અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૌમ્ય જોશી /બે મિત્રો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બે મિત્રો

સૌમ્ય જોશી

(સુખ-દુઃખની દોસ્તીનું અછાંદસ)

સુખનું કદ ઠીંગણું
પાતળો બાંધો
રંગ ઘઉંવર્ણો
શરદીનો કોઠો
શ્વાસની તકલીફ
સ્વભાવ ભોળો
આંખો બીકણ
શરીર ઘોડિયેથી જ માંદલું
અને રિસાવાની તાસીર.
દુઃખનાં બાવડાં તગડાં
કદ ઊંચું
હાથ લાંબા
બુદ્ધિ ઘણી
બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં
ગમે ત્યાં ઘૂસવાની હિંમત
બધે ઘર જેવું.
આમ તો બેય જોડિયા ભાઈઓ
લંગોટિયા દોસ્તો
એક જ પાટલી પર એક જ સ્લેટ વાપરતા નિશાળિયાઓ
કાચા પૂંઠાની એક જ નોટમાં ત્રિકોણ કરીને પાડી દીધેલા બે ભાગ.
જનમ જનમના જિગરી
પણ તોય થોડે થોડે વખતે ઝઘડે બેય જણાં
વાંકું કાયમ સુખને જ પડે
એની હંમેશાં એક જ ફરિયાદ
કે એ દુઃખને બધે સાથે જ રાખે
પણ દુઃખનું એવું નઈં
એ એકલું જ ફરે ઘણી જગ્યાએ
આમ તો મોટો ભાઈ કૉલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે
ત્યારે નાનો ભાઈ કરેને એ ટાઇપનો કજિયો
પણ બોલતાં બોલતાં સુખની આંખમાં પાણી આવી જાય
દુઃખ સમજું તે વહાલથી સુખના ખભે હાથ મૂકે
અને પછી એવું થાય કે
સવલી ડોસીના કોહવાયેલાં બારણાંની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે,
નાલીનું પાણી સુકાય ને વસ્તીનાં ટાબરિયાંઓને ખોવાયેલો દડો પાછો મળી જાય
રેખાબહેન ટીંડોરાંનો ભાવ કરા'વાનું ભૂલી જાય
જેંતી રિક્ષાવાળાને વરતી ટેમે મળી જાય ઘર બાજુનું ભાડું
મિસ્ત્રી એક હમજતો હોય ને બે બીડી નીકળે કાન પરથી
અને પછી એવું થાય
કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આંટે રાજી થઈ જાય સુખ.
દુઃખ હોશિયાર તે તરતમાં પટાઈ દે
સુખ ભોળું તે સહેજમાં માની જાય.
વાંકું કાયમ સુખને જ પડે
સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.



સુખ-દુઃખની દોસ્તીનું અછાંદસ – ઉદયન ઠક્કર

શું નરસિંહ મહેતાનું ભજન કે શું સૌમ્ય જોશીની રચના — વિષય તો એનો એ જ છે. પરંતુ એક ભજન રહી જાય છે, જ્યારે બીજી કવિતા બને છે. એમ કેમ?

‘કદ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, શરદીનો કોઠો…’ ‘ખોવાયા છે’ની જા. ખ. વાંચતા હો તેવું નથી લાગતું? એક તો સુખની હાડચામના માણસ તરીકેની કલ્પના, ઉપરથી આવી અરૂઢ શૈલી — આરંભ તો સ–રસ થાય છે.

અરધા કાવ્ય સુધી એકેય ક્રિયાપદ નથી આવતું. આને કારણે ગદ્યાળુતામાંથી ઊગરેલી એવી આગવી કાવ્યબાની રચાય છે. આ કાવ્ય લખાયું નથી, બોલાયું છે. નહીં ને સ્થાને ‘નઈં’, પટાવીને સ્થાને ‘પટાઈ’ સાંભળીને કાનને સુખ મળે છે, નઈં?

