અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/તું મીંઢળ જેવો...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તું મીંઢળ જેવો...

વિનોદ જોશી

તું મીંઢળ જેવો કઠ્ઠણ
ને હું નમણી નાડાછડી,
તું શિલાલેખનો અક્ષર
ને હું જળની બારાખડી...

એક આસોપાલવ રોપ્યો —
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઈ આવ્યો પોયણમાં હું ખૂલી;

તું આળસ મરડી ઊભો
ને હું પડછાયામાં પડી...

એક પાનેતરમાં ટાંક્યું—
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્યાં તેં સરવાળા;

તું સેંથીમાં જઈ બેઠો
ને હું પાપણ પરથી દડી...