હયાતી/૧૦૦. મેળો આપો તો

From Ekatra Foundation
Revision as of 13:28, 18 March 2026 by Shnehrashmi (talk | contribs) (Shnehrashmi moved page હયાતી/૧૦૦. મેળી આપો તો to હયાતી/૧૦૦. મેળો આપો તો without leaving a redirect)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૦૦. મેળો આપો તો

મેળો આપો તો એક માનવીની સંગ
અને એકલતા આપો તો ટોળે,
જીવતર આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસુંબાને ઘોળે!

તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે,
થાકેલી આંખો અંજાતી નથી, તોય
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે
ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.

સૂની બપ્પોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો,
કોઈએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?

૧૫–૯–૧૯૭૬