે તેને છીંક આવી. તે કપડાંની ટોપલી લેવા ગયો. તેણે ફુગ્ગા તાર વડે બાંધી દીધા. નાનુએ કહ્યું, ‘તમે જોજો, ફુગ્ગા બાંધેલી કપડાંની ટોપલી ઊંચે જશે અને તેમાં હું બેસીશ. તે મારું વિમાન હશે.’ ‘શું તે હવામાં ચાલશે ?’ દુકાનદારે પૂછ્યું. નાનુએ કહ્યું, ‘તેને આગળ વધારવા માટે હું કપડાંની ટોપલીની પાછળ સોલર પંખો લગાવીશ. પંખો ફરશે. હવાને દૂર ધકેલશે. જ્યારે હવા ધકેલાશે ત્યારે બલૂન આગળ જશે. હું હવાઈ સફર કરીશ.’ તેથી દુકાનદારે કપડાંની ટોપલી સાથે ફુગ્ગા બાંધી દીધા. તેણે ટોપલી થોડી ખીલી વડે જમીન પર બાંધી રાખી, જેથી નાનુ તેમાં બેસવા માટે તૈયાર થાય તે પહેલાં તે ઉપડી ઊડી ન જાય. આગળ તેને એક સોલર પંખો મળ્યો, જે ફરે પણ છે અને ગરમીના દિવસે હવાને ધકેલી ઠંડક આપે છે. દુકાનદારે આ પંખો કપડાંની ટોપલી પાછળ બાંધી આપ્યો હતો. ‘હવે મારી પાસે મારું વિમાન છે,’ નાનુએ દુકાનદારને કહ્યું, ‘હું ઉપર જઈશ. સૌને આશ્ચર્ય થશે.’ નાનુ ટોપલીમાં ચડવા લાગ્યો. ‘ધીમે ધીમે સાચવી ને, જરા ઊભા રહો.’ દુકાનદાર કહે છે. ‘શું વાત છે, અંકલ ?’ નાનુએ પૂછ્યું. ‘તમે તમારી સાથે કેટલાક નરમ ઓશિકાં લઈ લો,’ દુકાનદાર બોલ્યો. ‘તમે તમારા વિમાનમાંથી ગબડી શકો છો.’ તેણે બડબડાટ કર્યો, ‘અને પોચાં ઓશિકાં પર પડવું સારી બાબત હશે.’ ‘હું માનું છું કે તમે સાચા છો,’ નાનુએ જવાબ આપ્યો, ‘આભાર ! હું થોડાં ઓશિકાં સાથે લઈશ.’ તેણે કપડાંની ટોપલીમાં કટેલાંક ઓશિકા મૂક્યાં. ‘હવે હું તૈયાર છું ! ખીલી કાઢો અને હું ઉપર જઈશ. મેં આજે સવારે અખબારમાં વાંચેલા વિમાનની જેમ હું આકાશમાં સફર કરવા જઈ રહ્યો છું...’ દુકાનદારે વિમાન પકડી રાખેલા દોરડા પરથી ખીલીઓ લઈ લીધી. લાલ, લીલા, વાદળી, નારંગી, ફુગ્ગા દ્વારા બલૂન આકાશ તરફ ઉડવા લાગ્યું. ‘હવે, અહીંથી હું આગળ જાઉં છું !’ દુકાનદારને કહ્યું. જ્યારે તેણે સોલર પંખો ચાલુ કર્યો. તેણે ઉપર હવામાં આગળ સફર શરૂ કરી. સરસ રીતે, ઝાડની ટોચ ઉપર, તેનાં વિમાનમાં તેણે ઉડાન ભરી. ‘ઓહ, આ મહાન છે !’ નાનુ બોલ્યો. ટૂંક સમયમાં તે તેના ઘરની ઉપર હતો, ‘હું હવેથી હંમેશા આ રીતે મુસાફરી કરીશ.’ તેણે કહ્યું. પછી, અચાનક, કંઈક થયું. ઝાડ પરથી કાગડાઓ આવ્યા. તેઓ નાનુનાં કપડાંની ટોપલી સાથે જોડાયેલા ફુગ્ગા પર તેમની તીક્ષ્ણ ચાંચ મારવા લાગ્યા હતા. ફુગ્ગા ફૂટવા લાગ્યા. ફટ... ફટાક, ફટ... ફટાક, ફટ... ફટાક, ફટ... ફટાક ! અને કપડાંનું વિમાન નીચે પડ્યું. નાનુ ઓશિકાં સાથે નીચે પડ્યો. પોતાના ઘરના દરવાજાની સામે જ વાડમાં નાનુ પડી ગયો. ઓશિકાંને લીધે તેને થોડીક ઈજા થઈ હશે. ‘ઓહ મારા નાનકા !’ રડતી રડતી મા, ઘરની બહાર દોડી આવી. ‘આ શું થયું ? શું થયું છે, મારા નાનું નાનકાને ?’ ‘મા, આ મારું નવું વિમાન છે.’ નાનુએ મૂંઝવણ ભર્યો જવાબ આપ્યો. ‘મેં હમણાં જ બનાવ્યું છે. હું તમને આશ્ચર્યચકિત કરવા આવ્યો છું.’ ‘સારું, તેમને મોટી નવાઈ પમાડી દીધી. બસ.’ માએ કહ્યું. ‘હવે, ઘરમાં આવ અને હું તારી પીઠ પર ગરમ હળદર મીઠું ભરી દઉં. જ્યાં ઉઝરડા થયા હોય ત્યાં મલમ લગાડી દઉં.’ ‘મને લાગે છે કે મારી પાસે હજી એક નવો નુસખો છે.’ કહીને નાનુ ઊભો થયો. નાનુના મનમાં હવે વિચારનું નવું ચકડોળ ચાલવા લાગ્યા હતું !