અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૌમ્ય જોશી /બે મિત્રો
સૌમ્ય જોશી
સુખનું કદ ઠીંગણું
પાતળો બાંધો
રંગ ઘઉંવર્ણો
શરદીનો કોઠો
શ્વાસની તકલીફ
સ્વભાવ ભોળો
આંખો બીકણ
શરીર ઘોડિયેથી જ માંદલું
અને રિસાવાની તાસીર.
દુઃખનાં બાવડાં તગડાં
કદ ઊંચું
હાથ લાંબા
બુદ્ધિ ઘણી
બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં
ગમે ત્યાં ઘૂસવાની હિંમત
બધે ઘર જેવું.
આમ તો બેય જોડિયા ભાઈઓ
લંગોટિયા દોસ્તો
એક જ પાટલી પર એક જ સ્લેટ વાપરતા નિશાળિયાઓ
કાચા પૂંઠાની એક જ નોટમાં ત્રિકોણ કરીને પાડી દીધેલા બે ભાગ.
જનમ જનમના જિગરી
પણ તોય થોડે થોડે વખતે ઝઘડે બેય જણાં
વાંકું કાયમ સુખને જ પડે
એની હંમેશાં એક જ ફરિયાદ
કે એ દુઃખને બધે સાથે જ રાખે
પણ દુઃખનું એવું નઈં
એ એકલું જ ફરે ઘણી જગ્યાએ
આમ તો મોટો ભાઈ કૉલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે
ત્યારે નાનો ભાઈ કરેને એ ટાઇપનો કજિયો
પણ બોલતાં બોલતાં સુખની આંખમાં પાણી આવી જાય
દુઃખ સમજું તે વહાલથી સુખના ખભે હાથ મૂકે
અને પછી એવું થાય કે
સવલી ડોસીના કોહવાયેલાં બારણાંની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે,
નાલીનું પાણી સુકાય ને વસ્તીનાં ટાબરિયાંઓને ખોવાયેલો દડો પાછો મળી જાય
રેખાબહેન ટીંડોરાંનો ભાવ કરા'વાનું ભૂલી જાય
જેંતી રિક્ષાવાળાને વરતી ટેમે મળી જાય ઘર બાજુનું ભાડું
મિસ્ત્રી એક હમજતો હોય ને બે બીડી નીકળે કાન પરથી
અને પછી એવું થાય
કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આંટે રાજી થઈ જાય સુખ.
દુઃખ હોશિયાર તે તરતમાં પટાઈ દે
સુખ ભોળું તે સહેજમાં માની જાય.
વાંકું કાયમ સુખને જ પડે
સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.