પહેલેથી જ દુઃખ સુખની ઉપર હાવી થતું દેખાય છે. (દુઃખ ટપકી પડે, ગમે ત્યારે, ગમે ત્યાં, એટલે જ તેની જોડણીમાં બે ટપકાં હશે?)

‘બધે ઘર જેવું’, ‘હાથ લાંબા હોવા’, ‘વાંકું પડવું’, જેવા રૂઢિપ્રયોગો આ કાવ્યની બોલચાલની બાનીને અનુરૂપ છે.

જનમ જનમના જિગરી, થોડે થોડે વખતે ઝઘડે, આંખમાં પાણી આવી જાય, વહાલથી ખભે હાથ મૂકે… વર્ણન એવું આબેહૂબ કે આ બે પાત્રો આંખ સામે ફરતાં લાગે. સુખદુઃખનું કવિએ સજીવારોપણ કર્યું છે.

વિષયવસ્તુ પ્રમાણે અહીં ભાષા બદલાય છે. જોડિયા ભાઈઓના બચપણની વાત ચાલતી હોય ત્યારે ‘લંગોટિયા દોસ્ત’, ‘કાચા પૂંઠાની નોટમાં કરેલું ત્રિકોણ’; કૉલેજની ઉપમા આવે ત્યાં અંગ્રેજી શબ્દો, ‘બંક’, ‘પિક્ચર’, ‘ટાઇપ’; રિક્ષાવાળાને ‘વરતી ટેમે’ ઘર બાજુનું ભાડું મળે; મિસ્ત્રી સમજે નહીં પણ ‘હમજે’ અને ડોશીના બારણે તડ કદી ન પડે, ‘તૈડ’ પડે.

સુખદુઃખનો પ્રાસ મળે છે; એક હોય ત્યાં બીજુંય હોવાનું. આ વાત દૃઢાવવા ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ વાળા પદમાં નરસિંહ મહેતા કેવાં કેવાં દૃષ્ટાંત આપે છે? નળ-દમયંતી, રામ-સીતા, રાવણ-મંદોદરી, પાંડવ-દ્રાૈપદી, હરિશ્ચંદ્ર-તારામતી… માત્ર નામાવલિથી ભક્તિરસ વહી શકે, કાવ્યરસ નહીં.

સૌમ્યને મોટા મોટા રાજાઓની કે ભગવાનોની જરૂર નથી પડી. તેના કાવ્યમાં ડોશી, ટાબરિયાં, કાછિયો, રિક્ષાવાળો, મિસ્ત્રી જેવાં નાનાં નાનાં માણસોને, નાની નાની વાતમાંથી, નાનું નાનું સુખ મળી જાય છે. સુખ બૅન્ડવાજાં વગાડતું ન આવે; છાયા પેઠે આપણી સાથે ચાલતું હોય, ચૂપચાપ.

પ્રસંગો નામ પાડીને કહેવાયા છે માટે ખરા લાગે છે. ટીંડોરાંનો ભાવ કરા’વાનું ભૂલી ગયેલા એ ‘કોઈ’ બહેન નહોતાં, રેખાબહેન હતાં; જેને દીકરાનો કાગળ મળ્યો એ ડોશી નહોતી, સવલી ડોશી હતી; ઘર બાજુનું ભાડું જેને મળી ગયું એ રિક્ષાવાળો નહોતો, જેંતી રિક્ષાવાળો હતો. (મિસ્ત્રી? એ તો હતો જ ભુલકણો. બીડીનું ભૂલી ગયેલો, નામ પણ ભૂલી ગયો હશે.)

સુખનું કદ ઠીંગણું, બાંધો પાતળો, સુખ અધધ ન મળે, સહેજ અમસ્તું મળે. છતાં આ સહેજ અમસ્તું પણ ક્યાં ઓછું છે? શીર્ષક છે ‘બે મિત્રો’. સુખ સાથે હળવુંમળવું હોય, તો દુઃખ સાથેય મૈત્રી કરવી પડે.

‘(હસ્તધૂનન)’