અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/તું મીંઢળ જેવો...
Revision as of 11:38, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તું મીંઢળ જેવો...| વિનોદ જોશી}} <poem> તું મીંઢળ જેવો કઠ્ઠણ :: ને હ...")
તું મીંઢળ જેવો...
વિનોદ જોશી
તું મીંઢળ જેવો કઠ્ઠણ
ને હું નમણી નાડાછડી,
તું શિલાલેખનો અક્ષર
ને હું જળની બારાખડી...
એક આસોપાલવ રોપ્યો —
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઈ આવ્યો પોયણમાં હું ખૂલી;
તું આળસ મરડી ઊભો
ને હું પડછાયામાં પડી...
એક પાનેતરમાં ટાંક્યું—
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્યાં તેં સરવાળા;
તું સેંથીમાં જઈ બેઠો
ને હું પાપણ પરથી દડી...