અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભારતી રાણે/પિયરઘર

From Ekatra Wiki
Revision as of 09:23, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પિયરઘર| ભારતી રાણે}} <poem> હજીય એ ત્યાં જ ઊભું છે ઉદાસ-ઝાંખું, એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પિયરઘર

ભારતી રાણે

હજીય એ ત્યાં જ ઊભું છે
ઉદાસ-ઝાંખું, એકલું-અટૂલું
એનાં બારી-બારણાં બંધ થયાં, ત્યારથી અંધકાર એમાં હળી ગયો છે,
અને સ્મરણોનું ચોમાસું થઈ વરસતા વહાલના ઝામા
એની જર્જરિત દીવાલો પર ભેજ થઈને તગતગે છે.
પપ્પાના અવસાન પછી
અણધાર્યા જ બિડાઈ ગયેલાં એનાં દ્વાર
હવે ફક્ત ક્યારેક જ
માનાં માંસલ પગલે ખૂલે છે,
માનાં પગલાં એમાં પડે છે ત્યારે,
અંતરાલની ગુમસૂન પડેલું એ ઘર,
મિલનઘેલી કિલકારીઓથી ગુંજી ઊઠે છે,
મા હીંચકાનાં કડામાં તેલ પૂરે છે,
વીતેલો સમય ફરી હીંચકે ઝુલવા આવી ચડે છે,
ને દુર્ભાગ્યનો પડછાયો જાણે માની ઠેસેઠેસે
દૂર ને દૂર હડસેલાતો જાય છે.
હું એ જોવા જઈ શકતી નથી.
ફોન પર મારા કાન માની ખુશીને ટટોળતા રહે છે.
મા કહે છે, ‘આ ઘર નથી, જાણે એક સપનું છે!’
હું જવાબ દઉં છું: હા, આપણું સહિયારું સપનું!
મા એને ખુલ્લી આંખે જુએ છે, ને હું જોઉં છું એને બંધ આંખે!
લાગે છે કે, પપ્પાના મરણ પછી સ્મરણ થઈ ગયેલ એ ઘર કદાચ,
મારામાં ઘર કરતું જાય છે;
કારણ કે, આજકાલ કંઈ કેટલીય વાર
પેલો હીંચકો કિચૂડતો કલકલી ઊઠે છે, મારી ભીતર!
(હૃદયલિપિ, પૃ. ૪૩૮)